08/03/2017

બુધિયો ચાલ્યો નિશાળે

Game Plan

માટીનું કૂંડું!

સેવાકાર્યનો નવો પ્રોજેક્ટ લઈને પપુ મોનિટરે ચીચીના ચબૂતરે મિટિંગ ભરી હતી!? 'સેવામાં દેખાડો ન કરીયે તો સેવાના કાર્યમાં મજા નથી આવતી!' 'અલ્યા... પપૂડા... દેખાડો એટલે તું શું કહેવા માંગે છે? મેકઅપ કરીને સેવા કરવાની?! સેવા કરવામાં પાવડર લિપસ્ટિક કરીને ના જવાય...' 'લાઈટ મેકઅપ તો કરવો જ પડે! નહિંતર કરેલી સેવા દેખાય જ નહી... આજકાલ બધા નેતાજીઓ લાઈટ મેકઅપ કરીને જ સેવા કાર્યો કરે છે!' પપુભાઈનું કામ નવા ઉભરતા નેતા જેવું હતું! ક્યારે લાઈટમાં આવવું અને ક્યારે ભૂગર્ભમાં જતા રહેવું એનું એમને પુરું નોલેજ હતું! એમની કુંડળીમાં રાહુ અને કેતુ સામસામે નહી પણ એક જ ખાનામાં બેઠા હોય એવું એમનું જીવનચરિત્ર હતું! બે નંબરી કામમાં સ્ટાર જોર કરતા હતા... પણ એક નંબરી કામ કરવામાં ભરાઈ જતા હતા! પોલીસના લફડામાં પડે ત્યારે એમણે ઘરમાં જ ભોંયરું બનાવી રાખેલું! હેરિટેજ પોળના મકાનમાં પાણીનો સંગ્રહ કરવાનો ટાંકો હોય છે. પપુએ એ ટાંકામાં છુપાવાનો ઓરડો બનાવી નાંખેલો! એમની પત્તાની ક્લબમાં રેડ પડે એટલે એ ભૂગર્ભમાં ઉતરી જતાં! એમણે ટાંકામાં પાણી ઉપરાંત હવા ઉજાસનો પણ બંદોબસ્ત કરી રાખેલો... ભોંયરું ને ડીઝીટલ બનાવ્યું હતું! વાઇ ફાઇ પકડાય એવું હાઇ ફાઇ ભોંયરું હતું! વાઇ ફાઇ પકડાય પણ પપુભાઈ ના પકડાય! પોલીસ પણ ડેલીએ હાથ દઈને જતી હતી! પોલીસકર્મીઓનું કામના ભારણમાં પેટના ભાગનું ભારણ વધી જતું હોય છે! પાણીના ટાંકામાં પપુભાઈને પકડવા માટે ઉતરવા જાય તો પોતે જ પેટના ભાગે ભરાઈ જાય! ત્રીસથી વધારેની સાઈઝનું પેટ હોય તો એના માટે ભોંયરામાં જવું જોખમકારક હતું! પેટનો ભાગ ઢાંકણાના ભાગે ભરાઈ જ જાય! ...ના ભોંયરા ના રહે કે... ના પહેલે માળ ના રહે!! ફાયરબ્રિગેડ ના આવે ત્યાં સુધી ભાઈ લટકતા જ રહે! રેડ બાજુમાં રહી જાય.... દરોગાજીને નીચેથી ખેંચવા કે ઉપરથી ખેંચવા એ વિચારવાનો પ્રશ્ન બની જાય! પપુ મોનીટરની પોતાની કમર બેંતાલીસ ઈંચની હતી પણ વારેઘડીએ ભૂગર્ભમાં જવાની પ્રેક્ટિસ હોવાને કારણે એમને પેટને એક જ શ્વાસમાં પંદર ઇંચ અંદર ખેંચતા ફાવી ગયું હતું! એમની બોડી ઉંદર જેવી ફ્લેક્સિબલ બની ગઈ હતી! પોળના નાકે પોલીસની સાયરન સંભળાય એની સાથે જ એમનું પેટ સંકોચાવા લાગતું! પોલીસના હાથ લાંબા હોય છે પણ પેટનો ભાગ પહોળો હોવાને કારણે પપુભાઈ જેવા યુનિક લોકો સુધી એ પહોંચી શકતી નથી... આપણને એમાં સાંઠગાંઠની શંકા જાગે છે! મોટા માથાઓ ભૂગર્ભમાં જાય ત્યારે મોટા પેટમાં ગાંઠ ના વળી જાય એનું ધ્યાન રાખવામાં ખોટું પણ શું છે! મોટું માથું દરોગાજીને દૂર પ્રદેશમાં ટ્રાન્સફર કરી નાખે એના કરતાં ભૂગર્ભમાં એમની આગતા સ્વાગતા કરવામાં જ નોકરી સેઇફ રહે! સિસ્ટમ વિરુધ્ધના કામો કરવા એ પપુ મોનીટરનું પેશન હતું. જોડે સેવાના કામો કરવાનો શોખ પણ હતો! ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતી  ડયુઅલ પર્સનાલિટી હતી! ક્લબમાં તેજી આવી જાય એટલે એ પૈસામાં સેવા કરવાનું ભૂત એમનામાં ભરાતું! બાકીના લોકો એ તો ધુણવાનું જ રહેતું. 'આ સેવાકાર્યમાં પચ્ચાસ ટકા ભાગ મારો રહેશે... તમારે તો યથાશક્તિ ફાળો જ આપવાનો છે!' હા... પાડવી કે ના પાડવી એની મુંઝવણમાં બધાએ ડોકી એવી રીતે હલાવી જાણે કે સેવાનું કાર્ય કરવાના ભરાયેલા ભૂતને ભગાવવા ભૂવાઓ ભેગા ના થયા હોય!! 'તમે હા પાડો છો કે ના પાડો છો!!' 'ના પાડવાનો તો સવાલ જ નથી... પણ નોટબંધી પછી યથાશક્તિ ફાળો ઉઘરાવવો પડે એમ છે... એવામાં યથાશક્તિ ફાળો આપીશું કેવી રીતે એ મુંઝવણ છે!!' 'હવે તો એમને કોઈ યથાશક્તિ ફાળો આપે તો ઘર ચાલે... એવામાં તમે ચકલીના પાણી માટે કુંડાનું વિતરણનો કાર્યક્રમ વિચારો તો લોચો પડે!' 'અનુડા... થોડી તો જીવદયા રાખ! ઉનાળામાં પંખીઓ તરસથી મરી જતા હોય છે!' 'ત્રણ મહિનાથી શેઠિયો દુકાનના શટરને તાળું મારીને જતો રહ્યો છે... હું યથાશક્તિ ફૂટી કોડી નહીં આપી શકું?' 'તમે તો કાયમ રડતા જ હોવ છો... અબોલા પંખીઓ માટે કંઈક યોગદાન આપી જુવો... તમારો શેઠિયો પાછો આવીને શટર ખોલશે ને આખા વર્ષનો પગાર પણ એડવાન્સ ચુકવશે... પંખીઓને પ્રભુ જોડે ડાયરેક્ટ લિંક હોય છે!' 'સારું તમે આટલો આગ્રહ કરો છો તો મારા અઢીસો રૃપિયા બાકીમાં લખી લો. જેવો પગાર આવ્યો તમને આપી દઈશ!' 'ઉધારમાં સેવા ના થાય!' 'કેમ ના થાય? તમને મારા પર ભરોસો નથી!' 'સારું ચલો... અનુભાઈના પૈસા હું કાઢી લઈશ.' બાકીના યથાશક્તિ ફાળો લખાવો. યથાશક્તિ ફંડફાળામાં જોઈતું હોય એના કરતાં ચાર ગણું ફંડ ભેગું થઈ જતું હોય! જેણે આયોજન કર્યું હોય એણે પચ્ચાસ ટકા કાઢવાનો વારો જ નથી આવતો! સેવાકાર્યમાં વધેલા પૈસાનો હિસાબ પૂછવાનો રિવાજ નથી હોતો! એટલે ખાધું પીધું ને મફતમાં સેવા કરવાનો ધંધો ફુલ્યોફાલ્યો છે! પપુભાઈનું નસીબ પણ એવું જ હતું! બે નંબરના કામમાં કોઈ લોસ ના કરે પણ પપુભાઈને ઘણીવાર બે નમ્બરી કામમાં નુકસાન જતું પણ સેવાના એક નમ્બરી કામમાં પ્રોફિટ થતો!! ચકલીઓને બચાવવા... એમની તરસ છીપાવવા પાંચ હજાર પાણીના કુંડાને મફતમાં વહેંચવાનો એમનો પ્લાન હતો! સેવાકાર્યમાં શરૃમાં થોડું રોકાણ કરવું પડે. પુણ્ય પછીથી મળતું હોય છે! આવું વિચારીને પપુ મોનીટરે જાહેરાત કરી દીધી. 'જુવો... જેણે પૈસા આપવા હોય એ આપે... મેં તો પાંચ હજાર કુંડાનો ઓર્ડર આપી દીધો છે!' ઓર્ડર આપવાની વાત સાંભળીને અનુભાઈથી કુંડાનો ભાવ પૂછાઈ ગયો! 'એક કુંડાના કેટલા આપ્યા?' 'બાકીમાં ભાવ ના પૂછાય.' 'મારા ભાગે કેટલા આવશે એટલે પૂછવું તો પડે..! મારે પૈસા આપવાના છે... ફાંદો નથી કરવાનો!' 'એક કુંડાના વીસ રૃપિયા!' 'આટલા બધા... ચકલીને પાણી પીવડાવો છો કે છાશ?' 'કુંડું છે... તમે પીરશો એ પંખી પીશે..!' 'અનુડાના પૈસાની જવાબદારી અમારી નહીં.' અને પછી તો પપુભાઈએ જાહેરાત કરી... 'તમે પૈસા લખાવી લો. જ્યારે આવે ત્યારે આપજો!' બાકીમાં તો ભક્તિ કરવાની આવે તો પણ શક્તિ વધી જતી હોય છે! ચઢાવો લખાવીને હપ્તે હપ્તે આપનારા પાસે દાન ઉઘરાવવા માટે મંદિરના ટ્રસ્ટીઓના ચંપલ ઘસાઈ જતા હોય છે! મેહતા નર્મદની પોળ ચકલીના પાણીના કુંડાનો ચઢાવો શરૃ થયો. લોકોએ યથાશક્તિની પોટલી ખોલી નાખી. ને દિલ દઈને ફાળો લખાવ્યો... છોટા સાજને શરૃઆત કરી. 'મારા તરફથી... ૩૦૦ કુંડા!' સત્યપ્રકાશે ટપકું મુક્યું. 'છ હજાર થાય એ તો ખબર છે ને..!' 'તું તારા લખાવ.' 'પાડોશી હોવાના નાતે મને ચિંતા થાય છે... મારા ઘરે ચા પીવા સિવાય તારી પાસે બીજું તો કંઈ કામકાજ નથી... એટલે કહું છું... ત્રણસો રહેવા દે... ત્રણ લખાવ!' 'પપુભાઈ આ સત્યાને સમજાવી દો. મારી અને સખીની વચમાં ના આવે!' 'તારી ગામ સખી છે... પણ એની ધર્મપત્ની છે... અમારાથી વચમાં કાંઈ ના બોલાય!' 'ચલો તમે બધા કહો.. સખીધર્મ પહેલા કે ધર્મપત્ની પહેલા?!' 'જીવદયા પહેલા! તમારો પ્રોબ્લેમ તમે ઘેર બેસીને ઉકેલજો... અત્યારે કુંડા  લખાવો... સત્યપ્રકાશ  તારા કેટલા કુંડા લખું?' 'એક હજાર...' છોટુ ઉછળ્યો. 'વકીલબાબુ વીસ હજારની તો તમારી પ્રેક્ટિસ નથી... વીસ હજાર લાવશો ક્યાંથી?' 'કોલેજ સખી પાસે.' છોટુ વધારે ઉછળ્યો. ચબૂતરાને માથું ભટકાઈ ગયું. કબુતરો ઊડી ગયા! 'ચકલીને પાણી પીવડાવવામાં કબુતરોને ના ઉડાડી મુકાય. પાપ લાગે!' 'બીજાની પત્ની પાસે... ઉછીના પૈસા માંગતા પાપ નથી લાગતું?' 'તારી પત્ની હશે.. પણ મારી કોલેજની સખી છે. જીવદયામાં ખૂબ માને છે!' 'એટલે જ તારા જેવાને રોજ સવારે કોફી પીવડાવે છે!' 'તારામાં તો પત્ની દયા પણ નથી... જીવદયા તું શું કરવાનો!' 'આ બન્નેની બોલી પતી ગઈ છે... પ્લીઝ છોટુ... સત્યા તમે ઘરે જઈને સખીકૃપાનો ઈસ્યુ સોલ કરો!' 'પપુભાઈ... નવરાત્રીમાં આણે પાંચ હજાર લખાવેલા હજુ જમા નથી કરાવ્યા... તમે લોસમાં જશો!' 'જીવદયામાં શું લોસ ને શું પ્રોફિટ!' પછી તો બાકીમાં પાંચ હજાર કુંડા આખી પોળે લખાવી લીધા! કુંડાનું વિતરણ પણ થઈ ગયું. અને ચકલીઓને પરબ પણ મળી ગઈ. એ તો પછી ખબર પડી જ્યારે પોલીસ પોળમાં આવી! 'પપુભાઈ... એક ગધેડાની પીઠ ઉપરથી એક લાખ રૃપિયાની ખોટી નોટો મળી છે... કુંભાર ભુગર્ભમાં છે!!' બુધિયાને તાળો મળી ગયો. જીવદયાના કુંડા ક્યાંથી આવ્યા હશે ને રૃપિયા કોના હશે? પપુભાઈ એ બે નંબરી કામ નોટબંધીની જેમ એક નમ્બરીથી પૂરું કર્યું. બુધિયાએ પપુને પૂછ્યું... 'ુકુંભારજી ક્યાં છે?!' જવાબ મળ્યો... 'ભૂગર્ભમાં!' 

Game Plan