11/06/2018

વિષ્ણુ વામન બની આવીયા

અસુરેન્દ્ર બલિ, ભક્ત પ્રહલાદ ના પૌત્ર હતા. તે મહાપરાક્રમી અને દાનવીર હતા. વિશ્વજિત યજ્ઞ કરી તેણે  અગ્નિદેવ પાસેથી વિશ્વજિત રથ, શુક્રાચાર્ય પાસેથી શંખ અને દાદા પ્રહલ્લાદ પાસેથી વૈજ્યન્તીમાલા મેળવી હતી. આ રથ ઉપર બેસી ને પ્રહલ્લાદે દેવોને હાંકી કાઢી સ્વર્ગનું રાજય જીતી લીધું.   આ રીતે તેમને ત્રણે લોકમાં પોતાનો વિસ્તાર વધાર્યો.  ત્યારે ભગવાને  દૈત્યો પાસેથી સ્વર્ગ ને શક્તિથી નહિ પણ યુક્તિથી લેવા વિચાર્યુ. બલિ ના મદ ને તોડવા માટે વિષ્ણુ એ ત્રેતાયુગમાં વામન અવતાર ધારણ કર્યો.


બલિ એ ઈન્દ્ન ને હરાવ્યો અને ઈન્દ્નાસન મેળવ્યું. પણ તેના પર સો સોમયજ્ઞ કરે તે જ બેસી શકે તે માટે બલિ એ યજ્ઞ કરવાનું  શરું કર્યું. એક યજ્ઞ બાકી  હતો  ત્યારે દેવોની માતા અદિતિએ પયોવ્રત કર્યુ  અને  ભગવાનને  પ્રાર્થના કરી. ભગવાને પ્રસન્ન થઇને કહ્યું : ’હું તમારો પુત્ર થઇને અવતરીશ અને  દેવોની રક્ષા  કરીશ.’  પછી  ભાદરવા સુદ બારસે બપોરે ભગવાન બટુકરૂપે અદિતિને  પેટે અવતર્યા અને તરત જ સાત વરસ ના બાળક થઇ ગયા.  બલિ રાજા પાસે  યાચના કરવા માટે ભગવાન બટુકરૂપે પ્રગટ થયા કેમ કે માગનાર મોટા  બનીને માંગી શકતા નથી તેને નાનું થવુ પડે છે.  ઋષિઓએ   બટુકને ઉપનયનસંસ્કાર આપ્યા.  આ ઉપનયન સંસ્કાર  વખતે  બૃહસ્પતિએ બ્રહ્મસૂત્ર,  કશ્યપે મેખલા, ચંદ્નમાએ દંડ, બ્રહ્માજીએ કમંડલ,સરસ્વતિએ  વર્ણમાલા અને ઋષિએ દર્ભ આપ્યા અને અદિતિએ લંગોટી પહેરાવી.

પછી વામનજી બલિરાજાની  નગરી તરફ ચાલી નીકળ્યા. બલિરાજાઆ નાના કદ ના બ્રાહ્મણ બાળક ના તેજ ને જોઇને અચરજ માં પડી ગયા. તે વખતે બલિરાજાએ પગ ધોઈ તેમની પૂજા  કરી કંઈક માગવા કહ્યું. વામને કહ્યું : ‘હે રાજા, માત્ર મારાં ત્રણ ડગલાં જેટલી જમીન મને આપો.‘ બલિરાજાએ કહ્યું : ‘ તમને માગતા આવડતું નથી.  તમે કદ ની સાથે  બુદ્ધિમાં પણ નાના છો.  તમારી આજીવિકા ચાલેએટલી ભૂમિ તો માંગો !’  પણ વામન ભગવાને તો ત્રણ  ડગલાંથી વધારે માગવાની ના જ પાડી.  ત્યારે શુક્રાચાર્યને વહેમ પડ્યો કે આ કોઇ સાધારણ બ્રાહ્મણ ન હોય, આ તો વિષ્ણુ જ લાગે છે! તેથી તેમણે રાજા ને કહ્યું : ‘ દેવોનું કામ કરવા માટે ભગવાને કંઇ યુક્તિ કરી લાગે છે, માટે હવે ના પાડી દે!  આ જેવો  દેખાય છે તેવો અદંરથીનથી.  આવા સમયે ખોટું બોલવામાં પાપ નથી.’ બલિરાજા કહે : ‘હું  એકવાર માંગવાનું કહી ચૂક્યો છું એટલે હવે તેમાંથી પાછો નહીં હઠું!  વળી, આજે જો સ્વયં ઠાકોરજી મારી પાસે માંગવા આવ્યા હોય, તો તો મારી સર્વ સેવા ફળી છે’. બલિરાજા એવા  ટેકીલા વૈષ્ણવ અનેવચનબદ્ધ હતા.

બલિરાજા એ હાથમાં જળ લઇ દાન નો સંકલ્પ  કર્યો.  સંકલ્પ થતાં જ વામને વિરાટરૂપ ધારણ કર્યુ. એ સ્વરૂપ માં બલિરાજાએ આખું જગત દીઠું. ભગવાને એક પગલાંમાં  ધરતી ભરી લીધી, બીજા પગલાંથી સ્વર્ગને પૂરી લીધું અને ત્રીજું  પગલું ભરવા માટેબલિરાજાની જરા પણ પૃથ્વી બાકી રહી નહી. ભગવાન નું ચરણ છેક સત્યલોક સુધી પહોચ્યું હતું; ત્યાં બ્રહ્માજીએ  ચરણ ની પૂજા કરી. એ ચરણ ને ધોવાથી પવિત્ર થયેલું ચરણોદક નીચે ધરા પર પડતાં ગંગા નદી થઇ, કે જે સર્વ પાપનો નાશ કરે છે.

પછી વામન ભગવાને બલિરાજા ને કહ્યું: ‘ હે દૈત્યરાજ, ત્રીજું પગલું ક્યાં મૂકું એ મને જગા દેખાડ!  જો તુ નહિ  આપે તો તારો નરકમાં વાસ થશે.’ તેણે કહ્યું : ‘ત્રીજું  પગલું  મારા મસ્તક ઉપર મૂકો!  આપે બે પગલાંથી આખું વિશ્વ ભરી દીધું  છે, હું  નરકથી બીતો  નથી, હું  દરિદ્નતાથી પણ બીતો નથી, હું ખોટાં વચનથી ડરું છું.’ વામન ભગવાને બલિરાજા ના માથા ઉપર પગ મૂક્યો.  આ રીતે બલિરાજાએ પોતાનું બધું જ દાન કરી દીધું.  ભગવાન  આ સાંભળી પ્રસન્ન  થયા. તેમણે કહ્યું :’ હું જેના પર કૃપા કરું છું તેની લક્ષ્મીનો પહેલો નાશ કરું છું. બલિ, તે આપત્તિ માં પણ ધર્મ નો ત્યાગ નથી કર્યો, તેથી હુ તને પાતાળનું રાજ  આપું છું.   હું ત્યાં તારી રક્ષા કરીશ,  અને  તને  નિરંતર મારાં દર્શન થશે!’  આ રીતે ભગવાન બલિરાજા ની ત્યાં દ્વારપાલ  તરીકે  રહ્યા.   બલિ તેમની ઉદારતા માટે વિખ્યાત હતા.

આમાંથી સાર લેવો જોઇએ જેમ કે :-
૧. માંગવું હોય તો નાના બનવું પડે.
૨. કોઇ પણ કાળે ધર્મ ની રક્ષા કરવી જોઇએ.
૩. અભિમાન ના કરવું જોઈએ - તેનો નાશ જ થાય છે.
૪. બ્રાહ્મણો એ છે, જે મળે તેમાં સંતોષ રાખે છે.
૫. ધન ને, ધર્મ ના કામ માટે, પરિવાર માટે, જરૂરિયાતવાળા માટે, ધંધાના વિકાસ માટે, યશ માટે વિનિયોગ કરવો જોઇએ.
૬. કોઇને સારું કામ કરતા રોકવો નહીં.


બોલો ........વામન ભગવાન ની જય