ડોસી બોલી ઊઠી : મારી પોતાની હોવા છતાં આટલી માટી મારાથી નથી ઉપાડાતી, તો બાબુ ! તું આટલી બધી બીજાની આંચકેલી માટી કેવી રીતે ઊંચકી શક્વાનો છે ? જમીનદાર ચાલાક હતો. તેની બાજુમાં જ એક ડોસીની થોડીક જમીન હતી. જમીનદારનો ઇરાદો એ જમીન આંચકી લેવાનો હતો. પૈસા પૈસાને સહાય કરે છે. જમીનદારે થોડાક પૈસા વેર્યા. સરકારી માણસને લાંચ આપી. સરકારના એ અધિકારીઓએ ડોસીની જમીન ' જમીનદારની છે' એવો ન્યાય આપી દીધો. જમીનદારે ડોસી પાસે જમીન ખાલી કરાવવા માંડી. બિચારી વર્ષો સુધી એ જમીનમાં રહી હતી. તેની આંખમાં તો આંસુ આવી ગયાં. નિરાધારતાનાં આંસુ સહિત એ વૃદ્ધા કહે : ' બાબુ ! હવે તારા હાથમાં તો કાગળો આવી ગયા છે. હું શું કરું ? પણ એક કૃપા કર. મને મારી આ જમીનમાંથી એક ટોપલી માટી લઈ લેવા દે.' જમીનદાર હસ્યો, કહે : 'માજી ! માટીને શું કરશો ?' ' અરે ભાઈ !' માજી કહે : ' આપણો આ દેહ પણ માટી જ છે ને ! અને માટીને માટીની માયા ન હોય એ કેમ બને ? જ્યાં જિંદગી કાઢી છે એ માટીની સુગંધ પાસે રાખીને મરી શકું, એટલી જ ઝંખના છે.' જમીનદાર કહે : ' ઠીક ઠીક માજી. લઈ લો માટી જાવ.' ડોસી તો ટોપલીમાં એટલી માટી ભરવા લાગી કે જાણે આખું ખેતર જ તે ટોપલીમાં ભરી દેશે. ટોપલી ઘણી ભારે થઈ ગઈ. તે કહે : ' બાબુ, જરા આ ટોપલી ઊંચકાવીને માથે મૂકવામાં મદદ કરશો કે ?' જમીનદારે ટેકો આપવા માંડયો. સાથે જ તે હસીને કહે : ' અરે માજી ! ન ઊંચકાય એટલી માટી લેવાની શી જરૃર છે ? અને આટલી માટી તો ઊંચકાતી નથી પછી એને લઈને જશો કેવી રીતે ? માજી તરત જ બોલી ઊઠયાં : ' બાબુ ! મારી પોતાની હતી, તે છતાં મારાથી આટલી માટી ઊંચકાતી નથી. તો તારાથી બીજાનીં આટલી બધી માટી કેવી રીતે ઊંચકી શકાશે ?' માજીની આંખનાં ખળખળ વહેતાં આંસુ અને માજીના આ શબ્દો ! જમીનદાર તો એવો ડઘાઈ ગયો કે તેની આંખો જ ઊઘડી ગઈ. માજીને પગે પડીને કહે : ' મા, આજે તમે મારી આંખ ઉઘાડી નાખી છે. આ જમીન તમારી જ છે મા ! ખુશીથી અહીં રહો અને લહેર કરો.' -