(ખીચડાભોગનો મહિમા) વ્રજના લાડીલા પૂર્ણેશ્વર શ્રી કૃષ્ણનું પુનિત પ્રાગટય ૫૨૦૦ વર્ષ પૂર્વે મથુરાની જેલમાં શ્રી વસુદેવ- દેવકીજીની ગોદમાં થયુ. ત્યાંથી મધ્યરાત્રીએ શ્રી બાલકૃષ્ણ શ્રી મદ્ગોકુલમાં પધાર્યા. શ્રી નંદરાય અને યશોદાજીને ત્યાં જે કન્યારત્નરૃપે યોગમાયા પ્રગટ થયા તેને વસુદેવજી મહેલમાંથી જેલમાં પધરાવી ગયા. શ્રાવણ વદનોમ ને ગુરૃવારે ગોકુલમાં શ્રીનંદમહોત્સવ ઉજવાયો. તેથી સૌને એમ લાગ્યું કે આ નંદ-યશોદાજીના પુત્ર છે. પરંતુ દૈવી ગોપીકાઓ ખરૃ રહસ્ય જાણતા હતાં તેથી ગોપીગીત માં તેઓએ કહ્યું કે ' નખલું ગોપિકા નંદનોભવા'. માત્ર ૧૧ વર્ષ અને બાવન દિવસ પ્રભુ ગોકુલમાં બિરાજ્યા. અનેકવિધ લીલાઓ પ્રગટ કરી. અસુરોનો ઉધ્ધાર કર્યો ત્યારબાદ મથુરામાં ચૌદવર્ષ અને દ્વારિકામાં સો વર્ષ બિરાજવા છતાં, માં યશોદાનું પ્રેમપૂર્ણ-વાત્સલ્ય અને મમતા તેઓ વિસારી શક્યા નહી. પૂર્ણ થવાના આરે હતી ત્યાં એક દિવસ ગોકુલમાં શ્રી યાશોદામૈયાનો પણ અવતાર પૂરો થવા આવ્યો અને માંએ પોતાના વ્હાલસોયા લાડકવાયાલાલાને યાદ કરી તેની એકવાર ઝાંખી થાય તેવી ઇચ્છા મનોમન પ્રગટ કરી. જેની અંતરયામી પ્રભુને જાણ થઈ તેનું કારણકે ' હજારો ગાઉના છેટે હૃદયનો ભાવ દોડે છે. 'પુનિત' એ પ્રેમની શક્તિ પાતાળો સાત ફેડે છે. માંની સન્મુખ પ્રભુ પ્રગટ થયા. ક્યાંય સુધીમાં તેને અનિમેષ નયને નિહાળી રહ્યા. આંસુ છલકી ઉઠયા. ' પ્રેમના ઉભરા કો' કાદિન આવે, સાતે સાગર ઉમટી જાવે.' લાલાએ માનો હસ્ત હૃદયથી ચાંપીને પૂછયુકે માં હવે આપની શું ઇચ્છા છે ? માં એ કહ્યું બેટા હજી મને સંતોષ નથી થયો. તેથી હજી એક અવતાર તને લાડ લડાવવા માટે માંગુ છુ. પ્રભુ એ કહ્યું તથાસ્તુ ! દ્વાપરયુગ બાદ કળિયુગમાં એજ યશોદાજી કરમાબાઈ થઈ પ્રગટ થયા. જે ઠાકોરજીના બાલસ્વરૃપની સેવા ઘરમાં પધરાવી લાડ લડાવતાં, આર્થિક સ્થિતિ સાધારણ હતી. છતાં શિયાળામાં રોજ વ્હેલા ઉઠી લાલા માટે સુંદર મજાનો મસાલેદાર ખીચડો બનાવી તેનો ભોગ ધરાવતા. જગન્નાથ મંદિરથી પ્રભુ બાલસ્વરૃપ લઈ તેને ત્યાં નિત્ય ખીચડો આરોગવા પધારતા અને છેલ્લે મંદિરની વેદી ઉપર કરમાબાઈએ દેહ છોડયો હતો. જેથી આજે પણ ધનુર્માસમાં નિત્ય પ્રભાતે વૈષ્ણવો ઠાકોરજીને ખીચડાભોગ ધરાવે છે. જે પૌષ્ટિક, આરોગ્યપ્રદ હોઈ તેનું આગવુ મહત્વ છે. પ્રભુએ પ્રદાર્થને નહી પણ પ્રેમને પ્રાધાન્ય આપ્યું છે. તેથી જ સંત પુનિત ગાયુ છે કે- - કરમાબાઈનો ખીચડો, વિદૂરની ખાધી ભાજી શબરીબાઈના બોરમાં, શ્રી રામ થયા બહુ રાજી -