વરસે શ્રાવણીયાની ધાર
ખીલી આઠમની મધરાત….કે બોલો જય ગોપાલ
જાગ્યા પુણ્ય ધરાને લલાટ
દીધા વચન દેવકી માત
વસુદેવ જાણે છાની વાત
ગમતું ગોકુળિયું એક ગામ……કે બોલો જય ગોપાલ
ગાજ્યા ગગન મેઘલી રાત
છલક્યા યમુનાજીના ઘાટ
ગોકુળિયા લાલ થયા શ્રીનાથ
નાચે નંદ નિરખતા કાન…….કે બોલો જય ગોપાલ
પ્રગટ્યા પાવન રે પ્રભાત
ઊડ્યા અબિલ ગુલાલ આભ
ઝૂલે પારણીયે યદુરાય
લાખેણા પુણ્ય યશોદામાય…….કે બોલો જય ગોપાલ
લાલો થઈ રમતા રે શ્રીનાથ
ટહુકે મોર વ્રજ વૃન્દાનીવાટ
રંગમાં રંગે રે ઘનશ્યામ
ગ્વાલ સંગ ધન્ય ગોકુલધામ…….કે બોલો જય ગોપાલ
નાચે છે નંદ ને ગોપ ગોપીઓનું ટોળું
હાલો જોવા જઈએ જશોદાજીનું છોરું
ગોવર્ધન સંગ ઝૂમે મસ્ત ગોકુળિયું ઘેલું
રમે રમાડે નટખટ આજ માખણીયું છોરું(૨)
રમેશ પટેલ(આકાશદીપ)