સામાન્ય માણસના મનમાં સ્વભાવિક રીતે પ્રશ્ન થાય કે હે પ્રભુ! આટઆટલા પાપકર્મ કરનારાઓનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે પણ તું હજું કેમ આવતો નથી?
જન્માષ્ટમીનો તહેવાર વર્ષોવર્ષ આવે છે અને લોકો તેને ધામધૂમથી ઉજવે છે. તે દિવસે મંદિરોમાં મોટા ઉત્સવોનું આયોજન થાય છે. બહુજન સમાજ તે દિવસે આનંદથી ફરાળી ઉપવાસ રાખે છે. મધરાતે મંદિરમાં ઘંટારવ થતાં માનવમેદની શ્રીકૃષ્ણના જન્મને વધાવી લેવા ઉમટી પડે છે. લગભગ સમસ્ત દેશમાં તે દિવસની રજા રાખવામાં આવે છે. દેશ આખો તે દિવસે ઉત્સવના માહોલમાં આવી જાય છે. વાસ્તવિકતામાં તો શ્રીકૃષ્ણ સ્વયં અજન્મા છે. ભગવદ્ ગીતામાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં અર્જુનને કહ્યું છે કે હું તો અજન્મા અને અવિનાશી છું તથા સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર પણ છું. છતાંય પ્રકૃતિને વશ થઈને મારી માયા શક્તિથી પ્રગટ થાઉં છું.
હવે જે દેશ-કાળ આવ્યો છે તે જોતાં વિચારશીલ વ્યક્તિઓને ઘણીવાર થાય છે કે પરમાત્મા હજુ સુધી અવતાર લઈને કેમ આવતો નથી? આ વિશે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં ગીતામાં કહ્યું છે : હે ભારત! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું અવતાર લઈને પ્રગટ થાઉં છું. આજે બહુજન સમાજ તો ગીતાના આ ટંકશાળી શ્લોકોનું રટણ કરતાં નિત પ્રતીક્ષા કરતો રહે છે કે એવી શુભ ઘડી ક્યારે આવશે કે જ્યારે પરમાત્મા સ્વયં અવતાર લઈને આવ્યા હશે અને પૃથ્વીને પાવન કરતા હશે.
ભગવદ્ ગીતામાં આ વિખ્યાત શ્લોકના બીજા ચરણમાં ભગવાને કહ્યું છે કે સાધુપુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ માટે તે યુગે યુગે પ્રગટ થાય છે અને ધર્મની પુન: સ્થાપના કરે છે. તેનો સ્પષ્ટ અર્થ એ થયો કે જ્યારે પૃથ્વી ઉપર અનાચારો વધી જાય, પાપકર્મો કરનારાઓની બોલબાલા થઈ જાય, સત્પુરુષોને સહન કરવું પડે ત્યારે ગુણીપુરુષોમાં રક્ષણ માટે ભગવાન જન્મ લઈને આવે છે, ધર્મની સ્થાપના કરી સદ્ગુણોનો પ્રભાવ વધારે છે અને પાપ કરનારાઓને દંડ દઈને સમાજને અનાચારોથી મુક્ત કરે છે. ગીતાનો આ શ્લોક ઘણો વિખ્યાત છે. કેટલાય લોકો તેનું નિતસ્મરણ કરે છે. પરસ્પરની વાતચીતમાં પણ લોકો આ શ્લોકનો વખતોવખત ઉલ્લેખ કરતા હોય છે.
આજે દેશ-દુનિયાની જે પરિસ્થિતિ છે તે જોતાં સામાન્ય માણસના મનમાં સ્વભાવિક રીતે પ્રશ્ન થાય કે હે પ્રભુ! આટઆટલા અત્યાચારો દુનિયામાં વધી ગયા છે, ગુણી પુરુષોને સહન કરવું પડે છે, પાપકર્મ કરનારાઓનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે પણ તું હજું કેમ આવતો નથી? શું તું વધુ અનાચારો થાય તેની પ્રતીક્ષા કરી રહ્યો છે? આજે ધર્મની ધરા ધોવાઈ રહી છે ત્યારે પણ તું નહિ આવે તો ક્યારે આવીશ?
ગીતાના શ્લોકની વાત ખોટી નથી પણ જો આપણે તેના શબ્દાર્થને લઈને એમ માનીને બેસી રહીશું કે ઉપર આકાશમાંથી કોઈ જન્મ લઈને નીચે ઊતરી આવશે અને તે દુષ્ટોનો નાશ કરીને ધર્મની પુન:સ્થાપના કરશે તો આપણી પ્રતીક્ષાનો ક્યારેય અંત આવશે નહિ. વાસ્તવિકતામાં ગીતાના આ શ્લોકને આપણે તત્ત્વથી સમજવાનો છે. જ્યારે જ્ઞાાનની ગહન વાત હોય ત્યારે શાસ્ત્રોમાં તેને સૂત્રથી કહેવામાં આવે છે. સૂત્રના શબ્દો સામાન્ય લોકોની સમજણ માટે હોય છે, પણ તેના તત્વને સમજવા માટે આપણે તેનો સૂચિતાર્થને લેવાનો હોય છે.
વાતનો સૂચિતાર્થ એ છે કે જ્યારે દેશમાં અનાચારો વધી જાય છે, ગુણીપુરુષોને સહન કરવાનું થાય છે, ધર્મ ઘસાતો જાય છે ત્યારે લોકોમાંથી જ કોઈ માણસ હિંમત કરીને બહાર આવે છે અને તે વર્તમાન પરિસ્થિતિને પડકારીને ક્રાન્તિ કરે છે અને પરિવર્તનનો મંત્ર ફૂંકે છે. અનાચારોથી ત્રસ્ત પ્રજા એવા એ પુરુષને વધાવી લે છે અને તેને નેતા તરીકે સ્થાપે છે. અને પછી પ્રજા તેની રાહબરી હેઠળ ક્રાન્તિ કરે છે. છેલ્લાં બસો વર્ષમાં જ્યાં જ્યાં ક્રાન્તિઓ થઈ ત્યાં આ રીતે જ થઈ હતી. સમય જતાં એવા પુરુષોને પ્રજા યુગપુરુષ તરીકે ઓળખે છે અને પૂજે છે.
જો આપણે નજીકના ઈતિહાસનાં પાનાં ફેરવીએ તો આપણા જ દેશમાં ગાંધીજીનું આગમન એ રીતે થયેલું અને પછી પ્રજાએ તેમને મહાત્મા તરીકે વધાવી લીધા. રશિયામાં લેનિન અને ટ્રોટસકી એ રીતે જ સ્થાપિત થયેલા. ફ્રાન્સમાં લૂઈના શાસનમાં જ્યારે અરાજકતા આવી ગઈ, ઉમરાવોના અત્યાચારો વધી ગયા ત્યારે ત્યાં ક્રાન્તિ થઈ હતી અને આવા ક્રાંતિકારીઓ સ્વયં પાછા અત્યાચારીઓ બની જાય છે ત્યારે પ્રજા તેને ફેંકી દે છે. એ રીતે નેપોલિયન ફેંકાઈ ગયો, હિટલરને જવું પડયું અને મુસોલિનીને કમોતે મરવું પડયું હતું.
ભલે આપણે પરમાત્માના જન્મને વધાવીએ અને તેનો ઉત્સવ મનાવીએ, પણ સાથે સાથે એ વાત સમજી લઈએ કે હવે જે પરમાત્મા આવશે તે આપણામાંથી જ આવવાનો છે. કોઈ ઉપરથી આવીને આપણાં દુ:ખ-દર્દ દૂર કરવાનું નથી. કોઈ બહારથી આવીને બચાવશે એ આશામાં જો આપણે રહીશું તો આપણે સહન કરતાં કરતાં જ જીવવું પડશે અને વખતે મરવુંય પડશે. હવે સમય છે જાગવાનો અને હિંમતથી પરિસ્થિતિનો મુકાબલો કરવાનો. આપણે જ જો આપણા જીવનને સુધારીને શિસ્તબદ્ધ રહીને વર્તીશું તો પરમાત્માને અવતાર લઈને આવવાની જરૃર જ નહિ રહે. જે કંઈ હવે કરવાનું છે તે હવે આપણે જ કરવાનું છે. બાકી બહારથી કે ઉપરથી કોઈ આવીને આપણાં દુ:ખ-દર્દ દૂર કરશે એમ માનીને બેસી રહીશું તો આપણા પ્રશ્નો વધતા જ રહેવાના.