25/11/2015

જનક રાજાનું સ્વપ્ન તો તૂટી ગયું પણ પછી તેમના મનમાં પ્રશ્ન થયો કે સ્વપ્નનો ભિખારી સત્ય કે મિથિલાનો રાજમહેલ સત્ય

મિથિલા નરેશને એક વાર મધરાતે સ્વપ્ન આવ્યું. તેમાં તેમણે જોયું કે, તેઓ એક ભિખારી છે. ખાવા માટે તેઓ ઘરઘર ભીખ માંગતા ફરે છે.

એમ કરતાં તેમને ક્યાંકથી થોડા દાળ-ચોાખા મળ્યા. તેઓ બે દિવસથી ભૂખ્યા હતા. તેમણે દાળ અને ચોખા ભેગા કરીને ખીચડી રાંધવાનો વિચાર કર્યો. કુંભારને ત્યાં પડેલી માટીની એક હાંડલી તેઓ લઈ આવ્યા. આસપાસ પડેલા સૂકા ડાળાં-ડાખળા લઈ આવ્યા બે ચાર પથ્થરો ગોઠવી ચૂલો બનાવીને તેના ઉપર ખીચડીની હાંડલી ચઢાવી અને નીચે આગ સળગાવી ખીચડી પકાવવા માંડી થોડીક વારમાં ખીચડી ખદબદવા લાગી.

તેનો અવાજ સાંભળીને અને હાંડલામાંથી નીકળતી વરાળ જોઈને તેમને આનંદ થયો કે હવે થોડીક વારમાં ખીચડી રંધાઈ જશે એટલે ખાવા ભેગો થઈશ તેમને વિચાર આવ્યો કે ક્યાંકથી અથાણાની ચીરી મળી જાય તો ખીચડી પકવાન જેવી લાગે. તે માટે ક્યાં માગવા જવું તેનો તેઓ વિચાર કરવા લાગ્યા.

એટલામાં તો ક્યાંકથી બે આખલા લડતા- ઝઘડતા ત્યાં  આવી પહોંચ્યા. તેઓ એકબીજાને શિંગડે ભરાવવા આમ તેમ દોડતા હતા. આ બાજુ ખીચડી થવા આવી હતી. તેની ઉપર ઢાંકેલ વાસણ વરાળથી ઊંચુ-નીચું થઈ રહ્યું હતું. તેમણે આખલાઓથી ખીચડીના હાંડલાને બચાવવા ઘણી કોશિષ કરી ત્યાં તો તોફાને ચડેલા આખલાઓની અડફેટે ચૂલો અને હાંડલું આવી ગયું.

હાંડલુ તૂટી ગયું, ચઢેલી ખીચડી ચુલામાં પડી અને રાખમાં રગદોળાઈ ગઈ. તે જોઈને જનક રાજા ખિન્ન થઈ ગયા અને તેમની આંખમાંથી ડબક ડબક કરતા થોડાક આંસુ નીકળી ગયા. આમ વેરાયેલી ખીચડી જોઈને તેઓ પોતાના ભાગ્યને રડતા હતા ત્યાં તેમનું સ્વપ્ન તૂટી ગયું.

તેઓ જાગી ગયા આંખ ઊઘડી તો તેમણે જોયું કે, તેઓ તો મહેલના શયનકક્ષમાં પલંગમાં સૂતેલા છે. નથી ત્યાં ચુલો કે ખીચડીનું હાંડલું. આખલાય દેખાતા નથી ઓચિંતાનો તેમનો હાથ આંખ ઉપર ગયો તો તેમને આંખો આંસુઓથી ભીંજાયેલી લાગી.

સ્વપ્નમાં આખલાઓને લડતા- ઝધડતા જોઈને હૃદયમાં જે થડકાર થયેલો હતો તે હજુ પૂરો શમ્યો ન હતો. તેમ છતાં ય તેમના મનમાં આનંદ થયો કે જે વીતી ગયું તે તો એક સ્વપ્ન હતું અને વાસ્તવિકતામાં તો તેઓ મિથિલાના રાજા છે. અઢળક સંપત્તિના માલિક છે અને અત્યારે મધરાતે તેઓ શયનકક્ષમાં સૂતેલા છે. બહાર રોન ભરતા ચોકીદારોના ભારે પગલા તેમને સંભળાય છે.

આમ થોડીકવાર તેઓ આનંદમાં રહ્યા, છતાં ય હજુ તેમના મન ઉપરથી દુઃસ્વપ્નનો ભાર પૂર્ણતયા ખસ્યો ન હતો. રહી રહીને તેમને સ્વપ્ન યાદ આવતું હતું અને સ્વપ્નમાં જોયેલ આખલાઓની લડાઈ, ખીચડીના હાંડલાનુ ભાગી જવું અને ચુલામાં પડેલી ખીચડી તેઓ હજુ ભૂલી શકતા ન હતા. ત્યાં તેમને વિચાર આવ્યો કે હું અત્યારે મિથિલાનો રાજા છું મહેલના શયનકક્ષમાં સૂતો છું, બહાર ચોકીદારો ફરી રહ્યા છે એ વાત જ સ્વપ્ન તો નહિ હોય ! અને વાસ્તવિકતામાં હું પેલો ભિખારી હોઉં એ વાત જ સત્ય હોય.

પેલો ભિખારી અને હાંડલામાં ચઢવા મૂકેલી ખીચડી અને લડતા- ઝઘડતા આખલાઓ સાચા હશે કે મિથિલાનો રાજમહેલ અને તેનો શયનકક્ષ સાચો હશે. બેમંથી કોને સત્ય માનીને મારે જીવવું ? સ્વપ્નમાં ભિખારી સાચો લાગતો હતો અને અત્યારે રાજમહેલ સત્ય લાગે છે. આ વાતનું નિરાકરણ થવું જોઈએ એમ વિચારમાં ને વિચારમાં રાજાએ રાત વિતાવી.

બીજે દિવસે રાજદરબારમાં તેમણે સામાન્ય કામકાજ પૂરું થયા પછી વિદ્વાનો અને મંત્રીઓને ભેગા કરી રાત્રે આવેલ સ્વપ્નની વાત કરી અને ત્યાર પછી તેમના મનમાં ઉદ્ભવેલ તાત્ત્વિક પ્રશ્નની મૂંઝવણ રજૂ કરી પંડિતોએ પોતપોતાની રીતે રાજાના મનનું સમાધાન કરાવવા પ્રયાસ કર્યો પણ રાજાનું મન માન્યું નહિ તેથી મંત્રી મંડળે પ્રશ્નના સમાધાન માટે એક સાધુ ભગવંતનું નામ આગળ કરતા કહ્યું, ''તેઓ જ્ઞાની છે, સિદ્ધપુરુષ છે. કદાચ તેઓ તમારા પ્રશ્નનું સમાધાન કરાવી શકે.''

વળતે દિવસે રાજા પોતાના બે સચિવો અને વિદ્વાનોને લઈને સંત મહાત્માના આશ્રમે ગયા. મહાત્માનો પૂર્ણ વિનય  કર્યા પછી રાજાએ તેમની સંમતિ લઈને પોતાના પ્રશ્નની વાત કરી. રાજાએ રાત્રે આવેલ પોતાના દુઃસ્વપ્ન વિશે કહ્યું અને ત્યાર પછી પોતાના મનમાં ઉદ્ભવેલ વિચારની વાત કરતા પૂછયું,

''મહારાજ ! આમાં સાચું શું ? મારે કોને આધાર બનાવી જીવવું ? મને કંઈક માર્ગ બતાવો.''

સંત મહાત્માએ કહ્યું, ''રાજન્ ! ખીચડીની હાંડલી સાચી, અને મિથિલાનો રાજમહેલ પણ સાચો. મિથિલાનો નરેશ ભ્રાન્તિ અને સ્વપ્નનો ભિખારી પણ ભ્રાન્તિ !''

સંત મહાત્માના ઉત્તરથી રાજાની મૂંઝવણ વધી ગઈ તેમણે પ્રશ્ન કર્યો, ''બંને વિરોધાભાસી વાતો એક સાથે સત્ય કેવી રીતે હોઈ શકે ? અને ભ્રાન્તિ પણ કેમ હોઈ શકે ?''

મહાત્માએ કહ્યું, ''વાતમાં વિરોધ નથી પણ તમે વાતને કેવી રીતે પકડો છો તેના ઉપર બધો આધાર છે. તમે નિદ્રામાં હો તો સ્વપ્ન જેમ સત્ય બની જાય છે તેમ જો તમે મોહનિદ્રામાં હો તો તમારા માટે સંસાર સત્ય બની જાય છે. જ્યારે તમે જાગી જાવ છો ત્યારે સ્વપ્ન મિથ્યા બની જાય છે. બીજી રીતે વાતને કહીએ તો જ્ઞાનદશા સત્ય છે અને અજ્ઞાન અવસ્થા ભ્રાન્તિ છે. સ્વપ્ન અને સત્ય વચ્ચે એક મહત્ત્વનો ભેદ છે. સરી જાય તે સ્વપ્ન અને જે શાશ્વત બની રહે તે સત્ય.''

જનક રાજા જ્ઞાની હતા પળવારમાં તેમણે વાતનો મર્મ પકડી લીધો. સંત મહાત્માને પગે પડતા તેમણે કહ્યું: ''હવે મારા મનનું સમાધાન થઈ ગયું છે. મને આગળનો માર્ગ સ્પષ્ટ દેખાય છે. હવે મારા માટે સર્વ કાંઈ નિઃશેષ બની જાય છે.''

ત્યાર પછી જનક રાજા સંસારમાં રહ્યા, પણ પૂર્ણતયા આત્મસ્થ બનીને રહ્યા. તેને કારણે તેઓ જનક વિદેહી તરીકે ઓળખાયા.

h.mangukiya