07/09/2014

નાનકડો હંસ

હંસોનું એક ટોળું હતું.ઠંડીના દિવસોમાં એ બધા હંસો ગરમ હવાવાળા પ્રદેશ તરફ જવા નીકળ્યા હતા.એક દિવસ ગયો. એક રાત ગઇ. બીજો દિવસ થયો. બીજી રાત પણ ગઇ. જરા પણ વચમાં વિરામ લીધા વિના હંસો સમુદ્ર પરથી ઊડતા ઊડતા આગળ વધતા હતા.ઉપર આકાશમાં પૂનમનો ચંદ્ર શીતળ પ્રકાશ આપતો હતો. નીચે સમુદ્રનું નીલું નીલું પાણી ફેલાયેલું હતું.સતત પાંખો ફફડાવીને મોટા ભાગના હંસો થાકી ગયાં હતાં. છતાં પણ લાંબો પંથ કાપવાનો હતો, એટલે એ બધાએ ઊડવાનું ચાલુ રાખ્યું હતું.સૌની પાછળ એક નાનો હંસ હતો. તેની ઉડવાની તાકાત ધીમી પડતી જતી હતી. હજી પણ તે ઊડતો હતો ખરો, પણ હવે તે બહુ ઊડી શકે તેમ નહોતો. એ બહુ થાકી ગયો હતો.થાકેલા હંસે પાંખો ફફડાવવાનું બંધ કર્યું. ધીમે ધીમે તે નીચે પાણીની નજીક જવા લાગ્યો. તેના સાથીદારો તો આગળ જવા લાગ્યા હતા. છેલ્લો હંસ ચાંદનીમાં નાનકડા સફેદ ટપકાં જેવો દેખાવા લાગ્યો.નાછુટકે બિચારો નાનો હંસ પાણી પર ઊતરી ગયો. તેણે પોતાની પાંખો સંકેલી લીધી.ચારે ય બાજુ સમુદ્રનાં મોજાંઓની મંદ ખળખળ ચાલુ હતી. પાણીનાં મોજાંઓ તેને ધીમેથી જાણેકે હિંચકો નાંખતા હતા.હવે તો ચાંદનીના અજવાળામાં આકાશમાં ઊડતા હંસોની ટોળી બરાબર જોઇ શકાતી નહોતી.રાત્રીના એ ગંભીર શાંત વાતાવરણમાં તેમની પાંખોનો ફફડાટ હજી સંભળાતો હતો. છેવટે પેલા હંસો દેખાતા બંધ થઇ ગયાં. એટલે નાનકડા હંસે આંખો મીંચી દીધી. જરા પણ તે હાલતો નહોતો. મોજાંઓ તેને ઉપર-નીચે લઇ જતા હતા એટલો જ તેને અનુભવ થતો હતો. થાક લાગવાથી તેને ઊંઘ આવી ગઇ હતી.વહેલી સવારે મંદ મંદ પવન ફૂંકાતો હતો. સમુદ્ર પર નાના નાના મોજાં ઉછળતાં હતાં. એ મોજાંના તુષાર હંસની છાતી પર ધીમેથી અથડાતા હતા. તેણે આંખો ખોલી અને જોયું. પૂર્વ દિશામાં લાલિમા ફૂટવાની શરૃઆત થઇ હતી. ચંદ્ર અને ચાંદનીનો પ્રકાશ મંદ થયો હતો.હંસે નિરાંતનો એક લાંબો શ્વાસ લીધો. ચારે ય બાજુએ જોઇ લીધું. પછી પાંખો ફફડાવીને ઊડવાનું શરૃ કર્યું. તે ઊંચે ને વધારે ઊંચે ઊડતો ગયો. અગાધ સમુદ્રનું પાણી હવે બહુ નીચે રહી ગયું હતું. તેણે જોરથી ઊડવાનું ચાલુ રાખ્યું.ઊડતાં ઊડતાં તે નાનો હંસ ઉષ્ણ ભૂમિ તરફ આગળ વધતો જતો હતો. તેના સાથી હંસો જે જળરાશિ પરથી ઊડતાં હતાં તે જ જલધિ ઓળંગીને તે આગળ જતો રહ્યો હતો.ભલે એ નાનો હતો, પણ તેણે પોતાની મંઝિલ સર કરી હતી.