હજાર રૂપિયાની નોટ નાકનું ટીચકું ચઢાવી બોલી, ‘આઘી રહે ! ગંદી દસ રૂપરડી ! જરા મારું રૂપ તો જો ! સુંદર મજાના રંગો, કોરું કડકડતું પોત ! ચાંદીના તારના અલંકાર ! કદ અને કિંમત બંને તારાથી અનેકગણા !’
બિચારી દસ રૂપિયાની નાનકડી, મેલી, ચોળાયેલી ચીંથરેહાલ નોટ પોતાની જાતને સંકોરતી દૂર ખસતાં બોલી, ‘જાણું છું, મહારાણી ! ક્યાં આપ અને ક્યાં હું ? પણ વારતહેવારે મંદિરમાં દર્શનનો લાભ તો મને જ ઝાઝો મળે છે ને !’
બોલતાં પહેલાં સાંભળો.
લખતાં પહેલાં વિચારો
ખર્ચતા પહેલાં કમાઓ.
મૂડીરોકાણ કરતાં પહેલાં તપાસ કરો.
નિંદા કરતાં પહેલાં ચકાસો.
પ્રાર્થના કરતાં પહેલાં માફી આપો.
છોડી દેતાં પહેલાં કોશિશ કરો.
નિવૃત્ત થતાં પહેલાં બચત કરો.
મૃત્યુ પામતાં પહેલાં વહેંચો.
[3]
નમ્રતા એ નિર્બળતા નથી,
ગરીબી એ દીનતા નથી,
માલિકી એ મહત્તા નથી,
સફળતા એ સંપ્રાપ્તિ નથી
અને
ખાલી થઈ જવું એ ખોટ નથી….. – મકરન્દ દવે
[4]
જે કશું જ જાણતો નથી અને એ પણ નથી જાણતો
કે એ કશું જ જાણતો નથી એ મૂર્ખ છે – છોડો એને !
જે કશું જ જાણતો નથી અને જાણે છે કે એ
કશું જ જાણતો નથી એ સામાન્ય છે – શીખવો એને !
જે કંઈક જાણે છે પણ એને જાણ નથી કે
તે જાણે છે તે નિદ્રામાં છે – જગાડો તેને !
જે જ્ઞાની છે અને તેના જ્ઞાન વિષે સભાન છે
તે શાણો છે – અનુસરો એને !
[5] આવું બને ત્યારે….
તને સવારમાં ઊઠી વિચાર આવે છે કે આજે તો મનભાવતું સ્વાદિષ્ટ ભોજન કરવું છે અને એ પણ ભરપેટ કરવું છે. તને એવું ભોજન મળેય ખરું અને ત્યારે જ મહેમાનો આવી ચડે, તને થઈ જાય ભોજનમાં ભાગ પડાવશે, પણ ત્યારે તું વધુ આનંદ પામજે; કારણ કે તને વિશેષ મુખે, વિશેષ સ્વાદે ભોજન કરાવવા માટે મેં જ તેમને મોકલ્યા છે.
તને બપોરે થઈ આવે કે આજે સાંજે દરિયા કિનારે જઈશ, એકાંતે બેસીશ, સૂર્યાસ્ત નિહાળીશ. અને તને દરિયે જવાનો અવકાશ મળે. તારું જ વાહન, તારી સામે ખુલ્લો રસ્તો, ત્યાં દરિયા પાસે આવતાં જ ટોળું ઊભું હોય, બેહોશ દરદીને દવાખાને લઈ જવાની ચિંતામાં હોય અને તારે જ ભાગે એ જવાબદારી આવી ચડે, ત્યારે સૂર્યાસ્તના સાક્ષી ન થઈ શકવાનો અફસોસ ન કરીશ; કારણ કે પેલો બેભાન દરદી આંખો ઊઘાડે, સ્વજનોને જુએ, એ આંખોમાં સૂર્ય ચમકે અને પછી ઢળે તો એનાં કિરણોની આભા તારો માર્ગ ઉજાળતી રહેશે.
તને રાત પડે ને થાય : આજે તો પ્રાર્થના કરવી છે, ધ્યાન કરવું છે, આખી રાત જાગરણ કરવું છે. પણ તારી આંખો સાથ ન આપે, ઊંઘ ભરાય, ઘારણ વળે, શરીર ઢળી જાય અને તું સવારે ઊઠે ત્યારે અફસોસ ન કરીશ, કારણ કે તારી મીઠી નીંદરથી સંતોષ પામતો હું તારે ઓશીકે બેઠો હોઈશ. – મકરન્દ દવે
[6]
તમારા પોતાના દાંત ચાવી શકે ને તમારું પેટ પચાવી શકે તે બધું એકઠાં મળી ખાજો, પીજો અને ભોગવજો, પણ બીજાં માણસો અથવા પાડોશી ભૂખે મરે, તરસથી ટળવળે તો યાદ રાખજો કે, પોતાની જિંદગી નિભાવવા બીજાની જિંદગીને નુકશાન પહોંચાડનાર પોતાને જ નુકશાન પહોંચાડે છે.
પ્રત્યેક માણસનું જીવન, બીજા માણસના જીવનના થાંભલા જ છે. તમે બધા એકબીજાના આધારે જીવો છો તો એકબીજા માટે કેમ જીવતાં નથી ? – મિખાઈલ નેઈમી
[7] દુ:ખી થવાના દસ રસ્તા
(ક) તમારી જ વાત કર્યા કરો
(ખ) તમારો જ વિચાર કર્યા કરો.
(ગ) ‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો.
(ઘ) કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો.
(ચ) કોઈનો યે વિશ્વાસ ન કરો.
(છ) તમારી ફરજમાંથી શક્ય ત્યાં સુધી છટકી જાવ.
(જ) બને તેટલી વાર ‘હું’ શબ્દનો ઉપયોગ કરો.
(ઝ) બીજા માટે બને તેટલું ઓછું કરો.
(ટ) તમારી મહેરબાની બદલ લોકો આભાર ન માને તો સમસમ્યા કરો.
(ઠ) દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો. – ચંદ્રકાન્ત કાજી
[8]
નિંદા અને ટીકાથી વ્યગ્ર ન બનો.
જે વૃક્ષ પર મીઠાં ફળ હોય તેને જ વધારે
પથ્થર મારવામાં આવે છે.
તે જ રીતે નિષ્ફળ કે સામાન્ય માણસની
કોઈ ટીકા કરતું નથી.
જે કાર્યશીલ છે, સફળ છે તેને જ
ટીકાનો સામનો કરવો પડે છે.
[9]
દુનિયા આખી તમારા ઉપર રોષે ભરાઈ હોય,
ત્યારે પણ જો તમે શાંત રહી શકો,
દુનિયા આખી તમને શંકાની નજરે જોતી હોય
ત્યારે પણ તમે તમારી જાતમાં શ્રદ્ધા રાખી શકો,
તમે અપાર ધીરજથી પ્રતિક્ષા કરી શકતા હો,
જૂઠાણાંનો જવાબ જૂઠાણાંથી ન આપતા હો,
લોકોની નફરતથી વિચલિત ન થતા હો,
મહાન અથવા શાણા હોવાનો દાવો ના કરતા હો,
સ્વપ્નદષ્ટા હો પણ સ્વપ્નોના દાસ ના હો,
વિચારશીલ હો પણ માત્ર વિચાર્યા ના કરતા હો,
હાર અને જીત પ્રત્યે સમાન વલણ ધરાવતા હો,
તમારા દ્વારા કહેવાયેલ સત્યની તોડ-મરોડ જોઈને વ્યથિત ના થતા હો,
તમારી સઘળી મહેનત વ્યર્થ જાય ત્યારે તટસ્થ રહી શકતા હો,
તમારું સર્વસ્વ હણાઈ જાય ત્યારે
એક હરફ ઉચ્ચાર્યા વિના એકડે એકથી ફરી શરૂઆત કરી શકતા હો,
ભીડની વચ્ચે પણ તમારો સ્વતંત્ર અભિપ્રાય જાળવી શકતા હો,
રાજાઓની સાથે પણ સામાન્ય વ્યવહાર કરી શકતા હો,
દુશ્મનો અથવા મિત્રો કોઈથી ઘવાતા ના હો,
એકંદરે ભરોસાપાત્ર હો,
જો તમારી મિનિટ સાંઈઠે સાંઈઠ સેકન્ડથી સભર હોય,
….તો આ પૃથ્વી તમારી છે !
…..તેની તમામ સંપત્તિના તમે માલિક છો !
…..તમે સાચા અર્થમાં મનુજ છો. – રડયાર્ડ કિપ્લિંગ
[10] ભગવાને આપણને હંમેશ માટે…
કંટક વિનાનાં ફૂલ નથી આપ્યાં,
વાદળ વિનાનું આકાશ નથી આપ્યું,
ઝંઝાવાત વિનાનો સમુદ્ર નથી આપ્યો,
ચક્રવાત વિનાની હવા નથી આપી,
દુ:ખ વિનાનું સુખ નથી આપ્યું,
યુદ્ધ વિનાની શાંતિ નથી આપી,
રોગ વિનાનો દેહ નથી આપ્યો –
પણ એણે આપણને આપી છે
દિનભર મહેનત કરવાની શક્તિ
થાકીને આરામ કરવા માટે ઊંઘ,
માર્ગ ઉજાળવા પ્રકાશ,
અથાક અવિરત પ્રયત્ન કરવા