07/09/2014

મગર મચ્છ

તમે મગરનાં આંસુની ઘણી વાત સાંભળી હશે. આ છે માણસનાં આંસુની વાત. માણસે મગરના અવસાન ઉપર સારેલાં આંસુની વાત.ત્યારે હું બોર્નિયોના જંગલમાં હતો. ત્યાં વિવિધ પશુઓ પકડવા મારે લાંબો સમય રહેવું પડયું. પણ લોકો આવીને એક જ વાત કહેતા 'સાહેબ! નાગાબેસરને પકડો.'નાગાબેસરનો અર્થ થાય છે 'મોટો દૈત્ય.'એ એક મગર હતો. ઘણો મોટો. ત્યાંના ડાયક લોકો એ મગરથી ખૂબ જ ડરતા હતા.એકવાર ત્યાંના કેટલાક માણસો મારી પાસે આવ્યા. કહેવા લાગ્યા ઃ 'સાહેબ! નાગાબેસરને તમારે પકડવો જ પડશે. તે દરિયા જેટલો જૂનો છે, દરિયા જેટલો મજબૂત છે. એના પંજામાં દરિયાનાં મોજાંની તાકાત છે, એના જડબામાં પવનના તોફાનની શક્તિ છે. પકડો સાહેબ! નાગાબેસરને પકડો! અને અમને બચાવો!'મેં તેમને કહ્યું ઃ 'મને મગરમાં રસ નથી. હું મગર પકડતો નથી. તમારા મગરને તમે પકડો. તમે જ એનો શિકાર કરો.'એ બધાં નિરાશ થઇને ગયા.મેં પરવા કરી નહિ.હું ત્યાંથી દૂરદૂરના જંગલમાં મારા નિર્ધારિત શિકાર માટે ઉપડી જતો પણ જ્યારે પાછો આવતો ત્યારે નાગાબેસરની જાતજાતની વાતો મને સાંભળવા મળતી.એકવાર મારા સાથીદાર અલીના એક મિત્રે જ કહ્યું ઃ 'સાહેબ! તમને નાગાબેસરની કલ્પના નથી એટલે જ તમે રસ દાખવતા નથી. એ મોઢું ઉઘાડે છે ત્યારે આખા માણસને પોતાના મોઢામાં ખેંચી શકે છે. તેના નાકમાંથી અગ્નિની વરાળો કાઢી જીવને બેહોશ કરી શકે છે.'મેં પૂછ્યું ઃ 'તેં કોઇ દિવસ તારી જાતે નાગાબેસરને જોયો છે ખરો?' એ કહે ઃ 'ના સાહેબ! પણ જેમણે જોયો છે તેમની પાસેથી મેં વાત સાંભળી છે. તેમાંનાં કેટલાકે તો પોતાના પ્રિય પાત્રો ગુમાવેલા છે. કહે છે કે નાગાબેસર દરિયાની નીચેના પોતાના એક મહેલમાં રહે છે, પોતાનો શિકાર ત્યાં ખેંચી જાય છે અને પછી દિવસો સુધી દેખાતો નથી.'જ્યારે નાગાબેસર વિષેની આવી કિંવદંતીઓ મેં ઘણી સાંભળી ત્યારે મેં અલીને કહ્યું ઃ 'અલી! આ બધી મૂર્ખામી છે. આ વાતોમાં મને કોઇ કસ લાગતો નથી. છતાં જ્યારે બધાં કહે છે ત્યારે ચાલ, એક વખત નાગાબેસરની મુલાકાત લઇ જ લઇએ.'અલી કહે ઃ 'હા ટુવાન.''ટુવાન'નો અર્થ થાય છે 'સાહેબ.'બીજે દિવસે અમે એક મજબૂત હોડી લીધી. બે હિંમતવાન ખારવાઓ સાથે નાગાબેસરની મુલાકાતે નીકળી પડયા. એ બંને ખારવા ડાયક હતા. તેમને નાગાબેસરના રહેઠાણની ખબર હતી.હોડીને હલેસાં મારતાં અમે એ જગાએ પહોંચ્યા.એક જગાએ પાણીની ઉપર હોડી સ્થિર ઊભી રાખવામાં આવી. એક ડાયક કહે ઃ 'પાણી ચોખ્ખું છે. તમે નીચે સુધી જોઇ શકશો સાહેબ! જુઓ, નીચે એક ભાંગેલું જહાજ દેખાય છે. એમાં જ નાગાબેસર રહે છે. એક બાજુ જે બાકોરું પડયું છે. તેમાં થઇને એ આવે છે, જાય છે.'અમે ત્યાં શાંતિથી ઊભા રહ્યા.લગભગ પાંચેક કલાક થયા હશે! નાગાબેસરના દર્શન થયાં નહિ. હું કંટાળ્યો. મેં અલીને કહ્યું ઃ 'હવે મારી ધીરજ રહેતી નથી. ચાલો પાછા જઇએ.'અલી કહે ઃ 'સાહેબ! નાગાબેસર બડો ઉસ્તાદ છે. એ કોઇ જેવો તેવો મગર નથી. એને ખબર પડી જાય કે કોઇક આવ્યું છે તો તે બહાર જ નીકળતો નથી. તે છતાં પોતાના શિકાર ઉપર તે ચાંપતી નજર રાખે છે. કોઇક દાવનું પશુ દેખાયું તો તે વીજળીની સ્ફૂર્તિથી નીકળી આવે છે. તેને ખેંચીને લઇ જાય છે અને પોતાની જહાજની દુનિયામાં લપાઇ જાય છે.''ઠીક છે.' મેં કહ્યું ઃ 'હું દશ મિનિટ સુધી રાહ જોઇશ એથી વધુ નહિ. પછી આપણે ચાલ્યા જઇશું.'દશ મિનિટ પસાર થઇ ગઇ. અમે જતા હતા, ત્યારે જ એક સાથે બંને ખારવાઓ બૂમ પાડી ઊઠયા ઃ 'ટુઆન! જુઓ, જલ્દીથી જુઓ! જહાજના ભંગારમાંથી નાગાબેસર બહાર આવી રહ્યો છે.'હું ઊભો થઇ ગયો, મેં ધ્યાનથી જોયું. અને હું આભો જ બની ગયો. મારી જિંદગીમાં ન જોયો હોય એવડો મોટો એ મગર હતો. ડાયક લોકો એને દૈત્ય કહેતા હતા એ વ્યાજબી જ હતું.હું જોરથી બોલી ઊઠયો ઃ 'અલી! આ તો દુનિયાનો મોટામાં મોટો મગર હોવો જોઇએ. ચાલો, પાછા ચાલો, જલદીથી એને પકડવાની કોશિશ કરીએ.'ખારવાઓ રાજી થયા.અલી રાજી થયો.કિનારે જઇ અમે મગર પકડવાનાં સાધનો ભેગાં કર્યાં. દોરડા ઉપર કેટલાંક હૂક હતાં. તેની ઉપર મગરને પ્રિય એવો ખોરાક લગાડયો.અલી કહે ઃ 'સાહેબ! આ 'વેઇટ' ચાલશે નહિ. આમાં એ દૈત્ય ફસાશે નહિ. એ તો છટકાવીને ચાલ્યો જશે.'મેં કહ્યું ઃ 'અલી! આપણે જીવને મારતા નથી એ તું જાણે છે ને! આપણે એને જીવતો જ પકડવો છે. આપણી કારકિર્દીની એ મોટામાં મોટી યાદગીરી બની રહેશે.'અમે પૂરી તૈયારી સાથે ફરીથી એ જગાએ ગયા. પાણીની અંદર શિકાર માટેના હૂક નાખ્યાં.બસ! પછી સમય પસાર થતો રહ્યો. નાગાબેસર ન છેતરાયો તે ન જ છેતરાયો. તે અમારી હોડી તરફ ફરક્યો જ નહિ.મેં કહ્યું ઃ 'અલી! આ રીતે તો ચાલે નહિ. મેં મારા મિત્ર વેસ્લીને મળવાનું વચન આપ્યું છે. ચાલ પાછા જઇએ. બીજી કોઇવાર વાત.'અલી કહે ઃ 'સાહેબ! આપ જાવ. મને અહીં રહેવા દો. મને એમ છે કે હું દૈત્યને જરૃર પકડીશ.'મેં એને જરૃરી સૂચનાઓ આપી અને ખાસ કહ્યું કે જે ચાર દોરીમાં કાંટા નાંખ્યા છે એ મજબૂત પકડી રાખજે. જરાપણ હાલે કે ધ્યાન આપજે. ખેંચતો નહિ. નહિ તો એ તને ખેંચી લેશે.અલી તથા એના બે સાથીદારોને ત્યાં જ રહેવા દઇ હું કિનારે પહોંચ્યો. ત્યાંથી મારા મિત્રને મળવા એના દૂરના નિવાસસ્થાને ઊપડી ગયો.ત્યાં વાત નીકળી તો મારા મિત્ર વેસ્લીએ પણ એ જ કહ્યું ઃ 'તું અહીં નકામો આવ્યો દોસ્ત! આજે મુલાકાત રદ કરી હોત તો વાંધો નહતો, મેં બિચારા માછીમારોની ઘણી ચીસો સાંભળી છે. મને ઘણીવાર એમ થયું છે કે હવે તો એ મગર પકડાય તો જ કાનને રાહત થાય!'વેસ્લી સાથેનું કામ પતાવી મેં કહ્યું ઃ 'તારી પણ એ જ ઈચ્છા છે, તો ભલે હું જાઉં છું. કોશિશ કરી જોઉં છું.'હું જતો હતો ત્યારે ત્યાંના એલચી અધિકારીએ પણ મને કહ્યું ઃ 'અહીં બીજું કાંઇ ન કરી શકો તો કંઇ નહિ ઃ નાગાબેસરને પકડો. આ ટાપુ ઉપરથી જે કોઇ અદ્રશ્ય થાય છે તેની સાથે નાગાબેસરનું નામ જ જોડી દેવામાં આવે છે. હવે તો પાણીમાં જવાની કોઇ હિંમત પણ કરતું નથી. અને દંતકથાઓમાં જાતજાતનો ઉમેરો થઇ રહ્યો છે. મિત્ર! એકવાર જો તમે એને પકડશો તો હું બધાં લોકો વતી તમારો હાર્દિક આભાર માનીશ.'બીજે દિવસે હું મારા નિવાસસ્થાને પહોંચ્યો ત્યારે અલી દોડતો સામો આવ્યો ઃ 'સાહેબ! સાહેબ!! નાગાબેસર પકડાયો છે.'હું આશ્ચર્ય પામ્યો. મેં પૂછ્યું ઃ 'કોણે પકડયો?'અલી છાતી ઠોકીને કહેવા લાગ્યો ઃ 'મેં પકડયો છે સાહેબ! ડાયક અને મેં. નાગાબેસર અત્યારે દોરડેથી બંધાઇને કિનારે પડયો છે. જલદી ચાલો સાહેબ! ત્યાં લોકો એને મારી નાંખે નહિ.'હું મારા ઘરમાં પણ ગયો નહિ. ઉશ્કેરાયેલો હું પણ હતો.રસ્તામાં મેં એને જ પૂછ્યું ઃ 'અલી! પણ તેં એને પકડયો કેવી રીતે?'અલીએ વાત કહેવા માંડી. તે કહે ઃ 'અમે ચારે દોરડે ચાર પીપ અને ચાર હૂક બાંધ્યા હતા. તે ઉપર મગરને ભાવતો ખોરાક હતો. મગરને નિરાંત હતી તો અમે પણ નિરાંતે બેઠાં હતાં. જોવું હતું કે કોણ હારે છે?''અંતમાં કલાકો બાદ નાગાબેસરે એક હૂક ઉપર દાંત માર્યો. અમે દોરડાને ઢીલ મૂકી. દોરડું ખેંચતો ખેંચતો નાગાબેસર પોતાના જહાજની બખોલમાં ભરાઇ ગયો.''થોડીવાર સુધી શાંતિ રહી. અમે અંદરોઅંદર ચર્ચા કરી. શું કરીશું?' ઝાઝીવાર થઇ ત્યારે ડાયક કહે ઃ 'એનું મોઢું ફસાયું છે.''અમે ત્રણે જણાએ દોરડું પકડીને જોરથી ખેંચ્યું. હૂક મગરના મોઢામાં બરાબર ફસાયું હતું. પોતાના જહાજના નિવાસસ્થાનમાંથી નાગાબેસરને બહાર આવવું જ પડયું.'દોરડે ખેંચાઇને તે બહાર આવ્યો. અમે જોરથી તેને ખેંચવા માંડયો. એ જેવો બહાર દેખાયો કે મારા સાથીદાર ડાયકની ધીરજ ખૂટી. તેણે હોડીમાંથી ભાલાઓ લઇ ઉપરાઉપરી ફેંકવા માંડયા. એક ભાલો નાગાબેસરની પીઠમાં વાગ્યો.'બસ તે વિફરી બેઠો. પછી તેણે પાણીમાં જે તોફાન મચાવ્યું છે તે સાહેબ! અમે જ જાણીએ. પ્રલય આવ્યો હતો! પાણીમાં જાણે આંધી, તોફાન અને વમળનો પ્રલય! તેની પૂંછડીના મારથી તે અમારી હોડી દૂર સુધી ફેંકી દેતો હતો અને પાણીમાં પોતાના આગળના બે રાક્ષસી પગો ઊંચા કરી તે હોડી ઉપર પછાડ ખાતો હતો.'એનું મોઢું અમને, અમારી સાથે હોડીને, ભરખી જવા વારંવાર ઉઘાડું થતું હતું. મારું કામ એક જ હતું. હું ઉપરાઉપરી દોરીના ગાળિયા નાંખ્યે જતો હતો, એવી રીતે કે એનું મોઢું બંધ થઇ જાય!''જેટલી વાર એ મોઢું ઉઘાડતો તેટલીવાર હું ગાળિયા નાખી એનું મોઢું બંધ કરી દેતો. એ રીતે સાહેબ! પંદરથી વીસ જેટલા આંટા જોરથી એના મોઢાંને લઇ એનું મોઢું બંધ કરી દીધું. એવું જડબેસલાક બંધ કરી દીધું કે તે ઉઘાડવા ધારે તો પણ ઉઘડે નહિ.'હવે એ રાક્ષસ લાચાર હતો. તરત અમે આગળનો કાર્યક્રમ પાર પાડયો. પાણીમાં ભાલાઓ મારી, એને ચત્તો કરી દઇ, એના પગ બાંધી દીધા.''હવે એ અમારી હોડી જેવો જ બની ગયો હતો. હોડીની સાથોસાથ એને બાંધી દઇ અમે એને કિનારે લાવ્યા. કિનારે એ દૈત્યને જોવા માટે લોકોનાં ટોળેટોળાં જમા થયા હતા.'અલીની વાત સાંભળી હું એટલો તો ખુશ થઇ ગયો કે મેં એને કહ્યું! 'અલી! હું તને ૧૦૦ ડોલર ઈનામ આપીશ.'અલી કહે ઃ 'સાહેબ! મેં ઇનામ ખાતર નાગાબેસરને પકડયો નથી. તમે જે સાહસની વાત કરો છો એટલા ખાતર, અને એક અનુભવ ખાતર જ મેં એને પકડયો છે. લોકોને નાગાબેસરના પકડાવાથી જે રાહત થઇ છે એ જ મારું મોટું ઇનામ છે.'અમે ઝડપથી દોડતાં કિનારે પહોંચ્યા.નાગાબેસરને પડેલો અમે જોયો.બાપરે! હું સાચું જ કહું છું કે મારી જિંદગીમાં મેં આટલો મોટો મગર ક્યારેય જોયો નથી.મેં અલીને કહ્યું ઃ 'અલી! આ તો આપણી શિકારકથાઓની દુનિયામાં ઈતિહાસ સર્જશે.'પણ પાસે ગયા ત્યારે અમારાં હૈયા કંપી ઊઠયાં. અલીએ નાગાબેસરને બરાબર બાંધ્યો હતો, પણ લોકોને એ બંધનમાં વિશ્વાસ ન હતો. તેમણે સાંભળેલી વાતો ઉપરથી તેમને લાગ્યું હતું કે નાગાબેસર આવા બંધનોમાં ફસાઇને હરગીઝ પડી રહે તેવો નથી. જરૃર એ ભાગી જશે. અને ફરીથી પોતાના વિપ્લવો શરૃ કરી દેશે. આટલા છંછેડાયા બાદ તે વધુ ઝનૂનથી માણસો મારશે. એમ વિચારી એ લોકોએ નાગાબેસરને બેસુમાર માર્યો હતો.એક કદાવર પ્રાણીની આ દશા જોઇ શકાય એવી નહતી. અનેક ભાલાઓના માર પછી તે મોત માટે તરફડતો હતો.અલી રડી પડયો.તે બોલી ઊઠયો ઃ 'સાહેબ! મને આ વાતની શંકા હતી જ. અને તેમજ થયું. લોકોએ તેને મારી નાખ્યો.'સાચું કહું તો આંસુ મારી આંખમાં પણ આવ્યાં. મગરનાં મોત ઉપરના માણસના આંસુ! મેં મારી પિસ્તોલ ખેંચી. કેટલાક ફાયર કરી એ બિચારાને મારી નાખ્યો કે જેથી એ તરફડે નહિ, રિબાય નહિ. શાંતિના મોતે મરે.મારા હજારો જીવતા શિકારમાં આ પહેલો જ શિકાર એવો હતો કે જેમાં મારે કોઇક પશુને મારવું પડયું હતું, મને એનો રંજ છે. એનું દુઃખ હું આજે પણ અનુભવું છું.
काव्यांजली