08/02/2014

'આ દુનિયા નકામી છે'

'આ દુનિયા નકામી છે'
'આ દુનિયા મજાની છે'
'આ દુનિયામાં માણસને વિકસવાની તકો જ ક્યાં છે?'
'આ દુનિયા વિકાસ માટેની અનેક તકોથી ભરપૂર છે.'
'આ દુનિયા કદરવિહોણી છે'
'આ દુનિયા યોગ્ય માણસોની કદર કરે છે'
બે માણસો વચ્ચે વાક્યુદ્ધ ચાલી રહ્યું હતું. દુનિયા પ્રત્યે અશ્રદ્ધા ધરાવનાર કહી રહ્યો હતો ઃ ''તમે કહો તો આ દુનિયા નકામી છે એના એકસો પુરાવા હાજર કરું!
બીજો કહી રહ્યો હતો ઃ ''દુનિયા સરસ મજાની છે તમે કહો તો એક હજાર સાબિતીઓ રજૂ કરું!
માણસ એકાંગી દર્શન, એકાંગી ચિંતન, એકાંગી અને એકપક્ષીય અભિપ્રાય અને એકાંગી માન્યતાને વળગેલો રહે છે. પોતાની વાત અને પોતાના અભિપ્રાયમાં લેશમાત્ર ફેરફાર કરવા તૈયાર હોતો નથી! માણસ સત્ય માટે લડવામાં વિલંબ કરી શકે, પણ અસત્યને પડખે ઊભા રહેવામાં પળનોય વિલંબ કરતો નથી! સત્ય માટે કુરબાન થનારા કરતાં અસત્ય માટે મરનારની સંખ્યા મોટી છે.
વિચાર એ ભલે મગજની દેન હોય પણ શાનો વિચાર કરવો અને કેવો વિચાર કરવો એ આપણી જાગૃતિ અને સમજણનું નજરાણું છે. સાચી અને શુદ્ધ વિચારશક્તિ જ માણસના રચનાત્મક વ્યક્તિત્વની જનની છે.
માણસ પોતે જીવનનો અપરાધી નથી કે જીવનદેવતા એની સામે એફ.આઈ.આર. એટલે ફર્સ્ટ ઈન્ફર્મેશન નોંધી તેને ગિરફતાર કરવાનું વૉરન્ટ લઈ તેને શોધતા રહે.
આજના જીવનમાં વિચારોની પરિપકવતા અને ઉન્નતતાનું સ્થાન આવેશ-ઉત્તેજના અને બૂમબરાડાએ લઈ લીધું છે. માણસ આડેધડ બોલાતા શબ્દોને જ પોતાનું જોશ અને કાબેલિયત ગણતો થઈ ગયો છે. પોતાનો ઉદ્દેશ નજર સમક્ષ રાખી સ્વસ્થ રીતે, આક્ષેપમુક્ત રજૂઆત કરનાર માણસો આજે શોધ્યા જડતા નથી. નૂર વગરના માણસોની સભાના સંખ્યાબળને લોકટેકો ગણીને તમે અહંકાર તુષ્ટિના ભ્રમમાં રાચી શકો, પણ સત્ય દૂર બેઠું-બેઠું તમારી મૂર્ખતા પર હસતું હોય છે.
એટલે માણસે પોતાના મગજને પણ યોગ્ય રીતે વિચાર કરવાની તાલીમ આપવી પડે છે. આપણે મનને તાલીમ આપવી જોઈએ એને બદલે ચંચળ અને ભટકતું રહેતું મન આપણને પોતાની રીતે નચાવવાની કોશિશ કરતું રહે છે.
ડેવિડ જે શ્વાર્ટઝે મેજિક ઓફ થીકિંગ બીગ અનુવાદક પુષ્પા અંતાણીમાં એક વિચારણીય મુદ્દો આપણી સમક્ષ ચર્ચ્યો છે. તેઓ કહે છે ઃ ''તમારું મગજ વિચારોની ફેક્ટરી છે - એક વ્યસ્ત ફેક્ટરી. એમાંથી એક દિવસમાં અસંખ્ય વિચારોનું ઉત્પાદન થતું રહે છે. તમારા મગજમાં થઈ રહેલું ઉત્પાદન બે ફોરમેનના હાથમાં છે. એમાંના એક ફોરમેનને આપણે મિ. વિજય નામ આપીશું અને બીજા ફોરમેનને મિ. પરાજય તરીકે ઓળખશું. મિ. વિજય સકારાત્મક વિચારોના ઉત્પાદનનો ચાર્જ સંભાળે છે. એ તમે કોઈપણ કામ શા માટે કરી શકો તેમ છો, તમે એ માટેની લાયકાત શા માટે ધરાવો છો, અને તમે શા માટે તમારા કામમાં સફળ થશો એ માટેનાં કારણોનું ઉત્પાદન કરવામાં નિષ્ણાત છે. બીજો ફોરમેન મિ. પરાજય નકારાત્મક અને અણગમાભર્યા વિચારોનું ઉત્પાદન કરે છે. મિ. પરાજય તમે કોઈપણ કાર્ય શા માટે કરી શકો તેમ નથી, તમે શા માટે કમજોર છો એ વિશેનાં કારણો શોધવામાં નિપુણ છે. એ તમે 'શા માટે નિષ્ફળ જશો' - એ વિશેની વિચારશૃંખલામાં માહેર છે.
મિ. વિજય અને પરાજય ભલે પોતપોતાની રીતે કામ કરતા હોય પણ બન્ને આજ્ઞાાકારી છે. માણસ જેવું વિચારે તેની પર પૂરતું ધ્યાન આપે છે. તમારે બે પૈકી કોઈ એક ફોરમેનને માત્ર માનસિક રૃપે સંકેત આપવાનો છે. જો તમારા સંકેત સકારાત્મક હશે તો મિ. વિજય આગળ આવશે અને કામ કરવા માંડશે એ જ રીતે નકારાત્મક સંકેત મળતાં જ મિ. પરાજય સક્રિય બની જશે. શ્વાર્ટ્ઝ કહે છે તેમ મિ. વિજય તમે શા માટે સફળ નીવડશો એ વાતની તમને ખાતરી કરાવી શકે છે. મિ. પરાજય તમને કોઈ વ્યક્તિ શા માટે ગમવી જોઈએ નહીં એ માટે કેટલાંય કારણો ગણાવી દેશે અને મિ. વિજય તે વ્યક્તિ શા માટે ગમવી જોઈએ, તે માટેનાં કેટલાંય કારણો જણાવશે. મતલબ કે મિ. વિજય અને મિ. પરાજય - આ બન્ને ફોરમેનો પૈકી જેને તમે વધુ કામ આપશો એ વધારે શક્તિશાળી બનતો જશે. જો તમે મિ. પરાજયને છુટ્ટો દોર આપશો તો એક દિવસ એવો આવશે કે તે તમારા મગજના વિચારોનું ઉત્પાદન પોતાા હાથમાં લઈ લેશે અને ત્યાર પછી તમારું માનસિક વલણ સંપૂર્ણપણે નકારાત્મક બની જશે. એટલે ડહાપણ એક જ વાતમાં છે કે તમે મિ. પરાજયને નોકરીમાંથી કાઢી મૂકો. તમને એની સલાહની જરૃર નથી. મિ. પરાજયને ધક્કા મારીને તમારા મગજની ફેક્ટરીમાંથી બહાર કાઢી મૂકો.
મિ. શ્વાર્ટ્ઝની આ વાત જીવનમાં વિધાયક દ્રષ્ટિકોણ કેળવવા માટે કેટલી જરૃરી છે. પ્રાચીન સમયના ઋષિ-મુનિઓ આ વાત સુપેરે જાણતા હતા એટલે પ્રાતઃકાળે ઉઠીને કરાગ્રે વસતી લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે સ્થિતો બ્રહ્મા - હાથમાં લક્ષ્મી, સરસ્વતી અને બ્રહ્માજીનો વાસ હોઈ શુભ વિચારનું વાવેતર કરતાં કહેવામાં આવ્યું કે પ્રભાતે 'કરદર્શન' - હાથનું દર્શન કરવું જોઈએ. આ વિચાર સાથે જ મિ. વિજય પોતાનું કામ શરૃ કરી દેશે.
ધરતીના આપણી ઉપર અગણિત ઉપકારો છે. આપણે તેને કચડીએ છીએ, મળમૂત્રથી મલિન કરીએ છીએ એટલે ઋષિ ધરતીની ક્ષમા માગે છે ઃ પગના સ્પર્શથી ધરતીને કચડવા બદલ. પ્રાતઃકાળે સૂર્યને અર્ધ્ય આપવાનું કે નમસ્કાર કરવાનું કાર્ય પણ શુભ અને સકારાત્મક વિચારોને નિમંત્રિત કરવાનું જ કાર્ય છે ઃ ''અમને ચારે દિશાઓમાંથી શુભ વિચારો પરિપ્રાપ્ત થાઓ.'' ઊઠીને વડીલોને કે ઘરનાં સહુને 'નમસ્તે' દ્વારા માણસમાં રહેલી શુભ વિચારો પ્રેરવાની ચૈતન્ય શક્તિને જ આપણે નમસ્કાર કરીએ છીએ.
માણસ ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ, વેરવૃત્તિ દ્વારા દિવસ દરમ્યાન મિ. પરાજયને બહેકવાની તક આપે છે. પરિણામે મનમાં નફરતનાં બીજ વવાય છે અને તે અંકૂરિત થઈ છોડમાંથી વૃક્ષ બનવાની દિશામાં ગતિ કરે છે. એટલે દિવસ દરમ્યાન નફરતને બદલે મહોબ્બત, પ્રેમ, લાગણી, સદ્ભાવ અને પરોપકારનાં બીજ વાવવામાં જ સાર છે. ઘણા લોકોનો સ્વભાવ જુવાની કે ઘડપણમાં અત્યંત ક્રોધી, ચિડિયો અને અહંકારી જોવા મળે છે એનું કારણ પણ આ જ છે. એમણે મિ. પરાજય ઉર્ફે નકારાત્મક વિચારોને પોતાના મનને મોકળી જગા આપી દીધી છે અને મિ. પરાજયે પોતાના વિનાશક સૈનિકોને તમારા દિમાગમાં થાણું નાખવાની છૂટ આપી દીધી છે. માણસ આનંદ ખોળવા મથે છે, પણ આનંદ જન્માવવા માટે સક્રિય હોતો નથી. આનંદને શોધવાની જરૃર નથી, નજર ખુલ્લી રાખો, દ્રષ્ટિ વિશાળ બનાવો, સહુમાં પરમાત્માનું દર્શન કરો, સ્વજનો મિત્રો સહિત આખા વિશ્વને પ્રેમ અને સદ્ભાવનું બિનશરતી દાન કરો, એ સક્રિયતામાંથી જન્મશે અનેરો આનંદ.
દિવસ દરમ્યાન આનંદિત રહેવાના આ પાંચ ઉપાયો અજમાવી જુઓ ઃ
૧. સવારે આંખ ખુલતાંની સાથે આસપાસ-ચોપાસ-કુદરત અને પ્રાણીમાત્રને તમારી અમીભરી દ્રષ્ટિથી સિંચો.
૨. એક સરસ મજાનો દિવસ ઈશ્વરે તમને જીવવા માટે આપ્યો છે, એ બદલ પ્રભુનો આભાર માનો.
૩. મનને શાન્ત અને હળવાશભર્યું રાખી ગઈકાલનાં દુઃખ અને પીડાને ભોંયમાં ભંડારી હરખાતે હૈયે તમારા કામમાં જોડાઓ. કામને માત્ર કામ નહીં પણ 'કર્મયજ્ઞા' માની શ્રેષ્ઠત્વ અર્પણ કરો.
૪. કામને પતાવવાની, સંબંધને પરાણે નિભાવવાની અને જીવનને બોજ કે વૈતરું ગણવાની ભૂલ ક્યારેય ન કરશો.
૫. અણવાંછ્યું, અણગમતું કે કશું દુઃખદ બને ત્યારે નિરાશ થવાને બદલે અંધકાર પાછળ સોનેરી કિરણ છૂપાયેલું છે, એવી શ્રદ્ધાથી મનને આશ્વસ્ત કરો.

Sent from my h.mangukiya