એક મુસાફર રણમાં અટવાતો હતો. મરતો જ હતો. પાણી તો હતું જ નહિ. ખાવાનુંય ન હતું. દિવસો સુધી તે એમ જ રઝળતો રહ્યો. ગળું સૂકું, હાડ સુક્કા, આંખો સુક્કી, આંતરડાં સુક્કા, જીભ સુક્કી, ભાવનાઓ તો એકદમ જ સુકાઇ ગઇ હતી.
શેતાનને લાગ મળી ગયો. શેતાન એટલે ભગવાનનો વિરોધી. શેતાન એટલે દુષ્ટ માનવી. શેતાન એટલે પાપનો બાપ.
ખુશ થતો થતો શેતાન પેલા રઝળતા મુસાફરને આવીને કહે ઃ 'હું તને ખાવાનું આપીશ, પીવાનું આપીશ. દરેક રીતે તને તૃપ્ત કરી દઇશ, ખુશ કરી દઇશ...'
'તો કર ને,'ભૂખે તરફડતા રણભેરુએ કહ્યું,
'શરત છે મારી'શેતાને કહ્યું ઃ 'હું જે આપું તેના બદલામાં શરત છે મારી, હું શરત વગર કોઇને કંઇ આપતો નથી. કંઇક લઇને જ કંઇક આપું છું. મારી શરત છે..'
'જલદી શરત બોલ ને !'તરફડતા માનવીએ કહ્યું ઃ 'શી શરત છે, બોલ !'
શેતાન કહે ઃ 'તારે તારું ઇમાન મને આપી દેવું પડશે. તારું સત્ય, તારી ખાનદાની, તારી ભલાઇ...મને આપી દેવી પડશે. બોલ તૈયાર છે, સોદા માટે ?'
પેલો ગબડી પડેલો, દાઝેલો, બળતો, શેકાતો માનવી કહે ઃ 'મંજુર છે. જે જોઇએ તે લઇ લે. આપીશ, આપી જ દઇશ. પણ જલદીથી ખાવાનું આપ, પાણી આપ, આપી દે... આપી દે...આપી દે.'
શેતાને તેને થોડી વાર તડપાવ્યો. પછી સરસ ખાવાનું આપ્યું, પાણી તો પાણી, ઉપરથી તાજગી મળી રહે એવું ઠંડુ પીણું પણ આપ્યું.
તૂટી પડયો મુસાફર, ખાણીપીણી પર તૂટી જ પડયો. એટલું ખા-ખા કર્યું કે શેતાન જોઇ જ રહ્યો. હસતો રહ્યો.
જ્યારે ભૂખ્યો મુસાફર ખાઇને તૃપ્ત થયો, ઓડકાર પર ઓડકાર ખાવા લાગ્યો ત્યારે શેતાન કહે ઃ 'ચાલ, હવે આપી દે તારો ધરમ, આપી દે તારું ઇમાન, આપી દે તારું સત્ય આપી દે તારી ભલાઇ..'
હસવા લાગ્યો મુસાફર, ઓડકાર ખાતો જાય, હસતો જાય ઃહાહાહાહા...
શેતાન નારાજ થયો. ગુસ્સે થયો. તેણે જોરથી પૂછ્યું ઃ 'અલ્યા માણસ ! તારું વચન ભૂલે છે ? તારી પ્રતિજ્ઞાા તોડે છે ? તારું બોલેલું થૂંકે છે ???'
હસીને, બરાબર હસીને રણભેરું રણવીર કહે ઃ 'શેતાન ! ભૂખ્યાના વળી વચન કેવા ને બોલ કેવા ? ભૂખે મરનારની ભલાઇ કેવી ને સચ્ચાઇ કેવી ? ભૂખને કોઇ ઇમાન હોતા નથી, ધરમ હોતા નથી ! ભૂખાળતાની કોઇ ફરજ હોતી નથી ! અરે કોઇ વાત વાદ કે વાયદાય હોતા નથી. ભૂખે મરનારનું એક સત્ય ઃ ખાવાનું અને પીવાનું. એ મળી જાય એટલે તે રાજીનો રેડ. જા શેતાન ! કોઇ બીજી જગાએ જઇને જમીન ખેડ.'
શેતાન કહે ઃ 'તું મને પણ છેતરી ગયો, માનવી ? થોડી વાર પહેલાં ખાધા પહેલાં, તે જે વાત કહી હતી તે તું જ હતો કે બીજો કોઇ ?'
'બીજો જ કોઇ,'ઓડકાર ફરીથી તૃપ્ત માનવી એ કહ્યું ઃ 'એ કોઇક બીજો. ખાઇને તૃપ્ત માનવીએ કહ્યું ઃ 'એ કોઇક બીજો જ હશે, બીજો જ હતો. એ ભૂખ્યો હશે, ભૂખ્યો જ હતો. ભૂખ અનેક વેણ વદાવે છે અને કહેણ કહેવડાવે છે, વચન અપાવે છે, અને વાયદાઓ કરાવે છે. પણ એ બધા ભૂખનાં વેણ દેણ કહેણ ફેણ હોય છે. હો-ઇ-યાં ! એ કોણ હતો, મને ખબર નથી શેતાન ! હું તો ખાધેલો પીધેલો છું. તૃપ્ત છું. હો-ઇ-યાં ! મારે હવે કોઇની જરૃર નથી. કોઇ વાત કરવી નથી. આવ-જે..''
શેતાન કહે ઃ 'તેં મને એવો છેતર્યો છે કે તું મને જીવનભર યાદ રહી જશે.'
'એના કરતાં હો-ઇ-યા !'મોટ્ટો ઓડકાર ખાઇને જતા માનવીએ કહ્યું ઃ 'શેતાન ! તું આ છેતરવાનો ધંધો જ બંધ કરે તો કેમ ? ભૂખ્યાને ભોજન આપવામાં તરસ્યાને પાણી આપવામાં કેટલા પુણ્ય છે તેનો તને ખ્યાલ આવે છે ખરો ?'
'પુણ્ય ? હં !!'શેતાન સમસમી ગયો. ધગધગતા રણમાં જ શમી ગયો.
Sent from my h.mangukiya