15/12/2013

'પડી ટેવ તે તો ટળે નવ ટાળી


'પડી ટેવ તે તો ટળે નવ ટાળી.' એટલે એમ કહેવાય છે કે, માણસનો સ્વભાવ જન્મજાત છે. એ ક્યારેય બદલાતો નથી. આપણે કહીએ છીએ કે, 'અન્ન તેવો ઓડકાર' તો ગાંધીજી પણ કહે છે, 'માણસ જેવું અન્ન ખાય, તેવો જ તેનો સ્વભાવ થાય છે.' કોઈના સ્વભાવ વિશે ક્યારેય કોઈ જ અભિપ્રાય આપી શકાતો નથી. સામેની વ્યક્તિ મારી સાથે જે પ્રકારનો વ્યવહાર કરતી હોય, એવો બીજા સાથે ન પણ કરે. 'વાલ્મીકિ રામાયણ'ના 'અયોધ્યાકાંડ' (૩૫/૧૭)માં કહ્યું છે : 'લીમડામાંથી મધ ટપકતું નથી- આ લોકોક્તિ સત્ય છે.' કારણ કે લીમડાનો ગુણધર્મ 'કડવાશ' છે. એમાંથી મધની આશા રાખવી વ્યર્થ છે. એ જ રીતે માણસનો સ્વભાવ જે હોય તે ક્યારેય બદલાતો નથી. 'હરિવંશપુરાણ'ના 'ભવિષ્યપર્વ' (૧૬/૧૩)માં કહ્યું છે : 'સ્વભાવથી જ બધાની ઉત્પત્તિ થાય છે, સ્વભાવથી જ પરમાત્મા પૂર્વોક્તરૂપમાં પ્રગટ થયા છે, સ્વભાવથી જ અહંકાર તથા આ આખું જગત પ્રગટ થયું છે.' આ રીતે જોઈએ તો સમગ્ર સંસાર સ્વભાવગત રીતે પેદા થયેલો છે. માણસનો સ્વભાવ પારા જેવો છે. પારાની ઉપર આપણે દબાણ લાવીએ તો આપણને લાગશે કે તે દબાઈ રહ્યો છે, પણ એવું નથી, એ તો બીજી જગ્યાએથી એનો રસ્તો શોધી લેતો હોય છે. 'પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.' સ્વભાવ ક્યારે, ક્યાં અને કેવી રીતે પ્રગટશે એ કહી શકાય નહીં. 'મહાભારત'ના 'શાંતિપર્વ' (૧૨૨/૩૫)માં કહ્યું છે : 'જે કંઈ જુઓ છો તે સ્વાભાવિક છે. સ્વભાવથી જ બુદ્ધિમાન બુદ્ધિ મેળવે છે અને સ્વભાવ જ માણસ શાંતિ પ્રાપ્ત કરી શકે છે.'
Sent from my h.mangukiya