ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના જીવનનો એક સુંદર પ્રસંગ છે. આ પ્રસંગ એમણે પોતાનાં સંસ્મરણોમાંય લખેલો છે. એ વખતે એમની વિદ્વત્તાની ખબર દેશમાં જ નહીં પરદેશમાંય પ્રસરી ચૂકેલી. એ વખતે દેશમાં બ્રિટિશ શાસન ચાલતું હતું. કલકત્તા ત્યારે રાજધાનીનું શહેર હતું એટલે ગવર્નર જનરલે એમને સન્માન માટે કલકત્તાના રાજદરબારમાં બોલાવેલા.
વિદ્વાન માણસ પૈસાદાર પણ હોય એવું ત્યારે ભાગ્યે જ જોવા મળતું. વિદ્યાસાગર પણ આર્થિક દ્રષ્ટિએ અકિંચન હતા. સારા એકાદ જોડી કપડા પણ એમની પાસે ન હતા. સાદા જૂના કપડાં જ એ પહેરતા. મિત્રોએ કહ્યું કે આવા કપડામાં ગવર્નર સામે રાજદરબારમાં જઇને ઊભા રહેવું એ શોભાસ્પદ નહીં લાગે. આપની પ્રતિષ્ઠા એ આખા ભારતની પ્રતિષ્ઠા છે. અમે આપને સુયોગ્ય કપડા તૈયાર કરી આપીશું.
પહેલાં તો એમણે ઇન્કાર કર્યો પણ પછીથી મિત્રોની લાગણી પણ એમની સમજમાં આવી, અને એવા વિચાર સાથે કચવાતા મને સ્વીકૃતિ આપી કે કદાચ ગવર્નર સામે આ રીતે જઇએ તો એમને રાજ્યના અપમાન જેવું ય લાગી શકે.
આવતી કાલે સવારે તો સારા- સુવ્યવસ્થિત કપડા સાથે ગવર્નર સમક્ષ જવાનું હતું પણ રોજિંદી ટેવ મુજબ એ આગલી સાંજે બગીચા તરફ ચાલવા ગયા. ફરીને આવતા હતા ત્યાં એમણે પોતાની આગળ એક શાનદાર માણસને છડી લઇને શાંતિથી ચાલતો જોયો. એવામાં દોડતો દોડતો એક નોકર, આગળ ચાલતા આ મુસલમાન મહાનુભાવની નજીક આવ્યો અને બોલ્યો - 'મીર' સાહેબ! આપના ઘરમાં આગ લાગી છે.' ઇશ્વરચંદ્ર એમની પાછળ જ હતા. એમણે લખ્યું છે કે આ સમાચાર સાંભળવા છતાં મીર સાહેબની ચાલમાં સહેજેય ફરક ન પડયો. એ જેમ ચાલતા હતા તેમ જ ચાલતા રહ્યા. છડી પણ જે અદાથી મૂકતા હતા તે રીતે જ મૂકતા રહ્યા. એમાં રતિભાર પણ ફરક જોવા ન મળ્યો. જાણે કશું બન્યું જ નથી. અથવા તો સાંભળ્યું જ નથી એમ એ ચાલતા હતા. નોકરને થયું કે મીર સાહેબે સાંભળ્યું નથી લાગતું - અથવા તો મારી વાતને એ બરાબર સમજ્યા નથી.
નોકર તો પસીનાથી લથબથ હતો. એના ચહેરામાં અને ચાલમાં વ્યાકુળતાનો પાર ન હતો. બોલતાં બોલતાં એ હાંફતો હતો. મકાન કોઇ બીજાનું સળગતું હતું અને એ અતિશય ચિંતા સાથે ફરીથી બોલ્યો - 'આપ સાંભળો છો કે નહીં? મકાનમાં આગ લાગી છે ક્યારના શું વિચાર કરી રહ્યા છો?... દોડો! ... ત્યાં બધું બળીને રાખ થઇ રહ્યું છે.'
મીર સાહેબે નોકર સામે જોઇને કહ્યું - 'નાસમજ, સાધારણ એવું મકાન સળગી રહ્યું છે તેથી શું મારી જીવનભરની ચાલ છોડી દઉં? અને મકાન તો સળગી જ રહ્યું છે. હું દોડીશ તો શું એ અટકી જવાનું છે? મકાનની સાથે શું હું મનની શાંતિને પણ સળગવા દઉં? ગમે તેટલું દોડું પણ મકાન હવે બચવાનું નથી એટલે મને તો એક જ વાતની ખેવના છે કે હું મારી જાતને બચાવી લઉં.'
વિદ્યાસાગર પણ આ બંનેની વાત સાંભળતા પાછળ પાછળ ચાલતા હતા. એમના હૃદયને આ વાત સ્પર્શી ગઇ. એમને થયું કે આ માણસ પોતાનું ઘર સળગી રહ્યું છે અને ચાલ છોડવા કે બદલવા માટે રાજી નથી જ્યારે મારા તો ઘરમાં કોઇ આગ પણ નથી લાગી અને કશું જ નુકસાન પણ નથી થવાનું છતાં એક નાનકડી વાત માટે હું મારો જિંદગી ભરનો લેબાસ બદલવા તૈયાર થઇ ગયો છું?.. ના, કાલે હું મારા કાયમના પહેરવેશ સાથે જ જઇશ.'
ઓશો આ પ્રસંગના અનુસંધાનમાં કહે છેઃ નાની નાની વસ્તુ માટે આપણે મહત્ત્વનો ફેરફાર કરવાય રાજી થઇ જતા હોઇએ છીએ. થોડાક પૈસા મળતા હોય તો ખોટું બોલતાં કે કરતાં પણ આપણે અચકાતા નથી. જીવનની નાની નાની વાતોને મૂલ્યવાન માની આપણે ધ્યાન, શાંતિ, પરમાત્મા, પ્રેમ કે ધર્મ જેવી મહાન કે અમૂલ્ય વાતોનેય છોડી શકીએ છીએ.
દિવસમાં એકાદ કલાક ધ્યાન કરવું હોય કે અંતરની શાંતિ માટે સમય આપવાનો હોય તો આપણી પાસે સમય નથી. પણ ક્યાંક થોડાક પૈસા મળતા હોય, થોડી ક્યાંક 'વાહ... વાહ...' થતી હોય, વ્યાવહારિક રીતે ક્યાંક કોઇને માઠું લાગી શકે તેમ હોય તો ગમે ત્યાંથી સમય બચાવીને પણ આપણે એ કામ કરવાના જ.
તમે કઇ વાતને વધુ મૂલ્ય આપો છો એના પર તમારા સમગ્ર જીવનનો આધાર છે. ધ્યાન, શાંતિ, પ્રેમ વગેરેને મૂલ્યવાન માની તમે સામાજિક દ્રષ્ટિએ મૂલ્યવાન લાગતી વાતોને છોડી શકો છો કે કેમ એનો આધાર તમે કઇ બાજુ ઝૂકો છો તેના પર છે.
તમારે કશુંક મૂલ્યવાન જોઇતું કે સાચવવું હોય તો એના માટે કશુંક ચૂકવવું કે છોડવુંય પડે છે.
ક્રાન્તિબીજ
શ્રદ્ધા હોય તો પછી શંકા ન કર,
ગીતામાં કૃષ્ણના સહી સિક્કા ન કર!
તું જીવી ના શકીશ માણસ વગર...
ફેફસાં છે તું... નાક સાથે 'કિટ્ટા' ન કર!
- દિનેશ પાંચાલ
Sent from my h.mangukiya