દેહ અને આત્માની ભિન્નતાનો વિચાર વિક્ષુબ્ધ હૃદયને એક પ્રકારની શાંતિ અર્પે છે. ભારતીય તત્ત્વજ્ઞાાનમાં આ વિષયમાં ઘણી ઊંડી વિચારણા કરવામાં આવી છે અને એમાં કહ્યું છે કે 'મનુષ્યનો આ આત્મા જન્મરહિત, મૃત્યુરહિત શાશ્વત અને નિત્ય છે.
'
તમે તમારા જીવનની કે હું મારા જીવનની કિતાબ ખોલું, ત્યારે એમાં કેટલીય આઘાતજનક ઘટનાઓ જોવા મળે છે! માતાનું મૃત્યુ હૃદયને વલોવી નાખે છે, તો પિતાનું અવસાન માથા પરથી છત્રછાયા ગુમાવ્યાનો અહેસાસ આપે છે. કોઈ પ્રિયજનને એકાએક પેરાલિસિસ થાય કે કોઈ સ્વજનનું અકસ્માતમાં મૃત્યુ થાય, ત્યારે વ્યક્તિ આખી ને આખી ભાંગી પડે છે. જેની સાથે જિંદગીમાં દોસ્તીનો સંબંધ હોય, જેના આપણા પર અનેક ઉપકારો હોય અને જેના પ્રત્યે આપણને અગાધ પ્રેમ હોય, એના અવસાનથી હૈયું કેટલું બધું વિચલિત થઈ જાય છે!
ધરતીકંપ થાય અને આઠ કે દસ માળના ફ્લેટ ધરાવતી ઈમારત ચપટી વગાડીએ એટલા સમયમાં જમીનદોસ્ત થઈ જાય અને એના ભંગારની નીચે અનેક માણસો દટાઈને મૃત્યુ પામે એ સમાચાર તો આઘાતજનક લાગે, પરંતુ જ્યારે એવી જાણ થાય કે એની અંદર આપણા ભાઈ કે પિતા પણ દટાઈ ગયા છે, ત્યારે હૃદયની કેવી દારુણ સ્થિતિ થાય! આપણી આંખ એની એ જ હોય, પણ ચોતરફ ઉદાસીનતા લાગવા માંડે. થોડી મિનિટો પહેલાં જેવું મન હતું, એ જ મન હોય, પરંતુ એ જાણે મૃતપ્રાય થઈ ગયું હોય એમ લાગે. આપણો દેહ ચેતનવંતો હોવા છતાં એમ લાગે કે આપણો દેહ શબવત્ બની ગયો છે.
એ ક્ષણોમાં આપણી નોકરી, કીર્તિ, પ્રસિદ્ધિ, સિદ્ધિ કોઈનું સ્મરણ થતું નથી. એ કારમો આઘાત માનવીને એટલો બધો ધુ્રજાવે છે કે એમાંથી બહાર નીકળવું એને માટે મુશ્કેલ બને છે. ચોતરફ એકાએક રોકકળનું વાતાવરણ સર્જાય છે. ઘર કે સ્મશાન આક્રંદથી ઉભરાઈ જાય છે. આ આઘાત અનુભવનારી વ્યક્તિ થોડી શાંત થાય છે અને પછી એના મનમાંથી પ્રશ્નોની ઝડી વરસવા લાગે છે.
એને પહેલો પ્રશ્ન એ થાય છે કે દુનિયામાં કોઈને ય આઘાત લાગે નહીં અને મારે શા માટે આટલું બધું સહેવાનું આવે?
એમાંથી એ વિચારે છે કે આ જગતમાં ન્યાય જેવી વસ્તુ નથી. પરમાત્માનું નામનિશાન નથી. લોકો જેને 'ઈશ્વર' કહે છે, એ તો સાવ પોકળ વાત છે. જો ભગવાન હોય તો પણ તે અત્યંત અન્યાયી છે.
અરે! એ સારા માણસને દુઃખી કરે છે અને દુષ્ટને સુખી કરે છે. ક્યારેક એવો પણ વિચાર કરે કે હવે જો જગત આટલું બધું દુઃખમય હોય અને પોતે આટલો બધો નિરાધાર હોય, તો પછી જીવવાનો શો અર્થ? જો જીવનમાં ઉમદાં કાર્યો કરનાર ભગવાન બુદ્ધ, સૉક્રેટિસ, મહાત્મા ગાંધીજી, સ્વામી દયાનંદ સરસ્વતી, અબ્રાહમ લિંકન જેવાને કેટલું બધું સહન કરવું પડયું. જો જિંદગીમાં દુઃખનો ભાર જ વેંઢારવાનો હોય તો પછી એવી જિંદગી કરતાં તો મોત સારું.
જીવનમાં આવતી આવી આઘાતની ઘટનાઓ સમયે કોઈ ધર્મગ્રંથ પાસે જાય છે. કોઈ ધર્મોપદેશક પાસે જાય છે, તો કોઈ ભક્તિ કે દાનથી આશ્વાસન મેળવવા ચાહે છે.
એક જ્ઞાાની તરીકે આ ઘટનામાંથી શું તારવી શકાય અને એ વ્યક્તિને આ ઘટનાનો તાગ કઈ રીતે સમજાવી શકાય એ વિચારવું જોઈએ. સૌપ્રથમ તો એને દેહ અને આત્માની ભિન્નતા સમજાવવી પડે છે. જો માત્ર દેહ સુધી જ એની દ્રષ્ટિ હોય, તો તો દુઃખ થાય. પરંતુ એ દેહમાં વસતા આત્મા તરફ એની દ્રષ્ટિ હોવી જોઈએ. આત્મતત્ત્વની શાશ્વતતાનો એણે ખ્યાલ આપવો જોઈએ. જો આત્મતત્ત્વની શાશ્વતતાનો એને ખ્યાલ આપવો જોઈએ. જો આત્મતત્ત્વ જાણે, તો જ વ્યક્તિ એના જીવનને જાણી શકે છે.
આથી જ 'કેનોપનિષદ'માં કહ્યું છે,
'ઈહ ચેદવેદીદથ સત્યમસ્તિ
ન ચેદિદાવેદીન્મહતી વિનષ્ટિઃ ।'
અર્થાત્ 'જો તમે આ મનુષ્યજન્મમાં આત્મતત્ત્વને જાણો છો, તો તમે કુશળ છો. જો એને જાણ્યો નથી તો મહાવિનાશ છે.'
આ રીતે સંતપ્ત વ્યક્તિએ એની વિચારધારા મૃત વ્યક્તિના દેહને બદલે એના આત્મતત્ત્વ પર ઠેરવવી જોઈએ. દેહ ભલે ભસ્મીભૂત થયો, પરંતુ એનું આત્મતત્ત્વ તો અમર છે. આથી જ એને સમજાવી શકાય કે એક દેહના ખોળિયામાંથી નીકળીને આત્મા બીજો દેહ ધારણ કરે છે. એક જગાએથી વિદાય પામીને એ બીજી જગાએ જાય છે. જૂનાં વસ્ત્રો ત્યજીને એ નવાં વસ્ત્રો ધારણ કરતો હોય છે.
એણે આ દુનિયાનું પોતાનું કામ પૂર્ણ કરીને વિદાય લીધી છે અને હવે એ બીજી દુનિયામાં પોતાના કામ માટે ગયો છે, ત્યારે એના પર આંસુ સારવાનો શો અર્થ? પતિ આજીવિકા માટે નોકરીએ જતો હોય અને એની પત્ની એનો હાથ ખેંચીને પાછો ઘરમાં લાવે, તો કેવું થાય? એ કામે જતો હોય, ત્યારે એને રોકી શકાય ખરો? હવે જ્યારે એ જીવાત્માએ આ સંસાર છોડવાનું નક્કી કર્યું હતું, ત્યારે હું એને કઈ રીતે આ ભવભ્રમણયુક્ત સંસારમાં ખેંચી શકું? અને આવી રીતે એના આત્માને રોકવો યોગ્ય ગણાય?
આનું કારણ એ કે આ જગત એ મિથ્યા કે ભ્રામક છે. આત્મા એ જ સત્ય છે અને આવો વિલાપ કરીને પણ આત્માને અસત્ય ઠેરવી શકવાના નથી. એના દેહને પાછો બોલાવી શકવાના નથી. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે,
'ઇતો ન કિંચિત્ પરતો ન કિંચિદ્
યતો યતો યામિ તતો ન કિંચિત્ ।
વિચાર્યમાણં હિ જગન્ન કિંચિત્
સ્વાત્માવબોધાદધિકં ન કિંચિત્ ।।'
'અહીં કશું નથી, ત્યાં કશું નથી. જ્યાં જાઓ છો ત્યાં પણ કશું નથી. વિચાર કરવાથી એમ લાગે છે કે જગત કશું છે જ નથી, આત્મજ્ઞાાન સિવાય અહીં બીજું કશું નહિ.'
આ રીતે દેહ અને આત્માની ભિન્નતાનો વિચાર વિક્ષુબ્ધ હૃદયને એક પ્રકારની શાંતિ અર્પે છે. ભારતીય તત્ત્વજ્ઞાાનમાં આ વિષયમાં ઘણી ઊંડી વિચારણા કરવામાં આવી છે અને એમાં કહ્યું છે કે 'મનુષ્યનો આ આત્મા જન્મરહિત, મૃત્યુરહિત શાશ્વત અને નિત્ય છે.'
અહીં સવાલ માત્ર આત્મજ્ઞાાનનો છે. આ આત્મજ્ઞાાન ગ્રંથો પાસેથી મળે છે. 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' કે 'મુંડકોપનિષદ'માં એ પ્રાપ્ત થાય છે, પરંતુ પછી એ પ્રાપ્ત થયેલા જ્ઞાાનને એણે પોતાના અનુભવની દુનિયામાં ઉતારવાનું હોય છે. જો એનો સ્વયં અનુભવ કરે નહીં, તો એને મૃત્યુ અતિ ભયાવહ લાગશે, કારણ કે એની જીવનસંબંધી સઘળી વિચારણા માત્ર ને માત્ર શરીરલક્ષી હશે.
શરીરને જ સર્વસ્વ માનીને એ ચાલ્યો હશે. શરીરની ચિંતા, શરીરનો આનંદ અને શરીરની સુંદરતાનો જ એણે વિચાર કર્યો હશે. જે વ્યક્તિની દ્રષ્ટિ માત્ર શરીરની આસપાસ ઘૂમતી હોય, એનું સંપૂર્ણ જીવન દેહમય હોય, રાતદિવસ પળેપળ એણે શરીરના સુખ અને દુઃખનો વિચાર કર્યો હોય, એને આત્માની ઓળખ નહીં હોય, આથી સ્વજનના મૃત્યુનો અનુભવ સ્વજનની ગેરહાજરી સુધી મર્યાદિત રહેશે. એના પર પોતાના સુખનો કેટલો બધો આધાર હતો એ વિચારણામાં જ મન અટવાઈ જશે. હવે એને નહીં જુએ, તો એને દુનિયા આખી ખાલી લાગશે. આમ, દેહસંલગ્નને પોતાનું જીવન અકારું કે અશક્ય લાગશે, કારણ કે એના દેહની સાથે એનું જીવન જોડાયેલું હતું. દેહની મમતા કહો તો મમતા અને દેહનો વિલાપ કહો તો વિલાપ, પણ એની સાથે એનો બંધ બંધાયેલો હતો. હવે એ બંધ છૂટી જતાં એના માથા પર આકાશ પડયું હોય એવો અનુભવ થશે.
નરસિંહ મહેતાએ કહ્યું છે કે, 'જ્યાં લગી આતમા-તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.' એમની આ વાણી અધ્યાત્મસાધકોને ઉદ્દેશીને કહેવાઈ છે, પરંતુ હકીકતમાં તો સહુ કોઈને માટે આત્માની ઓળખ અનિવાર્ય છે.
આ રીતે વ્યક્તિએ વિચાર કરવો પડે છે કે જે જુએ છે તે સત્ય નથી. જે દેખાતું નથી તે સત્ય છે. વ્યક્તિનું સાચું સ્વરૃપ એની ભીતરમાં વસે છે અને એટલે જ વ્યક્તિની સાચી ઓળખ એના આત્મામાં છે. આ આત્માની ઓળખ એને દેહની ભંગુરતાનો ખ્યાલ આપશે અને અણધાર્યા આઘાતમાંથી બહાર નીકળવાની એક દ્રષ્ટિ આપશે. પરંતુ આ તો મૃત્યુ પ્રત્યેના જ્ઞાાનીના વિચારનો એક અંશ થયો. એના વિરાટ જગતમાં હવે પછી વિહાર કરીશું.
Sent from my h.mangukiya