17/11/2013

રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત

લંકામાં સર્વની ઉપસ્થિતિમાં સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના અખંડ સતીત્વની ખાતરી તો કરાવી જ હતી. પછી તો આપણે એમ કહીને આપણા મનને મનાવવું પડે કે અવતારી આત્માઓનાં જીવન લોકોત્તર હોય છે. તે સમજી શકવા આપણે સમર્થ નથી. વળી આવા મહાત્માઓના જીવનને મૂલવનાર આપણે કોણ ?

રામાયણ અને મહાભારત વચ્ચે પાયાનો તફાવત છે. રામાયણમાં  આદર્શ જીવનનું દર્શન થાય છે. જ્યારે મહાભારતમાં વ્યવહારની વાત વધારે દેખાય. ભારતમાં  આ બંને મહાકાવ્યો અમર છે અને લોકજીવન સાથે વણાઇ ગયેલાં છે. તેમની અસર આજ સુધી પ્રજાજીવન ઉપર પડતી રહી છે. તેમાં કંઇ આશ્ચર્ય નથી. રામાયણના પાત્રોમાં રામ તો મર્યાદા પુરુષોત્તમ છે પણ રામાયણનું દરેક પાત્ર પોતાના જીવન દ્વારા એક આદર્શ લઇને ઉપસ્થિત થાય છે. આપણે એમાંથી એક બે વાતો ઉપર વિચાર કરીએ.
હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં લંકા જવા માટે નીકળે છે. ત્યારે તેમના મનમાં એક પ્રશ્ન થાય છે કે મેં સીતામાતાને તો જોયા નથી પછી તેમને ઓળખીશ કેવી રીતે અને ઓળખ્યા વિના ભાળ કેમ મળે ?  તેથી તેમણે શ્રીરામચંદ્રજીને સીતામાતાનું કંઇ એંધાણ આપવા વિનંતી કરી. શ્રીરામે સીતાજીના સ્વરૃપનું વર્ણન કરવા માંડયું. તે અતિસુંદર છે. ગોરે વર્ણ છે. તેમની આંખો ....''
હનુમાનજીએ વચ્ચે બોલતા જણાવ્યું, ''પ્રભુ ! આ વર્ણન મારે કામ નહિ લાગે. મેં સૌન્દર્યની નજરથી કોઇ સ્ત્રી સામે જોયું નથી. અને જોતો પણ નથી. માટે તમે કંઇ એવું લક્ષણ બતાવો કે જે જોઇને હું નિઃશંક થઇને જાણી શકું કે આજ મારાં સીતા માતા છે.
ત્યારે શ્રીરામે હનુમાનને કહ્યું, ''સીતાજી જ્યાં વસતાં હશે તે કુટિર હોય કે કેદ હોય પણ તેની પ્રત્યેક દીવાલમાંથી  'શ્રીરામ- શ્રીરામ' એવો ધ્વનિ નીકળતો હશે. તું જરા ધ્યાન દઇને સાંભળજે. તને  અચૂક સંભળાશે. સીતાજી મારી ઉપસ્થિતિના અભાવમાં નિરંતર મારા નામનું રટણ કરતાં રહે છે અને તેમના નામ રટણમાં એટલી તાકાત હોય છે કે તેનાથી આસપાસનું જડ-ચેતન બધું 'શ્રી રામના' નામથી ભાવિત થઇ જાય છે. હનુમાન ! જો સીતાજી વન- ઉપવનમાં હશે અને ત્યાં તેમને બંદી બનાવીને રાખ્યા હશે તો ત્યાંના પ્રત્યેક ઝાડ- પાન વગેરેમાંથી શ્રીરામ શ્રીરામ નો ધ્વનિ નિરંતર નીકળતો હશે. જ્યાં સમગ્ર પંચમહાભૂતમાં 'શ્રીરામ' ના નામનો ધ્વનિ ગૂંજતો સંભળાય તો તારે અવશ્ય માની લેવું કે સીતાજી ક્યાંક નજીકમાં જ વસતાં હશે. સીતાજીને ઓળખી કાઢવામાં એ રીતે તને કોઇ તકલીફ નહિ પડે.
અહી આપણને એવો વિચાર સ્હેજે આવ્યા વિના ન  રહે કે આવા અલૌકિક પતિપરાયણ  સીતાજીનો શ્રીરામે અયોધ્યાના રાજા બન્યા પછી ત્યાગ કર્યો તેમાં કેટલું ઔચિત્ય ગણાય ? ભગવાન શ્રીરામ તરફ આપણને ભક્તિભાવ હોય તે સ્વભાવિક છે પણ એક ધોબી, તેની પત્ની સાથેના કલહમાં શ્રીરામનો જે રીતે ઉલ્લેખ કર્યો તે વાત સાંભળીને શ્રીરામ, સીતાજીનો ત્યાગ કરવા તત્પર થઇ ગયા એ વાત આપણા ગળે ઝટ ન ઊતરે. એ વાત આપણને કઠે, વિચારશીલ વ્યક્તિને એવુ લાગે કે અહી ઔચિત્ય ન જળવાયું. જરા ઉતાવળ થઇ ગઇ. ભક્તિભાવને બાજુએ રાખીએ તો વ્યવહારિક દ્રષ્ટિએ શ્રીરામનો આ રીતનો સીતાત્યાગ ન્યાયી નથી લાગતો.
વળી લંકામાં સર્વની ઉપસ્થિતિમાં સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના અખંડ સતીત્વની ખાતરી તો કરાવી જ હતી. પછી તો આપણે એમ કહીને આપણા મનને મનાવવું પડે કે અવતારી આત્માઓનાં જીવન લોકોત્તર હોય છે. તે સમજી શકવા આપણે સમર્થ નથી. વળી આવા મહાત્માઓના જીવનને મૂલવનાર આપણે કોણ ? છેવટે આપણી પાસે એક ઉત્તર રહે કે તે તો તેમની લીલા હતી અને એ રીતે સમાધાન લઇએ તેમાં ખોટુંય નથી. આપણે તો તેમનાં જીવન અને હવનમાંથી સાર તત્વને ગ્રહણ કરીને આપણું જીવન સફળ કરી લઇએ એ જ ઇષ્ટ છે.
આ સંદર્ભમાં રામાયણનો સીતા ત્યાગનો પ્રસંગ આપણા ધ્યાન ઉપર આવ્યા વિના રહેતો નથી. શ્રીરામચંદ્રજી લોકાપવાદને કારણે સીતાજીનો તેમને કંઇ કહ્યા વિના ત્યાગ કરે છે અને તેમને વનમાં છોડી દેવા માટે લક્ષ્મણને આજ્ઞાા કરે છે. લક્ષ્મણ કમને રાજારામની આજ્ઞાાને માથે ચઢાવીને સીતાજીને વનમાં લઇ જાય છે અને ત્યાં તેમને વંદન કરીને કહે છે, 'માતાજી ! પ્રભુએ તમારો ત્યાગ કર્યો છે અને તમને અહી છોડી જવાની મને આજ્ઞાા કરી છે. તે સમયે સીતાજી ક્ષણવાર સ્તબ્ધ થઇ જાય છે. પળમાં સ્વસ્થ થઇ જતાં તેઓ લક્ષ્મણજીને કહે છે, પ્રભુએ જે કર્યું તે ઠીક જ હશે. પણ મારા ઉદરમાં તેમનું તેજ છે તેથી મારાથી જીવન નહિ ટૂંકાવી શકાય. પણ મને હવે એ વાતની ચિંતા થાય છે કે મારા સિવાય શ્રીરામની સેવા કોણ કરશે ? મારી સેવા વિના તેમને રાત્રે ઊંઘ નહિ આવે. મારો આ અધિકાર લક્ષ્મણજી હું તમને આપું છું. તમે શ્રીરામની નિત સેવા કરજો. આ વાત સાંભળતા લક્ષ્મણ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે.  
આખીય વાતની સમાલોચના કરતાં આપણે એમ પણ વિચારી શકીએ કે કદાચ આ આખીય વાતની પાછળ આત્મા અને પરમાત્માના વિરહનો ભાવ રહેતો હશે જેને  મહર્ષિ વાલ્મિકીએ માનવીય ભાવમાં ઊતાર્યો હશે અને તેને અનુરૃપ ઘટના ક્રમનું આયોજન કર્યું હોય. જો કે આ રહી તાત્ત્વિક વાત પણ જીવન આદર્શ અને વ્યવહાર બંનેને આધારે નભે છે.  જીવનમાં નિશ્ચય અને વ્યવહાર બંનેને સાચવીને જીવીએ તો વધારે સફળ થઇએ અને સ્વસ્થ પણ બની રહીએ. આ પ્રસંગને ભલે આપણી રીતે મૂલવીએ પણ તેમાંથી જે કંઇ ઉત્તમ લાગે તેને ગ્રહણ કરી લઇએ તે જ ઇષ્ટ છે. બાકી આપણે જીવવાનું છે સંસાર વચ્ચે એટલે પરમાર્થ ઉપર ભલે નજર રાખીએ પણ એ ન ભૂલી જઇએ કે આપણા પગ ધરતી ઉપર વ્યવહારમાં છે. જીવનમાં જ સમન્વય સાધી જાણે છે તે જીવી જાણે છે.

Sent from my h.mangukiya