28/11/2018

આવાઝ દેને સે હી કારવાં રુકા નહીં કરતે, દેખા યે ભી જાતા હૈ કિ પુકારા કિસને.......

આવાઝ દેને સે હી કારવાં રુકા નહીં કરતે, દેખા યે ભી જાતા હૈ કિ પુકારા કિસને.......

 
  
શિકવા શાનબાગ સામે આખી કોલેજના તમામ યુવાનોને એક જ ફરિયાદ હતી: 'દેખાવમાં જ સુંદર છે, બાકી સ્વભાવથી તો ઘોલરિયું મરચું છે! એની પાસે બીજું બધું જ છે. આકર્ષક વ્યક્તિત્વ, રૂપનો ખજાનો, લાવણ્યથી છલકાતાં અંગો, મારકણી અદા, કોતરોની વચ્ચેથી વહેતી નદીના પ્રવાહ જેવા વળાંકો લેતી ચાલ, ચુંબક જેવો ચહેરો અને પુરુષને જખ્મી કરી દેતી નજર! બધું જ છે. પણ એની પાસે એક વસ્તુ નથી. એની ડિક્ષનેરીમાં 'હા' જેવો શબ્દ નથી. જીભ પર પ્રેમનો સ્વીકાર નથી. એના હૈયામાં કોઇના સ્નેહનો ઊઠતો પડઘો નથી. આવી રૂપસુંદરી કોલેજમાં હોય કે ન હોય, શો ફર્ક પડવાનો?'
ધોશિકવાને પામવા દર મહિને એક મરજીવો મેદાનમાં ઊતરતો ગયો. મહોબ્બતના મહાસાગરમાં સૌંદર્યનું મોતી પામવા માટે ઝંપલાવતો રહ્યો
શિકવા શાનબાગ માટે આવી શિકાયત લઇને ફરનારા યુવાનો બહુમતીમાં હતા; એમાંના દરેક ક્યારેક, કોઇ કમજોર ક્ષણોમાં શિકવાની પાસે જઇને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી આવ્યા હતા. તમામના અનુભવો કડવા સાબિત થયા હતા. એમાંથી કેટલાક હીરાઓના અનુભવો તો એવા ખરાબ હતા કે એ જાણ્યા પછી બીજાઓની છાતી બેસી જાય.
દસેક વર્ષ પહેલાંની ઘટના. આજે પણ કોલેજ કેમ્પસમાં ઓથાર બનીને છવાઇ ગઇ છે. સવારના પહોરમાં એંશી લાખની કારમાં બેસીને અમન મારફતિયા નામનો નબીરો કોલેજમાં દાખલ થયો. કોમન પાર્કિંગ પ્લોટથી દૂર અલગ જગ્યા પર અમીર પિતાએ સ્પેશિયલ બનાવડાવેલા પાર્કિંગમાં એણે કાર પાર્ક કરી. ડિઝાઇનર કપડાં અને ચમચમતાં શૂઝમાં અમન કારમાંથી બહાર આવ્યો. એ જ સમયે રાજકુંવરીની અદામાં ચાલતી શિકવા મેઇન ગેટમાંથી દાખલ થઇ.
અમન એની દિશામાં આગળ વધ્યો. અમનના હાથમાં એક મોટું ગિફ્ટ પેકેટ હતું, એની ચાલમાં રુઆબ હતો, આંખોમાં વિજેતાનો આત્મવિશ્વાસ અંજાયેલો હતો. અને એની 'બોડી લેંગ્વેજમાંથી' બાપકમાઇનું અભિમાન ઉભરાતું હતું.
'હાય, શિકવા!' એણે કોઇ જ જાતની પૂર્વભૂમિકા બાંધ્યા વગર સીધું જ શરૂ કરી દીધું, 'માય સેલ્ફ અમન! અમન મારફતિયા!'
'જેમ્સ બોન્ડના વહેમમાં લાગો છો.' શિકવાએ કટાક્ષનો ચાબુક ફટકાર્યો.
હોલિવૂડની ફિલ્મોમાં જેમ્સ બોન્ડ એની સ્ટાઇલ માટે પ્રખ્યાત હતો. એ હંમેશાં પોતાનો પરિચય આ રીતે જ આપતો હતો: 'માય નેઇમ ઇઝ બોન્ડ! જેમ્સ બોન્ડ!' (એ પછી ફિલ્મ 'બોબી'માં એની નબળી નકલ કરીને પ્રેમ ચોપરા પણ છવાઇ ગયો હતો) પણ એનું અનુકરણ કરવાનું અમન મારફતિયાને ભારે પડી ગયું. આ છટકેલી ખોપડીએ એનું મોં તોડી લીધું.
પણ પ્રેમનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને! એ ન્યાયે અમન પોતાનું 'ઓવન ફ્રેશ' અપમાન ગળી ગયો અને હાથમાંનું ગિફ્ટ બોક્સ શિકવાની સામે ધરીને શક્ય એટલા મૃદુ અવાજમાં બોલી રહ્યો, 'ધિસ ઇઝ ફોર યુ, શિકવા.'
'શું છે એમાં?' બીજું છાસિયું.
'ડિઝાઇનર ડ્રેસ છે. પપ્પાએ નવો રેડીમેઇડ ગાર્મેન્ટ સ્ટોર ખોલ્યો છે. આ પિસ સૌથી મોંઘો છે. આખા દેશમાં આ પ્રકારની ડિઝાઇનવાળો બીજો ડ્રેસ જોવા નહીં મળે. ઇટ કોસ્ટ્સ ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીઝ.'
ત્રીજું છાસિયું, 'આવો યુનિક પિસ મને ગિફ્ટમાં આપવાનું કારણ હું જાણી શકું?'
'પપ્પા તો એવું કહેતા હતા કે આ ડ્રેસ કોઇ ધનવાન બાપની દીકરી કે વહુ ખરીદી લેશે, પણ મેં એમને કહી દીધું- 'નો, પપ્પા, નો! આ ડ્રેસ તો કોઇ સ્ત્રી માટે નથી સર્જાયો, આ તો આપણા શહેરની સૌથી શ્રેષ્ઠ...'
જે મોકાની તલાસ હતી એ શિકવાને મળી ગયો, એણે બોક્સ અમનના હાથમાંથી ખૂંચવી લીધું, પછી અર્ધા કિલોમીટરના ઘેરાવામાં સંભળાય તેવા મોટા અવાજમાં એણે ત્રાડ પાડી, 'આપણા શહેરની સૌથી શ્રેષ્ઠ સ્ત્રી તારા માટે તો તારી મમ્મી જ ગણાય જેણે તને જન્મ આપ્યો છે. જા, આ ડ્રેસ તારી માને પહેરાવજે!' આવું કહીને શિકવાએ બોક્સ અમનના થોબડા પર ફટકાર્યું. અને એ પગ પછાડતી ક્લાસરૂમ તરફ ચાલી ગઇ.
આસપાસના અરધા કિમીના પરીઘમાં જે ત્રાડ સંભળાણી, એની ગુંજ બાકીના કેમ્પસમાં ફરી વળી. છોકરાઓની વાત જવા દો, કોલેજની છોકરીઓ પણ શિકવા સાથે વાત કરતાં ડરવા લાગી.
પણ એમ કંઇ ચોરાનો વંશ ખાલી થોડો રહે? બે મહિનામાં જ આ ઘટનાની ધાક ભુલાઇ ગઇ. બીજો એક મરજીવો મેદાને પડ્યો. નામ? સાચું નામ રજિસ્ટરમાં જ સીમિત હતું. કોલેજમાં સહુ એને શાયર તરીકે જાણતા હતા. તખલ્લુસ 'શહીદ'. ગુજરાતે મરીઝ અને ઘાયલને તો જાણ્યા છે, પણ આ જનાબ તો એમનાથી પણ એક ડગલું આગળ વધ્યા. સાવ શહીદ જ થઇ ગયા.
કહેવાય છે કે સાચો શાયર મર્દ હોય છે, એ કોઇથી ડરતો નથી. શહીદ સાહેબ પણ એક દિવસ મરવાની તૈયારી સાથે નીકળ્યા અને કોલેજની લોબીમાં બહેનપણી સાથે ઊભેલી શિકવાની સામે જઇને ઊભા રહી ગયા.
'શું છે?' શિકવાને લાગ્યું કે કોઇ ગરીબ માણસ ભીખ માગવા માટે આવ્યો છે. તેણે પર્સમાંથી પચાસની નોટ કાઢીને 'ભિખારી'ની સામે ધરી દીધી.
'સોરી, તમારી ગેરસમજ થાય છે.' શાયરના મુખેથી મિસરો ટપક્યો, 'નથી હું ભિખારી, ન માગું હું રૂપિયા, હું તો છું યાચક તમારા આ રૂપનો!' આટલું કહીને એણે બગલથેલામાંથી સો જેટલા કાગળોની થોડકી કાઢી અને શિકવાના હાથમાં થમાવી દીધી, 'આ કાગળોમાં મારી લાગણી વિસ્તરેલી છે. એ શબ્દો નથી, મારાં સ્વપ્નો છે. આ ગઝલો શાહીથી નથી લખાઇ, મારા અશ્રુઓથી લખાઇ...'
ત્યાં તો પડી એક એના ડાચા ઉપર! પછી બીજી, ત્રીજી, ચોથી...! કવિને તમ્મર ચડી ગઇ. ઉપરથી શબ્દોનો વરસાદ તો ચાલુ જ હતો, 'તારું મોં જોયું છે ક્યારેય અરીસામાં? સાલા, ભિખારો લાગે છે ભિખારો! આ દુકાળિયા જેવું ડાચું. આ બકરા દાઢી. આ મેલાંઘેલાં કપડાં. તૂટેલી પટ્ટીવાળા ચંપલ. શું સમજીને નીકળી પડ્યો હશે? તને તો કોઇ શાકવાળી શાક પણ ન આપે, હું તને મારો હાથ આપતી હોઇશ? ફૂટ અહીંથી નહીંતર...'
ત્યાં સુધીમાં શહીદ સાહેબ એના ઘરના મારગે અડધે સુધી પહોંચી ગયા હતા. બીજા દિવસથી એમની શાયરીમાં જે દર્દ ઉમેરાયું તે ખરેખર આત્મનુભૂતિનું હતું.
એ પછી તો દર મહિને એક મરજીવો મેદાનમાં ઊતરતો ગયો. મહોબ્બતના મહાસાગરમાં સૌંદર્યનું મોતી પામવા માટે ઝંપલાવતો રહ્યો અને શારીરિક માર તેમજ માનસિક ઉઝડરા સાથે સ્વસ્થાને પાછો ફરતો રહ્યો. કોઇ 'વેલેન્ટાઇન ડે'નું ગ્રીટિંગ્ઝ કાર્ડ લઇને ગયો અને ઇમ્પ્રેસ કરવા માટે બોલી ગયો, 'પાંચ હજાર રૂપિયાનું છે. ખાસ તારા માટે...'
એક થપ્પડ, બે ચંપલ અને ત્રણ વાક્યોનો માર વરસ્યો, 'પાંચ હજારમાં પ્રેમિકાને ખરીદવા નીકળ્યો છે? સાલા અડબંગ! તારા જેવો લલ્લુ જો પાંચ કરોડ ખર્ચીને મારા ઘરે જાન લઇને આવે તો પણ હું તને લીલા તોરણે પાછો કાઢું.'
પછી તો પૂરી કોલેજમાં યુવાનોના મુખેથી એક જ ફરિયાદ હતી, 'દેખાવમાં જ સુંદર છે, બાકી સ્વભાવની તો ઘોલરિયું મરચું છે... એની પાસે બધું જ છે, પણ એની અંગત ડિક્ષનેરીમાં 'હા' જેવો શબ્દ જ નથી.'
જો ઇચ્છ્યું હોત તો શિકવાએ કોઇ પણ ધનવાન બાપના નબીરાને પતિ તરીકે પસંદ કરી લીધો હોત; પણ એની પસંદ અલગ હતી, એના વિચારો જુદા હતા, એના આદર્શો અનોખા હતા.
કોલેજકાળ પૂરો થઇ ગયો. શિકવાના પપ્પાએ કહી દીધું, 'દીકરી, તારે હવે આગળ ભણવાની જરૂર નથી. તારા માટે યોગ્ય મુરતિયો શોધીને, લગ્ન કરીને...'
મુરતિયાઓ તો ઘણા હતા. શિકવાનો હાથ પામવાની ઇચ્છા કોને ન હોય? પણ એની જ્ઞાતિમાં દહેજપ્રથા હતી જે શિકવા જેવી સુંદર કન્યા માટે પણ બાકાત ન હતી.
શિકવાના પપ્પા ઢીલા પડી ગયા, 'બેટા, શું કરીશું? તારા માટે જે સુયોગ્ય પાત્રનું માગું આવે છે તે એક કરોડનું દહેજ માગે છે. જે છોકરો ઓછામાં હા પાડે છે તે તારી સાથે શોભે તેવો નથી હોતો. મારી ઇચ્છા એવી હતી કે મારી રાજકુંવરી જેવી દીકરી માટે હું બંગલો, ગાડી અને નોકર-ચાકરવાળું ઘર શોધું. પણ મોટા બંગલાવાળા તો વધુ મોટા ભિખારીઓ નીકળે છે. તારું શું થાશે?'
પિતાના મનની ચિંતાના ઉકેલ જેવો એક મુરતિયો સામે ચાલીને આવી ગયો.
આકાશ તેજસ્વી હતો. ફિલ્મી હીરો જેવો હેન્ડસમ તો ન હતો, પણ ઠીક ઠીક સારો દેખાતો હતો. ઘરની સ્થિતિ બહુ સધ્ધર ન હતી, તો સાવ કંગાળ પણ ન હતી. ચારિત્ર્યમાં સોનું હતો, સ્વભાવે હસમુખો, લાગણીશીલ અને મિલનસાર.
એક રવિવારે એ એકલો જ મળવા માટે આવ્યો. શિકવાનાં મમ્મી-પપ્પાને મળ્યો, 'માફ કરજો, વડીલ! વગર બોલાવ્યે આવ્યો છું. છેલ્લા બે-ત્રણ મહિનાથી મારા કાનમાં તમારી દીકરી વિશે ચાલતી વાતો અથડાતી રહી છે. હું બાપકમાઇવાળો નબીરો નથી જે લગ્નની પ્રથમ રાતથી જ તમારી દીકરીને રાણીની માફક રાખી શકું. પણ હું ભણવામાં બ્રિલિયન્ટ છું. એક મહિના પહેલાં જ સિવિલ સર્વિસ માટે સિલેક્ટ થયો છું. જો શિકવાને શરૂઆતી સંઘર્ષ સામે વાંધો ન હોય તો મારા માટે હા પાડી શકે છે. હું વચન આપું છું કે હું તમારી દીકરીના માથા પર સંજોગોનો આકરો તાપ ક્યારેય પડવા નહીં દઉં.'
'હા, પણ તું... તમે આટલું બધું ભણેલા છો તો દહેજ પણ મોટું જ માગશો ને? અમારી પાસે...' પિતાના ગળામાં શબ્દો અટકી ગયા.
'દહેજ માત્ર એવા યુવાનો માગે છે જેમનામાં પૈસા કમાવાની ક્ષમતા નથી હોતી અને પોતાના સામર્થ્ય પર વિશ્વાસ નથી હોતો. આપકમાઇવાળો યુવાન માત્ર કન્યા સામે જુએ છે, દહેજ સામે નહીં. તમે શિકવાને પૂછો કે એની મરજી શું છે!'
પિતાએ શિકવાની તરફ જોયું. શિકવાના ગાલ ગુલાબીમાંથી લાલ થઇ ગયા હતા, મોટી પાંપણો લજ્જાના ભારથી ઝૂકી ગઇ હતી, શરીરના અણુ-અણુમાં સ્વીકારનો મોલ ઊગી નીકળ્યો હતો. એની અંગત ડિક્ષનેરીમાંથી પહેલીવાર એક શબ્દ નીકળીને હોંઠો પરથી પ્રગટ થયો, 'હા.'

લેખક. ડો. શરદ ઠાકર