✍ગિરીશ ગણાત્રા
[જન્મભૂમિ-10મી એપ્રિલ, 2016/
ગોરસ વિભાગ, મધુવનપૂર્તિ-પાનું:3]
છૂટાછેડા હોય, ભરણપોષણનો દાવો હોય, મજિયારી કે સહિયારી મિલકતનો ગૂંચવતો પ્રશ્ન હોય કે પછી હિન્દુ—મુસ્લિમ કાનૂન હેઠળનાં લગ્નના પ્રશ્નો હોય—આ બધામાં મોહનલાલ રામજી કક્કડ વકીલનું નામ જાણીતું. કોઈને આવી બાબતોમાં કાનૂની સલાહ જોઈતી હોય તો આંગળી ચીંધાય—કક્કડ વકીલ પાસે જાઓ. તમારું કામ સો ટકા પાર ઊતરશે, પણ હા, એ વકીલ છે જરા મોંઘો, ચીરીને ફી લેશે.
એટલે જ્યારે રમેશભાઈ વિઠલાણીને છૂટાછેડા લેવા હતા ત્યારે સૌ કોઈએ કહ્યું, જાઓ કક્કડ વકીલ પાસે. રમેશભાઈ વકીલસાહેબને ઓળખે નહિ, એટલે વકીલના જાણીતા મિત્ર અને જ્ઞાતિબંધુને લઈને એ આવ્યા કક્કડ વકીલ પાસે.વકીલ સાહેબની ઑફિસમાં બેઠા બેઠા પરિચયવિધિ પૂરો થયા પછી સવાલજવાબ શરૂ થયા:
'હાલ ક્યાં રહો છો ? '
'લંડન'
'નોકરી, ધંધો…?'
'ધંધો, આફ્રિકામાંથી નીકળ્યા પછી હમણાં લંડન ઠરીઠામ થયો છું. ઈશ્વરકૃપાએ ધંધાપાણી સારાં ચાલે છે.'
'હં. ઉંમર?'
'બેતાળીસ વર્ષ'
'લગ્ન કઈ ઉંમરે થયાં?'
'બાવીસ-ત્રેવીસ વર્ષે.'
'સંતાન ?'
'બે : એક બાબો, એક બેબી.'
'એમની ઉંમર?'
'બેબી પંદર વર્ષની, બાબો એનાથી ચાર-પાંચ વર્ષ નાનો'
'લગ્ન ક્યાં થયેલાં?'
'અહીં –આશહેરમાં. એટલે તો છૂટાછેડા લેવા લંડનથી અહીં આવવું પડ્યું છે.'
'પત્ની સાથે કંઈ મનદુ:ખ? છૂટાછેડા લેવાનું કારણ?'
'મોહનભાઈ, વાત જાણે એમ છે કે … કે… સરલાબહેન.. એટલે કે રમેશભાઈનાં પત્ની સાથે આમતો કાંઈ મનદુ:ખ, ટંટોફિસાદ કે ઝગડો એવું કંઈ નથી. બાઈ બહુ જ સરળ સ્વભાવની છે. રમેશભાઈ ને સરલાબહેન સાથે કોઈ કરતાં કોઈ વાતનું દુ:ખ નથી…'
'તો પછી ક્યા આધારે છૂટાછેડા લેવ માગો છો?'
'આધાર તો સાહેબ, તમારે શોધી કાઢવાનો. મૂળ વાત એમ છે કે રમેશભાઈને એમની સેક્રેટરી સાથે પ્રેમ થઈ ગયો છે. પ્રેમમાં ગળાડૂબ છે. એમની સેક્રેટરીએ એમને તન-મન-ધનથી પ્રેમ આપ્યો છે. બન્ને એકબીજાને પરણવા માગે છે. પણ…'
પછી તો અનુભવી કક્કડવકીલની લાંબી ઊલટતપાસ ચાલી. દોઢ—બે કલાકની ચર્ચા પછી વકીલસાહેબને ખાતરી થઈ ગઈ કે કોઈપણ વાતે રમેશભાઈ છૂટાછેડા લેવા જ માગે છે, એટલે એમણે કેસ હથમાં લેતાં પહેલાં બધી માહિતી મેળવી લીધી ને કહ્યું:
'જુઓ રમેશભાઈ, લગ્નવિચ્છેદ માટે આઠ-નવ કારણો હોવાં જોઈએ. તમારી પત્ની તમારી સાથે ઝગડો કરતી હોય,છુટા હાથની મારામારી કરતી હોય, બેવફા હોય, ચારિત્ર્યહીન હોય, ગાંડી હોય, ઘર છોડીને વારંવાર જતી હોય, આમાંનું એકેય કારણ…'
'એક પણ કરણ એને લાગુ પડતું નથી.'રમેશભાઈએ કહ્યું, 'કદાચ આદર્શ પત્ની કોને કહેવાય એની વ્યાખ્યા આપવી હોય, એનું દૃષ્ટાંત આપવું હોય તો મારી પત્નીનું જ આપી શકાય. …ખેર, મારે છૂટાછેડા લઈ બીજાં લગ્ન કરવાં છે એ ચોક્કસ છે. બીજાં કોઈ કારણો હવે તમારે શોધી કાઢી મને છૂટાછેડા અપાવવાના… તમારી ફી?'
' ફી… હવે,આમાં એવું છે કે જ્યાં છૂટાછેડા માટે કાયદાના કોઈ પણ કારણ લાગુ ન પડતાં હોય ત્યારે કેસ જરા મુશ્કેલ બની જાય છે, પણ…આપણે એના રસ્તા કાઢીશું. ફી વીસ હજાર રૂપિયા થશે…'
રમેશભાઈએ મનોમન રૂપિયાને પાઉન્ડમાં ફેરવવાનું ગણિત ગણવા માંડ્યું ને પછી કહ્યું:
'છૂટાછેડા તો મળી જશે ને?'
મોહનભાઈ હસ્યા. એમણે હસીને કહ્યું: ' આવી બાબતોમાં હજુ આ મોહનલાલ રામજી કક્કડ કેસ હાર્યો નથી. એના પરથી તમારે નક્કી કરી લેવાનું.'
છેવટે કક્કડ વકીલે કેસ હાથમાં લીધો.
વીસ વરસપહેલાંના એણે નાતના ચોપડા ઉખેળ્યા. ગોર મહારાજની જુબાની ને ઊલટતપાસને આધારે રમેશભાઈનાં સરલાબહેન જોડેનાં લગ્નને ટેક્ નિકલ કારણોસર ગેરકાયદે ઠરાવી, એમના સંસારનો છેદ પળભરમાં ઉડાડી દઈ, કક્કડ વકીલે રૂપિયા વીસ હજાર ખિસ્સામાં મૂકી પોતાની કલગીમાં એક વધુ પીછું ખોસી દીધું.
પણ રાત્રે કક્કડ વકીલને ઊંઘ ન આવી.
ઊંઘ ન આવવાનું કારણ જુદું હ્તું. આટલી સહેલાઈથી એ આ કેસ જીતી જશે એવી ગણતરી એણે કરી નહોતી. કેસ ચાલ્યો એ દરમિયાન એક પણ વખત બાઈ સરલા કોર્ટમાં આવી જ નહિ, ન કોઈ પ્રતિવાદી, ન વકીલ કે ન કોઈ મિલકતની માગણી ! લગ્ન વિચ્છેદનું એક પણ કારણ અસ્તિત્ત્વમાં ન હોય ત્યારે કેસ કઠિન બની જાય છે. એની આ ખૂરાંટ વકીલને જાણ હતીએટલે જબરદસ્ત પ્રતિકારની આશા સેવેલી. આ પ્રતિકારો એમના એકેએક કેસમાં હાર્યા હતા ને પ્રતિવાદી વકીલની દલીલોને માત કરી એ કેસ જીતતા આવ્યા હતા. આ કેસમાં બાઈ સરલા ચૂપ કેમ રહી, એમનાં ગેરકાયદેસર કરેલાં લગ્નને કારણે એમનાં બે સંતાનોનાં ભવિષ્યની પરવા ન કરનાર આ બાઈ કેવી હશે એ જાણવાની એમને ઇચ્છા થઈ.
બીજે દિવસે એણે પેલા જ્ઞાતિબંધુનો સંપર્ક સાધ્યો.
'મારે આ બાઈને મળવું છે, પણ ખાસ મળવા આવ્યો છું એવો દેખાવ નથી કરવો. તમે ગોઠવણ કરી દેશો?'
'એ તો બહુ સહેલું છે. તમે જોબનપુત્રા પેટ્રોલપમ્પ વાળા રસિકભાઈને ઓળખો ને?'
'હા, એમના સાઢુભાઈ ની મિલકત નો કેસ આપણે જ જીતી આપેલો.'
'એ રસિકભાઈની આ સરલા ભાણી થાય. નાનપણથી મબાપ મરી ગયેલાં એટલે રસિકભાઈએ જ ભણીને ઉછેરી, ભણાવી , પરણાવી… હવે હું તો સાથે નહિ આવી શકું, કારણ કે મારે રમેશભાઈ જોડે સારાસારી છે ને વળી એ કેસ જીતી ગયા છે એટલે…'
આવોને, ઠીક રહેશે. કંઈક ગોઠવી કાઢો . સાંજે મળી આવીએ…'
સાંજે રસિકભાઈને ઘેર મોહનભાઈએ સરલાબહેનને જોયાં ને એમનાથી આહ ભરાઈ ગઈ ! આહ ! શું રૂપ આપ્યું છે ભ્ગવાને આ બાઈને ! કેવી નમણાશ. કેવી તાજગી ને કેવી ઠાવકાઈ છે. એને છોડતાં રમેશભાઈનો જીવ કેમ ચાલ્યો હશે? પછી તો જેમ જેમ કક્કડ વકીલ સરલાબહેન જોડે વાતચીત કરતા ગયા તેમ તેમ એમને થયું કે સાચ્ચે જ, આ બાઈ કોર્ટમાં આવત તો જ એને નવાઈ લાગત ! પોતાની સેક્રેટરીના રૂપમાં મોહેલા રમેશભાઈને સુખ આપવા એણે નહોતી પોતાની પરવા કરી કે નહોતી પોતાનાં બાળકોનાં ભવિષ્યની.
સરલાબહેનની ગરવાઈ એમને સ્પર્શી ગઈ.
ઊઠતાં ઊઠતાં એમણે કહ્યું:
રસિકભાઈ, સરલાબહેનના વરનો કેસ ભલે હું જીત્યો હોઉં, પણ લાગે છે કે મારા વકીલાતના ધંધાનો ધરમ હું ચૂકી ગયો છું. આ આખોય કેસ જીતી ગયા છતાં પણ હારી ગયો હોઉં એવો જ ભાવ ગઈકાલ રાતથી મને થયા કરતો હતો ! આમાં, રમેશભાઈએ શું ગુમાવીને મેળવ્યું છે, કે શું મેળવીને ગુમાવ્યું છે તો એ જાણે, પણ હારજીતનું આ પલ્લું હવે મારાથી સરખું કર્યા વિના રહેવાશે નહિ. આજે તો અહીંથી આ ચાનો કપ પીને ઊઠું છું. પણ સરલાબહેનના હાથની રસોઈ ખાવા પાછો આવીશ…'
મોહનભાઈ ઊભા થયા.
રમેશભાઈ હવે લંડન પહોંચી જવાની ઉતાવળમાં હતા. મોહનભાઈએ હવે ચારે બાજુથી પ્રયત્નો શરૂ કરી દીધા. કોર્ટે હજુ શરતી ડિક્રીનો હુકમ કરેલો એટલે એ ડિક્રી રદ થઈ શકે એની જોગવાઈ પણ એ જાણતા હતા. એમણે લાગલગાટ રમેશભાઈને પલાળવાના પ્રયત્નો શરૂ કરી દીધા. રમેશભાઈ જેને ગુરુ માનતા હતા એ રણછોડદાસ મહારાજને પણ વચ્ચે નાખી એમણે છેવટે રમેશભાઈનું મન ફેરવી નાખ્યું.
જો ભાઈ, સરલાબહેનથી જે કંઈ અસંતોષ હોય એ પેલી સેક્રેટરીમાંથી મેળવ, પણ એનો રાહ છૂટાછેડા તો નહિ જ.
બરાબર દસ દિવસ પછી એ રમેશભાઈને સરલાબહેનનો મેળાપ કરાવી શક્યા. છૂટાછેડાના હુકમ પછી, નવા વાતાવરણમાં એ પોતાનાં છોકરાં ને વીસ વરસથી રહી ચૂકેલી અર્ધાંગનાને મળ્યા. લાગણીઓનાં પૂરે વહેવા લાગ્યાં. પસ્તાવાનાં ઝરણાં ફૂટ્યાં ને…