02/10/2018

મા નું શ્રાદ્ધ

*" મા નું શ્રાદ્ધ ! "*

એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા.
મને કહે- 
'આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.'

મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો.

હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા.

મે મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું- 
'ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!'

મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: 'દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે, હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું.
હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય!'

એમણે આગળ કહ્યું: 
'માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે.
તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું.
સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે!'

મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે!!!

આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. 
જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ.
રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું, પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી.

અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ 'ટીફીનસેવા' હજી શરુ થઈ નથી...

માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.