ઊમા'' પાર્વતી.... 'દક્ષા'... ક્યાં છો તમે ?
શિવજી પાર્વતીને શોધતા હતા, આવા અખંડ, અમાપ, વિશાળ પહાડમાં, પહાડી જંગલમાં તેઓ બૂમો પાડતા હતા : ''ઊમા....! ઉમા...!!''
ફરીફરીને વિવિધ નામે ગણેશમાતાને તેઓ શોધતા રહ્યા. પણ પાર્વતીજી ન જ મળ્યા.
પાર્વતીને શોધતાં શોધતાં, શિવજી જાતે જ ખોવાઈ ગયા. પોતે ક્યાંથી આવ્યાં છે, ક્યાં આવ્યા છે, તેનું ભાન જ રહ્યું નહીં.
પણ હતી કોઈ સુશોભિત જગા. ફૂલવાડી કે ફળવાડી જ કહી શકો. વૃક્ષોના વૃંદાવનમાં, વેલીઓની ઘટા અને છટામાં કોઈ છૂપાયું હોય, તેનો ય ખ્યાલ ન આવે.
ન જ આવ્યો ખ્યાલ.
કોઇક ભીલ ભામા હતી. ગાતી નાચતી કૂદતી આનંદમાં વહેતી ! મીઠો મધુરો ગૂંજારવ ગૂંજતી. એ ભીલબાળાના રૃપ-શૃંગાર જ એવા હતા કે બધું ભૂલી જવાય. શિવજી ભૂલી જ ગયા.
હરણી જેવી ભીલડી નર્તન કરતી ભાન ભૂલાવતી હતી.
શિવજીએ પૂછયું કોણ છો તમે ?
ભીલી બાળાએ જવાબ આપ્યો : ''નર્તકી''.
''નર્તક તો હું છું.'' શિવશંકરે કહ્યું.
પોતાની જાતનો અભિપ્રાય હોઈ શકે.
ભીલેશ્વરી, તમને તમારા નૃત્યનું ભારે અભિમાન લાગે છે.
દરેકને હોય જ દેવ !
''કસોટી કરી છે ?''
''કરી લઈએ.''
''ક્યા નૃત્યમાં પ્રવીણ છો આપ, ભીલજી ?''
''માંડવ નૃત્ય.''
શિવજી કહે : ''એ વિષે ક્યાંય સાંભળ્યું નથી !''
''જે સંભળાતું હોય, ''ભીલ-ભામિનિએ કહ્યું : ''તે જ શ્રેષ્ઠ છે, તેવી વાત, ભ્રમ હોઈ શકે છે.''
ચિઢાયા શિવ. ગુસ્સે થયા. તેમના પગ થીરકી રહ્યા. હાથ નરેન્દ્રીય અભિનયે ચઢયા : આંખો ખેંચાઈ, વાળ વિખરાયા. ત્રિશૂળ થરથરી રહ્યું. ભૃકુટિ ભમભમી રહી.
ભીલી ભૂમિકાને એ પડકાર હતો. શરૃ થઈ નૃત્ય સ્પર્ધા.
ભીલી ભૂબાળનું માંડવ.
ત્રિલોકીનાથનું તાંડવ.
ધરતી ધ્રૂજી ઊઠી. બ્રહ્માંડ ભમભમી ઊઠયું. પાતાળ ઊછળી ઊઠયું. આકાશ હલબલી ઊઠયું.
વિશ્વને વિહવળ બનાવવામાં એકલું તાંડવ જ પૂરતું હતું. તેમાં આ માંડવ નૃત્ય ત્રિનેશ્વરને પાનો ચઢાવતું હતું. ચારે તરફ કંપારી કંપકંપી ઊઠી. વાતાવરણ વલવલી ઊઠયું. વનપશુઓ, વનવૃક્ષો, વનપક્ષીઓ બાવરા બની ચિત્કાર કરવા લાગ્યા.
ખુદ દેવતાઓ દ્રવી ઊઠયા. તેમણે પ્રાર્થના શરૃ કરી.
આ બાજુ શિવજી એક અદ્ભૂત દ્રશ્ય નિહાળી રહ્યા હતા. ઘડીમાં ભીલડીનું પાર્વતીમાં રૃપાંતર થતું. ઘડીમાં માયારૃપ પાર્વતી જ પાંડવ નૃત્ય કરતાં ભાસતાં. ઘડીમાં ભીલેશ્વરી ઊમેશ્વરી ભમરીએ ચઢતાં, ઘડીમાં પાર્વતી પર્વતેશ્વરી - ભીલી નૃત્ય બાળા દૃષ્ટિમાં આવતી.
શિવજીને ભાન રહ્યું કે નહિ. તેઓ પાર્વતીને શોધવા નીકળ્યા હતા. પોકારવા લાગ્યા : પાર્વતી, પાર્વતી ! ઊમા, ઊમા !''
માંડવ નૃત્ય ધીરે ધીરે થમતું ગયું. થમી ગયું.
ભીલડી બાળા હૂબહૂ પાર્વતી ઊમા બની રહ્યાં.
શિવજીને સ્થિર થતાં વાર લાગી. દૃષ્ટિ દૃઢ થતાં જ તેઓ લલકારી ઊઠયા : ''ઓ પાર્વતીજી, ઓ ઊમાજી, આ ભીલડી તમે છો ?''
ઊમા-પાર્વતીજી કહે : ''અમને શોધો છો શું કામ ? આપણે એક જ છીએ. લોકો એટલે જ આપણને એક સાથે ઊમા-ઊમેશ, ઊમા-મહાદેવ કહે છે. શિવજીને ઘણી બધી વાતનું ભાન થઈ ગયું ?