હાથી મંદિરનો હતો, કંઈ પગીનો ન હતો, છતાં પગી મુનીરને હાથી પર કેમ બેસવા દેતો ન હતો ? - આરસનાં હાથી ફારસનો હાથી બની રહ્યો. બાળકો હાથી તરફ દોડતાં, પણ પગીને જોઈ રોકાઈ જતાં ગૌરી માંદી પડી ગઈ. લવરીએ ચઢી : 'હું હાથી પર બેસીશ, હાથી પર બેસીશ, હાથી પર...'
મુનીરને મંદિરમાં બહુ ગમે. તેની તો એક જ વાત : દાદા ! મંદિરે ચાલો. સવાર, બપોર, સાંજ, ગમે તે સમય હોય, મુનીર મંદિરે જવા તૈયાર. એક વખત મંદિરે જાય પછી ઘરે આવવાનું નામ ન લે. રાત પડતાં તો મંદિર બંધ થઈ જાય. બધાં પોતપોતાને ઘેર જાય ! દાદા કહે : ચાલો, મંદિર બંધ થાય છે. નાનકડા મુનીરને ખબર ન પડે. પણ તેને થાય ખરું કે મંદિર બંધ શું કામ થતું હશે ? મુનીર મંદિરને બંધ થતું જુએ. જાતે જ કહે : ભગવાન બંધ. પણ તેને વિચાર તો આવતો જ હશે. ભગવાન બંધ શું કામ થતાં હશે ? ભગવાનને વળી બંધ શું થવાનું ? મંદિર છોડીને તેને જવું પડે. તે કહે : દાદા ! કાલે પાછા આવીશું, હોં કે ! દાદા કહે : હા મુનીર, કાલે પાછા આવીશું. મુનીર કહે : દાદા, કાલે મંદિર ખૂલી જશે ને ? દાદા કહે : હા બેટા, કાલે મંદિર ખૂલી જશે ને ? મુનીર કહે : ભગવાન પણ ખૂલી જશે ને ? દાદા કહે : હા મુનીર, ભગવાન પણ ખૂલી જશે. બીજી સવારે ઊઠતાંની સાથે જ મુનીર કહે : દાદા ! ચાલો મંદિરે. દાદા તો નવરા જ હોય. તે કહે : ચાલો. મુનીર આગળ આગળ દોડે. વાહનોથી, પશુઓથી, મુનીરને સાચવવો પડે. દાદાનેય સાથે દોડવું પડે ! અરે, મુનીરના પડી જવાનોય ભય ખરો જ. પણ મુનીરને પડવાની બીક નહિ, વાગવાનો ભય નહિ. બાળક તો સદાય નીડર જ હોય છે ને ! મંદિરમાં લાંબા થઈને બધાં પગે લાગતાં હોય ! મુનીર તેમની જેમ જ પગે લાગે. મોટાઓને તો લાગેય ખરું કે, આ છોકરો તેમના ચાળા પાડે છે. કોઈક વળી મોટેથી આરતી, થાળ કે ભજન બોલતાં હોય ! મુનીર પણ એવું બોલવા લાગે. કોઈક તાળી પાડે તો મુનીર તેની સામે તેવી જ રીતે તાળી પાડે. કોઈ માળા ફેરવે તો મુનીર એમ જ માળા ફેરવે. હાથમાં કંઇ ન હોય ! પણ તે માળા જરૃર ફેરવે. મંદિરમાં ઘંટ વાગે તે એને બહુ ગમે. ટનટન ઘંટનો રણકો સાંભળે. પછી તરત કહે : દાદા ! મારે ઘંટ વગાડવો છે. દાદા તેને ઊંચો કરે. મુનીર ઘંટ વગાડે. 'હવે બીજો ઘંટ.' દાદા તેને ઊંચકીને બીજા ઘંટે લઈ જા. 'હવે બીજો ઘંટ' પાછો તે કહે. દાદા તેને એક બીજો ઘંટ વગાડાવે. એક નાની ઘંટડી હતી. બધાથી તેનો અવાજ જુદો. બધા ઘંટ ટનટન બોલે. એ ઘંટડી ટીનટીન બોલે. મુનીર એ નાની ઘંટડી ફરીફરીને વગાડે. એક મોટા ઘંટનો મોગરો તૂટી ગયો હતો. મુનીર એ ઘંટમાં હાથ ફેરવે. દાદા કહે : એ ઘંટ તૂટી ગયો છે, નહિ વાગે. મુનીર, દાદા બોલે તે બોલે : એ ઘંટ તૂટી ગયો છે, નહિ વાગે. મુનીરને માટે આ મંદિરમાં ઘણી રમતો હતી. મંદિરની પાછળ નવું કામ ચાલતું હતું. નવી કોતરણી, નવી દિવાલો, નવાં ટાંકણાં, નવા પથરા. મુનીર એ બધું જ જુએ. દાદાને પૂછે : દાદા ! હું એવું કામ કરું ? મંદિરની પાછળ ઢોળાવ હતો. દોડીને ઊતરી જવાની મુનીરને મજા પડતી. દાદાને સાથે દોડવું પડતું, નહિ તો મુનીર પડી જાય ! ઢોળાવ જોરથી ઊતરવા જાવ તો પડી જ જાવ ! એ તરફ છોકરાઓ લંગડી રમતા. મુનીર લંગડી કૂદવાની કોશિશ કરતો. તેને ફાવતું નહિ. તે મોટો છોકરાઓને જોઈ રહેતો. એ રીતે કૂદવા ફાંફાં મારતો. બે વરસના મુનીરમાં સમજ વધારે હતી. તે જાતે જાતે ઘણી રમતો શોધી કાઢતો. મંદિરની પાળી પર બેસીને તે જતાં વાહનો જુએ. તેને ઓળખી ઓળખીને બોલે : આ લાલ બસ, આ એસ.ટી., આ મારુતિ, આ ઊંટગાડી, આ ઘોડાગાડી. મંદિરની અંદરની, મંદિરની બહારની, બધી જ દુનિયા મુનીરની દુનિયા હતી. મંદિરના ભગવાન મુનીરના હતા, મંદિરની દીવીઓ મુનીરની હતી, મંદિરની આરતી મુનીરની હતી અને હા, મંદિરના હાથ મુનીરના હતા. મંદિરમાં ચાર હાથી હતા. સાચા નહિ, આરસના. પણ ઘણા મોટા હતા. ચાર દિશામાં ચાર હાથી ઊભા હતા. મુનીરને આ ચારે હાથી સહુથી વધારે ગમે. તે હાથી ઉપર બેસે, પછી બોલે : આ હાથીના કાન, આ હાથીના દાંત, આ હાથીની સૂંઢ, આ હાથીની આંખ, આ હાથીની પૂંછડી. નીચે ઊતરીને તે હાથીના પગ બતાવે. હાથીનું ગીત હવે તેને આવડી ગયું હતું. હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ ઝૂલે મોટી સૂંઢ પાછળ ઝૂલે નાની પૂંછ સૂપડા જેવા કાન છે ઝીણી ઝીણી આંખ છે. હવે અહીંથી આપણી વારતા શરૃ થાય છે. મુનીર હાથી પર બેસે તે મંદિરના પગીને ન ગમે. તરત તે આવીને કહે : એ લડકા ! ઉપર નહિ ચઢના. હાથી પર મત બેસના. પગીનાં ખાખી પીળાં કપડાં, કરડી મૂછો, લટકતી સિસોટી, મોટી લાકડી. તેના રૃપરંગ એવાં કે બાળકને ડર લાગે. તેમાં પાછો તે ધમકાવતો હોય ! મુનીર ડરીને દાદાજીની સોડમાં લપાઈ જાય. પણ જેવો પગી જાય કે પાછો બેસવા તૈયાર થઈ જાય. એક હાથી પરથી દોડીને, તે 'હવે બીજા હાથી પર'કહેતો, બીજા હાથી પર જઈ બેસે. પછી દોડીને તે પછીના હાથી પર બેસે. છેવટે ચોથા હાથી પર બેસે. પણ તેનું બેસવાનું પૂરું થાય નહિ. પાછો પહેલા હાથીથી બેસવાનું શરૃ કરે. અને ગુરખાને જુએ કે દોડીને દાદા પાસે લપાઈ જાય. ધીરે ધીરે એવું થઈ ગયું કે મુનીરને મંદિર ગમે અને ગુરખાને મુનીર ન ગમે. દાદાય ન ગમે. એક દિવસ ગુરખા પગીએ દાદાને કહી દીધું : 'દાદાજી ! યે મંદિર હૈ, ખેલને કા મેદાન નહિ.' દાદાજી કહે : 'ભાઈ ! છોકરાને અહીં ગમે છે એટલે લાવું છું. જુઓને બીજાં છોકરાંઓ પણ કેવાં રમે છે.' પગી કહે : 'એ બધાં તમારે લીધે રમે છે. પહેલાં કોઈ રમતું ન હતું. તમે અને આ લડકા આવતા થયા, અને બધાં રમતાં થઈ ગયાં.' દાદા કહે : 'છોકરાંઓને આ ઘંટના રણકા, આરતી, થાળ, ભજન, ભગવાન, કોતરણી બધું બહુ ગમે છે.' પગી કહે : 'ઠીક છે, પણ આપકા લડકા હાથ પર બેઠતા હૈ.' દાદા કહે : એને હાથી ગમે છે, બેસે છે. છોકરાં તો હાથી જુએ એટલે બેસવાનું મન થાય જ. પગી કહે : નહિ, હાથી પર નહિ બેઠનેકા. યે ભગવાન કા હાથી હૈ, ખિલૌના નહિ. દાદા કહે : આ બાળકો પણ ભગવાનનાં જ છે ને ? અને ભગવાન વળી કે દી હાથી પર બેસવા આવે છે ? પગીની તો એક જ વાત : મૈં કુછ સમજતા નહિ. મૈં ફરજ બજાતા હૂં. હાથી પર નહિ બેઠને કા તો નહિ બેઠને કા. બસ, બોલ દિયા. મુનીર ડરીને દાદાજીની પાછળ છુપાઈ ગયો હતો. તેને ખબર પડી ગઈ હતી કે વાત જરૃર ગંભીર છે. તે પછી મુનીર મંદિરે જતો બંધ ન થયો. તેને મંદિર ગમતું જ હતું. મંદિરમાં તે બધે રમતો, પણ હાથી પાસે જતાં રોકાઈ જતો. જાતે જ બોલતો : હાથી પર નહિ બેસવાનું, ગુરખો લડે છે, પગી ના પાડે છે. પણ હાથી તરફ તે લોલુપ નજરે જોઈ લેતો. તેને એમ કે બેસવાનું મળે તો સારું. એ બિચારા નાના મગજને એવું પણ થતું હશે : આરસના હાથી પર બેસીએ તેમાં એનું શું જાય છે ? મંદિરમાં તે રમતો ખરો, પણ તે પગી અને હાથીથી દૂર જ રહેવાનું કરતો. તેને એ બે જણાનો કંઈક ડર લાગવો શરૃ થયો હતો. તે હંમેશાં હાથી તરફ જોઈ રહેતો અને પગી ગુરખો તેને જોઈ રહેતો. એક વખત મુનીર હાથીને આ જ રીતે જોતો હતો અને એક છોકરી આવી. દોડીને એ છોકરી હાથી પર બેસવા લાગી. નાનકડો મુનીર કહે : એ બેબી ! હાથી પર ના બેસીશ. પગી લડશે. બેબીએ મુનીર સામે જોયું. હસી દીધું. તે ડરી નહિ. જાણે તેને ગુરખા પગીનો ડર જ ન હતો. તે હાથી પર બેસી ગઈ. મુનીરને નવાઈ લાગી. છોકરી તો હાથી પર બેસીને હે-હે ડચ-ડચ કરવા લાગી. મુનીરે હસી દીધું. તેનામાં હિંમત આવી. તેને એમ કે જો બેબી બેસી શકે, તો પોતે પણ બેસી શકે ! તેણે એક વખત દાદા સામે જોયું. હાથી સામે જોયું. બેબી સામે જોયું. તે હાથી પર બેસવા ગયો. એટલી વારમાં ગુરખો હાજર થઈ ગયો. એ છોકરીને તે કહે : ઊતર ગૌરી ! હાથી પર નહિ બેસવાનું. ગૌરી કહે : ના, હું તો બેસીશ. પગી કહે : ઊતર ! ગૌરી કહે : નહિ ઊતરું. ગુરખા પગીએ હાથ પકડીને ગૌરીને ઉતારી પાડી, કહી દીધું : 'નહિ બેસવાનું એટલે નહિ બેસવાનું. ઊતરી જા. અને ખબરદાર જો હાથી પર બેસી છે તો !' છોકરીએ રડી દીધું. તે કહે : માને કહી દઈશ. હા ! તેણે ખરેખર માને કહી દીધું. હવે વાત એવી હતી કે ગૌરી ગુરખા પગીની જ દીકરી હતી. ગુરખો અહીં રહે એટલે તે પણ અહીં જ રહેતી હતી. તે અહીં જ રહેતી અને અહીં જ રમતી. તે તો કંઈક વાર હાથી પર બેઠી હતી. ગુરખાને આજ સુધી વાંધો ન હતો. પણ તે મુનીરને બેસવા ન દે, બીજાં બાળકોને બેસવા ન દે અને પોતાની દીકરીને બેસવા દે તો કેવું લાગે ? વાત વધી. તેણે ગૌરીને હડસેલી દીધી. ગૌરી દોડતી ગઈ ઘરે. રડીને બધી વાત કહી દીધી. તે કહે : 'મા ! બાપુ હાથી પર બેસવા દેતાં નથી.' માએ હસી દીધું. તે કહે : રડ નહિ ગૌરી, તારા બાપુ ન હોય તે વખતે બેસજે. બસ, એમ જ થયું. ગૌરી ચોરીછૂપીથી હાથી પર બેસવા લાગી. બાપ-દીકરીમાં છૂપાછૂપી અને પકડાપકડી શરૃ થઈ. પણ બને એવું કે ગૌરી હાથી પર બેસે અને પગી પિતા આવી જ પહોંચે. તરત ગૌરીને મારે, ધમકાવે, હડસેલી દે. ગૌરી રડી રડીને ઘેર જાય. તે માને કહે : મા ! બાપુ કેમ હાથી પર બેસવા દેતા નથી ? હાથી તો ભગવાનનો છે, કંઈ બાપુનો થોડો જ છે ? અને ભગવાન ના નથી પાડતા ને બાપુ જ શેના ના પાડે છે ? બસ, આટલી જ વાત. પણ એમાંથી બાપ-બેટીમાં અંતર ઊભું થઇ ગયું. ગૌરી તેના પગી પિતાથી ડરવા લાગી, બરાબર મુનીર ડરતો હતો તેમ જ. અને એક દિવસ નાનકડી ગૌરી માંદી પડી ગઈ. તેના શરીરમાં તાવ પેસી ગયો. ધીરે ધીરે તાવ વધતો ગયો. તાવમાં તે એક જ વાત બોલતી : 'મા ! મારે હાથી પર બેસવું છે, મારે હાથી પર બેસવું છે.' તે માને પૂછતી : 'મા ! હાથી તો ભગવાનનો છે ને ? બાપુનો નથી ને ? પછી બાપુ કેમ ના પાડે છે ?' બાપુ નજીક આવતાં તો તે બોલી ઊઠતી : જો મા ! બાપુ હાથી પર નથી બેસવા દેતા. મારે છે. થોડા દિવસ સુધી તો દવા જ ન કરી. પણ પછી માંદગી વધતી ગઈ. માતા-પિતાની વચમાં પણ ઝઘડા શરૃ થયા. મા કહે : 'આટલી ડરાવી મૂકવાની છોકરી ને ? માંદી પાડી નાખી ! હાથી પર જ બેસે છે ને ? હાથી આરસનો છે, કંઈ ભાંગી નહિ જાય ?' બાપુ કહે : એ છોકરી બેસે એટલે બધાં છોકરાં બેસે. નહિ બેસવા દઉં એને હા. હુ મંદિરનો પગી છું. મા કહે : પગી છો, કંઈ ભગવાન નથી, જાણી લો ! આમ છોકરાંઓને ડરાવો છો, તે ઠીક નથી થતું. આવો ઝઘડો થતો, પણ પગી એકનો બે ન થતો. ગૌરી તો બાપુને પાસે જ આવવા દેતી નહિ. બાપુ આવે તોપણ બોલી ઊઠતી : 'ના...ના...!' માંદગી વધી તો રહેવાયું નહિ. ભગવાનના ધામમાં રહેનારને પણ માંદા પડે તો દવા લેવા જવું જ પડે છે. વૈદબહેન ભલાં હતાં. બાળકોના જ વૈદ હતાં. બાળકોને બહુ વહાલ કરતાં, લાડ કરી રોગ પારખી લેતાં. પહેલાં તો એમ જ ઉપાય થયો. પણ ગૌરી તરત સારી ન થઈ. એક વખત વૈદબહેન જાતે પહોંચી ગયાં. ગૌરીની હાલત વધુ નાજુક હતી. તે ઊંઘમાં, બીમારીની બેહોશીમાં 'હાથી...હાથી...' બોલતી હતી. વૈદબહેન કહે : 'ગૌરી આ હાથી...હાથી...શું કરે છે ?' મા કહે : 'હાથીની જ વાત છે બહેન ! એના બાપુ એને હાથી પર બેસવા દેતાં નથી. એમાંથી જ આ બધું...' વૈદબહેન કહે : 'હં..સમજી.' ેતેમણે ગૌરીને તપાસી દવા આપી. જતી વખતે મંદિરે થઈને ગયાં. પગી લાકડી ઠોકતો બેઠો હતો. વૈદબહેન કહે : 'પગીભાઈ ! છોકરાંઓ ડરી જાય એવું ન કરો. તમે ભગવાનના પગી છો. બાળકો તરફ ઉદાર બનો. બાળકો મંદિરમાં ન રમે, તો કઈ જગ્યાએ રમે ? અને શું બાળક જ ભગવાનનું રૃપ નથી ? બાળકમાં ભગવાન જુઓ, નહિ તો...' પગી કહે : નહિ તો શું વૈદબહેન ? વૈદબહેનને કહેવું ન હતું, છતાં કહે : 'નહિ તો બાળકમાં ડર પેસી જશે. ડરનો રોગ પેસી જશે. ગૌરીની દશા જુઓ છો ને ? કેવી ડરેલી રહે છે એ ? પગી છો, પિતા છો, સમજો કંઈક. નહિ તો...નહિ તો...' વૈદબહેન જોખમભરેલું કંઈક બોલવા જતાં હતાં કે શું ? પગી સમજી ગયો. તે દોડી ગયો ઘેર. માંદી ગૌરી અડધી આંખે 'હાથી...હાથી...' બોલતી હતી. પગી પિતા કહે : 'ગૌરી ! ડર નહિ, રડ નહિ. સારી થઈ જા. તું સારી થશે કે તરત તને હાથી પર બેસાડીશ. મારી જાતે બેસાડીશ.' માંદી માંદી પણ ગૌરી બાપુ સામે જોવા લાગી. તેને પહેલાં તો ખાતરી જ થઈ નહિ. પણ બાપુ ફરીફરીને કહેતા હતા : હા ગૌરી ! હું જ તને હાથી પર બેસાડીશ. મારી જાતે. ગૌરી કહે : 'અને પેલા મુનીરને ?' પગી કહે : 'તેને પણ બેસાડીશ.' ધીરે ધીરે ગૌરી સારી થવા લાગી. હજી એકદમ સારી થઈ ન હતી. છતાં તે જીદ કરીને કહે : 'બાપુ...હાથી...' બાપુ તેને ઊંચકીને હાથી સુધી લઈ ગયા. માંદી ગૌરીને હાથી પર બેસાડી. ગૌરી રાજી રાજી થઈ ગઈ. જાણે તે માંદી જ નથી, અથવા માંદગીનો ઉપાય થઈ ગયો છે. તે વખતે જ દાદા આવતા દેખાયા. સાથમાં મુનીર હતો. હાથી પરથી ગૌરી કહે : 'બાપુ ! મુનીરને હાથી પર બેસાડો. મુનીર ! આવી જા હાથી પર.' મુનીરે દાદાજી સામે જોયું. દાદાજીએ પગી સામે જોયું. પગી જાતે જ આવીને કહે : 'હા...હા...મુનીર ! જાવ બેઠો હાથી પર.' દાદાજીએ જોયું. આજે એ ગુરખો પગી ન હતો, પિતા હતો. મુનીર હાથી તરફ દોડી ગયો. પછી તો મુનીર-ગૌરીની જબરી દોડ જામી. આ હાથી પરથી બીજા હાથી પર, તે પછી પછીના હાથી પર, પછી એની પછીના હાથી પર. ચારે હાથી પર બેસવાનો એક વારો પૂરો થતો તો બીજો શરૃ થઈ જતો. દાદાજીએ જોયું. પગીએ જોયું. બાળકો ખુશ હતાં. બંનેની નજર મંદિરની અંદર ભગવાન પર પડી. ભગવાન પણ ખુશ દેખાતા હતા. ટનટન ! મંદિરના ઘંટ વાગતા હતા. આરતી, થાળ, ભજન બોલાતાં હતાં. તાળીઓ સંભળાતી હતી. બધે આનંદ આનંદ હતો. મંદિર પર ધજા ફરકતી હતી. -
