23/10/2016

સત્ય-વાત, વાર્તા



[સત્યઘટના]

*’રૂપિયાની કદર’*

‘આ છોકરો કાં તો ચોર છે કાં તો ઘરેથી ભાગીને આવ્યો છે.’ હૈદરાબાદની મેઈન  બજારમાં બૂટ-ચંપલનો આલિશાન શૉ-રૂમ ચલાવતા અબ્દુલચાચા સામે ઊભેલા છોકરાનું  બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. વિચારે ચડેલા અબ્દુલચાચા કંઈ કહે એ પહેલાં  છોકરાએ પાછો એ જ સવાલ કર્યો : ‘ચાચા, કંઈ નોકરી છે ? તમે કહો એ કામ કરવા તૈયાર  છું.’

‘તારું નામ શું ? રહે છે ક્યાં ?’ અબ્દુલચાચાએ એકસાથે બે સવાલ કર્યા

.‘મારું  નામ  શ્રેયાંશ. ગુજરાતી સમાજ નજીક આવેલા એક મકાનમાં રહું છું.’ અબ્દુલચાચા કંઈ વધુ
પૂછે એ પહેલાં જ શ્રેયાંશે પોતાના વિશે કહેવાનું ચાલુ રાખ્યું : ‘હું ગુજરાતી  છું. સુરતથી પંદર કિલોમીટર દૂર આવેલા વડોદ ગામે રહું છું. મારા પિતા ખેતી કરે  છે. બારમા ધોરણની પરીક્ષા આપી છે. ઘરના લોકોની ઈચ્છા મને ભણાવવાની છે. મારે  ભણવું નથી. નોકરી કરવી છે. તમે કહેશો એ કામ પૂરા દિલથી કરીશ.’

શ્રેયાંશની વાત અબ્દુલચાચાને ગળે ઊતરી નહીં. આ છોકરો નક્કી કંઈક છુપાવે છે.
અબ્દુલચાચાએ શ્રેયાંશને ઉપરથી છેક નીચે સુધી જોઈને માપવાનો પ્રયાસ કર્યો.
શ્રેયાંશે પહેરેલાં કપડાં તો સામાન્ય હતાં પણ શ્રેયાંશના બૂટે ચાચાની શંકા વધુ  મજબૂત કરી. ચાલીસ વર્ષથી બૂટ ચંપલ વેચતા અબ્દુલચાચા કોઈપણ બૂટ-ચંપલ જોઈને  માત્ર  તેની કિંમત જ નહીં પણ તેના પહેરવાવાળાની સાયકોલોજી પણ જાણી જતા. શ્રેયાંશે  પહેરેલા બૂટ રિબોક કંપનીના હતા. એ બૂટની કિંમત ચારેક હજારની તો હશે જ. આ બૂટ  પાછા ઈન્ડિયામાં તો મળતા જ નથી ! આ છોકરા પાસે આવા બૂટ ક્યાંથી આવ્યા હશે ?
ક્યાંયથી ચોરી કરી હશે ? – અબ્દુલચાચાના મનમાં આવા સવાલો ઊઠ્યા. ચાચાએ  વિચાર્યું કે, ‘ગમે ત્યાંથી છોકરો આવ્યો હોય ! મારે શું ? મને એટલી સમજણ પડે  છે  કે આવા છોકરાને કામે ન રખાય. કંઈક લફરું નીકળે તો આપણે વેપારી માણસ કારણ વગરના  ફસાઈ જઈએ.’ ચાચા શ્રેયાંશને ના પાડે એટલામાં ચાવાળો ચા લઈને આવ્યો. પોતાના  કપમાંથી અડધી ચા શ્રેયાંશને આપી. શ્રેયાંશને કહ્યું કે, ‘બેટા, મારી પાસે તારા  માટે કોઈ નોકરી નથી. લે ચા પી લે. અને હા, આ આજનું છાપું રાખ, તેમાં વોન્ટેડની  ટચૂકડી જાહેરખબરો છપાઈ છે. જોઈ જજે. કદાચ તેમાંથી તને ક્યાંક કામ મળી જાય.’
સવારથી ચા પીધી ન હતી. ચાચા સાથે ચા પીને શ્રેયાંશ દુકાનની બહાર નીકળી ગયો.  શ્રેયાંશને સમજાયું નહીં કે તેના બૂટ જ તેની અમીરી અને રઈશીની ચાડી ખાઈ ગયા  હતા
.

‘હાલ એય, ઊભો થા…’ હોટલની ડોરમેટરી રૂમમાં સૂતેલા શ્રેયાંશને હચમચાવીને કોઈએ  ઉઠાડ્યો. શ્રેયાંશ આંખ ચોળીને ઊભો થયો. પલંગની ફરતે આઠ-દસ લોકો ઊભા હતા.  બધાયના  ચહેરા ઉપર ગુસ્સો હતો. ‘શું થયું ?’ શ્રેયાંશે આશ્ચર્ય સાથે પૂછ્યું.‘સાવ ભોળો  બનવાની કોશિશ ન કર. બોલ મોબાઈલ ક્યાં સંતાડ્યો છે ?’ એક વ્યક્તિએ સવાલ કર્યો.

‘મોબાઈલ ? કયો મોબાઈલ ? કોનો મોબાઈલ ?’ શ્રેયાંશને કંઈ સમજાતું ન હતું. મવાલી  જેવા એક યુવાને નજીક આવી શ્રેયાંશનો કાંઠલો પકડ્યો. તેણે કહ્યું :‘ડોરમેટરીની  આ  રૂમમાં દસ વ્યક્તિ રહે છે. સવારે ઊઠીને તૈયાર થઈ બધા પોતપોતાનાં કામે ચાલ્યા  જાય છે. આજે સૌથી છેલ્લે મહેશ આ રૂમમાંથી ગયો હતો. મહેશ ગયો ત્યારે તેનો  મોબાઈલ  પલંગ પર ભૂલી ગયો હતો. મહેશ ગયો પછી તારા સિવાય બીજું કોઈ રૂમમાં હતું નહીં.
મોબાઈલ પણ તેં જ લીધો છે. તારી ધોલાઈ થાય એ પહેલાં કહી દે કે મોબાઈલ ક્યાં છે ?

’‘મને મોબાઈલ વિશે કંઈ ખબર નથી. શ્રેયાંશે કહ્યું. શ્રેયાંશની વાતથી કોઈને  સંતોષ ન થયો. બીજા એક યુવાને કહ્યું કે, ‘એનો સામાન ચેક કરો.’ એ સાથે જ  બાજુમાં  ઊભેલા બીજા યુવાને શ્રેયાંશની બેગ લઈને તપાસી. બેગમાં ત્રણેક જોડી કપડાં સિવાય  કંઈ ન હતું.‘બેગમાં તો કંઈ નથી.’ તપાસ કરનારે ચુકાદો આપ્યો.

‘એમ ! તો હવે તેનાં ખીસ્સાં તપાસો. એ મોબાઈલ અઢી હજારનો હતો. એણે વેચી માર્યો  લાગે છે. જોઈએ તેનાં ખીસ્સામાં કેટલા રૂપિયા છે ?’ બે યુવાનોએ શ્રેયાંશને ઊભો  કરી તેના પેન્ટના ખીસ્સામાંથી પાકીટ કાઢવાનો પ્રયત્ન કર્યો. શ્રેયાંશે છટકવાની  કોશિશ કરી. બધા લોકોએ શ્રેયાંશને પકડ્યો. આખી હોટલમાં દેકારો થઈ ગયો. હો…હા..  સાંભળી હોટલનો મેનેજર દોડી આવ્યો. ‘શું થયું ’ શ્રેયાંશને છોડાવી વાત જાણવાનો  પ્રયાસ કર્યો. એક મોબાઈલ ગુમ થયો છે તેવી ખબર પડી. શ્રેયાંશ પર મોબાઈલચોરીનો  આરોપ હતો.હોટલના મેનેજરે પોતાના ખીસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. ‘આ રહ્યો એ  મોબાઈલ.  રૂમ સાફ કરવાવાળા છોકરાને પલંગ ઉપરથી મળ્યો હતો. એણે આવીને મને સોંપ્યો.’ મને  કહ્યું કે ચેક કરીને જેનો મોબાઈલ હોય એને આપી દેજો. હું કંઈ કરું એ પહેલાં જ
તમે આ નિર્દોષ છોકરાને ચોર સમજી લીધો ! ચાલો, હવે વાત પૂરી કરો.’ શ્રેયાંશનો  છૂટકારો થયો. જો કે, માથાકૂટ ચાલતી હતી ત્યારે એક માણસે બોલેલા શબ્દો તેના  કાનમાં ગૂંજતા હતા : ‘પતા નહીં કૌન ચોર કી ઔલાદ હૈ !’ શ્રેયાંશની આંખ ભીની થઈ  ગઈ. મારા પિતા વિશે આવા શબ્દો ! અરે ! મારો બાપ તો અબજોપતિ છે. લાખો કરોડોનાં  દાન કરે છે. હું અઢી હજારના મોબાઈલની ચોરી કરું ? મારી પાસે જે મોબાઈલ હતો એ  પચ્ચીસ હજારનો હતો. મારી સામે આંખ ઊંચી કરીને જોવાની કોઈની હિંમત થતી ન હતી  અને  આ લોકો મને ચોર ગણીને મારવા ઊભા થયા હતા. તેમને ખબર નથી કે હું કોનો દીકરો છું ! શ્રેયાંશને ઘડીક તો થયું કે, આ બધાને કહી દઉં કે તમને ખબર નથી કે તમે કોની  સાથે વાત કરો છો !… જો કે, શ્રેયાંશ કંઈ કહી શકે તેમ ન હતો. ઘરેથી નીકળ્યો  ત્યારે પિતાને વચન આપ્યું હતું કે સાચી વાત કોઈને નહીં કહું. ઓળખ છુપાવવાનું
વચન આજે શ્રેયાંશને બહુ આકરું લાગતું હતું. જિંદગીમાં કોઈ દિવસ કલ્પના પણ  નહોતી
કરી કે આવો દિવસ આવશે, જ્યારે મને લોકો ચોર સમજશે !

શ્રેયાંશની સામે તેણે  જીવેલી જાહોજલાલી તરી આવી. એ દિવસો અને આજના દિવસમાં કેટલો બધો તફાવત છે ! ‘

વેઈટરની નોકરી છે, કરીશ ?’

‘અરે સાહેબ, તમે કહેશો એ બધું જ કરીશ. મારે બસ કામ જોઈએ છે !’ હોટલના માલિકે  કરેલી ઑફર શ્રેયાંશે તરત જ સ્વીકારી લીધી. શ્રેયાંશને ક્યાં ખબર હતી કે આજે  તેની આકરી કસોટી થવાની છે. હોટલનો માલિક તેને મેનેજર પાસે મૂકી ગયો. આ છોકરો  આજથી તારી નીચે કામ કરશે.

માલિકની વાત સાંભળી મેનેજરે શ્રેયાંશને કહ્યું, ‘આજે  તારો પહેલો દિવસ છે. તારે ટેબલ સાફ કરવાનાં. લોકો જમીને જાય એટલે તારે ડિશ  ઉપાડી લેવાની.’

શ્રેયાંશે કહ્યું કે ભલે. સાંજ પડતાં જ હોટલમાં ગ્રાહકો આવવા લાગ્યા. એક ટેબલ  ખાલી થયું. શ્રેયાંશ ડિશ ઉપાડવા ગયો. ડિશ જોઈને શ્રેયાંશના હાથ ધ્રૂજવા  લાગ્યા.
ડિશમાં તો મરઘીનાં હાડકાં અને માછલીનાં હાડપિંજર હતાં. ડિશને અડતાં જ  શ્રેયાંશની આંખ બંધ થઈ ગઈ. પોતાના ઈષ્ટદેવની મૂર્તિ નજર સમક્ષ તરવરી ગઈ.
શ્રેયાંશે મનોમન ભગવાનને કહ્યું : ‘અરે ભગવાન ! આ તું કેવી કસોટી કરે છે?  મારે  નિર્દોષ જીવનાં હાડકાં ઉપાડવાનાં ? હે ભગવાન, મને માફ કરજે.’ આંખમાં ઊભરેલું  આંસુ ગાલને ભીનું કરી જમીન પર ખરી પડ્યું. જાણે લોહીનું ટીપું ગાલને ચીરી નીચે  દડી પડ્યું હોય એવી વેદના શ્રેયાંશને થઈ. ચુસ્ત શાકાહારી અને દરરોજ ભગવાનની  પૂજા કરીને જ ઘરની બહાર નીકળતા શ્રેયાંશને એવો આભાસ થયો જાણે નિર્દોષ મરઘી અને  માછલી તેના હાથમાં તરફડે છે.

.

‘કોને પૂછીને તું ઘરમાં ઘૂસ્યો ?’ ડોરબેલ સાંભળીને  ધસી આવેલો છોકરો તાડુક્યો, ‘વોચમેન ! ક્યાં મરી ગયો ?’

શ્રેયાંશે કહ્યું : ‘સર  મારી વાત તો સાંભળો. હું તો એનસાયક્લોપીડિયા અને સાયન્સ ફેક્ટ્સની બુક વેચવા  આવ્યો છું. માર્કેટમાં આ બે બુકની કિંમત પાંચસો રૂપિયા છે. કંપનીના પ્રમોશન  માટે અમે તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આપીશું. બહુ ઉપયોગી બુક છે. જરા નજર તો  નાંખો !’ છોકરાના મગજનો પારો સાતમા આસમાને ચડી ગયો. તેણે પાછી બૂમ મારી, ‘ વોચમેન !…’ બાથરૂમ ગયેલો વોચમેન નાનાસાહેબની રાડ સાંભળી દોડતો આવ્યો.

‘ક્યાં  રખડે છે ? ગમે તેવા લોકો ઘરમાં ઘૂસી જાય છે. તમને રાખ્યા છે શા માટે ? ચાલ આને  બહાર કાઢ. આવી ચડે છે બુક વેચવા ! ચોર-લૂંટારા આવી રીતે જ ઘર જોઈ જાય છે !’
નાનાસાહેબનો ચહેરો જોઈ ગભરાઈ ગયેલા વોચમેને શ્રેયાંશને હાથ પકડી બંગલાની બહાર
કાઢ્યો. ધડામ દઈને બંગલાનો ગેઈટ બંધ કરી દીધો. બુક ન વેચાઈ તેનું દુ:ખ ન હતું
પણ એ છોકરાનું વર્તન શ્રેયાંશને ડિસ્ટર્બ કરી ગયું. શ્રેયાંશે દૂર ઊભા રહીને  બંગલાનું નિરીક્ષણ કર્યું. બંગલાના પોર્ચમાં મર્સિડિઝ પાર્ક થયેલી હતી. કાર  પાછળ ‘મર્સિડિઝ સી-કલાસ’ વાંચીને શ્રેયાંશને હસવું આવી ગયું. શ્રેયાંશથી મનોમન  બોલાઈ ગયું, તારી પાસે મર્સિડિઝ સી-કલાસ છે પણ મારી પાસે તો મર્સિડિઝ ઈ-કલાસ  છે.
પોતાના બંગલામાં પાર્ક થતી મર્સિડિઝ અને બીજી વિદેશી કાર શ્રેયાંશની નજર સામે  તરવરી ઊઠી. આજે એ વૈભવી કારનો કાફલો ન હતો, પગે ચાલીને ઘર ઘર રખડી બુક્સ વેચવાની હતી. શ્રેયાંશના મનમાં વિચારો ચાલતા હતા. જિંદગી પણ કેવા કેવા રંગો  બતાવે છે !

.

‘અંકલ, બે દિવસથી શ્રેયાંશનો ફોન નથી આવ્યો.’ સેક્રેટરીના શબ્દો  સાંભળી ગોવિંદભાઈનું હૃદય ધબકારો ચૂકી ગયું! ‘શું વાત કરે છે ? શ્રેયાંશને તો  કહ્યું હતું કે ગમે તેવી હાલત હોય, રોજ રાતે ફોન કરી જ દેવાનો ! છેલ્લે ક્યારે વાત થઈ હતી?’ ‘બે દિવસ અગાઉ ફોન આવ્યો હતો ત્યારે શ્રેયાંશ હૈદરાબાદની કોઈ  હોટેલમાં વેઈટર તરીકે કામ કરતો હતો. એ પછી તેના કંઈ ખબર નથી આવ્યા !’
ગોવિંદભાઈને ફડકો પડ્યો. કોઈ મારા દીકરાનું અપહરણ કરી ગયું હશે ? કોઈને ખબર  પડી  ગઈ હશે કે આ છોકરો કોઈ સામાન્ય માણસ નથી પણ કરોડો-અબજોની મિલકતનો માલિક છે. પણ  ખબર કેવી રીતે પડે ? અત્યારે તો તેની હાલત સાવ ગરીબ યુવાન જેવી છે. અપહરણ થયું  હોય તો પણ ખંડણી માટે કોઈનો ફોન તો આવે ને ? તો પછી શું થયું હશે શ્રેયાંશને ?

એક્સિડન્ટ ? ઓહ નો !…. ગોવિંદભાઈએ શ્રેયાંશની કુશળતા માટે મનોમન ભગવાનને  પ્રાર્થના કરી. ઘડીભર તો એમ પણ થયું કે, મેં મારા દીકરા સાથે આ શું કર્યું ?

ચિંતાના વિચારો પડતા મૂકી ગોવિંદભાઈએ સેક્રેટરીને કહ્યું કે, ‘પહેલી ફલાઈટમાં  મારી હૈદરાબાદની ટિકિટ બુક કરાવો. બધી એપોઈન્ટમેન્ટ્સ કેન્સલ ! આઈ હવે ટુ રશ  ટુ  હૈદરાબાદ !’મુંબઈથી હૈદરાબાદ સુધીની વિમાનની સફર ગોવિંદભાઈ માટે આકરી નીવડી. મનમાં એક જ વિચાર ઘૂમતો હતો કે, એકના એક દીકરા શ્રેયાંશને શું થયું હશે ?
હૈદરાબાદના એરપોર્ટ પર જેટનું પ્લેન લેન્ડ થયું. વિમાનનાં ટાયર જમીનને અડ્યાં  ત્યારે વિચાર આવ્યો કે સાવ અજાણી ભૂમિ પર મારા દીકરા સાથે શું થયું હશે ?
શ્રેયાંશ સાથે આવું કરવાની શું જરૂર હતી ? હું કંઈ ખોટું તો નથી કરી બેઠો ને  ?….. એરપોર્ટની બહાર નીકળી ટેક્સી પકડી. શ્રેયાંશ જ્યાં રહેતો હતો તે હોટલના  સરનામે ટેક્સી લીધી. ડ્રાઈવરને રોકાવાનું કહી બને એટલી ઝડપે હોટલમાં ધસી ગયા.

મેનેજરને પૂછ્યું : ‘શ્રેયાંશ ક્યાં છે ?’ જવાબ મળ્યો, ‘ખબર નથી. બે દિવસથી  દેખાયો જ નથી !’ ગોવિંદભાઈ ધ્રૂજી ગયા. કેટલાય અમંગળ વિચારો આવી ગયા. ભગવાનને  પ્રાર્થના કરવા સિવાય ગોવિંદભાઈને કંઈ સૂઝતંી નહોતું. એવામાં જાણે ભગવાને  તેમની  પ્રાર્થના સાંભળી લીધી. ‘કોણ ? શ્રેયાંશ ? એ તો બીમાર પડી ગયો છે…’ શ્રેયાંશ  સાથે ડોરમેટરી રૂમમાં રહેતા યુવાને કહ્યું અને ઉમેર્યું, ‘દવા લેવા સ્વામી  મંદિર જાઉં છું એમ કહીને ગયો હતો, પણ પાછો નથી આવ્યો…’

‘ડ્રાઈવર, ગાડી સ્વામી મંદિર લે લો.’ ગોવિંદભાઈ સીધા સ્વામી મંદિર પહોંચ્યા.
મંદિરે પૂછપરછ કરી તો એક ભક્તે કહ્યું, ‘મારી સાથે ચાલો…’ મંદિરનદવાખાનામાં  ગોવિંદભાઈને લઈ જવાયા. એક પલંગ તરફ ઈશારો કરીને કહ્યું કે ‘ત્યાં સૂતો છે. ખૂબ  તાવ આવે છે. એ ચાલ્યો જતો હતો. અમે તેને ધરાર રોક્યો. તબિયત વધુ બગડે તેના કરતાં સારવાર પૂરી કરી લે. અમારી વાત માંડ માન્યો.’ ગોવિંદભાઈ ધીમા પગલે પલંગ  પાસે ગયા. નજીક બેસી ધાબળો હટાવતાં કહ્યું : ‘શ્રેયાંશ !’

મોઢું ઊંચું કરી શ્રેયાંશે નજર માંડી. ‘પપ્પા ! તમે ?’ ગોવિંદભાઈના ગળે ડૂમો  બાઝી ગયો. કંઈ બોલ્યા વગર દીકરાને વળગી પડ્યા. શ્રેયાંશનું શરીર ગરમ હતું, જો  કે, તાવની એ ગરમી બાપને હૂંફ જેવી લાગી.

‘બસ દીકરા, બહુ થયું. ચાલ હવે ઘરે.’ ગોવિંદભાઈએ એકીશ્વાસે કહ્યું. પપ્પાનો હાથ  છોડાવીને દીકરાએ બાપની નજરમાં નજર પરોવી. ‘ના પપ્પા, એમ હારી કે થાકી જાઉં એવો  હું નથી. સામાન્ય તાવ છે, ઊતરી જશે. એક-બે દિવસમાં પાછો ક્યાંક નાની એવી  નોકરીએ  લાગી જઈશ. મારી ચિંતા ન કરો. આખરે તમારો દીકરો છું. જે આદર્યું છે એ અધૂરું  નહીં છોડું. પ્લીઝ, તમે જાવ. મારે જે કરવું છે એ મને કરવા દો.’

‘ફાઈન બેટા,  જેવી તારી મરજી. હું જાઉં છું.’ દવાખાનાની બહાર આવીને ટેકસીના ડ્રાઈવરને
કહ્યું  કે, ‘ગાડી એરપોર્ટ લે લો.’ હૈદરાબાદથી વિમાને ટેઈક ઑફ કર્યું ત્યારે  ગોવિંદભાઈને માત્ર એટલી શાંતિ હતી કે દીકરો ભલે બીમાર છે પણ કોઈ મુશ્કેલીમાં  નથી. છતાં મનમાં એક વિચાર આવતો હતો કે, શ્રેયાંશ સાથે મેં આવું શા માટે કર્યું ? શું આવું જરૂરી હતું ? કદાચ હા, એ જરૂરી હતું. હીરાને ચમકાવવા માટે ઘાટ તો  આપવો જ પડે ! ચારેય બાજુથી ઘસાય અને છોલાય પછી જ હીરો ઝળહળી ઊઠે છે. મુંબઈની  આલીશાન ઑફિસની બારીમાંથી ગોવિંદભાઈએ બહાર જોયું. આખું મુંબઈ શહેર ધબકતું હતું.
આ શહેરનું બ્લ્ડપ્રેશર માપીએ તો કદાચ હાઈ આવે. હોય, ત્યાં બધું હાઈ હોય છે.
ગોવિંદભાઈનો ડાયમંડ બિઝનેસ પણ હાઈ હતો. ટર્નઑવર અબજોનો તો આંકડો આંબી ગયું
હતું.
જોકે, ધંધાને તેમણે ક્યારેય મગજ ઉપર સવાર થવા દીધો ન હતો. ગોવિંદભાઈ વિચારે  ચડી  ગયા. આમ પણ મારી પાસે હતું શું ? – ગોવિંદભાઈની નજર સામે નાનકડું ગામડું તરી  આવ્યું. અમરેલી જિલ્લાના લાઠી પાસેનું દૂધાળા ગામ નકશામાં પણ બિલોરી કાચ લઈને  શોધવું પડે. ક્યાં દૂધાળાં અને ક્યાં આ મુંબઈ ! દૂધાળામાં બાપ-દાદાનો ખેતીનો  ધંધો. ગોવિંદભાઈને થયું કે ચાલો બહાર જઈને નસીબ અજમાવીએ. સફળ થશું તો બે  પાંદડે  થશું અને નિષ્ફળ જશું તો બાપ-દાદાની આ ખેતી ક્યાં નથી ? પાછાં આવતા રહીશું.  ખુદ  ગોવિંદભાઈને પણ ખબર ન હતી કે તેમના નસીબમાં બે પાંદડે નહીં પણ બે-પાંચ ઝાડ  થવાનું લખ્યું હતું. દૂધાળાથી સુરત આવ્યા. હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. ચાર  હજાર રૂપિયા ભેગા થયા. ગોવિંદભાઈને થયું કે હવે પોતાનું કામ શરૂ કરું. પણ  હીરાનું કામ આટલા રૂપિયામાં તો ન થાય. સગા ભાઈ જેવા બે ભાગીદારો મળી ગયા.
ભાગીદારીમાં હીરાનો ધંધો શરૂ કર્યો. મહેનતનો પરસેવો નાણાં તાણી લાવ્યો.

.
એકાઉન્ટન્ટે આવીને વિચારોમાં ખલેલ પાડી.

‘સર, આપણું વાર્ષિક ટર્નઑવર એક હજાર કરોડનો આંકડો પાર કરી ગયું છે. હજુ તો  કેટલીય નવી ઑફરો પેન્ડિંગ છે. શું કરીશું ?’ કંપનીના ચીફ એકાઉન્ટન્ટે કહ્યું.

મને વિચારવા દો.’ ગોવિંદભાઈએ શાંત ચિત્તે જવાબ આપ્યો. ડાયમંડ ફેક્ટરીની બહાર
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના બોર્ડની ફરતે લાઈટ્સ ચમકતી હતી. આ લાઈટની જગ્યાએ  હીરા લગાડી શકવાની ત્રેવડ હતી. ગોવિંદભાઈને એક જ વિચાર આવતો હતો કે મારી ભાવિ  પેઢીનું શું ? મને મારા સંતાનને વારસામાં માત્ર અબજો રૂપિયા અને ડાયમંડનો આ  ધીકતો ધંધો જ નથી આપવો. સંસ્કારની મૂડી ન હોય તો કોઈ દોલત કામ આવતી નથી.

ગોવિંદભાઈને એક સંતની વાત યાદ આવી ગઈ. તેમણે કહ્યું હતું કે સંતતિ અને સંપત્તિ  માટે પ્રયત્નો કરવાની જરૂર છે પણ પાપ કરવાની જરૂર નથી. પ્રારબ્ધ અનુસાર બધું જ  મળી રહે છે. એ દિવસથી ગોવિંદભાઈએ મન, વચન કે કર્મથી કોઈનું બૂરું નહોતું  કર્યું.
અરે બૂરું કરનારાઓનું પણ ભલું કર્યું. પિતા લાલજીભાઈ અને માતા સંતોકબહેને પણ  એવું જ શીખવ્યું હતું કે રૂપિયાની લાલચ ન રાખવી. કોઈનું બૂરું કરીને કદાચ  રૂપિયા મળશે પણ સુખ જતું રહેશે. લગ્ન બાદ પત્ની ચંપાબહેનના વિચારો પણ આવા જ  જોવા મળ્યા. બાળકોમાં મોડું થયું. સંતાનો થતાં ન હતાં. ચંપાબહેન ભણેલાં ન હતાં  પણ ઘણુંબધું ગણેલાં હતાં. તેમણે કહ્યું, ભગવાન જ્યારે જે આપવાનું હોય છે  ત્યારે  જ આપે છે. લગ્નનાં 8 વર્ષ પછી દીકરી મીનાક્ષીનો જન્મ થયો. બીજાં પાંચ વર્ષ પછી  બીજી દીકરી શ્વેતા અવતરી. લગ્નનાં સત્તર વર્ષે દીકરો જન્મયો. શ્રેયાંશ નામના  બે  જૈન મિત્રો ગોવિંદભાઈને યાદ આવ્યા. શ્રેયાંશ એટલે ઉમદા માણસ – મારો દીકરો પણ
એના જેવો થાય તો કેવું સારું ! એ વિચારી ગોવિંદભાઈએ દીકરાનું નામ પાડ્યું, શ્રેયાંશ.

શ્રેયાંશના ઉછેરમાં કોઈ કમી ન રાખી. શ્રેયાંશ પણ કુળનું નામ રોશન કરે તેવો  હતો.  છતાં ગોવિંદભાઈને થતું હતું કે, મારે જિંદગીમાં એવા પાઠ શ્રેયાંશને પઢાવવા છે  જે દુનિયાની કોઈ પાઠશાળા ન શીખવી શકે. ગરીબી કોને કહેવાય એ શ્રેયાંશને ખબર ન  હતી. છતાં પિતા વિંદભાઈને વિચાર આવતા કે રૂપિયાની ઝાકમઝોળમાં પુત્ર શ્રેયાંશ  ક્યાંક કોઈ ભૂલ ન કરી બેસે. અમીરી કરતાં માણસાઈ વધુ મહત્વની છે. રૂપિયાની કદર  અને માણસાઈનું ભાન તો સંતાનોને થવું જ જોઈએ….. શું કરવું ?… એના સતત વિચારો  આવતા હતા. તેમાં એક દિવસ ગોવિંદભાઈને એક આઈડિયા સૂઝયો. દીકરા શ્રેયાંશને  બોલાવીને કહ્યું કે ‘સામાન્ય માણસનું જીવન નજીકથી જોવા જેવું હોય છે. અમે તો એ  જીવન જીવ્યા છીએ, પણ તારે એ જીવન જોવા અને શીખવા માટે એક નાનકડી પરીક્ષા આપવી  પડશે… દોઢ મહિનો અજાણ્યા શહેરમાં જઈ ગમે તે કામ કરવાનું. જિંદગીમાં આ દોઢ
મહિનામાં ઘણું શીખવાનું મળશે. ક્યાંય સાચી ઓળખ નહીં આપવાની. ક્યાંય નામ નહીં વટાવવાનું. સાવ અજાણ્યા બનીને જીવવાનું.’ શ્રેયાંશ પિતાનો ઈશારો સમજી ગયો.  પિતાનો આદેશ માથે ચઢાવીને કહ્યું કે હું તૈયાર છું. મને ગર્વ છે કે મારા પિતા  મારા માટે આટલું બધું વિચારે છે.’ ‘ક્યાં જઈશ ?’ પિતાએ સવાલ કર્યો.
શ્રેયાંશે કહ્યું : ‘એવા અજાણ્યા શહેરમાં, જ્યાં અગાઉ કોઈ દિવસ પગ નથી મૂક્યો,  હૈદરાબાદ.’ સુરતથી ટ્રેનની અનરિઝર્વ્ડ ટિકિટ લઈ કોમન ડબામાં બેસીને હૈદરાબાદ  જવા રવાના થયો. ક્યાં પિતાએ લઈ આપેલી એક કરોડની ઈમ્પોર્ટેડ આઉડી કાર અને ક્યાં  આ ટ્રેનનો કોમન ડબ્બો. બેસવાની પણ જગ્યા ન હતી. ટોઈલેટના દરવાજા પાસે નીચે  બેસી  ગયો. બાથરૂમ આવતાં-જતાં લોકો ઊભા થવાનો આદેશ કરતા હતા. શ્રેયાંશને થયું. આ તો  હજુ શરૂઆત છે, હજુ તો દોઢ મહિનો કાઢવાનો છે. ભલે ગમે તેવી મુશ્કેલી પડે પણ  મારી  પરીક્ષામાંથી પાછો નહીં પડું.અઢાર વર્ષનો દીકરો શ્રેયાંશ એકલો હૈદરાબાદમાં શું  કરતો હશે ? એવી ચિંતા પિતાને થતી હતી. માતા ચંપાબેહેનને તો ખબર જ પડવા નહોતી  દીધી કે દીકરો અજાણી ભૂમિમાં જિંદગીના પાઠ શીખવા ગયો છે. માતાને તો એવું  કહ્યું  હતું કે, દીકરો હિમાલય પર્વત પર ટ્રેકિંગ માટે ગયો છે. પિતા સમજતા હતા કે એ  કોઈ  પર્વત પર નહીં પણ જિંદગીના પડાવો પર ટ્રેકિંગ કરવા ગયો છે. શ્રેયાંશ ગયો તેને  એક મહિનો થવા આવ્યો હતો. પિતાને થયું કે, બસ. હવે વધારે પરીક્ષાની જરૂર નથી.
હવે મારો દીકરો સુરત, મુંબઈ અને એન્ટવર્પની ઑફિસ સંભાળી શકે તેવો થઈ ગયો છે. એ  રાતે જ ગોવિંદભાઈ મુંબઈથી હૈદરાબાદ પહોંચ્યા. શ્રેયાંશ જે બુટિક શૉપમાં કામ  કરતો હતો ત્યાં ટેક્સી લેવડાવી. દુકાનની સામે ટેક્સી ઊભી રહી. ગોવિંદભાઈએ  દુકાન  સામે જોયું. દીકરો શ્રેયાંશ હાથમાં સાવરણી લઈને દુકાનના પ્રવેશદ્વાર નજીક  વાળતો  હતો. શ્રેયાંશ પાસે જઈ ગોવિંદભાઈએ દીકરાને ગળે વળગાડી દીધો… ‘બસ બેટા ! તું  તારી પરીક્ષામાં પાસ થઈ ગયો… ચાલ હવે ઘરે….’ થડે બેઠેલાં દુકાનના માલિકને  સમજાયું નહીં કે કારમાંથી ઊતરેલો કરોડપતિ જેવો દેખાતો આ માણસ શા માટે તેના  ચપરાશીને વળગી ગયો હતો ! ગોવિંદભાઈ જ્યારે તેને સાચી વાત કરી ત્યારે તેણે
ગોવિંદભાઈને વંદન કર્યાં. એણે કહ્યું : ‘ધીસ ઈઝ ધ ટ્રુ લેસન્સ ઑફ લાઈફ. આ જ  જિંદગીનું સાચું ભણતર છે.’ હૈદરાબાદથી ઊપડેલું વિમાન જ્યારે મુંબઈ એરપોર્ટ પર  લેન્ડ થયું ત્યારે મહિના અગાઉનો શ્રેયાંશ સાવ જુદો હતો. જિંદગીનું કેટલું બધું  ભાથું આ એક મહિનામાં ભેગું થઈ ગયું હતું !પિતાની નજરમાં નજર પરોવીને શ્રેયાંશે  પિતાને કહ્યું કે : ‘આઈ એમ પ્રાઉડ ઑફ યુ ડેડ.’ પિતાએ કહ્યું : ‘મી ટુ બેટા !  રિયલી પ્રાઉડ ઑફ યુ….’

(સત્યઘટના)

આ એક હન્ડ્રેડ પર્સન્ટ સાચી વાર્તા છે. મુંબઈ અને સુરતમાં રહેણાંક ધરાવતાં  અબજોપતિ ઉદ્યોગપતિ 58 વર્ષીય ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા ઉર્ફે ગોવિંદ ભગત  વર્ષે એક હજાર કરોડનું ટર્ન ઓવર કરતી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના માલિક  છે.
ગોવિંદભાઈની ડાયમંડ ફેક્ટરીઓમાં પાંચ હજારથી વધુ લોકો કામ કરે છે.
વાસ્તવિકતાનું ભાન, રૂપિયાની કદર અને માણસાઈની સમજ મળે એટલા માટે ગોવિંદભાઈએ
તેના પુત્ર શ્રેયાંશને ખાલી ખિસ્સે એક મહિના માટે અજાણ્યા શહેરમાં નસીબ  અજમાવવા
મોકલ્યો હતો. ગોવિંદભાઈની ઈચ્છા હતી કે તેનો પુત્ર અબજોનો ડાયમંડ ઉદ્યોગ  સંભાળે  એ પહેલાં તેને જિંદગીની સાચી સમજ મળે. ગોવિંદભાઈએ માત્ર પોતાના પુત્ર  શ્રેયાંશને જ નહીં પરંતુ પોતાના પરિવારનાં અન્ય ચાર સંતાનો અક્ષય અરજણભાઈ  ધોળકિયા, મિતેષ મનજીભાઈ ભાતિયા, નીરવ દિનેશભાઈ નારોલા અને બ્રિજેશ વિજયભાઈ  નારોલાને પણ આ જ રીતે અજાણી જગ્યાએ ઓળખ છુપાવી અનુભવો મેળવવા મોકલ્યા હતા.

શ્રેયાંશ હૈદરાબાદ, અક્ષય બેંગ્લોર, નીરવ જયપુર, બ્રિજેશ ઈંદોર અને મિતેષ  ચંદીગઢ ખાતે એક મહિનો કામ કરવા ગયા. આ વાર્તા આ પાંચેય યુવાનોના અનુભવનો નિચોડ  છે. ઘરેથી રવાના થયા ત્યારે તેમને ખર્ચ પેટે સાત હજાર અપાયા હતા. જરૂર પડે તો  જ  તેમાંથી ખર્ચ કરવાનો. અલબત્ત, કોઈ ઈમરજન્સી ઊભી થાય અને રૂપિયાની જરૂર પડે તો  કામ લાગે એ માટે મોટાં બેલેન્સવાળાં ક્રેડિટ કાર્ડ પણ અપાયાં હતાં. આ  પાંચેયમાંથી એકેય યુવાને આ ક્રેડિટ કાર્ડ તો વાપર્યું જ નહોતું. સાત હજારમાંથી  પણ ઘણા રૂપિયા બચાવ્યા હતા. આ પાંચેય યુવાનો માટે એવી પણ શરત હતી કે કોઈ  જગ્યાએ  એક અઠવાડિયાથી વધુ કામ નહીં કરવાનું. તમામે રોજ રાતે પોતાના અનુભવો ડાયરીમાં  લખવાના. આ પાંચેય યુવાનો આવા અનોખા પ્રયોગ માટે ગયા છે તેના વિશે ગોવિંદભાઈ  સહિત ઘરના ચાર વડીલો સિવાય કોઈને ખબર નહોતી. પરિવારમાં બધાને એવું જ કહેવાયું  હતું કે છોકરાંવ ફરવા ગયા છે. એક મહિનામાં આ પાંચેય યુવાનોને ઘણા સારા-નરસા
અનુભવો થયા. તેમાંથી થોડાક કિસ્સાઓ આ વાર્તામાં ટાંક્યા છે.  પાંચેય યુવાનો  કરોડપતિનાં સંતાનો હતાં. તેમને કંઈ થઈ જાય તો ? કોઈ અપહરણ કરી જાય તો ? પાંચેય  ક્ષેમકુશળ છે તે જાણવા એવી પણ સૂચના આપવામાં આવી હતી કે રોજ રાત્રે મુંબઈમાં  એક  કઝિનને પાંચેય ફોન કરશે અને આખો દિવસ શું કર્યું તેનો રિપોર્ટ આપશે. રોજ એક ફોન  સિવાય પરિવારના કોઈ જ વ્યક્તિનો સંપર્ક કરવાની મનાઈ હતી. પાંચેયના મોબાઈલ પણ  લઈ  લેવાયા હતા. રોજ એસ.ટી.ડી બૂથ પરથી એક ફોન કરીને સમાચાર આપી દેવાના. ગોવિંદભાઈ  કહે છે કે પાંચેયમાંથી કોઈએ એક શરતનો પણ ભંગ કર્યો નહોતો. ઊલટું બધા મહિને  દહાડે ચાર-પાંચ હજાર કમાઈને લાવ્યા હતા. આ પાંચેય યુવાનોએ જ્યાં જ્યાં કામ   કર્યું હતું ત્યાં જઈને પરિવારજનોએ તેમનો આભાર માન્યો. તમામને સાચી વાત કરી.
ગોવિંદભાઈ કહે છે કે અમારી વાત સાંભળી લગભગ તમામ લોકોની આંખ ભીની થઈ ગઈ હતી.
ધોળકિયા પરિવારે એ તમામને પાંચથી માંડીને પચાસ હજાર સુધીની કિંમતની ગિફ્ટ પણ  આપી હતી. હૈદરાબાદમાં શ્રેયાંશ ઈન્દુબહેન નામની એક મહિલાના ઘરે રહીને જમતો  હતો.
ઈન્દુબહેને શ્રેયાંશનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. 35 હજારની હીરાની બુટ્ટી  જ્યારે ઈન્દુબહેનને ભેટ આપી ત્યારે તેઓ ગદગદિત થઈ ગયાં હતાં. ઈન્દુબહેન સાથે  અત્યારે ધોળકિયા પરિવારને પારિવારિક સંબંધો છે. ઈન્દુબહેનનો પુત્ર અત્યારે  ગોવિંદભાઈની મુંબઈમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં જોબ કરે છે.

શ્રેયાંશ કહે છે  કે  આ એક મહિનામાં અમને એવું શીખવા મળ્યું કે સંજોગો અને પરિસ્થિતિ ગમે તેવી હોય,  હિંમત હારવી નહીં. માણસની સાથે માણસની જેમ પેશ આવવું ભલે સામેનો માણસ અમીર હોય  કે ગરીબ. પણ આ એક મહિનામાં જે લેસન શીખવા મળ્યાં તે મારા કોઈ પુસ્તકમાં નથી.
હું નસીબદાર છું કે મને આવા પિતા અને પરિવારજનો મળ્યા. અને હા, હું ખાતરી આપું  છું કે ભવિષ્યમાં મારા સંતાનોને પણ આવી જ રીતે કામ કરવા મોકલીશ. ઈટ્સ અ ગ્રેટ  ટ્રેનિંગ. મારું ચાલે તો એમ.બી.એ.ના અભ્યાસમાં આવી પ્રેક્ટિકલ રિયાલિટીનું એક  સેમેસ્ટર ઉમેરી દઉં. માણસાઈ જ જિંદગીમાં મહત્વની છે, સંપત્તિ નહીં. માણસાઈના  પાઠ તો જિંદગીના અનુભવોમાંથી જ મળે. એ મહિનો અમારી જિંદગીનો એક એવો હિસ્સો છે  જેને અમે આખી જિંદગી જતનપૂર્વક જીવીશું.

------- ®-------