તપની પાછળ દંભ રહેલો હોય છે. પોતાની જાતને તપસ્વી ગણાવવાનો ભાવ હોય છે. આથી નિર્જળા ઉપવાસ કરે, અતિ આકરાં વ્રત કરે, પછી એની સતત પ્રસિદ્ધિ કરે અને અંતે શરીર કૃશ કરીને પોતાની જાતને તપસ્વીમાં ખપાવવાનો પ્રયાસ કરે છે. ?વર્તમાન સમયમાં ચોતરફ હૃદયરોગની બિમારી જોવા મળે છે, ત્યારે શ્રીમદ્ ભગવદ્ગીતાનો સંદેશ એ સંદર્ભમાં વિચારવા જેવો છે, આ ગ્રંથોએ મૂળગામી સત્યની વાત કરી છે, જેની ઉપેક્ષા કે અવગણના અનેક અનિષ્ટો, રોગો અને વિનાશ સર્જી શકે છે.
આ શરીરને અતિ કષ્ટ આપી. ક્રૂર અને કઠોર તપ કરી એને સૂકવી નાખવાનું અથવા તો એના તરફ સૂગ કે વેરાભાવ રાખવાનું યોગ્ય નથી. આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુ જેમ ધર્મ અને મોક્ષ પામવા માટે કઠોર તપ કરી શરીરને કૃશ કરવાની વાત મળે છે, તો બીજી બાજુ અતિ મિષ્ટ ભોજન અને ઇન્દ્રિયોના ભોગવિલાસ દ્વારા શરીરને ખૂબ સુખપૂર્વક રાખવાની વાત મળે છે. ' આવું સ્વાદિષ્ટ ભોજન મળે છે તો કેમ જમવું નહીં ? એમ કહેનાર તમને ઘણા મળશે. જીભના સ્વાદને વશ વર્તનારાઓ શરીરની ઐસી તૈસી કરીને વાનગીઓ ઝાપટતા હોય છે.
કેટલાકના જીવનનું કેન્દ્ર જ ભોજન હોય છે. એમને નવી નવી વાનગીઓમાં ઊંડો રસ હોય છે અને ક્યા શહેરની કઈ વાનગીઓ ક્યાં મળે છે. એની આખી ડિરેકટરી હોય છે. શરીરને અતિ સ્વાદિષ્ટ ભોજન અને ઇન્દ્રિય ભોગનું માધ્યમ માનનારાઓ માટે દેહ જ સર્વસ્વ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા આત્માની વાત કરે છે. એણે આત્માની શાશ્ચતતાનો સ્વીકાર પણ કર્યો છે, પરંતુ સાથોસાથ એ દેહની પણ વાત કરે છે. આત્મા એ દેહના ગુણધર્મથી રહિત છે અને તેથી આત્માને ઓળખાવતા એણે દેહી શબ્દ વાપર્યો છે. પરંતુ એણે દેહ પ્રત્યેની અંતિમ દૃષ્ટિનો અસ્વીકાર કર્યો છે. એ દેહને ઘૃણા કે તિરસ્કારની નજરે જોતી નથી અને દેહ જ જીવનમાં બધું હોય એ દૃષ્ટિને પણ અધૂરી ગણે છે.
એક અર્થમાં કહીએ તો દેહમાં રહેલા દેહીનું મહત્ત્વ સ્વીકારવાની સાથે એ દેહને ધિક્કારતી નથી. જ્યાં સુધી દેહમાં આત્મા છે ત્યાં સુધી એ દેહનો પણ મહિમા છે. એની સ્વસ્થતા જરૃરી છે. વળી દેહની સ્વસ્થતા સાથે મનની સ્વસ્થતા જોડાયેલી છે અને એ માર્ગે જ માનવી યોગ તરફ પ્રયાણ કરે છે. આમ ગીતાદર્શન એ દેહવાદી નથી અને દેહવિરોધી પણ નથી.
એ વાત સાચી કે દેહ અને આત્મા જુદા છે, પરંતુ અંતે આત્મા પણ દેહમાં વસે છે અને જ્યાં સુધી એ દેહમાં દેહી( આત્મા ) છે, ત્યાં સુધી દેહને સ્વસ્થ રાખવો જરૃરી છે. આથી શ્રીમદ્ ભગવદ્ગીતા એક નવું દર્શન એ આપે છે કે શરીરની સદંતર ઉપેક્ષા કે શરીરનું અધિક લાલન-પાલન અનુચિત અને અયોગ્ય છે. કેટલાક મોક્ષુપ્રાપ્તિ માટે શરીરને સાવ સૂકવી નાખે છે, હઠયોગ જેવા સાધનાનાં માર્ગોમાં અત્યંત નિષ્ઠુર અને કઠોર ક્રિયાઓ દ્વારા સામે ચાલીને કષ્ટો વહોરવામાં આવે છે. કાંટાની પથારીમાં સૂવું કે વર્ષો સુધી એક પગ કે એક હાથ ઊંચા રાખીને ઊભા રહેવું કે પછી પોતાનું વમન પોતે ખાવું જેવી ક્રિયાઓમાં બીભત્સ તપ રહેલું છે.
આનો અર્થ એ છે કે આવી ક્રિયાઓ દ્વારા બાધારૃપ એવા શરીરને સૂકવી નાખવું. એમને આ દેહ મોક્ષમાર્ગમાં અવરોધકરૃપ લાગે છે. સાધનામાં અડચણરૃપ જણાય છે. અને તેથી તપ દ્વારા સૂકવી નાખવાનું કહેવામાં આવે છે. જ્યાં તપ-ત્યાગનો મહિમા છે એવા જૈનધર્મમાં પણ તપથી શરીરને સૂકવી નાખવાની વાતનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ભારતમાં ક્યાંત એવી માન્યતા ઘર કરી ગઈ છે કે દેહને વધુ કષ્ટ આપવું. દેહ જાણે આપણો શત્રુ હોય એવો વ્યવહાર કરવો. આનું દુઃખદ પરિણામ પમ આપણે જોઈએ છીએ કે વ્યકિત એના દેહની ઘોર ઉપેક્ષા કરે છે. અને એને પરિણામે એ દેહ વ્યાધિથી સતત પીડાતો રહે છે.
ક્યાંક આવા તપની પાછળ દંભ રહેલો હોય છે. પોતાની જાતને તપસ્વી ગણાવવાનો ભાવ હોય છે. આથી નિર્જળા ઉપવાસ કરે, અતિ આકરાં વ્રત કરે, પછી એની સતત પ્રસિદ્ધિ કરે અને અંતે શરીર કૃશ કરીને પોતાની જાતને તપસ્વીમાં ખપાવવાનો પ્રયાસ કરે છે. કયારેક આવા તપના પાછળ વ્યકિતનો અહંકાર હોય છે. ઘણીવાર ધર્મક્રિયાઓ એ અહંકારને પોષવા માટે થતી હોય છે. એ તપ દ્વારા શારીરિક કષ્ટો આપીને અને વધુને વધુ કઠોર તપ કરીને પોતાની જાતને બીજાથી ચડિયાતી ઠેરવવા પ્રયાસ કરે છે.
શ્રીમદ્ ભગવદ્ગીતા કહે છે કે આડંબર અને અહંકારના ઉદ્દેશથી થયેલું તપ એ મૂર્ખતાપૂર્ણ તો છે જ, પરંતુ અશાસ્ત્રીય પણ છે. શાસ્ત્રીય એટલે સાચો માર્ગ અને અશાસ્ત્રીય એટલે ખોટો માર્ગ. આમ આવું તપ કરનાર એ ખોટા માર્ગે પ્રયત્નો કરતો હોય છે. આવું ઘોર તપ અહંકારયુક્ત હોવાથી વ્યકિત મોક્ષને બદલે મદાંધતા પામે છે.
રાવણ મહાપ્રતાપી, યુદ્ધ વિશારદ, કુશળ રાજનીતિજ્ઞા અને ઐશ્વર્યસંપન્ન હતો. એણે કુબેર પાસેથી સોનાની લંકા અને પુષ્પક વિમાન પણ પડાવી લીધું હતું. આ રાવણે ઘોર તપ કર્યું. પરંતુ એ તપ અહંકારરહિત નહોતું. એ ઘોર તપની પાછળ એનો હેતું તો દૈત્ય, દાનવ કે પક્ષ કોઈ તેને મારી ન શકે એવું વરદાન પ્રાપ્ત કરવાનો હતો. આ રીતે ઘોર તપની પાછળ રાવણનો અહંકાર રહ્યો હતો અને આવી અહંકારી વ્યકિત જે તપ કરે છે. તે અશાસ્ત્રીય હોય છે, અર્થાત્ એ સાચું તપ હોતું નથી.
રાક્ષસોના રાજા હિરણકશિપુએ પણ આવું ઘોર તપ કર્યું હતું. બ્રહ્મા પાસેથી એણે વરદાન મેળવ્યું હતું કે દેવ, અસૂર, ગંધર્વ, પશુ-પક્ષી, મનુષ્યના હાથે તે મૃત્યુ ન પામે, તે અસ્ત્ર, શસ્ત્ર, વૃક્ષ, પથ્થર, લીલા કે સૂકા પદાર્થથી મરે નહિ, તે દિવસે કે રાત્રે ન મરે, તે ઉપર કે નીચે, ઘરની અંદર કે બહાર મૃત્યુ ન પામે. એને આ વરદાન હોવાથી વિષ્ણુભક્ત એવા પોતાના જ પુત્ર પ્રહ્લાદને ખૂબ હેરાન કર્યો.
પ્રહ્લાદ અનેક આપત્તિઓ સહેવા છતાં અડગ રહ્યો. મહાત્મા ગાંધીજીએ તો પ્રહ્લાદને સહુથી પહેલો સત્યાગ્રહી કહ્યો હતો. હિરણ્યકશિપુનું તપ એ અહંકારયુક્ત તપ હતું અને તેથી એ તપ ભગવદ્ગીતાના કહેવા પ્રમાણે મૂઢતાપૂર્વકનું અને શાસ્ત્રમાં ન કહ્યું હોય તેવું ઘોર તપ હતું. આવા તપનું શું પરિણામ આવ્યું તે આપણે જાણીએ છીએ. આ તપને અશાસ્ત્રીય કહેવામાં આવે છે કારણકે રાવમને વિભીષણ, હનુમાન વગેરે શાસ્ત્રવચનો કહે છે, પણ તે એનમી પરવા કરતો નથી, ભગવદ્ગીતા આવા તામસ તપથી દૂર રહેવું કહે છે. બીજી બાજુ કેટલાક લોકો ખાન-પાન અને ઇન્દ્રિયોના વિલાસ દ્વારા દેહનું અતિ લાલનપાલન કરે છે, તે વિશે પમ શ્રીમદ્ ભગવદ્ગીતાનો મહાન સંદેશ જોવા જેવો છે.
શ્રીમદ્ ભગવદ્ગીતા સાત્વિક આહાર કેવો હોય છે એ વિશે પણ વિગતે વાત કરે છે. આ સાત્વિક આહાર સત્વ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારો હોવો જોઈએ. વ્યકિતના આહાર પરથી એનું વ્યકિતત્વ પ્રગટ થાય છે. તામસી લોકોનો આહાર ઉત્તેજના જગાડે તેવો, નિદ્રા વધારે તેવો, ચરબીયુક્ત અને સ્થૂળતા ધરાવતો હોય છે, જ્યારે રાજસી વ્યકિતનો આહાર જીવનમાં સ્ફૂર્તિ અને ત્વરા પેદા કરે તેવો હોય છે. પરંતુ સાત્વિક વ્યકિતનો આહાર લયબદ્ધ સંગીત જેવો હોય છે. એમાં સાત્વિકતા , સ્વસ્થતા અને તંદુરસ્તીનો વિચાર કરવામાં આવ્યો હોય છે.
સાત્વિક માનવી પ્રકૃતિ અનુસાર જીવતો હોવાથી એનું જીવન વધુ સ્વસ્થ રહે છે. આનું ઉત્તમ ઉદાહરણ રામાયણમાં ભરતના જીવનપ્રસંગમાં દૃષ્ટિગોચર થાય છે. ગૃહરાજાએ ત્રણ પ્રકારના ભોજનના થાળ એમને માટે તૈયાર કર્યા હતા. અને એના પરથી એમને ભરત સાત્વિક છે, રાજસિક છે કે તામસિક છે. એની પરીક્ષા કરવી હતી. પરંતુ આ સમયે ભરતે કહ્યું કે શ્રીરામના ચરણના દર્શન કર્યા સિવાય હું પાણી પમ પીવાનો નથી. આ ઉદાહરણમાં ભરતની ગુણાતીત અવસ્થા પ્રગટ થાય છે, પરંતુ ભોજન દ્વારા વ્યકિતની પ્રકૃતિ પામી શકાય એનો આમાં સ્પષ્ટ સંકેત મળે છે.
સાત્વિક આહાર લેનારી વ્યકિત ભોજન સમયે એ વિચાર કરે છે કે આ ભોજન એને સ્વસ્થ અને આરોગ્યમય રાખે તેવું છે કે નહીં ? એમાં તેજ, તત્ત્વ અને સાત્વિક બળ નિહિત છે કે નહીં. શ્રીમદ્ ભગવદ્ગીતા કેવું ભોજન હોવું જોઈએ એની પણ વાત કરે છે. એ કહે છે કે એવો આહાર હોવો જોઈએ કે આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય અને પ્રીતિ વધારનારો હોય. એ રસયુક્ત હોવો જોઈએ.
સ્નિગ્ધ, ચિકાશવાળો હોય એટલે કે એમાં ઘી-દૂધ પણ જોઈએ. પરંતુ એવો ખોરાક ન હોવો જોઈએ કે જે તરત જ પચી જાય તેવો હોય, બલ્કે,'સ્થિરા' એટલે કે એ ભોજન થોડા સમય પછી પચે તેવું હોવું જોઈએ. વળી'હૃદ્યા' એટલે કે સ્વભાવથી જ એ હૃદયને આનંદ આપનારો હોય એટલે કે બળની સાથે એ આનંદદાયી પણ હોવો જોઈએ અને આવો ખોરાક સાત્વિક પુરુષોને અતિ પ્રિય હોય છે. આ રીતે સાત્વિક પુરુષોના આહારની મીમાંસા કર્યા પછી ભગવદ્ગીતા રાજસિક અને તામલી પુરુષોના ભોજનની પણ ચિકિત્સા કરે છે.