આ રંગબેરંગી દુનિયામાં કેવા કેવા લોકો હોય છે. અને હા, તમને એ પ્રકારો ના ખબર હોય તો ય ચિંતા નહી, Facebook અને WhatsApp વાપરતા હશો તો બસ છે… આજની ભાષામાં પ્રસ્તુત છે ઇ-શબ્દ પર…
માણસ માત્રમાં મને રસ! તોય એ માણસોથી સંબંધોને જાય છે અંતરસ! જો કે, અંતરસ જાય એનો મતલબ જ એ કે કોઈને કોઈ આપણને યાદ તો કરે છે! યાદ શેનાં માટે કરે છે? – એનાં વિશે વિચારવું નહીં! દુનિયા પોતાનામાં રચીપચી છે. દરેકને એકબીજા જોડે સ્વાર્થની રસરુચિ છે… સંબંધોથી થાકતો નથી પણ મનનાં એકાંતમાં માણસો ટોળે વળે ત્યારે એમને જ એમની વાતો કહીને પ્રત્યેક પળનાં આનંદને માણું છું… માણસોનાં પ્રકાર હોય છે અને પ્રકારમાં માણસનો આકાર હોય છે… ચિત્રકાર ક્યારેક આઉટલાઈનથી ચિત્ર દોરે, ક્યારેક એમાં રંગો પૂરે, ક્યારેક એબ્સર્ડનો અર્થ શોધવા બેસે, ક્યારેક કાગળ કોરો રાખીને માત્ર સહીમાં આખું ચિત્ર પૂરું કરે એમ માણસો પણ ચિત્ર-વિચિત્ર, પ્રિય-પવિત્ર હોય છે…
કેટલાંક પાસવર્ડ જેવાં હોય! છુપાઈને રાખવા પડે… વળી, કાયમ યાદ રાખવાં જ પડે! ગણેશપાઠ બેસાડીને અવસરની શરૂઆત કરીએ એમ એમનું નામ-કામ એન્ટર કર્યા પછી જ આગળ વધી શકાય! વળી, એમનું નામ ભૂલી ગયા હોઈએ તો 'ડિવાઇસ' પોતે દોઢડાહી થઈને યાદ કરાવડાવે! એમને બદલતાં બહુ વાર લાગે! અનેક પ્રશ્નોનો સામનો કરવો જ પડે! પાસવર્ડ જેવાં મિત્રો ગુણકારી પણ છે. એકવાર એન્ટર થાય પછી સફળતાનું 'એ પી સેન્ટર' બની જાય!
કેટલાંક માણસો what's app જેવા હોય છે! બેટરીને વધુ નુકસાન થાય અને વળતરમાં કશું જ વળે નહીં! માત્ર હાજરી પુરાવે અને કામ કરવાનાં સમયે મોબાઈલને પ્રાધાન્ય આપવું પડે! અડોઅડ બેઠેલાં માણસો પણ what's appને કારણે what's appથી જ વાતો કરે છે! સુવિધાનો લાભ લે છે અને મૌનની તરફદારી કરે છે…! આવા માણસો જાહેરાતનાં પાટિયાની આડ સર્વિસ છે. સારું આવે અને નક્કામું વારંવાર સહન કરવું પડે! કામનાં ભારણ નીચે એમની રીંગ અસ્તિત્વને લોહી ચુંબકની જેમ ખેંચે છે અને પછી બાવાના બેય બગડે છે! પાદરમાં વડીલો ભેગાં મળીને વાત વહેતી કરે એમ what's app આંગળીનાં ટેરવાંનું પાદર છે!
કેટલાંક 'facebook' જેવાં હોય! જગતની માહિતીથી વાકેફ થવા – કરવા માટે 'post'નો ઉપયોગ કરે! આપણે જેમ આપણી વાત બીજા મારફતે જેને પહોંચાડવી હોય છે એને પહોંચાડિયે છીએ એમ facebook કર્મ એટલે 'બીજા મારફતે' – ત્રીજાને પહોંચાડવાની વાત! facebookની બારીમાંથી આકાશ નહીં, રોજેરોજની હાજરીનો ફોટો દેખાય છે! એમાં like અને coment નામનાં સાથીદારો છે. એ લોકો તાજ વગરનાં બાદશાહ છે… રોજિંદી જિંદગીમાં આપણે જેટલું આપણામાં ડોકિયું નથી કરતાં એટલું બીજાના facebook statusમાં ડોકિયું કરીએ છીએ! જેને 'like' કરીએ છીએ એને અંતરથી વખાણીએ જ છીએ એવું તો facebook પણ ના કહી શકે! પણ જાનમાં આવ્યા એટલે નાચવાથી શરમ આવે પણ ચપટી કે તાળી તો વગાડવી જ પડે ને!
રોજ એક નવી ડિવાઇસ નીકળે છે અને રોજ માણસની સરખામણીનું સ્વરૂપ આંખો સામે તાદૃશ્ય થાય છે. ભગવાનનાં સ્વરૂપો તો તુરંતમાં સેકંડોની રાહ જોયા વગર સ્ક્રીન ઉપર ઊપસી આવે છે… શ્રાવણ મહિનામાં શિવજીને શરદી થઈ જાય એટલો જળાભિષેક શિવલિંગ ઉપર કરવામાં આવે છે. તહેવારો આપણને પવિત્ર કરતાં હતાં હવે આપણાથી અપવિત્ર થઈને કેલેંડરનું માન જાળવે છે! માણસો ત્યાંના ત્યાં જ રહીને આગળ વધવામાં મશગુલ છે…
માણસોમાં કેટલાંક મોબાઈલના કેમેરા જેવાં હોય છે. એમનું ચાલે તો હવાનો ફોટોગ્રાફ પાડીને હવાના ચહેરાનું મૂલ્યાંકન કરતી ચાર લાઈનો પણ લખે! બન્યું – ન બન્યું ત્યાં તો ફોટો પડ્યો જ સમજ્યો! એટલાં ફોટા પાડીને અપલોડ ને ડાઉનલોડ થાય છે કે આપણને એમ થાય કે આમાં આંખોથી જોવાયેલાં સાચા દૃશ્યોને તો ગૂંગળામણ જ થતી હશે ને! કેમેરા જેવાં માણસો ધડાધડ ફોટા પાડીને ક્ષણને શાશ્વત કરવામાં મથે છે અને ક્ષણ તો વહી જઈને વહાલ કરવાનાં રથે છે…! બધાં એકબીજાથી ખૂબ નજીક છે – એવું સાબિત કરવામાં પોતાનાથી ઘણાં દૂર થઈ ગયા છે – એની ખબરથી દૂર થઈ ગયા છે…
પહેલાનાં જમાનામાં સાંજે 'વધારો' નીકળતો! એમાં અફવા અને સચ્ચાઈ સાથે રહેતાં! લોકોનો જીવ આ 'વધારો' વાંચવામાં ખૂબ રહેતો! હવે આ 'વધારો' વિજ્ઞાનના યંત્રોમાં, ડીવાઇસના નવા નવા મંત્રોમાં વહેંચાઈ ગયો છે માણસોની જેમ… હવે છુટ્ટા પડતી વખતે 'તમને મળીને આનંદ થયો' – એવું વાક્ય ભુલાઈ ગયું છે. 'ફરી મળીશું પાછા આજ રીતે' – એમ કહીને લખ્યાં વગરનાં પુસ્તકનું એક પ્રકરણ પૂરું કરી દેવાય છે… હસતો માણસ, રમતો માણસ, રડતો માણસ, યાદ અને સંવાદમાં જીવતો માણસ આજે એની જ માયાજાળમાં ગુમ થયો છે. 'ડિવાઇસ' થી 'વાઇસ' બનવાની જગ્યાએ પોતાની જ 'પ્રાઇસ' ચૂકવી રહ્યો છે. છતાં યે કશા ને કશાકમાં મસ્ત જરૂર છે… મય જરૂર છે… જો કે તમે આસપાસનાં માણસોની તુલના કરવા બેસો એ માટે આ લેખ નથી લખાયો! આ લેખ તો માણસોના સ્વભાવનો ઉલ્લેખ છે!
આ લેખ પણ what's app પર કે facebook પર ફરતો થાય તો નવાઈ નહીં! વાત તો માણસની જ છે. માણસમાં રહેલાં હૃદયન
h.mangukiya