બે વાણિયા મિત્રો પોતાનો વેપાર-ધંધો પતાવીને ઘેર પાછા વળતા હતા. ત્યાં રસ્તામાં સામેથી એક પોલીસ જમાદાર આવ્યા. એણે પેલા બંને વાણિયાઓને પૂછ્યું કે તમે કોઇ કાળા રંગનો ઘોડો આ તરફ આવતો જોયો છે? એટલે પેલા બેમાંથી જે બિનઅનુભવી અને કાચો-બાઘો હતો એ તરત જ બોલી ઉઠયો કે હા, હમણાં જ આ તરફ એવો એક ઘોડો ગયો છે, આથી પેલાં જમાદારે હુકમ કર્યો કે, ચાલ મારી જોડે આવ અને એ ઘોડો શોધી આપ. આ સાંભળી પેલા બીજા દોસ્તે પોતાના બાઘા ભાઇબંધના કાનમાં મંત્ર ફૂંક્યો કે ફેરવી તોળવામાં ફાવીશ. જમાદાર ઉવાચ : શું બબડયો તું ? પેલાએ ધુ્રજતા અવાજે કહ્યું કે ના, ના, મેં તો એમ કીધું કે તારી પાઘડી ઢીલી પડી છે. તું એને છોડીને ફરીથી બાંધી દે. પણ પેલો બાઘો મિત્ર આખી વાત શાનમાં સમજી ગયો. એણે તુરત જ બૂમો પાડી. જુઓ જમાદાર, આ તરફ દૂર પેલી ઝાંડી- ઝાંખરી દેખાય છે ને, ત્યાં ધ્યાનથી જૂઓ. પેલા માથે મોટા મોટાં શિંગડા દેખાય છે એ કાળા ઘોડાના અણસાર તમને અહીં જ મળી જશે. આ સાંભળી જમાદાર તાડુક્યો, તારામાં અક્કલ બક્કલ છે કે નહીં ? ઘોડાને તે વળી શિંગડા હોતા હશે. તેં કોઇ ગાય કે ભેંસ જોઇ હશે બાઘા. જતો રહે અહીંથી. આથી તુરત જ બંને મિત્રો ત્યાંથી છટક્યાં, અને પોતે બોલેલું ફેરવી તોળ્યું, તેથી જમાદાર જોડે, દૂર-દૂર સુધી ઘોડાની શોધ માટે મફતમાં ભટકાવાના પ્રોબ્લેમમાં ફાવ્યાં, તેનો આનંદ કરવા માંડયા.