હું તને કહેતો હતો કે બહુ આરામ કરવાથી કોઇ ફાયદો નથી. કામ કરવું એજ મનુષ્યનું સર્વશ્રેષ્ઠ ધન છે
એક બ્રાહ્મણ હતો. તે ઘણો ગરીબ. તે દરરોજ સવારે એક ગામથી બીજે ગામ ભીક્ષા માંગવા જતો. જ્યારે તે ઘેર આવતો ત્યારે થાક્યો પાક્યો સૂઇ જતો. આમ તેનું જીવન ચાલતું હતું. તેને જીવનમાં સહેજ પણ આરામ મળતો નહોતો. આવી આકરી મહેનતથી તે હવે વાજ આવી ગયો હતો. તેણે વિચાર્યું કે આમાંથી કોઇ રસ્તો મળે તો સારું. એવો કોઇ માણસ હોય કે જે મારું કામ કરે અને મને સંપૂર્ણ આરામ મળી શકે. પણ આવો માણસ કંઇ આ દુનિયામાં મળે નહીં અને મળે તો તેને પૈસા આપવા પડે. નહીં તો એ કામ કરે નહીં. એના પૈસા માટે મારે મહેનત કરવી પડે. માટે એવો દૈવી માણસ મળે તો મને મજા આવે. બ્રાહ્મણને થયું એ માટે મારે તપ કરવું જોઇએ. જંગલમાં જઇને તપ કરવાનું વિચાર્યું.
બ્રાહ્મણ તો જંગલમાં ઉપડયો. એક ઝાડ નીચે આસન પાથરીને બેસી ગયો. ભગવાનના નામનું સ્મરણ કરવા લાગ્યો. તેણે તપ કર્યું. થોડા વર્ષો બાદ તેનું તપ ફળ્યું અને એક રમણીય સાંજે ભગવાન શંકરે કહ્યું, 'બ્રાહ્મણ, હું તારા તપથી પ્રસન્ન થયો છું. તારે જે જોઇએ તે માંગ.' બ્રાહ્મણે કહ્યું, 'ભગવાન હું દરરોજ એક ગામથી બીજે ગામ ભીક્ષા માંગીને આવું છું. તો મને એક માણસ આપો જેથી તે મારું બધું કામ કરે. અને મને સંપૂર્ણ આરામ મળે.'
શંકર ભગવાને બ્રાહ્મણની વાત સાંભળી અને એક શર્ત મૂકી કે હું માણસ તો આપું. પણ એક શર્ત કે તારે એને કામ બતાવવું અને તેને એક મિનીટ પણ નવરા બેસવાનું કહેવું નહીં, અને જ્યારે એ નવરો પડશે ત્યારે એ તને ખાઇ જશે. બોલ શરત મંજૂર છે? બ્રાહ્મણે કહ્યું, 'હા, પ્રભુ તમારી શરત મને મંજૂર છે. પણ મને સંપૂર્ણ આરામ જોઇએ.' શંકરે કહ્યું, 'તથાસ્તુ.' એમ કહીને જતાં રહ્યા. ત્યાં જ મોટો કાળા માથાનો માનવી હાજર થયો અને બ્રાહ્મણની સાથે પોતાને ઘેર ચાલવા લ્ગાયો.
બ્રાહ્મણ હવે દરરોજ આ કાળા માથાના માનવીને કામ બતાવે છે. અને તરત જ કામ થઇ જાય છે. બ્રાહ્મણને સંપૂર્ણ આરામ મળે છે. આ કાળા માથાનો માનવી એક ગામથી બીજા ગામ ભીક્ષા લઇને તરત જ આવી જાય છે. તો બ્રાહ્મણ ઘરનું કામ બતાવે છે એ પણ તરત જ પૂરું થઇ જાય છે. કાળા માથાનો માનવી કહે, 'બોલો, બ્રાહ્મણ હવે કંઇ કામ છે?' બ્રાહ્મણ ગભરાઇ ગયો. હવે તો કંઇ કામ નથી. અને જો હું, આને કામ નહીં બતાવું તો એ મને મારી નાંખશે. એટલે તેણે એક યુક્તિ કરી. બ્રાહ્મણે કહ્યું, 'મને શંકર ભગવાન પાસે લઇ જાવ.' એટલે કાળા માથાનો માનવી બ્રાહ્મણને શંકર પાસે લઇ ગયો. બ્રાહ્મણ શંકરને જોઇને કહેવા લાગ્યો, 'હે પ્રભુ, મારે આ માણસનું કામ નથી. મેં ઘણો બધો આરામ કર્યો. પણ મને આટલો આરામ કરવાથી ચેન પડતું નથી અને બેઠાં બેઠાં ખાવાનું પણ પચતું નથી. તો આ માનવીને તમે લઇ લો.' શંકર ભગવાન બ્રાહ્મણની વાત સાંભળીને હસવા લાગ્યા. અને કહ્યું, હું બ્રાહ્મણ, હું તને કહેતો હતો કે બહુ આરામ કરવાથી કોઇ ફાયદો નથી. કામ કરવું એજ મનુષ્યનું સર્વશ્રેષ્ઠ ધન છે. માટે આરામ કરવાથી મનુષ્ય એનાથી ત્રાસી જાય છે. બ્રાહ્મણ કહે, 'હા પ્રભુ, મને માફ કરો.' - શંકર ભગવાન હસતાં હસતાં અદ્રશ્ય થઇ ગયા અને પેલો માનવી પણ.