04/01/2015

વેદના

વેદના, તું અંધ ના કર;
વેદના, તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે,
લે હવે આવ તું, પેટાવ તું.
ઝળહળ બનાવી દે મને
તેજમાં સુખચેનની
ચીજો જ દીઠી ચારેગમ.
તું બતાવે તો મને
દેખાય અજવાળાં સ્વયં
ભીંત ગાયબ થાય ચિત્રે,
એવું ભિત્તિચિત્ર દે.

તું ન કારાગાર થા,
થા એક અણધાર્યો પ્રવાસ.
કયાં જવું, કયાં થઈ જવું,
કે કઈ રીતે - નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જયાં છું
ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું,
મારે સભર વહેવું હવે
કોક સાવ અજાણ જણ પર
એક ભલામણ - પત્ર દે.

તો પછી પહોંચાડ, પીડા,
ભાનના એવે સીમાડે.
કે પછી કોઈ - સીમાડો
કયાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારૃં,
સૃષ્ટિનું સહુ પરગણું.
દઈ શકે તો દે મને
એક જ્ઞાાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે
એવો પ્રસન્ન કરાગ્ર દે.
વેદના. તું અંધ ના કર;
વેદના, તું નેત્ર દે.