18/10/2014

'દયા ડાકણને ખાય

કાળી ચૌદસના દહાડે એક વૃદ્ધ વટેમાર્ગુ સ્મશાનમાંથી લાકડીના ટેકાથી પસાર થઇ રહ્યો હતો. તેમને ખબર નહિ કે આજ કાળી ચૌદસ છે, પરંતુ આવા વખતે ચૌદસ હોવાથી આ સ્મશાનમાં એક ડાકણ તેમના નૈવેદ્ય ખાવા નીકળેલી. તેણે આ વૃદ્ધને લાકડીના ટેકાથી ચાલતો જોયો અને ઘડીભર તો તેને પણ થઇ આવ્યું કે આને ખાઇ જાઉં અથવા તો તેમનું લોહી ચુસી જાઉ. પણ વળી દયા આવી કે મારે આની શા માટે હત્યા કરવી ? આથી તે બિહામણા ડાકણના રૃપમાંથી એક સુંદર સ્ત્રીના રૃપમાં આવી અને રસ્તા તરફ ચાલવા લાગી.
સુંદર સ્ત્રીને જોતા વૃદ્ધ ડોસો પોતાની મૂળ કઇ દિશા છે તે એકદમ ભૂલી જ ગયો અને માંડયો પેલી સ્ત્રી તરફ ચાલવા. ડાકણે આ જોયું ને મનમાં થયું કે ચાલો બુઢો લખણનો તો પૂરો લાગે છે પણ કઇ વાંધો નહિ બિચારો ક્યા ઝાઝું જીવવાનો હતો. લાવ તેમની સામે થોડું હસી લઉ. વિચારી તેણે ડોસા સામે થોડું સ્મિત કર્યું પણ એકતો અગ્નિ હોય અને તેમાં પેટ્રોલ આવતા અગ્નિ આકાશને આંબવા ઉલાળા મારે તેમ આ ડોસાની હાલત થઇ અને જાણે નવયુવાન પોતાની પ્રેમિકાને મળવા જતો હોય તેમ લાકડીનો ટેકો ભૂલી જઇ ટટ્ટાર ચાલવા લાગ્યો.
વળી ડાકણે વિચાર્યું કે ડોસો મરવાનો થયો છે. મારે મારવો નથી અને તેમને મરી જવું હોય તેમ લાગે છે. પણ વળી વિચાર્યું ભલે ને આનંદ કરે તેમાં મારે શા માટે દોષ લગાડવો ? નજીક આવશે તો જોયું જશે. આમ વિચારતી તે વળી બીજા રસ્તે ચડી પણ હવે તો ડોસાની ચાલવાની સ્પીડ પણ વધી હતી. તે લાંબા ડગલા ભરતો વળી તેમને આંબી ગયો.
હજુ સુધી ડાકણ દયા જ દાખવે જાય છે. ડોસાએ તો પાછળથી તેનો પાલવ પકડયો. છતાંય ડાકણ પાછળ ન જોતા દોડયે રાખે છે. વળી ડોસા પાલવથી ખેંચી જ્યાં તેની નજીક જાય છે ત્યાં તો ડોસો તેનું બિહામણુંરૃપ જોઇ જેમ ભાદરવાના તાપમાં પાલક- ચીભડું ફાટે તેમ ફાટી પડયો.
ડાકણને પણ ઘણો અફસોસ થયો કે સાલું ઘણી દયા ખાધી પણ દયામાં અને દયામાં ડોસો મને જ ખાવા આવતો હતો. કોઇકે સાચું જ કહ્યું છે કે 'દયા ડાકણને ખાય'
-