12/07/2014

એક પ્રાચીન કથા છે


સ્વામી રામદાસ રામકથા કરી રહ્યા છે. અનેક લોકો એ કથા સાંભળવા ઊમટી રહ્યા છે. કથા એકની એક હતી પણ કહેવાની રીત એટલી ભાવપૂર્ણ અને સ-રસ હતી કે ચોમેર એની સુગંધ પ્રસરવા લાગી. વહેતી વહેતી વાત ખુદ હનુમાનના કાન સુધી પહોંચી. હનુમાને તો નજરોનજર આ રામકથા જોઈ હતી. એ પોતે પણ એના એક પાત્ર હતા પણ જ્યારે રામદાસ જેવા સંત કથા કહેતા હોય તો જરૃર એમાંથી કોઈ સુંદર અર્થ અને સાર પ્રગટ થવા લાગે છે. આથી ખુદ હનુમાન પણ છૂપાઈને એ કથા સાંભળવા લાગ્યા. જેના પ્રત્યે પ્રેમ હોય એની વાત વારંવાર સાંભળવા મળે તો પણ ગમે છે. હનુમાનને પણ ભગવાન રામની કથા સાંભળવામાં અપાર હર્ષ અને આનંદનો અનુભવ થવા લાગ્યો.
પણ, એક દિવસ ચાલુ કથાએ અચાનક આવેશમાં આવીને હનુમાન ઊભા થઈ ગયા. એનાથી રહેવાયું નહીં. છૂપાઈને કથા સાંભળવાનો નિશ્ચય કરેલો પણ કથામાં ભૂલ લાગતાં અધવચ્ચે જ એ ઊભા થઈને બોલવા લાગ્યા - ''મહારાજ ! તમારી કથામાં થોડોક સુધારો કરવો પડે એમ છે.''
રામદાસ શ્રોતાજનો સમક્ષ કહી રહ્યા હતા કે હનુમાન જ્યારે લંકામાં ગયા અને સીતાની શોધ કરતાં કરતાં અશોક વાટિકા પહોંચ્યા તો ત્યાં સીતામાતાની ફરતો ચોકીપહેરો હતો અને કેટલીક રાક્ષસ સ્ત્રીઓ રામ વિરુદ્ધ બોલીને એમને સતાવી રહી હતી. હનુમાનને ગુસ્સો તો ઘણો આવ્યો પણ એ વખતે તો એ કશું બોલ્યા નહીં. બગીચો સુંદર હતો અને ચારે બાજુ સરસ મઝાનાં સફેદ ફૂલ ખીલેલાં હતાં.
આ વાત સાંભળતાં જ હનુમાને કહ્યું કે તમારી વાત ખોટી છે. અશોકવાટિકામાં એ વખતે 'સફેદ' નહીં પણ 'લાલ' ફૂલ ખીલેલા હતાં.
સ્વામી રામદાસ બોલ્યા - 'મહાશય ! તમે બેસી જાવ. વચ્ચે બોલવાની કોઈ જરૃર નથી. ફૂલ સફેદ જ હતાં. આ રીતે કથામાં રસભંગ કરનાર તમે છો કોણ ?'
હવે તો હનુમાન માટે ચૂપ રહેવું અશક્ય હતું. એણે કહ્યું કે હું હનુમાન છું. મેં જાતે જ ફૂલ જોયા છે અને તમે તો ત્યારે હાજર હતા નહીં. હજારો વર્ષ પછી તમે કથા કરી રહ્યા છો, જ્યારે મેં તો નજરોનજર બધું જોયું છે. હવે તો સુધારો કરો. જોનાર હું અહીં હાજર છું. અને મેં જે જોયા તે ફૂલ 'લાલ' હતાં.
પણ સ્વામી રામદાસ તો શાંત ચિત્તે એટલું જ બોલ્યા - 'તમે હનુમાન હો તો પણ કથામાં કોઈ ફરક પડતો નથી. ફૂલ તો સફેદ જ હતાં !'
બન્ને પોતાના વક્તવ્ય પર અટલ હતાં અને જીદ એટલી તો આગળ વધી ગઈ કે નિર્ણય કરવો અશક્ય બની ગયો.
કથા કહે છે કે છેવટે હનુમાન એમને રામના દરબારમાં લઈ ગયા અને ખુદ ભગવાન રામને જ એનો ન્યાય કરવા વિનંતી કરવામાં આવી. હનુમાને ફૂલને પ્રત્યક્ષ જોયેલા. અને છતાં રામદાસ પોતાની વાત પર મક્કમ રહ્યા કે ફૂલ તો સફેદ જ હતાં.
શ્રીરામ સમક્ષ આ વાત રજુ કરવામાં આવી તો હનુમાનને એમણે કહ્યું કે સંતની ક્ષમા માગી લો હનુમાન ! હાજર હોવા ન હોવાનો સવાલ નથી. સંત જે જુએ છે તે અંતરની આંખથી જુએ છે અને આવા સમ્યક્ દર્શનમાં ભૂલની કોઈ શક્યતા નથી. ફૂલ તો સફેદ જ હતાં !
હનુમાનને પણ આશ્ચર્ય થયું કે રામદાસ તો ઠીક પણ ભગવાન રામ પણ મારી વાત માનતા નથી ? આ તો હદ કહેવાય ! ન તો સ્વામી રામદાસે ખુદ ફૂલ જોયા છે કે ન તો ભગવાન રામ પણ અશોકવાટિકામાં આવ્યા છે. જોનાર તો હું પોતે જ હતો. હવે કહેવું કોને ? નિર્ણય કોણ કરે ?!
અચાનક એમને થયું કે હવે સીતા માતાને જ આ બાબત પૂછવું પડે. મા ખોટું નહીં બોલે. કેમકે એ વખતે એ પોતેય હાજર હતાં.
સૌ સીતા પાસે ગયા. સીતાએ પણ કહ્યું કે હનુમાન ! સ્વામી રામદાસ જે કહી રહ્યા છે તે સાચું છે. મને ખ્યાલ છે કે તમે જે પ્રત્યક્ષ જોયું તે ખોટું પડી રહ્યું છે. અને એનું મને પણ દુખ છે છતાં એક વાત સાચી છે કે સંતોનું દર્શન સમ્યક્ અને પારદર્શી હોય છે. એમની આંખ પર કોઈ પણ પ્રકારના પડળ નથી હોતા. જે વસ્તુ જેવી છે, તેને તે તેવી જ જોઈ શકે છે. આથી હું પણ કહું છું કે ફુલ સફેદ જ હતાં !
હનુમાનને થયું કે હવે કહેવું કોને ? આ તો બધા જ એકબીજામાં મળી ગયા લાગે છે. શું મેં ફૂલને 'લાલ' જોયા તે ખોટાં ?
ભગવાન રામ તો અંતર્યામી છે. હનુમાનના હૃદયમાં ચાલતી વાતને વાચા આપતાં એમણે કહ્યું - 'હનુમાન ! તમને જે લાલ ફૂલ દેખાયા તેમાં જૂઠ તો જરા પણ નથી. પરંતુ સીતામાતા પર થતા ત્રાસથી તમારા હૃદયમાં ગુસ્સો એટલો બધો આવેલો કે તમારી આંખ લાલ થઈ ગયેલી અને ગુસ્સાથી ભરેલી આંખથી તમે જે જોયું તેમાં સફેદ ફૂલ પણ તમને લાલ દેખાયા.'
કથાનો સારાંશ માત્ર એટલો જ છે કે આપણે અંદરથી જેવા હોઈએ એવું જ આપણને જગત દેખાય છે. અંતર આપણું સ્વચ્છ, શાંત અને આનંદથી ભરેલું હોય તો આપણને બહાર પણ શાંતિ, આનંદ અને ભગવત્તાનો અનુભવ થાય છે. એથી ઊલટું અંતરમાં જો દુખ, સંતાપ કે રાગદ્વેષ હશે તો આપણને બહારની વસ્તુ કે વ્યક્તિમાં પણ આપણા જ અંતર ભાવનું પ્રતિબિંબ જોવા મળશે.
ક્રાન્તિબીજ
પાથરો તો પ્રેમ જગમાં પાથરો,
સ્વાર્થને સંકેલતાં... સંકેલતાં.