એક જંભાસૂર હતો. તેને એક દીકરી હતી. તેનું નામ ક્યાધુ હતુ. આ દીકરી ગુણવાન અને બળવાન પણ હતી. તેને એવા જ યુવાન સાથે પરણાવવી જોઈએ. હિરણ્યકશિપૂ નામનો એક યુવાન એવો જ ગુણવાન અને બળવાન હતો. તેના પિતા પણ મહાન તપસ્વી મુનિ હતા. તેથી જંભાસૂરે પોતાની કન્યાને ક્યાધુને હિરણ્યકશિપૂ સાથે પરણાવી. ઘણા જ સુખ અને આનંદમાં તેઓ રહેવા લાગ્યાં.
હિરણ્યકશિપૂએ પોતાનું બળ વધારવા તપ કરવાનો વિચાર કર્યો. તે હિમાલયમાં ચાલ્યો ગયો. તે સમયે દેવતાની સેના લઈને ઇંદ્રરાજાએ હિરણ્યૂકશિપૂનો પ્રદેશ જીતી લીધો. તેની પત્ની કયાધૂને સાથે લઈને સ્વર્ગ દેશ પાછો જતો હતો.
વચ્ચે નારદજી મળ્યા. તેમણે ઇન્દ્રને સમજાવ્યા કે હિરણ્યકશિપૂની પત્ની કયાધુના પેટમાં બાળક છે તેને છોડી મૂકો.
ઇંદ્રે કયાધૂ રાણીને છોડી દીધી. તેને લઈ નારદજી ગંગાજીને કિનારે ગયા ત્યાં આશ્રમ બનાવીને રહ્યા.
તપથી મહા બળવાન બનીને હિરણ્યૂકશિપૂ પાછો આવ્યો. ત્યાં તેણે બધી વાત જાણી તે ઉપરથી તેને ઘણો ગુસ્સો ચડયો. દેવતાઓને હરાવવા એ જ તેનું ધ્યેય બની ગયું અને દેવતાને માન આપનારાને તેણે પોતાના શત્રુ માની લીધા.
કયાધૂએ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ પ્રહલાદ્ પાડયું. તે મોટો થયો. તેને દેવતાના ગુણો ગમવા લાગ્યા. તે વાત તેના પિતાને ગમી નહિ, પિતાજીએ ઘણી ના કહી છતાં પ્રહલાદ માન્યો નહીં. તેણે કહ્યું કે, સત્ય એ ઇશ્વરનું રૃપ છે. સત્ય વાત કદી ન છોડાય.'
તે પછી તેને મારી નાખવા માટે તેના પિતાએ ઘણા ઉપાયો કર્યા. તે બધામાં પ્રહલાદ બચી ગયો. છેલ્લે લોઢાનો થાંભલો આગ્નિમાં રાખી લાલચોળ તપાવ્યો અને કહ્યું કે આ થાંભલાને બાથ ભરી જો. સત્યમાં ઇશ્વર હશે તો તેને બચાવશે.
એ ધગધગતી આગમાં તપેલા એ થાંભલાને પ્રહલાદે બાથ ભરી લીધી. તે થાંભલો ફાટયો. થાંભલામાંથી નૃસિંહનું રૃપ પ્રગટ થયું. તેણે હિરણ્યકશિપૂને પંજાના નખથી ચીરી નાખ્યો.
ત્યારથી હોળીનો ઉત્સવ શરૃ થયો એમ ઘણા માને છે. હોળીના તે ઉત્સવને વસંતનો ઉત્સવ ગણ્યો છે. વસંત ઋતુમાં ભાતભાત અને રંગરંગનાં ફૂલો ખીલે છે. મીઠાં મીઠાં ફળ વસંતમાં થાય છે. સૂરજદેવની ગરમીથી ફૂલમાં રંગ પુરાય છે અને ફળમાં મીઠાશ ભરાય છે. તેથી જ સૂરજદેવના માનમાં હોળી પ્રગટાવીને અગ્નિનું પૂજન થાય છે. તે રીતે હોળી એ સૂરજપૂજાનો પણ તહેવાર છે.
Sent from my h.mangukiya