ભીમ ખરેખર બહુ બળવાન અને બળિયો હતો. હિડંબ રાક્ષસ તથા તેવાજ અન્ય બળવાન રાક્ષસોનો સંહાર કર્યા બાદ ભીમમાં જરા અભિમાન આવી ગયું. તે મનોમન અહમથી બોલતો ''હું અતિ બળિયો છું. મારા જેવો બળિયો કોઈ નથી.'' ભીમ એકવાર જંગલમાં થઈને જતો હતો. ભીમે રસ્તા વચ્ચે જ એક વાંદરાને આડો પડેલો જોયો. રસ્તો ખરેખર જ સાંકડો હતો. જો આ વાંદરો રસ્તાની વચ્ચેથી ઊઠે તો જ માર્ગ મળે અને નીકળી શકાય.
ભીમ બોલ્યો, ''ઓ બૂઢિયા, રસ્તા વચ્ચેથી ઊઠ.'' પરંતુ આ બૂઢિયો તો જાણે કશું સાંભળ્યું જ ના હોય તેમ રસ્તા વચ્ચે જ પડયો રહ્યો. ભીમ તરત જ તાડૂક્યો, ''અલ્યા સાંભળતો નથી?'' ભીમે વાંદરાને ક્રોધપૂર્વક કહ્યું - ''ક્યારનો કહું છું કે ઊઠ પણ સાંભળતો જ નથી. એક જ જોરદાર ઠેબું મારીશ તો ક્યાંય દૂર ગબડી જઈશ.'' વાંદરો નમ્રતાપૂર્વક બોલ્યો, ''હું માંદો છું. મારાથી ઊઠાતું જ નથી. શક્ય હોય તો તું જગ્યા બનાવીને બાજુ પરથી જા.''
''બાજુ પરથી શા માટે જઉં? તું જાણે છે હું ભીમ છું ? વાંદરાએ પૂછયું ''તમે તો બહુ જ બળિયા છો ખરુંને?'' ભીમ બોલ્યો - ''હાહા મારા જેવો બળિયો કોણ છે? હું તો હાથી જેવા હાથીને પણ ઊંચકીને દૂર ફેંકી દઉં છું.'' ત્યારે વાંદરાએ કહ્યું - ''સારંુ ત્યારે તમે મને જરા મદદ કરો. મારું માત્ર પૂછડું જ જરા અધ્ધર કરો એટલે હું તરત જ ઊભો થઉં અને તમને માર્ગ મળે.'' ત્યારે ભીમે ગર્વ સાથે કહ્યું, ''એક માત્ર પૂંછડંુ જ શું લેને તને જ આખો ઊંચકી લઉં.'' ત્યારે વાંદરાએ ફરી એકવાર નમ્રતાપૂર્વક કહ્યું - ''નારે ના. ભીમભાઈ માત્ર પૂંછડંુ જ અધ્ધર કરશો તો બસ છે.'' ભીમભાઈ તો માત્ર એક જ હાથ વડે પૂંછડુ અધ્ધર કરવા ગયા પરંતુ પૂંછડા તળે હાથ જ ના પેઠો. એટલે ભીમે બન્ને હાથ વડે પૂંછડાને અધ્ધર કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પૂંછડુ જરા પણ ઊંચું થયું જ નહીં. હવે વાંદરો બોલ્યો - ''આખ્ખો મને ઊંચકવાની બડાશો મારતો હતો ને મારુ પૂંછડંુ પણ અધ્ધર કરી શકતો નથી.'' ભીમ ભોંઠો પડી ગયો. તેનું અભિમાન ઊતરી ગયું. તે વાંદરાને પગે પડયો. એ વાંદરા તો હનુમાનજી હતા. હનુમાનજીએ કહ્યું - ''ભીમભાઈ, તું બળવાન છે ખરો. પરંતુ કદી બળનો ગર્વ ના રાખવો.'' ત્યારબાદ હનુમાનજી ઊઠીને ચાલતા થયા. ભીમ પોતાના માર્ગે આગળ ગયો. ભીમે પછી કદી ગર્વ ના કર્યો.
- રક્ષિત યુ. વોરા 'ક્ષિતિજ'
Sent from my h.mangukiya