07/12/2013

ઊતરતી રાતનાં ચંદ્રકિરણોમાં


ઊતરતી  રાતનાં ચંદ્રકિરણોમાં દેહ દિપાવી રહેલી રૃપસુંદરીના જેવો પ્રભાતનો ઉજાસ આભમાં પથરાયો. છોડના પર્ણ પર ઠરેલાં ઝાકળનાં બિંદુઓ ઝળક્યાં. દેવમંદિરોએ મંગળ તુરીના નાદ ઊઠયા. એવે વખતે ધરમપુરના મહારાજ મોહનદેવજીએ ફરમાન છોડયું, ''પશુ બલિદાન અંગે જાહેર ચર્ચા ચલાવો. શાસ્ત્રથી સાબિત ન થાય તો હિંસા બંધ કરાવો.''
મોહનદેવજીના ફરમાન સાથે મે'તા મસુદીએ મુસદ્દો ઘડયો. મુસદ્દાને અખબારોમાં પ્રગટ કરવા મોકલાયો. તેમાં લખ્યું હતું કે,
(૧) એવા પ્રકારની પશુહિંસા કરવાનું કયા શાસ્ત્રમાં કહ્યું છે.
(૨) જે શાસ્ત્રમાં કહ્યું હોય તે શાસ્ત્ર આર્ય લોકોમાં સર્વસામાન્ય ગણાય છે કે કેમ અથવા બહુમાન્ય ગણાય છે કે કેમ?
(૩) તે શાસ્ત્ર કરતાં પણ જે શાસ્ત્રનું પ્રમાણ વધારે બળવાન ગણાતું હોય એવા કોઇ શાસ્ત્રમાં તે હિંસાનો નિષેધ કર્યો છે કે કેમ?
(૪) રાજાઓનું તે અવશ્ય કર્તવ્ય જ છે અને તે ન કરવામાં આવે તો બળવાન શાસ્ત્રની આશા તોડી ગણાય એવું કોઇ સ્પષ્ટ પ્રમાણ છે કે કેમ?
(૫) તે હિંસાની પ્રવૃત્તિ ન કરવામાં આવે તો તેથી રાજ્યને, પ્રજાને કે રાજાના અંગે કોઇપણ પ્રકારનો આપત્તિયોગ આવે અથવા અકાર્ય કર્યું ગણાય એવું કોઇ બળવાન શાસ્ત્રમાં કહ્યું છે કે કેમ?
(૬) તે પશુવધને બદલે બીજી કોઇ હિંસારહિત ક્રિયા કરી તે પર્વ આરાધવામાં આવે તો તેથી કોઇ બળવાન શાસ્ત્રની આજ્ઞાાનો ભંગ કર્યો ગણાય કે કેમ? તેવી હિંસારહિત શું શું ક્રિયા બરાબર ગણાય?
(૭) તે પશુવધને બદલે તેના નાક-કાનને છેરો મારીને તે પ્રાણીને છૂટું મેલી દેવામાં આવે તો ક્રિયા પૂર્ણ થઇ ગણાય કે કેમ?
ઉપર મુજબના સાત પ્રશ્નોના ખુલાસા માટે ''મુંબઇ સમાચાર'' ''દેશી મિત્ર'' ''કાઠિયાવાડ ટાઈમ્સ'' ''ગુજરાતી'' વગેરે ઘણા પત્રોમાં જાહેર ચર્ચા ચલાવી અને જે વિદ્વાનની તરફથી એ બાબતમાં સંતોષકારક ખુલાસો મળે તેને રૃા. ૫૦નું ઈનામ આપવા ઠરાવ્યું. આ ચર્ચાપત્ર વર્તમાનપત્રોમાં બહાર પડતાં જ તેનાથી મુંબઇ, અમદાવાદ, ભાવનગર, વડોદરા આદિ મોટાં શહેરોના લોકોનું મન ખેંચાયું અને સવાલનો નિર્ણય કરવા ગામેગામ વિદ્વાનોની મોટી મોટી ગંજાવર સભાઓ થઇ.
વિજયાદશમીનો વખત નજદીક આવેલો હતો, તેથી વિદ્વાનોને વિચાર કરવા માટે જોઇએ તેટલો પૂરતો વખત મળી શક્યો નહિં છતાં એટલી ટૂંક મુદતમાં પણ મુંબઇ, અમદાવાદ, વડોદરા, મોરબી, ભાવનગર, હૈદ્રાબાદ વગેરે જગ્યાએથી લગભગ પંચોતેર વિદ્વાનોના ખુલાસા આવ્યા, જે નીમેલી કમિટી મારફત મહારાજા સાહેબ હજૂર રજૂ થતાં તેઓએ એવો ઠરાવ કીધો કે, ''શ્રુતિ સ્મૃતિ પુરાણાદિ ગ્રંથોમાં કોઇ પણ જગ્યાએ પશુવધ કરવાનું જણાવેલું નથી; ફક્ત સખ્તશતિ આદિ તાંત્રિક ગ્રંથોમાં પશુવધનો ક્રમ જણાવેલો છે. પરંતુ સપ્તશતિ આદિ શક્તિમત્તાના ગ્રંથો કરતાં શ્રુતિસ્મૃતિ પુરાણાદિ ગ્રંથો વધારે બળવાન છે અને તે બહુમાન્ય અને સર્વમાન્ય છે; પશુવધ બંધ કરવાથી કોઇપણ બળવાન શાસ્ત્રની આસા તોડી ગણાતી નથી તેમજ તેનાથી રાજાને કે પ્રજાને કોઇપણ પ્રકારનો આપત્તિયોગ ઉત્પન્ન થવાને બદલે ઉભય પક્ષનું શ્રેય થવાનો સંભવ છે, તેટલા માટે 'અહિંસા પરમો ધર્મઃ' આદિ શ્રુતિ વાક્યોનું ખરાપણું સાબિત થાય છે.
ઉપર મુજબનો ઠરાવ મહારાજા સાહેબે બહાર પાડી પોતાના રાજ્યમાં આખા વરસમાં જુદે જુદે પ્રસંગે સોળ પાડાનો વધ કરવામાં આવતો હતો તે એકદમ બંધ કરવા ફરમાવ્યું; વળી બીજા દેશી રાજાઓ તેમનો દાખલો પકડે એવા હેતુથી એ ઠરાવની છાપેલી નકલો ગામે ગામ મોકલવામાં આવી તથા એક પાડાનો વધ થતો હતો તે દરબાર તરફથી બંધ કરવામાં આવ્યો.
આ પ્રમાણે મહારાજા સાહેબે પોતાના સલાહકારોના વિચાર સાથે મળતાં હોવાથી પોતાના રાજ્યમાંથી પશુ વધનો રિવાજ બંધ કરી દીધો. તેથી ગામે ગામ અને ઠેકાણે ઠેકાણે તેમની કીર્તિના ગુણો ગવાવા લાગ્યા અને આખા દેશમાં એમનો જયજયકાર વર્તાઇ રહ્યો. મુંબઇ, અમદાવાદ સંદેશા તાર મારફતે ફરી વળ્યા, વળી તેમને જાહેરમાં માન આપવા માટે સુરતની પ્રજા તરફથી તા. ૮મી માહે નવેમ્બર સને ૧૮૯૪ને દિવસે ગોપીપુરા મધ્યેથી શેઠ રાયચંદની ધર્મશાળામાં પારસી વગેરે લોકોએ ભાગ લીધો હતો. આ દયાળુ મહારાજને નિહાળી પોતાનો ખરો ભક્તિભાવ બતાવવા રસ્તા પર લોકોની મોટી સંખ્યા ભેગી થઇ હતી. મહારાજા સાહેબે પોતાની બેઠક લીધા બાદ મી. જગન્નાથ ઈચ્છારામેં નીચે મુજબનું માનપત્ર વાંચી સંભળાવ્યું.
ગૌબ્રાહ્મણ પ્રતિપાળ ધર્મધુરંધર દયાસિંધુ મહારાજાધિરાજ મહારાણાશ્રી મોહનદેવજી બહાદુર, સંસ્થાન ધરમપુરની હજુરમાં હમો નીચે સહીઓ કરનાર સુરતની પ્રજાના ગૃહસ્થોની ઘણા માન અને નમ્રતા ભરેલી સલામ સાથે વિનંતી કે આપ નામદાર મહારાજ સાહેબનું પધારવું મુંબઇના નામદાર ગવર્નર સાહેબના પધારવાના પ્રસંગમાંથી થવાથી એ તકનો લાભ લઇ આપ નામદાર મહારાજા સાહેબે પોતાના રાજ્યમાંથી ''અહિંસા પરમો ધર્મઃ'' એટલે અહિંસા એ જ પરમ ધર્મ છે, એ મહાવાક્યને અનુસરીને દશેરાના શુભ અને માંગલિક તહેવારને રોજ પશુવધ કરવાની દેશી રાજ્યોમાં સેંકડો વર્ષોથી ચાલી આવેલી દુષ્ટ રૃઢિને સંબંધે વિદ્વાન શાસ્ત્રીઓની સંમતિઓ મેળવી એ પશુવધ સશાસ્ત્ર છે કે અશાસ્ત્ર એ પ્રશ્નોનો નિર્ણય કરાવી તે અશાસ્ત્ર જણાયાથી એ નિર્દય રૃઢિ પોતાના નગરમાંથી બંધ કરવાની પહેલ કરવાનું જે સ્તુત્ય દ્રષ્ટાંતરૃપ પગલું આપના તરફથી ગયા દશેરાના તહેવાર ઉપર ભર્યાની આપની સાત્કીર્તિ વર્તમાનપત્રો વગેરેમાં વાંચવામાં આવ્યાથી હમો ઘણા જ સંતોષ પામ્યા છીએ અને તેને માટે આ પત્રથી આપને ખરા અંતઃકરણથી મુબારકવાદી આપીએ છીએ અને ચાહીએ છીએ કે આપના આ ઉત્તમ પગલાંનું દ્રષ્ટાંતથી બીજા રાજાઓના અંતઃકરણમાં પણ જીવદયાની આપની માફક જ જગતનું અને પ્રાણીમાત્રનું રક્ષણ આપનાર સર્વશક્તિમાન પરમદયાળુ પરમેશ્વર દયાની લાગણીની સત્વર પ્રેરણા કરે.
હમો શાસ્ત્રવેતા નથી. એટલે શાસ્ત્રમાં જે કાંઇ આજ્ઞાા કરી હશે તેને સારાસારા વિચાર જણાવવાને હમો યોગ્ય નથી, તો પણ સાધારણ સર્વ ધર્મની મુખ્ય આજ્ઞાાઓ માંહેલી એક છે. એટલે તે સર્વ ધર્મની નીતિને માન્ય હોવી જ જોઇએ. વળી સાધારણ અક્કલથી વિચાર કરતાં પણ મનને સાફ રીતે આત્મપ્રતીતિ થાય છે, કે જબરાં પ્રાણીને નબળાં પ્રાણીની હિંસા કરતાં વાર લાગતી નથી. તો પણ ઉત્તમ પશુઓ પણ - જેવા કે વનરાજ સિંહ, ગજ આદિ પ્રાણીઓ પણ - વિનાકારણ એવું સાહસ કરવાને તત્પર થાય, એ થોડી ખેદ ઉપજાવનારી વાત નથી. ક્ષત્રિયોએ પોતાનું આ વેરપણું નિરપરાધી અવાચક પ્રાણી ઉપર અજમાવવાને સર્જાયેલું હોય એ વાત મનુષ્ય જે સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ સર્વોપરી સત્તા ધરાવનાર ન્યાયી વિવેકી બુદ્ધિને અનુસરતું આવતું નથી એ સ્પષ્ટ છે અને તેથી, અન્યાય ભરેલા નિર્દય કૃત્ય અથવા રૃઢિનો દુનિયામાંથી તદ્દન નાશ થવો જ ઘટે છે અને તેમાં વળી આપનું નગર તો ''ધર્મપૂર'' એટલે ''ન્યાયનીતિનું સ્થાન'' તેમાં જ એ દુષ્ટ અને ત્રાસજનક રૃઢિ પ્રવર્તે તો એના જેવું બીજું કાંઇ ખેદજનક નથી અને તેથી આપે જે પગલું ભર્યું છે તે પોતાના પવિત્ર નગરનું શબ્દાર્થ પ્રમાણે નામ સાચું ઠરાવી આપનારૃં છે અને તેનું માન આપના રાજ્યકુળમાં આપને પહેલું મળેલું જોઇ હમે ઘણા જ સંતોષી અને ખુશી થઇએ છીએ અને ચાહીએ છીએ કે એવી જ દયાળુ નિર્મળ અને નીતિની બુદ્ધિ આપના આ કૃત્યમાં તેમજ સર્વ પ્રકારના કાર્યમાં ઈશ્વર સદૈવ સુદ્રઢ રાખે - તથાસ્તુ.
વધુ માહિતી ઃ આ જીવદયા પ્રેમી મહારાજા મોહનદેવજી મહારાજા ઈ.સ. ૧૮૯૧ના વર્ષમાં ધરમપુરની ગાદી પર બેઠા હતા. ઈ.સ. ૧૮૯૪ના વર્ષમાં તેમણે ''પશુબલિદાન'' તેમના રાજ્યમાં બંધ કરાવ્યું હતું. મહારાજા મોહનદેવજીને છ તોપોનું માન આપવામાં આવતું હતું.
Sent from my h.mangukiya