એકભલો ભોળો ગ્રામીણ ચાર- પાંચ સરનામાવાળો કાગળ ગગનચૂંબી એપાર્ટમેન્ટ પાસે પોતાની કારનું બારણું ખોલતા માણસને આપે છે. ''આમાં કેટલાક નામો અને સરનામાં લખેલા છે. સાહેબ, અને તે પણ અંગ્રેજી ભાષામાં ! મને અંગ્રેજી વાંચતાં આવડતું નથી, આપ વાંચીને મને કહો કે આ ઊંચા તાડ જેવા મકાન પૈકી આપ કોને-કોને ઓળખો છો ?'' પેલો ગ્રામીણ વૃધ્ધ વિનંતીના સ્વરમાં કહે છે.
'કારવાળા શેઠ' જવાની ઉતાવળમાં હોય તેમ કમને કાગળ પર નજર નાખી લે છે.
''તમારી યાદીનું પહેલું નામ ઃ આ વ્યક્તિને હું ઓળખતો નથી !''
- બીજું-ત્રીજુ નામ, અમારા જ એપાર્ટમેન્ટના નિવાસીનું છે, પણ હું તેમને જાણતો નથી ! મારી પાસે જાણવાનો સમય પણ નથી ! અને છેલ્લું નામ મારા પડોશીનું છે, પણ એમની સાથે મારે પરિચય નથી. ઓ.કે.'' -પેલા ગ્રામીણે આપેલી સરનામાની યાદી તેને પાછી પકડાવતાં 'કારવાળા શેઠે' કહ્યું...
ગ્રામીણ વૃધ્ધ નારાજ થઇ ગયો ! કેવો છે આ શહેરી માણસ પોતે જ્યાં રહે છે, તેમાં રહેનારને પણ ઓળખવાની એને પડી નથી ! ગ્રામીણ સહેજ નારાજગી સાથે પૂછે છે.'' સાહેબ, માફ કરજો, આપ આપને પોતાને અને ઘરનાં માણસોને તો ઓળખો છો ને ?''
''શટ અપ'' કહી શેઠ કારમાં બેસી જાય છે.
જિંદગીની વ્યાખ્યા શું ? કપાવું કે જોડાવું ? સંસ્કૃતિ માણસને જોડે છે. સભ્યતા અલગાવ ઉભો કરી માણસને માણસથી વિખૂટો પાડે છે ! સરવાળે માણસ જેમ જેમ 'સુધરતો' ગયો, તેમ-તેમ તે બગડતો ગયો છે ! પેલા બગીચાના માળીને જુઓ એને એકેએક વૃક્ષની, છોડની, ક્યારીની ઓળખાણ છે. કોની કેટલી માવજત કરવી, કોને કેવું અને કેટલું ખાતર- પાણી આપવું એની એને ખબર છે. પોતે 'માળી' છે એની એને બરાબર ઓળખાણ છે. એટલે બગીચા સાથે, ફૂલો અને ફળો સાથે એનું તાદાત્મ્ય છે.
એક પેલો વૈદિક ઋષિ હતો, જેણે પોતાની જાત, જગત અને જગન્નિયંતાને ઓળખવાના ચિંતનમાં આખી જિંદગી હોમી દીધી ! આપણે ઇશ્વરને ભલે મોડા ઓળખીએ, કદાચ ન ઓળખીએ, કાંઇ વાંધો નહી, આપણી જાતને ઓળખીશું, તોય ઇશ્વર રાજીનો રેડ થઇ જશે !
આજના માણસને 'બીજાને ઓળખવા'માં ધંધાદારી રસ હોય છે, કારણ કે એ ઓળખાણમાં ''ખપ લાગવાની''- શક્યતાનો હેતું ગર્ભિત રીતે સમાએલો હોય છે ! માણસ તાલી પણ નોંધપાત્ર બનવા માટે પાડે છે !
માણસ દિવસે ને દિવસે વધુ કઠોર અને નઠોર કેમ બનતો જાય છે ? કારણ કે એની આંખમાંથી લાજ- શરમના અમી સૂકાવા માંડયા છે. મનમાં ખાર, જીભે ગાળ અને વર્તનમાં સ્વાર્થની લાળ- આ ત્રણ વિકૃતિઓ આજના માણસની ઓળખાણ બની ગઇ છે ! માણસ 'નામ'થી નહી, 'નંબર'થી ઓળખાતો થઇ ગયો છે !
- કેદી નામ ગુમાવી નંબરથી ઓળખાય છે.
- કાર માલિકના નામથી નહી, આર.ટી.ઓ.એ આપેલા નંબરથી ઓળખાય છે.
- પેન્શનર પેન્શન પેમેન્ટ ઓર્ડરથી ઓળખાય છે અને કર્મચારી એની સર્વિસ બૂકના નંબરથી.
- ચૂંટણીઓ ઉમેદવાર બેલેટ પેપરના ક્રમાંક અને ચૂંટણી ચિહ્નથી ઓળખાવવામાં પોતાની સફળતા માને છે.
- વિદ્યાર્થી એની તેજસ્વિતાથી નહી પણ રોલ નંબરથી ઓળખાય છે.
આજકાલ કહેવાતા પાર્થિવ પૂજનીયોની સંખ્યા એટલી બધી વધી રહી છે, કે તેમને પણ ઓળખવા નંબર આપવાની જરૃરિયાત ઉભી થાય તો નવાઇ નહી ! માણસાઇની ઓળખ માણસમાં રહેલી લાજ- શરમ છે. માણસાઇની ઓળખ એનામાં રહેલી મૂલ્યનિષ્ઠા છે અને એવી મૂલ્યનિષ્ઠા અંદરથી ઉગાડવી પડે છે, જાળવવી પડે છે અને રક્ષવી પડે છે ! માણસની વિચિત્રતા તો જુઓ ! પોતે 'શરમાયો'તેના કરતાં પોતે બે-શરમીથી કેવી રીતે વર્ત્યો, તેના વર્ણન અને વખાણમાં તેને ભારે રસ હોય છે ! માણસે યોગ્ય શરમ- સંકોચને જીવાડવા પડે છે. શરમનો સુરમો બીજા પાસે ન અંજાવાય !
સાર્વત્રિક દૂષણ આપણને કોઠે પડી ગયું છે ! વિસ્ફોટોની સંભાવનામાં નથી પશુ સલામત કે નથી પક્ષી ! સાગરના દૂષિત જળમાં નિર્દોષ માછલીઓએ કમોતે મરવું પડે છે ! સ્વાર્થના મહા અરણ્યમાં આજે કોઇ સલામત નથી !
પણ એને માટે જવાબદાર કોણ ? માણસ પોતે જ !, એનો લોભ, એની લાલચ, એની સત્તાલાલસા, એની આર્થિક તૃષ્ણાઓ, એનો અસંયમ, માણસ તરીકેની એની જવાબદારીની ધરાર ઉપેક્ષા ! જીવનનો ઉદ્દેશ ભોગ નહી, ત્યાગ છે, એ વાત માણસને જેટલા અંશે સમજાય તેટલા અંશે તે સુખી થાય.
'સફળ જીવનનાં ૨૦૧ જ્ઞાાનસૂત્રો'માં'ડૉ.સુનીલ જોગીએ એક સરસ મજાનો પ્રેરક પ્રસંગ ટાંક્યો છે. તદનુસાર ''એક બાગમાં ફૂલ અને કાંટા બન્નેનું અસ્તિત્વ હતું. કાંટાને ખૂબ અભિમાન હતું. એક દિવસ તેણે ફૂલને કહ્યું ઃ ''તું નરમ છે, જ્યારે જે ઇચ્છે તે તને તોડીને રગડી શકે છે. તું ચૂપચાપ બધું સહન કરી લે છે. જો, મારી સામે કોઇ નજર ઉઠાવીને જુએ છે ? હું તો તેને લોહીલુહાણ કરી નાખું.''
ફૂલે કહ્યું ઃ ''ભાઇ, તારી વાત ઠીક છે, પણ હું શું કરું ? મારું તો જીવન જ બીજાના ઉત્સર્ગ માટે છે અને મને તેમાં આનંદ આવે છે. જ્યારે મને કોઇ જુએ છે, તો ખુશીથી ઝૂમી ઉઠે છે, જ્યારે તને જોઇ લોકો મોં ફેરવી લે છે. જીવન ભલે ટૂંકુ હોય, પરંતુ એનું કોઇ ધ્યેય હોવું જોઇએ.''
ફૂલની વાત સાંભળી કાંટો ચૂપ થઇ ગયો. ત્યારથી તે ફૂલનું રક્ષાકવચ બની ગયો.
કાંટાનું નિર્માણ કુદરતે ફૂલોની રક્ષા માટે કર્યું છે, પણ કાંટા જ ફૂલોના ભક્ષક બને ત્યારે કુદરત પણ નિસાસા નાખે છે.
માણસો વારંવાર એવી ફરિયાદ કરતા હોય છે કે પોતે બદલાવાની, પરિવર્તનની અપેક્ષા રાખે છે. પણ બદલાવ લાવી શકાતો નથી. કેટલીક ટેવો જતી નથી. અમેરિકાના ડૉ.રિચાર્ડ બેંડલરે આવી કેટલીક ન્યૂરોલોજિકલ ટેકનિકો શોધી છે, જેનો ઉલ્લેખ શ્રી જયન્તી જૈને ('ઉઠો, જાગો, જીતોમાં') કર્યો છે. ડૉ.રિચાર્ડે સૂચવેલા આઠ સ્ટેપ્સ, જેનો સારાંશ નીચે દર્શાવ્યો છે.
૧. તમારું લક્ષ્ય નિર્ધારિત કરો.
૨. તમારી કુટેવો ન છોડી શકવાનાં કારણો સમજવાની કોશિશ કરો.
૩. આવનાર તીવ્ર દુઃખોની શક્યતાને તમારી ટેવોના સંદર્ભે વિચારી જુઓ.
૪. બદલાવ કે પરિવર્તનથી કેવો ઉત્કૃષ્ટ આનંદ પ્રાપ્ત થશે, તેના લાભ અંગે વિચારો.
૫. તમે માની લીધેલા તોર- તરીકા (જીવનશૈલી) બદલવાની કોશિશ કરો.
૬. નવી શક્તિ પ્રદાન કરનાર વિકલ્પો પેદા કરો.
૭. નવી સુટેવોનું વારંવાર દ્રઢીકરણ કરો.
૮. વારંવાર એ વસ્તુ તપાસતા રહો કે બદલાવ લાવવામાં તમે કેટલા અંશે સફળ થયા ?
Sent from my h.mangukiya