19/11/2013

જીવનનો પડદો... પડદાનું જીવન...

જીવન મને ગમે છે. જીવનને પણ હું ગમું છું. ગમું છું એટલે તો અમારી વચ્ચે વસ્તુઓ કે વ્યક્તિઓ ઓછી અને જાતથી જગત સુધી માત્ર અને માત્ર એકબીજાનું ખેંચાણ છે. ખેંચતાણ જીવનમાં ચાલે છે જગત દ્વારા... ખેંચાણ જીવનનું ચાલે છે જાત દ્વારા... જીવનને રોજ ઊજવું છું. ફૂલ ખિલે છે અને મારો વિશ્વાસ પાકો થતો જાય છે. ફૂલની સુગંધ સ્પર્શે છે અને મારો આત્મવિશ્વાસ વધારે જાગૃત થાય છે. સુગંધ આબોહવામાં લહેરાય છે ત્યારે વાયરો વાંસળી વગાડે છે. રોમાંચનો ડાયરો છેક પાંસળી સુધી પહોંચીને ક્લાસરૃમના બાળકોની જેમ દેકારો મચાવે છે. જીવનના આશક હોવું એટલે પ્રત્યેક પળના આરાધક હોવું! અજવાળું અને મીણની વચ્ચેની દોરીના સંચારક હોવું! પેટાવવા અને પ્રગટાવવાની વચ્ચે સ્નેહના સ્વયંસેવક હોવું...
બારીમાંથી આવતો તડકો બારીમાંથી પવન લઇને આવે છે. પડદો એને રોકવાનો પ્રયત્ન નથી કરતો! આપણે પડદાને પવન રોકવા માટે માનીએ છીએ, તડકાને રોકવા માટે ટીંગાવીએ છીએ. કાપડમાંથી પડદો બને છે એટલે કે જાણે કાપડ મૃતપાય થઇ ગયું એમ સમજવા લાગીએ છીએ. અસ્સલમાં કાપડને કલરવ ફૂટે છે પડદો બનવામાં! પડદો બન્યા પછી પવનમાં લહેરાય છે ત્યારે એ પવનને આજીજી કરે છે ખુલ્લા દિલે ઊડાડવા માટે... તડકાના - અજવાળાના કપડા પહેરવા માટે! પડદો પવન અને અજવાળાને ઘરમાં આવતા રોકે છે. પોતાનામાં ફેલાવતા રોકતો નથી. પડદો શુષ્ક નથી. શુષ્ક પડદાને લટકાવતી દિવાલો છે. જીવનમાં પડદાઓ ઓઢવા, પહેરવા, ઓઢાડવા, પહેરાવવા પડે છે. એકબીજાને માટે. આપણા ઉપર તો એ લટકવા જોઇએ. વળી જે પડદામાં હોઇએ એમાં સદંતર ઓળઘોળ બનીને આનંદ લૂંટી લેવાનો... અબિલનો છાંટો ઊડે કે મુઠ્ઠી ભરી ભરીને અબિલ ઊડે અંતે તો કપડું ધોવા માટે આપવું જ પડે છે... વાત પેલા પડદાને ધ્યાનમાં રાખીને આંખોના પડળને ઊઘાડવાની છે. વાત જીવવાની છે. જીવન પણ પડદો છે. આપણી દિવાલે લટકે છે. અને અજવાળાને - પવનને ઝંખે છે. આ પવન વિચારોનું મનન છે. આ અજવાળું આત્માનું આનંદવન છે. અને દિવાલો...! દિવાલોને પડદો બનવાનું સપનું આવે છે. દિવસ રાતની જેમ વિતાવાય છે અને રાત બે દિવસની દિવાલો પરનો પડદો છે...
*
માયુસી છવાઇ જાય ત્યારે માસુમ રહેતા શીખવું જોઇએ. જાતને ઓળખતા આવડી ગયા પછી નિરાધાર બનવાનું છોડી દેવું જોઇએ. કોઇના પણ નિરાધાર ન બનવું! આપણા પોતાના શરીરના પણ નહીં! નિરાધાર બનીએ છીએ ત્યારે જાણે - અજાણે આપણામાં કોઇક આપણા માટે કામ કરી આપશે - એવી આશા અને અપેક્ષા જન્મે છે. આળસ ઘર કરી જાય છે. આળસને ચંચળતા ગમતી નથી અને ચંચળતા ક્યારેક નવરી પડતી નથી. ચંચળતામાં સક્રિયતા ઊમેરાય છે ત્યારે આપણે આપણામાંથી જ અધ્ધર ઊઠવાની શરૃઆત કરીએ છીએ. અધ્ધર ઊઠવું એટલે એવા અવકાશનો અનુભવ કરવો જે પાંખોની કે આંખોની મહોતાજ નથી. શરીરને સુખ જોઇએ છે. આત્માને આનંદ જોઇએ છે. આ બંને વચ્ચે મનામણા-રિસામણા ચાલ્યા જ કરે છે. દુઃખ સમાધાન કરાવવા જાય છે અને આપણે એની ઉપર જ અકળાઇ જઇએ છીએ. બધું જ તાત્કાલિક નક્કી થઇ જવું જોઇએ એવું આપણે નક્કી કરી લીધેલું છે. સમય આપવો અને સમય માપવો એમાં જ આપણે રચ્યા પચ્યા છીએ. નવરા બેસવાનો નુસખો અપનાવવા જેવો છે. બધા જ ટેન્શનને કારણે મનથી વ્યસ્ત અને શરીરથી નવરા છે. મન અને શરીર બંને નવરા હોય એ સ્થિતિની સહજાવસ્થા અગરબત્તી કર્યા વગરની સુગંધ જેવી છે. અદ્રશ્ય ત્રાજવાથી તોલીને જીવનારા માણસોને અદ્રશ્ય પીડાઓ જ મારે છે. મનને મારીને જીવવું અને મારી-મચડીને જીવવું એ બંનેવ વચ્ચે ખોટા ગુલાબને પાણીમાં તરતા મૂકીને ઘરની શોભા વધારવા અને સાચા ગુલાબને છોડ પર ઊગેલા જોઇને કામે વળગવા જેટલો ભેદ છે.
રોજેરોજ આપણે શોધવાની પ્રવૃત્તિમાં પરોવાયેલા છીએ. સંબંધોમાંથી હૂંફ શોધીએ છીએ, વાણીમાંથી અવાજ શોધીએ છીએ વાસનામાંથી પ્રેમ શોધીએ છીએ, વફાદારી શોધીએ છીએ, શોધાશોધનું લીસ્ટ બહુ લાંબુ છે. જેટલી લાંબી ઊંમર એટલી લાંબી શોધાશોધ અને આ બધામાં આપણે ગુમ થઇ ગયા છીએ. જ્યાં હકથી નહીં, નાહકથી જીવાય જ્યાં રોકટોક કે નોકઝોક વગર જીરવાય એ ક્ષણને મોક્ષ કહેવાય છે. ભૂલોમાંથી જે શીખે છે એને સફળતા મળે છે. સફળતામાંથી જે શીખે છે એને દુનિયા ફળે છે. આપણે આપણામાં ખોવાયેલા રહીએ તો એવો રસ્તો મળે છે જેની દુનિયાને ઓછી આપણને વધારે જરૃર હોય છે. રસ્તો મંઝિલનો થાક નથી, રસ્તા પર મંઝિલ અથાગ છે. જીવન એવા લોકોની જ નજીક હોય છે જેમને ફરિયાદો ઓછી અને રસ્તો કાઢવાનું વધારે ગમે છે.
ઓન ધ્ બીટ્સ
મતભેદ વ્યક્ત કરનારો માણસ એક વિચારને સ્થાને બીજો વિચાર લાવવા ઈચ્છે છે અને અસહિષ્ણુ માણસ વિચાર નષ્ટ થઇ શકે તેમ નથી એવું જાણતાં જ વિચાર માંડનારી વ્યક્તિને જ નષ્ટ કરવા ઈચ્છે છે.
- પુ.લ. દેશપાંડે

Sent from my h.mangukiya