22/11/2013

ઈશ્વરીય સહાયતા

   
સ્કૂલમાં અંગદ નામનો એક નવો અપંગ વિદ્યાર્થી દાખલ થયો. એ બંને પગે અપંગ હતો, આથી બે ઘોડીથી ચાલવું પડતું હતું.
અંગદને અપંગ હોવાથી સરકાર તરફથી અભ્યાસ અર્થે સ્કોલરશીપ મળતી હતી. સ્કૂલના ટ્રસ્ટી મંડળે એની સ્કૂલ ફી માફ કરી હતી. સ્કૂલનાં બે શિક્ષક એને મફત ટયુશન કરાવતાં હતાં. સ્કૂલ રિક્ષાવાળો એને મફતમાં સ્કૂલે મૂકી લઈ જતો હતો.
સ્કૂલના એક વિદ્યાર્થી માનવને આ વાતની ખબર પડી. એણે ઘરે જઈ એનાં મમ્મી પપ્પાને આ વાત કરી.
મમ્મી-પપ્પાએ માનવને સમજાવતાં કહ્યું, અંગદને  ઇશ્વર મદદ કરી રહ્યા છે. સરકારના માધ્યમ દ્વારા સ્કોલરશીપ, સ્કૂલ ટ્રસ્ટીઓના માધ્યમ દ્વારા ફી માફી, માયાળુ શિક્ષકોના માધ્યમ દ્વારા મફત ટયુશન તેમજ દયાળુ રિક્ષાચાલકના માધ્યમ દ્વરા સ્કૂલે આવવા-જવાની મફત વ્યવસ્થા ઈશ્વરે કરી આપી છે.
શું વાત છે, ઈશ્વર આ રીતે બધાનું ધ્યાન રાખે જ છે, તો પછી મારે અભ્યાસ પાછળ મહેનત કરવાની જરૃર શું છે. મને પણ ઈશ્વર અંગદની જેમ જ કોઈને કોઈ માધ્યમ દ્વારા મદદ કરશે જ.
આમ વિચારી માનવે અભ્યાસ કરવાનું છોડી દીધું.
અભ્યાસ નહીં કરવાને કારણે માનવ નવ માસિક પરીક્ષામાં નાપાસ થયો. માનવ નાપાસ થતાં માતા-પિતાએ માનવને પૂછયું, બેટા આ શું છે  ? તું નાપાસ કેમ થયો ?
મમ્મી, હું એમ માનતો હતો કે ઈશ્વર મને અંગદની જેમ મદદ કરશે એટલે મેં ઈશ્વરના ભરોસે અભ્યાસ કરવાનું બંધ કરી દીધું, પણ ઈશ્વર ે મને મદદ ના કરી.
બેટા, તું જ્યારે અભ્યાસમાં મહેનત કરતો હતો ત્યારે ઈશ્વરે તને હંમેશા મદદ કરી જ હતી અને તું સારા માર્કસ લાવતો જ હતો. પરંતુ તેં મહેનત કર્યા વગર ઈશ્વરની મદદની અપેક્ષા રાખી. તેં તારી તુલના અંગદ જેવા અપંગ અસહાય વિદ્યાર્થી સાથે કરી. તેં ઈશ્વરની મદદ મેળવવા માટે ખોટો માર્ગ પસંદ કર્યો.
આવી રીતે ઈશ્વર જગતની દરેક વ્યક્તિને મદદ કરે તો સંસારમાં કોઈ  વ્યક્તિ કામ જ ના કરે અને સમાજ વ્યવસ્થા જ ખોરવાઈ જાય. મહેનત કરવી એ માનવીની ફરજમાં આવે છે અને મહેનતના પ્રમાણમાં ફળ આપવાની જવાબદારી ઈશ્વરની છે.
માટે બેટા, ઈશ્વર પાસેથી ખોટી મદદની અપેક્ષા રાખ્યા વિના મન લગાવી અભ્યાસમાં મહેનત કરવા લાગ. ઈશ્વર તને પણ ચોક્કસ મદદ કરશે જ.


Sent from my h.mangukiya