24/09/2019

વ્યસ્ત જીવનમાં ઇશ્વરની ખોજ


ખરી રીતે આપણું અહીં છે શું? બધું તો ઇશ્વરની દેન છે. એનું છે, તે એને જ આપવાનું છે. તો પછી કશું આપી રહ્યા છીએ તેવો અહંકાર શા માટે ?
દરેક મનુષ્ય, પોતાના સ્વભાવ અનુસાર, અલગ-અલગ મનોભાવનાં જગતમાં જીવતો હોય છે. તો એ રીતે એમની ઇશ્વર વિષેની ધારણા પણ એમનાં મનની સ્થિતિ પ્રમાણે ઘડાય છે. ઇશ્વર વિષેની આપણી કલ્પના, આપણાં આસપાસનાં સંજોગો, સંસ્કાર, ઉછેર, શિક્ષણ અને ધર્મ મુજબની હોય છે. આપણો ઇશ્વર સાપેક્ષ છે. જે આપણે પોતે જ સર્જેલો હોય છે. સામાન્ય રીતે આપણે કલ્પના કરી હોય તેવા ઇચ્છિત રૂપમાં ઇશ્વરને જોવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ, પણ એમાં નિષ્ફળતા મળતી હોય છે. ઇશ્વર અસીમ છે, સર્વ વ્યાપી છે. તો એને એક નિશ્ચિતરૂપમાં કેવી રીતે જોઈ શકાય ? આપણા બંધિયાર મનમાંના ઇશ્વરની ધારણા પણ એવી સંકુચિત જ હોય છે. આવી માનસિકતા ધરાવતી વ્યકિત જ્યારે પોતાની રીતે ઇશ્વરને પામવા કોશિષ કરે છે, પણ ત્યારે તેમાં નિષ્ફળતા મળતાં તે નાસ્તિક બની જાય છે. આવી નિરાશામાંથી તો નાસ્તિકતા જન્મતી હોય છે. હા, ઇશ્વરની અસીમતા અને તેની અખિલાઈને ભીતર ઉતારી, સ્વંયને અંતરથી વિસ્તૃત કરતાં, ઇશ્વરની ઝાંખી જરૂર થઈ શકે. જો કે મોટા ભાગે લોકોનો ઇશ્વર સાથેનો સંબંધ માગણીનો હોય છે. એને તે પોતાના દુઃખ-દર્દો દૂર કરવાનું માત્ર સાધન ગણતો હોય છે. મન જ્યારે ત્રસ્ત હોય, પીડિત હોય, ત્યારે એવી વ્યકિતઓ, પોતાનાં દુઃખ-દર્દ માટે ઇશ્વરને પ્રાર્થના કરે છે. મુશ્કેલીઓ દૂર કરવા આજીજી કરે છે, છતાં પણ તેને પોતાની યાચના ઇશ્વરે સાંભળી હોય તેવું લાગતું નથી ! એવું શા માટે બનતું હશે ? આનો ઉત્તર એવો હોઈ શકે, આપણી આ બધી અરજો, આજીજીઓ, એ ફરિયાદોથી વિશેષ કશું હોતા નથી. જે મોટાભાગે આપણા અસંતોષ અને સ્વાર્થમાંથી જન્મતી હોય છે. આવી સંકુચિત ભાવના, પ્રાર્થના કેવી રીતે બની શકે ? પ્રાર્થના જો ઇશ્વર સુધી પહોંચે નહીં તો સમજવું કે, પ્રાર્થનાની ભાવનામાં ક્યાંક ખામી હશે. તો શુદ્ધ પ્રાર્થના કોને કહેવાય ? જે અંતરના ઉંડાણમાંથી જન્મીને આપણાં હૃદય અને ચક્ષુઓને ભીંજવે જેમાં શબ્દો કરતાં ભાવ વધારે મહત્ત્વનાં હોય. આવી પ્રાર્થનાઓ, સ્થુળ- ભૌતિક ઇચ્છાઓથી ખરડાયેલી ન હોય. જેમાં આપણી સાથે આપણી વાસનાઓ પણ ઓગળી જાય. તેનું સ્પષ્ટ કારણ માત્ર એટલું કે આપણી આ બધી સ્થુળ ભેટોમાં સમર્પણનો ભાવ હોતો નથી. આખરે ઇશ્વર આપણી પાસેથી આશા રાખે છે ? એની પાસે ઐશ્વર્યની કોઈ કમી નથી. એ તો ભક્તો પાસે માત્ર સ્મરણભાવ, સમર્પણભાવ, અને પ્રેમભાવની અપેક્ષા રાખે છે. અર્પણ સમર્પણ બને છે, ત્યારે આપણે જે આપ્યું છે, તેના સ્વીકારની પ્રતીતિ થતી હોય છે. નિર્ભેળ હૃદયથી થતું સમર્પણ મનને આધ્યાત્મિક લાગણીથી છલકાવી દે છે. એ ક્યારે શક્ય બને ? જ્યારે આપણી લાગણીમાં માગણી ભળેલી ન હોય. કંઈક આપીને કંઈક લેવાની વાત ન હોય. અહીં વ્યાપારની બાબત નથી. જ્યારે આપણે ઇશ્વરને કંઈક પ્રાપ્ત કરવા માટે ભેટ-બક્ષિસ ધરાવીએ છીએ, ત્યારે એનો કોઈ અર્થ હોતો નથી. કેમકે એ તો વેપાર થયો, એક હાથે આપવાનું તો બીજે હાથે લેવાનું. ખરી રીતે આપણું અહીં છે શું? બધું તો ઇશ્વરની દેન છે. એનું છે, તે એને જ આપવાનું છે. તો પછી કશું આપી રહ્યા છીએ તેવો અહંકાર શા માટે ? આ અહંકારની દીવાલ તૂટે તો જ આપણા અને ઇશ્વર વચ્ચેનું અંતર ઘટશે. ત્યાર બાદ આપણે ઇશ્વરને જે સ્વરૂપે, જ્યાં જોવા ઇચ્છતા હોઈએ ત્યાં એ રીતે એની પ્રતીતિ થશે. - પરેશ અંતાણી