24/03/2019

વિદેશથી આવતો પુત્ર :


રજા મળ્યાની જ્યારે જાણ હું કરું,
શું લેતો આવું એવું સહુને પૂછું,
ફેસ ટાઇમ પર મને જોતી રહે,
કેમ કરી મમ્મી તારાં આંસુ લૂછું ?
જોઇ મને લોહી તારે બાળવાનું નહીં,
મમ્મી, મને લેવા તારે આવવાનું નહીં.

એરપોર્ટ પર મને જોઇને તું,
જાણું છું હું મને કહેવાની શું !
કેવો થઇ ગ્યો છે સાવ ખાતો નથી ?
છોડીને કેમ પાછો આવતો નથી ?
લડવા ને રડવાનું સંગાથે નહીં,
મમ્મી, મને લેવા તારે આવવાનું નહીં. 

આંખોમાં આંસુ જોઇ જાણી જશે સહુ, 
મમ્મી છે મારી એવું ભલે ના કહું, 
કાંઇ નથી રહેવું ત્યાં આવી જા તું, 
ભૂખ્યા રહીને કમાવું છે શું ? 
સાંભળે બધાય એમ સંભળાવવાનું નહીં, 
મમ્મી, મને લેવા તારે આવવાનું નહીં. 

થ્રી વીક્સ માટે હું આવવાનો ઘેર,
ઉતારીશ થાક અને કરીશ હું લ્હેર, 
સૂવાનો મોડો ને ઉઠીશ હું લેટ, 
ચાર ટાઇમ જમીશ હું કરી બે પેટ, 
એ પહેલાં કાંઇ મને કહેવાનું નહીં, 
મમ્મી, મને લેવા તારે આવવાનું નહીં. 

મમ્મી અહીં બેઉ ટંક કોઇ ના જમે,
સેન્ડવીચ-કોફી લઇ દોડતા ભમે,
ડબ્બા તોડીને ખાય ડીનર સહુ રોજ, 
તેલ ને મસાલાની છૂટી ગઇ મોજ,
સ્વાદ વિષે કાંઇ તારે પૂછવાનું નહીં,
મમ્મી, મને લેવા તારે આવવાનું નહીં.

ભૂખ્યો છે પોપટ પણ તરસ્યો નથી,
કેળવ્યા છે સ્વાદ મેંય કેટલું મથી,
દેશ તેવો વેશ એવું કહેતી'તી તું,
સમજી ગયો છું એનો મતલબ છે શું,
ખાઉં છું જાણું છું ભાવવાનું નહીં,
મમ્મી, મને લેવા તારે આવવાનું નહીં. 

વીકેન્ડ પર ગ્રોસરી સ્ટોરમાં હું જાઉં,
જીરુ ને વરિયાળી વચ્ચે મૂંઝાઉં,
કારણ વિના જ અહીં કરતો હરફર,
સુગંધો વચ્ચે યાદ આવે છે ઘર,
સમજાવું મનને સંભારવાનું નહીં,
મમ્મી, મને લેવા તારે આવવાનું નહીં. 

અહીંઆની ફાસ્ટ લાઇફ જીવવી પડે,
આંસુ કોણ લૂછે જો આંખો રડે ?
મમ્મીના પાલવની વરતાતી ખોટ,
મનાવું મન જોઇ ડોલરની નોટ,
જોઇ મને તારે ઓછું આણવાનું નહીં,
મમ્મી, મને લેવા તારે આવવાનું નહીં. 

ડોલરના સાઇઠ મળે એવું ગણિત,
ગણીને મેં ય કરી પરદેશી પ્રીત,
રુપિયા વધે છો થોડું વજન ઘટે,
પપ્પાને માથેથી દેવું મટે,
પપ્પાને તારે આ કહેવાનું નહીં,
મમ્મી, મને લેવા તારે આવવાનું નહીં. 

મમ્મી કરી છે મેં યાદી તૈયાર,
સૌથી ઉપર છે એમાં તારો કંસાર,
આવ્યો જ્યાં દૂર ત્યારે સમજાયું એ,
મમ્મીના હેતથી છે મીઠો સંસાર,
તારી તોલે તો કોઇ આવવાનું નહીં
મમ્મી, મને લેવા તારે આવવાનું નહીં.

બેગ ભરી નાસ્તો હું સાથે લઇ જઇશ,
ઇમીગ્રેશનવાળાને એવું હું કહીશ,
બેગ ભરી લાવ્યો છું mummy's લવ,
મમ્મી મળે તો મળે તું જ ભવોભવ,
મુકવા તું આવજે પણ રડવાનું નહીં,
મમ્મી, મને લેવા તારે આવવાનું નહીં.

- તુષાર શુક્લ