લંચ ડેટ
"કેટલી વાર છે હવે? ચ્હા ઠરે છે નૈમિલ" લાંબા કાળા રેશમી વાળનો અંબોડો વાળતા નિધિ ટહુકી.
અંતે છાપાને ઘડી કરી નૈમિલે મૂક્યું અને ડાઇનિંગ ટેબલ પર આવ્યો.
વહેલી શિયાળાની ખુશનુમા સવાર હતી.નિધિ અને નૈમિલે ફુરસદની ક્ષણો માણતા ચ્હા નાસ્તાને ન્યાય આપ્યો.નાસ્તો કરતા નિધિની વાતોને રસપૂર્વક નૈમિલ સાંભળતો રહ્યો અને તેને નિહાળતો રહ્યો.ચાલીસી વટાવી હોવા છતાંય યુવાન જેવો તરવરાટ ,અંબોડામાં ના સમાઇને થોડી ચહેરા પર ઝૂલતી વાળની લટો,તેના ગૌર ચહેરાને ઓર નિખારતા કાળી ફ્રેમના ચશ્માં અને સતત વિસ્મય પામતી તેની વાતો અને આંખો..
"સાંભળ,હું વૉક કરીને આવું છુંં,ત્યાં સુધીમાં તું આપણાં ગાર્ડનમાં પાણી છાંટી દેજે".
"તું આવ એટલે ફટાફટ તૈયાર થઈને આપણે નવું મુવી જોવા જઈએ.જમીશું પણ બહાર.ઓકે?"
નૈમિલે રવિવારનો પ્રોગ્રામ ગોઠવી લીધો.
સ્નેહસભર હાસ્ય વેરીને સ્પોર્ટ શૂઝની લેસ બાંધી નિધિ ચાલવા નીકળી પડી.ફરી એકવાર નિધીનો ચાલવા જવાનો પ્રેમ તેને ભૂતકાળમાં ખેંચી ગયો.નૈમિલ છોડવાઓને પાણી સીંચતા અતીતની યાદોમાં ખોવાયો.
આજથી બરાબર વીસ વર્ષ પહેલાં નો સમય તેના માનસપટ પર ચિત્રિત થઈ ઉઠ્યો.કોલેજનું પહેલું જ વર્ષ હતું અને નૈમિલે લેખનસ્પર્ધામાં
ભાગ લીધો હતો.બીજા ઘણા વિદ્યાર્થી યુવક યુવતીઓએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.પણ પ્રથમ ક્રમાંકે નૈમિલ વિજેતા ઘોષિત થયો અને આજે કોલેજના વાર્ષિક મહોત્સવમાં
તેની વિજેતા કૃતિ,તેની વાર્તાનું તેણે પઠન કર્યું.આખું ઓડિટોરિયમ મુગ્ધતાથી તેની અસ્ખલિત વાણીમાં વહેતુ રહ્યું.વાર્તા પુરી થઈ પણ નૈમિલના શબ્દો અને વાણીનું સંમોહન સૌને જકડી રહ્યું.બે ચાર ક્ષણો વીતી અને સૌ વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી નૈમિલને વધાવી લીધો.બસ એ એક જ પ્રસંગ પછી શરમાળ અને ઓછું બોલતા નૈમિલના મિત્ર બનવા માટે યુવક યુવતીઓમાં હોડ લાગી.નિધિ પણ નૈમિલની આ કળાથી આકર્ષાઈ હતી.
લાંબી,પાતળી,કમનીય કાયા ધરાવતી નિધિ સાથે મિત્રતા ઇચ્છતા તો ઘણા બધા યુવક હતા.પણ સમજદાર નિધિ બધા સાથે એક સલામતિભર્યું અંતર રાખી હસી મજાક કરતી રહેતી.તેનું અલ્લડપણું, ખડખડાટ હાસ્ય ,વાકચાતુર્ય તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતું.આખો દિવસ પતંગિયાની જેમ અહીં તહીં ઊડતી રહેતી નિધિના હૈયે નૈમિલના શબ્દોએ કામણ કર્યું હતું.
"હાય નૈમિલ,હું નિધિ.અભિનંદન."હાથ લંબાવી તેણે કહ્યું.
"થેન્ક્સ."નૈમિલે પણ હાથ મિલાવી શિષ્ટાચાર વ્યક્ત કર્યો.
ક્લાસની લોબીમાં ચાલતા ચાલતા બન્ને એ એકબીજાનો પરિચય કેળવ્યો.નિધિની અલ્લડતા અને નૈમિલની સરળતા જાણે બન્ને એકબીજાના પૂરક બનતા ગયાં.મિત્રોની સાથે મળતા,વાતો કરતા બન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતાં અને ધીરે ધીરે એ મિત્રવર્તુળ છોડી બન્ને એકલા ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે થોડો પણ સમય ચોરીને મળતાં,કેમ્પસમાં ટહેલતાં ,વાતો કરતા રહેતાં.નિધીને પ્રકૃતિનું સૌંદર્ય માણવું બહુ ગમતું અને એટલે જ એ જરા જેટલો સમય મળે તો પણ ચાલવા નીકળી પડતી.તેનો આ રંગ નૈમિલને ચડ્યો હતો.બન્ને ટહેલતા,પ્રકૃતિના અવનવા રંગો માણતા.કોલેજ પુરી થાય ત્યારે સાંજના અવનવા રંગો બન્નેની મનપસંદ ચર્ચા.શિયાળાની ઠંડી સાંજ હોય,ગ્રીષ્મની ગરમ સંધ્યા હોય કે વર્ષાઋતુની આહલાદક ભીની સાંજ હોય,બન્ને થોડો સમય સાથે ચાલતા અને વાતો કરી પછી નિજગૃહે પાછા ફરતાં.
પણ હજી સુધી બન્નેમાંથી કોઈ એ પ્રેમનો એકરાર કર્યો નહોતો.નૈમિલ પોતે મધ્યમવર્ગીય કુટુંબનું સંતાન હતો ,જ્યારે નિધિનું ખાનદાન ધનવાન હતું.એટલે નિધિના પિતા આ સંબંધને મંજૂરી નહી આપે તેવી સમજણ ધરાવતા નૈમિલે નિધિ સમક્ષ ક્યારેય પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો નહિ અને નિધિ સ્ત્રીસહજ સંકોચને કારણે નૈમિલને પોતાના હૈયાની વાત નહોતી કરી શકી.કોલેજના ત્રણ વર્ષ પલકવારમાં પુરા થવા આવ્યા હતાં.
"નૈમિલ પરીક્ષાઓ પતે પછી આગળ શું વિચાર છે?"
"નિધિ, ક્યાંક સારી નોકરી શોધવી પડશે ને? મારુ લેખન મારા ઘરના સભ્યોનો પેટનો ખાડો થોડો પુરશે? તું હવે આગળ શું કરીશ?"
" મારા માતાપિતા મારા લગ્ન કરવા ઉત્સુક છે.પણ.."
"નિધિ,ભલે તે ક્યારેય નથી કહ્યું,પણ હું જાણું છું ,તું મને ખૂબ પ્રેમ કરે છે.આ તારી આંખો તારી સાથે બેવફાઈ કરી રહી છે.તું ભલે ના બોલે પણ તારી આંખો બોલે છે કે તું મને કેટલું ચાહે છે.પણ તું જે એશોઆરામથી ઉછરી છે ને એ સુખ સગવડો આપવાનું મારુ ગજું નથી અને એટલે જ મેં ક્યારેય તને કહ્યું નથી કે હું પણ તને ખૂબ ચાહું છું."સાવ સરળતાથી આજે નૈમિલે પોતાની હ્રદયોર્મી નિધિ પાસે ઠાલવી દીધી.
"નૈમિલ તારુ પ્રેમાળ વર્તન મારા જીવનનિર્વાહ માટે કાફી છે.ગમે તેવી અગવડો આપણે સાથે વેઠી લઈશું.તારા સાથ માટે તો આ બધી જ ભૌતિક સગવડ ન્યોછાવર.હું તને ક્યારેય ભૌતિક વસ્તુઓ માટે ફરિયાદ નહિ કરું,પ્રોમિસ."નૈમિલના સરળ પ્રેમ પ્રસ્તાવથી ગદગદ થયેલી નિધિ કોઈ વેલીની જેમ તેને વીંટળાઈ વળી.
દરેક પરિસ્થિતિમાં એકમેકનો સાથ આપવાનું વચન આપી,અનેક મુશ્કેલીઓનો સામનો કરી બન્ને પરણ્યા.ખુદદાર નૈમિલે નિધિના ધનવાન પિતા પાસેથી કોઈ જ સહાય ના લીધી અને તેના આ ગુણ પર ફરી એકવાર નિધિ ઓવારી ગઈ.
નવા ઘરમાં નવા માહોલમાં સરળ અને પ્રેમાળ નિધિ બહુ ઝડપથી ગોઠવાઈ ગઈ.નૈમિલના માતાપિતાને તેણે પ્રેમ અને આદર થકી જીતી લીધા.બન્નેએ નોકરી શોધી લીધી .દિવસભરનો થાક સાંજે બન્ને ઓફિસે જ મૂકી ઘરે પરત ફરતા અને માતાપિતા સાથે મન મુકીને આનંદની ક્ષણો માણતા.દિવસો કામકાજમાં ભલેને ખર્ચાઈ જાય ,પણ રાત્રી બન્ને માટે મઘમઘતા દાંપત્યની મહેંક બની રહેતી.બન્ને રાત્રે અચૂક સાથે ટહેલવા જતાં.
ઘરના નાનકડા પ્રાંગણમાં નિધિએ કઈ કેટલાયે નાના મોટા છોડ લાવીને રોપ્યા હતાં અને હીંચકો બાંધ્યો હતો.ફુરસદના સમયે બન્ને બગીચાની સાથે મળી માવજત કરતાં.
"જો જો નૈમિલ,આજે મોગરાને કેટલી બધી કળીઓ બેઠી છે અને જાસૂદ તો ફૂલોથી લચી પડ્યું છે."
તેની વિસ્મયવૃત્તિને આનંદથી માણતો નૈમિલ તેની સાથે જોડાતો.
"નૈમિલ, તને ખબર છે આ બધા ફૂલ છોડ એ આપણા માનસ સંતાનો છે.તેમની સાથે વાતો કરવી,તેમને પ્રેમથી પસવારવા એ બધું મને બહુ સુખ આપે છે."
"નિધિ,તું બહુ અલગ જ વ્યક્તિતવની સ્વામીની છે.તારું ભોળપણ ,તારામાં રહેલું બાળક તને આટલી તરોતાજા રાખે છે"
સમય જતાં ઘરના આંગણમાં ઉગેલા ફૂલ જેવો જ એક મીઠડો દીકરો આદિત્ય તેમના પ્રસન્ન દાંપત્યને મહેકાવવા આવી ગયો હતો.આખો દિવસ ચારેય આદિત્યની આગળપાછળ ફરતા રહેતા.બન્ને સાત્વિક જીવો ભેગા મળી આદિત્યને પણ પ્રકૃતિનો પ્રેમ રસ પીવડાવતા.પ્રકૃતિના ખોળે સૌ નિજાનંદમાં મસ્ત રહેતાં.એકબીજાના સાન્નિધ્યે નાની મોટી અગવડો મુશ્કેલીઓ વિસરી જતાં.
હજી પતંગિયા જેવી નિધિનો સ્વભાવ બદલાયો નહોતો.નૈમિલની પત્નીથીયે વિશેષ તે તેની મિત્ર બની રહી હતી.નિધિ હંમેશા નૈમિલને લખવા પ્રોત્સાહિત કરતી રહેતી.નૈમિલ નિધીને અને પોતાના અંતરમનને ખુશ રાખવા લખતો રહેતો.નિધિ નૈમિલનું સાહિત્ય છપાવવા માટે પ્રયત્નો કરતી રહેતી.સહિયારી મહેનત આખરે રંગ લાવી હતી.નૈમિલ હવે નવોદિત લેખક તરીકે નામના મેળવી રહ્યો હતો અને કિશોર આદિત્ય પણ બોર્ડમાં આવ્યો હતો.
પણ એક દિવસ ભાગ્યચક્ર ફર્યું. બન્ને ઓફીસ પતાવીને સાંજે સ્કૂટર પર પાછા ફરી રહ્યા હતા,તેવા સમયે એક ટ્રક ની ઠોકર વાગી.સ્કૂટર ઘસડાયું અને બન્ને રસ્તા પર ફંગોળાયા. નિધિ રસ્તાની સાઈડ પર રેતીના ઢગલા પર જઈ પડી હતી.પીડાની કળ વળીને તરત જ ઉભા થઇ તેણે નૈમિલ તરફ જોયું.તે રસ્તા પર બેહોશ પડ્યો હતો.લોકોનું ટોળું જમા થઈ ગયું હતું અને કોઈ ભલા રાહદારીની મદદથી નિધિ અને નૈમિલને હોસ્પિટલ ખસેડાયા.નિધીને સામાન્ય ઇજાઓ જ હતી,પણ નૈમિલને કરોડરજ્જુ પર પછડાટ વાગી હતી.તરત જ હોસ્પિટલનો સ્ટાફ ઓપરેશન ની તૈયારીમાં લાગ્યો.નૈમિલના માતાપિતા મિત્રો સૌ ખબર મળતા જ હોસ્પિટલ દોડી આવ્યાં.
સમયસરની સારવારના પ્રભાવે નૈમિલનો જીવ બચી ગયો,પણ શરીરના અડધા ભાગમાં લકવો થયો.તેનું ડાબું અંગ અચેતન બની ગયું હતું..
આ મુશ્કેલ ઘડીમાં પણ નિધિ હિંમત ન હારી અને નૈમિલને પણ જોમ પૂરું પડતી રહી.નૈમિલને જોબ છોડવી પડી.પણ તેનું લેખન નિધીએ ચાલુ રખાવ્યું અને પોતે નોકરીની સાથે ટ્યુશન પણ શરૂ કર્યા.નૈમિલની સંભાળ લેવી ,તેને કસરત કરાવવી,આદિત્યને બોર્ડની તૈયારી કરાવવી બધી જ જવાબદારી હસતા મ્હોંએ સાસુ અને સસરાની મદદથી નિધીએ પાર પાડી.અકસ્માતના 2 વર્ષ પછી હવ નૈમિલની તબિયતમાં સુધારો થયો.તે ઘરમાં પોતાની મેળે હરફર કરવાને સક્ષમ થયો હતો.પ્રેમ અને સમર્પણ સામે દુઃખના વાદળો હાર્યા હતા.
સમય વીતતો ગયો. લગ્નજીવનના બે દાયકા વીત્યા પછી બન્નેને ફરી એકાંત મળ્યું હતું,માતાપિતા સંતોષ લઈને વિદાય થયા હતાં અને તેમનો એકમાત્ર પુત્ર આદિત્ય ગાંધીનગર હોસ્ટેલમાં અભ્યાસ કરતો હતો.
નિધિ જોબ કરતા કરતાં પણ નૈમિલ માટે સમય ફાળવી લેતી હતી. નૈમિલ આખો દિવસ ઘરે તેના લેખનકાર્યમાં વ્યસ્ત અને મસ્ત રહેતો.સાંજે નિધિ આવે પછી બન્ને સાથે હીંચકા પર બેસી અતીત વાગોળતાં. ક્યારેક લોન્ગ ડ્રાઇવ,ક્યારેક મુવી ,ક્યારેક કવિ સંમેલન તો ક્યારેક ડિનર પણ માણતા.
સવારે બન્ને મળીને તેમના નાનકડા આંગણમાં ઉછરેલા તેમના માનસ સંતાનો તુલસી,જુઈ,ગુલાબ,મોગરો,જાસૂદ અને બીજા અનેક નાના મોટા છોડને પાણી સીંચતા,ખાતર નાંખતા અને નવપલ્લવિત થતા જોઈ ખુશ થતાં.નિધીની સમજણ અને પ્રેમ જોઈને નૈમિલ તેના પર મોહી પડતો અને નૈમિલનું સંસ્કારીપણું અને તેની લેખનશૈલી નિધીને વધુને વધુ નૈમિલની પ્રસંશક બનાવતી.બન્ને મળેલા જીવ એકમેકમાં ઓતપ્રોત થઈ દાંપત્ય ને મહેકાવતાં.નૈમિલની સાહિત્ય જગતમાં નામના થઈ રહી હતી.તેની નવલકથાઓ લોકપ્રિય થઈ રહી હતી અને નિધિ..
નિધિ તેની દરેક સફળતાને બિરદાવતી જતી હતી.
આદિત્ય જ્યારે ઘરે આવતો ત્યારે ઘરમાં ધમાલ મચી જતી.આખો દિવસ વાતો,ધમાલ મસ્તી અને અવનવા વ્યંજનો બધા માણતા.બાકીનો સમય બન્ને એકબીજાનું સાયુજ્ય સાધી વધુને વધુ એકબીજાના પ્રેમમાં ઓગળતા જતા હતા.પ્રભુ પણ બન્નેની પરીક્ષાઓ લઇ ને હવે થાક્યા છે.નૈમિલની લેખક તરીકેની સફળતા અને આદિત્ય ને પણ જોબ મળવાને કારણે બન્ને પિતા પુત્ર એ જીદ કરીને નિધીને જોબ છોડાવી છે.તેમના હઠાગ્રહ સામે ઝૂકીને નિધિ નિવૃત થઈ ગઈ છે.હવે દિવસની બધી જ ક્ષણો બન્ને સખા સાથે મળીને અવનવી પ્રવૃત્તિ સાથે માણે છે.
આજે પણ નૈમિલ ફરી એકવાર તેની જૂની પ્રિય સખી સાથે મુવી અને લંચની ડેઈટ પર જવાનો છે.
પ્રેમનો ખજાનો એકમેક પર લૂંટાવતા આ બન્ને ધનાઢય જીવોને પ્રકૃતિ પણ અભિનંદન પાઠવી રહી છે.
મેધાવીની રાવલ