પ્રિય લાઈફ પાર્ટનર,
કદાચ આજથી થોડા વર્ષો પછી મને તપાસીને કોઈ ડૉક્ટર હાથ ઊંચા કરી દે અથવા નજર નીચી કરી દે, તો એને માફ કરી દેજે. ટપાલી કોઈ દુઃખદ સમાચાર લઈને આવે, તો એનો દોશ આપણે ક્યારેય ટપાલીને નથી આપતા.
આપણે જ્યારથી સાથે છીએ ત્યારથી દરેક સામાજિક પ્રસંગમાં આપણે સાથે હાજરી આપી છે. મારી ગેરહાજરીનો પ્રસંગ તારે એકલાએ ફક્ત એટેન્ડ નથી કરવાનો, ઉજવવાનો પણ છે. વૃક્ષ પરથી ખરી પડતા કોઈ પીળા પાંદડાને જોઈને, એ જ ડાળી પર બાકી રહેલા બીજા પાંદડાઓ પોતાની લીલાશ ઉતારી નથી નાખતા. બાકી રહેલા પાંદડાઓ હજુ પણ વસંત પર ભરોસો રાખીને પોતાની લીલોતરી ઉજવતા હોય છે.
કદાચ હું તારા કરતા પહેલા ખરી પડું. મૃત્યુને સ્વીકારી લેવાની સ્પેશીયલ ટેલેન્ટ બહુ ઓછા લોકોમાં હોય છે. મને ખાતરી છે કે તું બહુ જ ટેલેન્ટેડ છે. મેં તારા માટે પસંદ કરેલી દરેક વસ્તુ તને કાયમ ગમી છે અને એ દરેક વસ્તુનો તેં સહર્ષ સ્વીકાર કર્યો છે. આપણી ચોઈસ ઘણી કોમન છે. મેં તારા માટે પસંદ કરેલું મારું મૃત્યુ પણ તને ગમશે જ. એનો પણ સ્વીકાર કરી લેજે.
વ્યક્તિને ઉજવવા માટે એની હયાતીની જરૂર નથી પડતી. કોઈની હાજરી મનમાં ધારી લીધા પછી જ સાચી ઉજવણી શરૂ થતી હોય છે. આપણે ફક્ત એક જ વાર જીવીએ છીએ, એવું નથી. આપણે ફક્ત એક જ વાર મરીએ છીએ. મૃત્યુ જેવી ઘટનાથી તો ઈશ્વર પરની શ્રદ્ધા વધારે મજબૂત થવી જોઈએ.
હું તો ફક્ત તને સમજણ આપી શકીશ. શ્રદ્ધા અને સ્વીકાર તો તારે જ મેળવવા પડશે. અહિયાં કોઈ મારું નામ બોલે, તો તું મારી પ્રોક્સી પૂરાવજે. ઈશ્વરના દરબારમાં હું તારી હાજરી પૂરાવીશ. મારી બાજુની જગ્યા તારા માટે કાયમ ખાલી રહેશે. પણ ત્યાં બેસવા માટે ઉતાવળ ન કરીશ.
-ડૉ. નિમિત્ત ઓઝા