23/07/2018

ઊંઘ

ટૂંકી વાર્તા :  "ઊંઘ "

રતન શેઠ બાલ્કની માં ઉભા હતા અને સામે લહેરાતો દરિયો દેખાતો હતો ; શેઠ વિચારો માં ખોવાઈ ગયા ; કેટલા કઠોર દિવસો વિતાવ્યા હતા જુવાની માં ; મામા ના કહેવાથી ગામ છોડી ને મુંબઈ આવી ગયો અને એક કપડાં ની દુકાન પર કામે લાગી ગયો હતો ; માસિક પગાર ૨૫૦ રૂપિયા ; ત્યાં બે વર્ષ નોકરી કરી ને કપડાં ની દલાલી માં ઝંપલાવ્યું ; નસીબે ખુબ સાથ આપ્યો અને ૫ વર્ષ માં ખાસ્સા રૂપિયા બનાવ્યા ; ત્યારબાદ કાપડ બજાર માં નાની દુકાન ભાડે લઇ ને કપડાં  એક્સપોર્ટ કરવા લાગ્યો ; ફરી થી નસીબે સાથ આપ્યો અને તેનું નામ ગાજવા લાગ્યું . તનતોડ મેહનત કરી ને મોટા પાયે એક્સપોર્ટ ઈમ્પોર્ટ નું કામ શરુ કર્યું અને અઢળક રૂપિયા કમાયો પરંતુ તંદુરસ્તી પર એની અસર થવા લાગી હતી ; શુગર બ્લડ પ્રેશર વિગેરે બીમારીઓ લાગી ગઈ હતી ; અચાનક એને પોતાનું ગામ યાદ આવ્યું અને નાનપણ નો મિત્ર રઘુ યાદ આવ્યો . એને તાત્કાલિક તપાસ કરાવી અને રઘુ ને શોધી કાઢ્યો અને તેને મુંબઈ બોલાવ્યો ; આજે રઘુ મુંબઈ આવવાનો હતો અને તેની રાહ જોઈ ને શેઠ બાલ્કની માં ઉભા હતા . ગાડી આવી અને એમાંથી રઘુ ઉતર્યો , મજબૂત બાંધો , પાણીદાર આંખો અને સહેજ સફેદ વાળ , રતન શેઠે જાતે બારણું ખોલી ને એને ભેટી પડ્યા ; રઘુ રતન ની જાહોજલાલી જોઈને અંજાઈ ગયો . રતન શેઠે પૂછ્યું શું હાલ ચાલ છે તારા અને ગામના ? રઘુએ કહ્યું મારું એક ખેતર છે અને ખેતી કરીને સારું કમાઈ લઉં છું , દીકરો ડોક્ટર છે અને ગામની સરકારી હોસ્પિટલ માં સેવા આપી રહ્યો છે ; મને કોઈ વ્યસન નથી કે બીમારી નથી .રતન શેઠે કહ્યું ભાઈ રઘુ મારી પાસે બધુજ છે પણ મારો દીકરો અમેરિકા સેટ થઇ ગયો છે ; હું અને મારી પત્ની એકબીજા ના પૂરક છીએ , મને બધીજ બીમારીઓ લાગી ગઈ છે અને એકલવાયા જીવન થી કંટાળી ગયો છું . રઘુએ કહ્યું ચાલ એક મહિનો મારી સાથે ગામ ચાલ બધુજ બદલાઈ જશે . રતન શેઠ હસી પડ્યા અને કહ્યું જોયું જાશે ચાલ વાત વાત માં રાત થઇ ગઈ છે થોડી પેટ પૂજા કરી લઈએ . શેઠ માટે પરેજી નું ખાવાનું પીરસાયું અને રઘુએ દાબીને પકવાન અને મીઠાઈઓ ઝાપટી . શેઠ એને જોઈ રહ્યા . રઘુ એ કહ્યું ચાલો બહુ ઊંઘ આવે છે હું તો ડ્રોઈંગ રૂમ ના સોફા પરજ લંબાઈ જાઉં છું . શેઠ કઈ બોલે એ પેહલા તો રઘુ ટૂંટિયું વાળી ને સોફા પર આડો પડી ગયો અને પાંચ જ સેકન્ડ માં નશ્કોરા બોલાવવા લાગ્યો . રતન શેઠ મલકીને પોતાના રૂમ માં ગયા ; ઊંઘ ની બે ગોળીઓ લીધી અને પત્ની ને કહ્યું ; બેગ પેક કરો ; કાલ થી એક મહિનો આપણે રઘુ સાથે ગામ જઈએ છીએ !!!

આસીમ !!!