ભગરી ભેંસ અને ફરફર કાગડો કરોડપતિ થવાની વાતો કરતા કરતા ગીર જંગલના જલસા મોલમાં આવ્યા જલસા મોલમાં એ ટાઈમે એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું...
ભ ગરી ભેંસ પોતાના ખાસ ફ્રેન્ડ ફરફર કાગડા સાથે શોપિંગ કરવા ગીર જંગલમાં નીકળી હતી. બંનેના ખિસ્સામાં એક એક હજાર રૃપિયા હતા.
ભગરી ભેંસ કહે : 'મારે તો ઢગલો શોપિંગ કરવી છે પણ ખિસ્સામાં એક હજાર રૃપિયા જ છે... આટલા રૃપિયાથી તો શું આવે ?' ફરફર કાગડો કહે : હા... ડિયર ભગરી ! મારા ખિસ્સામાં પણ આટલા જ રૃપિયા છે ! આપણે બંને એ કરોડપતિ થવાનું છે ! કાંઈક જોરદાર નવો આઈડિયા લાવ.. આપણે બંને રાતોરાત કરોડપતિ થઈ જઈએ..!!
ભગરી ભેંસ કહે : 'એકવાર મને ફિલ્મસ્ટાર થઈ જવા દે... હું તો ચોક્કસ કરોડપતિ સ્ટાર થઈ જઈશ..!'
ફરફર કાગડો કહે : 'હા મને પણ ટી.વી. કે ફિલ્મમાં કામ મળી જાય એટલે હું પણ કરોડપતિ થઈ જઈશ. પછી આપણે બંને ભેગા થઈને ટી.વી. સીરિયલો અને ફિલ્મો બનાવીને રૃપિયાનો વરસાદ વરસાવીશું.'
ભગરી ભેંસ અને ફરફર કાગડો કરોડપતિ થવાની વાતો કરતા કરતા ગીર જંગલના જલસા મોલમાં આવ્યા જલસા મોલમાં એ ટાઈમે એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું... શૂટિંગ જોઈને ભગરી ભેંસ અને ફરફર કાગડો રાજી રાજી થઈ ગયા. ફિલ્મનો ડાયરેકટર બંતુ વાંદરો હતો. બંને બંતુ વાંદરા પાસે ગયા અને કહ્યું : 'અરે બંતુ સાહેબ...! અમને બંનેને તમારી ફિલ્મમાં કોઈ નાનો મોટો રોલ હોય તો આપો... અમારે બંનેને ફિલ્મ સ્ટાર થવાનું છે. અત્યારે અમારી જોડે કોઈ કામ નથી.. બેકાર છીએ.. થોડી મદદ કરો પ્લીજ..!!'
બંતુ વાંદરો કહે : અત્યારે તો મારી પાસે તમારા લાયક કોઈ રોલ નથી. અત્યારે ફિલ્મનું શૂટિંગ ચાલુ છે. બે ચોરનો રોલ કરવાવાળા આવ્યા નથી... ખાલી બે મિનિટનોજ રોલ છે. તમારે ચોરનો રોલ બે મિનિટનો કરવો હોય તો આવી જાવ..!!
આ સાંભળીને ભગરી ભેંસ અને ફરફર કાગડાનું મોં પડી ગયુ. બે મિનિટનો રોલ અને એ પણ ચોરનો..! બંને જણાએ નિસાસા નાખીને પૂછ્યું : ' આ બે મિનિટના ચોરના રોલ કરવાના તમે અમને કેટલા રૃપિયા આપશો ?'
ડાયરેક્ટર બંહુ વાંદરો હસતા હસતા કહે : 'અલ્યા મારે શેના તમને રૃપિયા આપવાના હોય.. ? તમે બંને મને એક એક હજાર રૃપિયા આપો તો જ હું તમને આ બે મિનિટનો રોલ આપું..!' ભગરી ભેંસ અને ફરફર કાગડાએ એકબીજાનાં સામું જોયું. અને રડવા જેવા થઈ ગયા..!!
ફરફર કાગડો કહે : 'ડિયરભગરી..! આપી દઈએ એકએક હજાર! ભલે બે મિનિટ તો બે મિનિટ ! ચોરના રોલમાં તો આપણે આવી જઇશું.. ધીમે ધીમે પ્રગતિ થશે. !' ભગરી ભેંસ કહે : 'અલ્યા ફરફર!' મારે ફિલ્મોમાં હીરોઈનનાં રોલ કરવાના છે અને હજાર રૃપિયા આપીને ચોરનો રોલ કરું ? મારી ઇજ્જતનો ઘાસચારો કરી નાંખ્યો બાપલા..!!
ભગરી ભેંસ અને ફરફર કાગડો બંતુ વાંદરાને એક એક હજાર રૃપિયા આપીને ચોરનો રોલ કરવા માટે રાજી થઈ ગયા... બંતુ વાંદરાએ કહ્યું : 'સારું..તમે બંને બેસો ! એક કલાક પછી તમને બંનેને હું શૂટિંગ માટે બોલાવું છું..!'
ભગરી ભેંસ અને ફરફર કાગડો એક ખૂણામાં બેઠા.. એકની જગ્યાએ બે કલાક થઈ ગયા. પણ બંતુ વાંદરાએ એમને ચોરના રોલ માટે શૂટિંગ કરવા બોલાવ્યા જ નહીં ...! બંને જણા કંટાળીને ત્રણ કલાક પછી સામેથી બંતુ વાંદરા પાસે જઈને કહેવા લાગ્યા... તમે અમને બોલાવ્યા નહીં.. ત્રણ કલાક થઈ ગયા..!
બંતુ વાંદરો કહે : 'સોરી ડિયર..! ચોરના રોલ માટે જ કલાકારોને સિલેકટ કર્યા હતા તે આવી ગયા હતા અને તેમનું શૂટિંગ મેં પતાવી દીધું છે... હવે બીજી કોઈ ફિલ્મમાં તમને રોલ આપીશું.. સોરી..!!' ભગરી ભેંસ અને ફરફર કાગડાએ ત્રાડ પાડી : 'હમણાંને હમણાં અમારા એક એક હજાર રૃપિયા પાછા આપો..!' બંતુ વાદરો કહે : 'અરે એ તો વપરાઈ ગયા.. અત્યારે મારી જોડે કશું જ નથી..'
આ સાંભળીને ભગરી ભેંસને એટલો જોરદાર ગુસ્સો આવ્યો કે સાચા દિલથી બે લાફા કચકચાવીને ઠોકી દીધા... ફરફર કાગડા એ બંતુ વાંદરાના ચશ્મા તોડી નાખ્યા. અને એનું પેન્ટ ફાડી નાંખ્યું.. બંતુ વાંદરો ચીસો પાડતો પાડતો ભાગી ગયો..
ભગરી ભેંસ અને ફરફર કાગડો નિરાશ થઈને ઘરે જવા માટે નીકળ્યા..બંનેએ કસમ ખાધી આજ પછી કોઈને રૃપિયા આપવા નહી...અને કોઈની વાત ઉપર જલ્દી વિશ્વાસ કરવો નહીં બાપલા...!!
- દિગ્ગજ શાહ