ફાર્મહાઉસના બંગલામાં ખૂબ સુશોભિત બેડરૂમમાં સોનાલીને બાહુપાશમાં જકડતા સુનિલે કહ્યું, ડાર્લિંગ તારા વિના અમેરિકામાં જરાય નહોતું ગમતું. રિયલી આઈ લવ યુ…!
વાર્તા : અમૃત વડિયા
ફાર્મહાઉસના બંગલામાં ખૂબ સુશોભિત બેડરૂમમાં સોનાલીને બાહુપાશમાં જકડતા સુનિલે કહ્યું, ડાર્લિંગ તારા વિના અમેરિકામાં જરાય નહોતું ગમતું. રિયલી આઈ લવ યુ…!
જા… જૂઠ્ઠાડો… ક્યારેય ફોન પણ નહોતો કરતો, ત્યાં પેલી ધોળી ગધેડીઓ પાછળ ફરતો હશે, પછી અમે ક્યાંથી યાદ આવીએ; સોનાલીએ સુનીલના ગાલ ખેંચતા વહાલભરી રીસ વ્યક્ત કરી.
ત્યાં મારી પાસે સ્ટડી અને જોબ સિવાય ટાઈમ જ ક્યાં હતો…! તને ફોન કરું તો કઈ રીતે? આપણા ટાઈમિંગ પણ અલગ! કહી સુનિલે સોનાલીને કિસ કરી.
છોડ… બહુ એક્સાઈટ ના થઈ જા…! ખબર છે તારે શું જોઈએ છે…! સોનાલીએ સુનિલને હડસેલતા છણકો કર્યો.
લવમેં એક ચીજ હી તો ચાહિયે ડાર્લિંગ… સુનિલે કહ્યું.
હજી બે વર્ષ જ તો થયા છે… સ્ટડી પણ બાકી છે ત્યાં કેમ અચાનક આવ્યો એ તો કહે? સોનાલીએ બેઠા થતા પૂછયું.
અરે… જવા દે ને…! મોમ અને ડેડ બંને સાવ પાગલ જ છે. એણે ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ આલોકજીની ડૉટર સાથે મારું એન્ગેજમેન્ટ નક્કી કરી નાખ્યું અને મને અહીં અર્જન્ટલી બોલાવ્યો છે; કોઈ છૂટકો જ નહતો. સુનિલે હસતાં હસતાં કહ્યું. સુનિલના એ શબ્દો સાંભળતા જ સોનાલીનાં મુખમાંથી હેં? શબ્દ જોરથી નીકળી ગયો.
એ માની જ ના શકી કે એનો સુનિલ આમ એકાએક કોઈ અન્ય યુવતીને પરણશે, એ એને દિલ દઈ ચૂકી હતી. બંને અલગ-અલગ કોલેજમાં હતા, પરંતુ સુનિલ તેની સોસાયટીમાં તેના એક ફ્રેન્ડને ત્યાં આવતો ત્યારે આંખ મળી ગઈ હતી. ક્યારે પ્રેમ થઈ ગયો એનોય ખ્યાલ નહોતો રહ્યો. સુનિલની કારમાં બંને ઈચ્છે ત્યાં ફર્યા કરતા. સૂમસામ જગ્યાઓ પર જઈ કારમાં જ પ્રેમનું ઘૂ… ઘૂ.. કર્યા કરતા. પછી તો સુનિલ આ જ ફાર્મહાઉસના આ બંગલાના બેડરૂમમાં એને લઈ આવતો. બંને નિરંકુશ બની કામક્રીડામાં એક થઈ જતા હતા. બંનેએ અનેકવાર પ્રેમ પ્રપોઝ કર્યો હતો. લગ્નના કોલ આપ્યા હતા. સુનિલ એને ખૂબ ગમતો અને ખૂબ પ્રેમ કરતો હતો એટલે જ તો એને શરીર સર્મિપત કરવામાં જરાય ખચકાટ અનુભવ્યો નહતો. સુનિલ જ્યારે વધુ સ્ટડી માટે અમેરિકા જવા રવાના થયો તેના આગલા દિવસે પણ આ જ બેડ પર હતા. છૂટા પડતી વેળા તેણે સુનિલને અમેરિકા જઈને ભૂલી ન જતો એમ કહેતા એણે તે હંમેશાં એના દિલમાં જ રહેશે અને જલદી પરત ફરી તેની સાથે લગ્ન કરશે એમ કહ્યું હતું, પણ પછી છેક આજે તેણે સંપર્ક કર્યો હતો અને તેય શરીરની ભૂખ ભાંગવા! બાકી સુનિલને એના પ્રત્યે પ્રેમ હતો જ નહીં અને છે પણ નહીં. એ પ્રેમ કરતો હોત તો મોમ-ડેડે ઈન્ડસ્ટ્રિયાલિસ્ટની પુત્રી સાથે એન્ગેજમેન્ટ નક્કી કરતા દોડી ન આવ્યો હોત, એને ખરેખર આઘાત લાગ્યો. એને થયું કે એનું હાર્ટ બેસી જશે, છતાં જાતને સંભાળતા એણે સુનિલને ધક્કો મારી કહ્યું, એટલે તું બીજી સાથે લગ્ન કરીશ? તેં મને લગ્નનો કોલ આપ્યો હતો એ ભૂલી ગયો.
*નો… નો… બેબી… આઈ લવ યુ… એ તો માત્ર નામ પૂરતું જ હશે. મોમ-ડેડને થોડી ના પાડી શકાય? આપણો સંબંધ તો ચાલુ જ રહેશે… પેલી સાથે તો ખાલી દેખાવ પૂરતા જ લગ્ન કરીશ.
ઓહ… એમ વાત છે… તું મને નહીં ભૂલે. ખરેખર? સોનાલીએ ચીપી ચીપીને કહ્યું.
રિયલી ડાર્લિંગ. તું જાણે છે કે હું કેટલો રીચ છું, છતાં તને લવ કરું છું અને કરતો રહીશ. કહેતાં સુનિલે સોનાલીને બાહુપાશમાં જકડી લીધી…!
સોનાલીએ એને હડસેલતા કહ્યું, પ્લીઝ જરા વેઈટ… હું જરા ફ્રીઝમાંથી કંઈક કોલ્ડડ્રિંક લઈ આવું…!
સુનિલે એને છોડતાં જ એ ઝડપથી કિચનમાં ગઈ અને થોડીવાર બાદ કોલ્ડડ્રિંકની બોટલ લઈને આવી. સુનિલે ઝડપથી તેના હાથમાંથી બોટલ લઈ મોઢે માંડતા માંડતા કહ્યું ડાર્લિંગ તું ઝેર આપે તોય હું પી જાઉં…આ સાંભળતા જ સોનાલીએ તેના મોઢેથી બોટલ ઝૂંટવીને ફેંકી દીધી.
સુનિલ કેમ કેમ? એમ પૂછતાં જ સોનાલી તેને વળગીને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા માંડી અને પછી એને ઊભો કરતા બોલી, સુનિલ જલદી કર ..તે હજી બે-એક ઘૂંટડા પીધા છે એટલે બચી જઈશ.
સુનિલે તેનો હાથ પકડી બોલ્યો, કહે તો ખરી? શું થયું?
આપણે તાત્કાલિક હોસ્પિટલ પહોંચીએ. સોનાલી ધ્રૂજતા અવાજે બોલી.
સુનિલ બહાર આવી કાર ચાલુ કરવા સીટ પર બેસતા લથડયો એટલે સોનાલીએ તેને ટેકો આપી પાછળ બેસાડી પોતે કાર ચાલુ કરીને પુરપાટ દોડાવી. હોસ્પિટલ નજીક જ હતી. તેણે પોઈઝન ભૂલથી પિવાઈ ગયું હોવાનું જણાવતા તરત જ બેહોશ સુનિલની સારવાર શરૂ થઈ, થોડીજ વારમાં ઝેરની અસર ઓછી થતાં તે ભાનમાં આવી ગયો. તેને સ્પેશિયલ વોર્ડમાં લઈ જવાયો. ભાનમાં આવતાં સોનાલીને પૂછયું, શું થયું હતું?
એને વળગીને રડતાં રડતાં બોલી, સુનિલ મને માફ કર..મેં ..હા મેં. તારી સોનાલીએ તને કોલ્ડડ્રિંકસમાં ફ્રિઝમાં પડેલી જંતુનાશક ઝેરી દવા મિકસ કરી દીધી હતી. તેં મને તું બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા મને ખૂબ આઘાત લાગ્યો હતો. મારો ઈરાદો તે તને પીવડાવીને પોતે પણ પી જવાનો હતો. તું મારો ના રહે તો બીજા કોઈનો તો ના જ થવા દઉં એવું વિચારીને મેં આ કાળું કામ કર્યું હતું. મને માફ કર.. માફ કર..મેં આ શું કરી નાખ્યું? પ્રેમમાં બદલો કે સજા કદી હોય શકે? કહેતા જોર જોરથી રડવા માંડી.
સુનિલે બેઠા થઈ તેને પોતાની પાસે ખેંચી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું…સોનાલી તું મને ખરેખર જ પ્રેમ કરે છે…એટલે જ તો તારાથી મને કંઈ થાય તે સહન ના થઈ શકયું. તે જ મને જીવાડયો પણ ખરો ને? સોનાલી હકીકતમાં મારી જ ભૂલ છે..મેં તને ખરો પ્રેમ જ નથી કર્યો. તે મને તારું સર્વસ્વ સોંપી દીધું છતાં હું કંઈ ના સમજયો..હું ઘરવાળાઓએ કહ્યું અને જેને જાણતો સુદ્ધા નથી એવી યુવતીને માત્ર નાણાંની છોળો, ઉદ્યોગપતિ પરિવાર જોઈને પરણવા તૈયાર થઈ ગયો..સોનાલી તું મને કદી માફ ના કરતી…કહી એણે આંખમાં આંસુ સાથે કહ્યું, સોનાલી હવે તો કંઈપણ થઈ જાય પણ હું પરણીશ તો તને જ.. બંને એકબીજાને ભેટી પડયા.
તે સાંજે જ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. ઘરે ગયા બાદ સુનિલે પોતાના મોમ-ડેડને સ્પષ્ટ શબ્દોમાં લગ્ન કરવા ના પાડી દીધી. તેઓ સ્તબ્ધ થઈ ગયા..કારણ અંગે ખૂબ પૂછવા છતાં સુનિલે કંઈ ના કહેતા તેઓએ તને જો કોઈ બીજી યુવતી પસંદ હોય તો તેની સાથે લગ્ન કરવા તૈયારી બતાવી. એટલે ખુશીથી ઉછળીને સુનિલે પોતે કોલેજમાં હતો ત્યારે સોનાલી સાથે લવ થઈ ગયો હોવાની વાત કરી અને તે તેને જ પરણવા માંગતો હોવાનું કહ્યું. તેના મોમ અને ડેડે હાશકારો અનુભવી તેની વાત વધાવી લીધી. સુનિલે મારતી કારે સોનાલીનાં ઘરે જઈ તેને વાત કરી. તેણે તેના ઘરે વાત કરી અને થોડા દિવસ બાદ બંને ધામધૂમપૂર્વક પરણી ગયા. સુનિલે પોતાના ફાર્મહાઉસમાં જ હનિમૂન મનાવવાનો નિર્ણય લીધો અને તે રાતે તેણે સોનાલીને પ્રેમથી નવડાવતા કહ્યું , તું કયાં કાતિલ ઝેરથી ઓછી છે? બસ હવે તારી બાહોમાં મોત આવે તોય વાંધો નહીં.