એક ખેતર હતું, આ ખેતરમાં ત્રણ ગાય રહેતી હતી, આ ત્રણેય ગાય અલગ-અલગ કલરની હતી, એક ગાય કાળા કલરની હતી, એક લાલ કલરની હતી તો એક સફેદ કલરની હતી. આ ત્રણેય ગાય એકબીજાની ખાસ મિત્ર હતી. ત્રણેય ગાય જંગલ નજીકના ખેતરમાં રહેતી હોવાથી હંમેશા એકબીજા સાથે રહેતી, જેથી તે કોઇ શિકારી પ્રાણીનો ભોગ ન બની જાય. એક દિવસ આ ખેતર પાસે એક સિંહ ફરતો ફરતો આવ્યો, તેણે જોયું કે અહીં તો ત્રણ હટ્ટીકટ્ટી ગાયોનું સુંદર ભોજન મળી શકે એમ છે. આથી સિંહે રાત પડવાની રાહ જોઇ અને ગાયને પોતાનો શિકાર બનાવવાનો પ્લાન ઘડી કાઢયો. જેવી રાત પડી કે આ ત્રણેય ગાયો એકબીજા સાથે સૂઇ ગઇ. સિંહે જોયું કે ત્રણેય ગાયો સાથે છે, જો હુમલો કરીશ તો ત્રણેય ગાયો મારી સામે ત્રાટકશે, એટલે તે દિવસે સિંહે હુમલો કરવાનો પ્લાન પડતો મૂક્યો.

બીજે દિવસથી સિંહ આ ત્રણેય ગાયો ઉપર ધ્યાન રાખવા લાગ્યો. ત્રણેય ગાયો શું કરે છે, ક્યાં જાય છે બધું નિરીક્ષણ કરતો. પણ તેણે જોયું કે ગાયો ચાલાક છે, કોઇ શિકારીનો ભોગ ન બની જાય તે માટે આ ત્રણેય એકબીજા સાથે જ રહે છે. આથી સિંહે બીજી યુક્તિ શોધી અને ત્રણેય ગાયને એક એક કરીને પોતાનો શિકાર બનાવવાનો પેંતરો ઘડી કાઢયો.

પોતાના પ્લાનને સફળ બનાવવા સિંહ ત્રણેય ગાય પાસે મિત્ર બનીને તે ખેતરમાં ગયો અને કહ્યું કેમ છો મિત્રો? હું તમારા ખેતર પાસેના જંગલનો રાજા છું, મને સમાચાર મળ્યાં કે તમે અહીં રહેવા આવ્યાં છો તેથી હું ખુદ તમને મળવા આવ્યો છું કે કોઇ કામ હોય તો ચોક્કસ જણાવજો. કાળી અને ધોળી ગાયે તો સિંહને કોઇ જવાબ ન આપ્યો, પણ સિંહની દિલદાર વૃત્તિ જોઇ લાલ ગાય ખુશ થઇ ગઇ. તેણે કહ્યું આભાર સર, અમને ગમ્યું તમે આવ્યા. સિંહના ગયા બાદ કાળી અને ધોળી ગાયે લાલ ગાયને ચેતવી અને કહ્યું સિંહ કોઇ દિવસ આપણો મિત્ર ન બની શકે. પણ લાલ ગાયને બંને ગાયોની આ વાત પચી નહીં, તેણે તો સિંહ સાથે મિત્રતા વધારી દીધી. સિંહ રોજ લાલ ગાયને મળવા આવતો.

લાલ ગાય સાથે મિત્રતા વધારી અને લાલ ગાયની મદદથી સિંહે એક એક કરીને કાળી ગાય તેમજ સફેદ ગાયને પોતાનો ખોરાક બનાવી લીધી. લાલ ગાયને એવી લાલચ આપી કે આ ગાય મરી જશે પછી તને આ ખેતરની રાણી બનાવી દઇશ અને તું આખા ખેતરના ઘાસને શાંતિથી ખાઇ શકીશ. લાલ ગાય સિંહની વાતોમાં ફસાતી ગઇ. તેણે સિંહને મદદ કરીને પોતાની ખાસ મિત્ર એવી બંને ગાયને દગો આપીને મરાવી દીધી. પહેલાં સફેદ ગાયને સિંહે પોતાનું ભોજન બનાવી અને પછી કાળી ગાય સિંહનું ભોજન બની. થોડા દિવસો સિંહ શાંત રહ્યો. અને લાલ ગાયને પણ લાલચ આપતો રહ્યો. બીજી બે ગાયો મરી જતાં લાલ ગાયને ખડ ખાવામાં મોકળાશ મળી, તેથી તે પણ ખુશ હતી. પણ હવે ધીરે ધીરે સિંહની ભૂખ ખુલી રહી હતી. તેણે લાલ ગાયને પોતાની પાસે બોલાવી અને કહ્યું હવે તું તૈયાર થઇ જા. આજે તને હું મારું ભોજન બનાવીશ.

લાલ ગાય આ સાંભળીને ડરી ગઇ, તેણે સિંહને આજીજી કરી. પણ સિંહે જણાવ્યું કે હું સિંહ છું, હું ગાય સાથે ક્યારેય મિત્રતા ન કરી શકું. ગાય તો મારું ભોજન છે. તેથી આજે તને મારું ભોજન બનાવીશ. ગાયને આ વાત સાંભળી ભારોભાર પસ્તાવો થયો, તેને હવે સમજાઇ રહ્યું હતું કે મિત્રોને દગો દઇને તેણે કેટલું ખોટું કર્યું હતું. પણ હવે તેની પાસે બચવાનો કોઇ રસ્તો નહોતો.