06/05/2014

સુખી કૌણ?


એક વખત નારદમુનિને સુખી કોણ એ જાણવાનું મન થયું. તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાને કહ્યું, 'આ સવાલનો જવાબ મારી પાસે નથી, પણ તમારે તે જાણવું જ હોય તો હું કહું તેમ કરો. એક ધનવાન શેઠ અને એક ગરીબ ખેડૂત પાસે જાઓ. દિવસે નહીં પણ મધરાતે જજો !'
ભગવાનના કહેવા પ્રમાણે નારદજી મધરાતે શેઠના ઘરે ગયા. શેઠને ઊંઘ ન આવવાનો રોગ હતો. તેથી તે જાગતા હતા. તેમનું શરીર અનેક રોગોથી ઘેરાયેલું હતું. આખો દિવસ અનીતિ આચરતા હતા. અઢળક ધન કમાવા છતાંય તેમને સંતોષ ન હતો. સુખ નહોતું. નારદજીને પોતાને ત્યાં આવેલા જોઇ, શેઠ ઉપર ઉપરથી હરખાયા. શેઠ પૂછવા લાગ્યા, 'મારે ત્યાં આવવાનું કારણ મુનિવર ?'
'મને વિષ્ણુ ભગવાને મોકલ્યો છે !' 
'કેમ ?'
'જગતમાં સુખી કોણ ? તે મારે જાણવું છે.'
'તો મને કહેવા દો કે હું સુખી નથી... મારી પાસે ઘણું ધન છે. પણ મને હજુ ઓછું પડે છે. હજુ તો મને મારી સાત પેઢી ખાય એટલું ધન કમાવાનું મન છે. જુઓને, એની ચિંતામાં તો રાત્રે ઊંઘ પણ આવતી નથી. ભગવાનને પણ ભૂલી જવાય છે. ભગવાનને કહેજો કે હજુ વધુ ધન મળે તેવી કૃપા કરે.' શેઠ બોલ્યા.
નારદમુનિ ત્યાંથી ખેડૂતને ત્યાં ગયા. ખેડૂત તો ઘસઘસાટ ઊંઘતો હતો. નારદજીએ તેને થોડો ઢંઢોળ્યો. તે તરત જ જાગી ગયો. નારદજીના પગલાં પોતાને ત્યાં પડયાં તેથી તે ધન્ય ધન્ય થઇ ગયો. તે અતિશય આનંદમાં આવી ગયો. નારદજીને આવકારવા કેવી રીતે તેની પણ તેને સમજ ન પડી. તે દંડવત પ્રણામ કરીને બોલ્યો, 'મુનિવર, મધરાતે મારી ઝૂંપડીમાં આવવાની તકલીફ લેવાનું કોઇ કારણ ?'
'સુખી કોણ' તે મારે જાણવું છે. તે જાણવા માટે ભગવાન વિષ્ણુએ મને તારે ત્યાં મોકલ્યો છે.'
'તો તો હું સુખીમાં સુખી છું.' ખેડૂત બોલ્યો.
'કેવી રીતે ?' નારદે પૂછયું.
'હું દિવસે ખેતરમાં ખૂબ મહેનત કરું છું. રાતે મને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. દિવસમાં હરઘડીએ ભગવાનને યાદ કરી કામ કર્યા કરું છું.'
'તુ કહેતો હોય તો ભગવાનને કહું કે તને ધનવાન બનાવે જેથી તારે કામ ઓછું કરવું પડે.'
ખેડૂત કહે, 'રખે એવું કહેતા મુનિવર ! તેમ થાય તો મારું સાચું સુખ છીનવાઇ જશે. હું દુઃખી દુઃખી થઇ જઇશ. સંતોષ જેવું બીજું સુખ ક્યાં છે ?'
નારદમુનિને પોતાના સવાલનો જવાબ મળી ગયો.