26/04/2014

કેમ છે દોસ્ત

યાત્રિકાએ આદર્શ સરકારી અધિકારી, આદર્શ પત્ની અને આદર્શ માતા - ત્રણેય ભૂમિકાઓને કેવી રીતે ગૌરવવંતી બનાવી ?


'યાત્રિકા, મોટી-મોટી ડિગ્રીઓ મેળવીને અને અઘરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી-આપીને દીકરી  તું થાકી જઈશ... અને અંતે તો...'
'શું કહ્યું પપ્પાજી, 'અંતે તો, થી આગળ બોલો તો જરા'' - યાત્રિકાએ સહેજ છણકાના ભાવ સાથે પોતાના પપ્પાજીને પૂછ્યું.
'અરે બેટા ! કોઈક નદી સાગરને મળ્યા વગર કુમારિકા રહી જતી હશે, પણ મોટા ભાગની નદીઓની અંતિમ નિયતિ તો સાગરમિલન જ છે !... વહેલા-મોડા તારે પણ...'
'હા, મારે પણ વહેલા-મોડા કહેવાતા 'સાગર'ને મળવાનું છે. એમ જ ને ? બિચારી કુમારિકાઓ, કેટકેટલા કહેવાતા સાગરોને મળીને પસ્તાઈ છે !' સાગર લાગતો જીવનસાથી જ્યારે સાંસારિક જીવનમાં ખાબોચિયું સાબિત થાય, ત્યારે સ્વપ્નવંચિતા સરિતાની વેદનાનો કોઈને વિચાર આવે છે ખરો ?... હું સંસારની ઉપેક્ષા નથી કરતી, સાંસારિક વ્યર્થ રીતિ-રિવાજોનો વિરોધ કરું છું. પપ્પાજી, મેં શોધેલો સાગર મીઠો હશે, લેશમાત્ર ખારો નહીં. સ્ત્રીને વડીલો 'ઠેકાણે' પાડવાની ઉતાવળ કરે છે, પણ સ્ત્રીને કદી 'ઠેકાણું' મળ્યું કે નહીં, એની સમાજ ચિંતા રાખે છે ખરો ?... મારા સ્વાવલંબનના આયોજન મુજબ હું સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી ઓફિસર બનીશ. - યાત્રિકાએ વટભેર કહ્યું...
''અને પછી તારા જેવા કોઈ ઘમંડી ઓફિસર સાથે સંસાર માંડીશ, એમ જ ને ?'' પપ્પાજીએ હસતાં-હસતાં કહ્યું.
'ના પપ્પાજી, જીવનસાથીનો મારો માપદંડ અત્યારે નહીં, યથાસમયે નિર્ધારિત કરીશ. માણસે લગ્ન પહેલાં માનવ સ્વભાવના પરીક્ષણથી વાકેફ થવું પડે ! માણસને તપાસવો પડે, નીરખવો પડે !... ઘણા લોકો જીવનને ઉતાવળે લગ્ન દ્વારા વિઘ્ન-દોડ બનાવતા હોય છે ! - હું એ પૈકીની એક નથી !' - યાત્રિકાએ ચોખવટ કરી.
'દીકરી, તને નહીં પહોંચાય, તારી પરીક્ષામાં તું જીતી, હું હાર્યો... તું જે કાંઈ કરીશ તે પાક્કો વિચાર કરીને જ કરીશ, એની મને ખાત્રી છે ! આજથી તું આઝાદ.' યાત્રિકાના પપ્પાજીએ તેની પીઠ થાબડતાં કહ્યું...
''પપ્પા, થેંક યુ, પણ મોટાભાગનાં માતા-પિતાને સંતાનની આઝાદી ખપતી નથી. તેઓ ઈચ્છે છે કે તેમનું સંતાન કહ્યાગરું રહે તો જ સંસ્કારી કહેવાય. પપ્પાજી, પાંખો ફૂટયા પછી પંખીને ન ઉડવા દેવું અને કુળ-ખાનદાન-જ્ઞાાતિ વગેરેના પિંજરામાં કેદ કરવાનો પ્રયત્ન કરવો એ શું તેના વ્યક્તિત્વ વિરુદ્ધ અન્યાય નથી ?'' - યાત્રિકા ચર્ચાના મૂડમાં હતી.
એટલામાં કુરિયરે યાત્રિકાના નામનો સાદ કરી એક કવર તેના હાથમાં મૂક્યું... યાત્રિકા આઈ.એ.એસ.ની ફાઈનલ પરીક્ષામાં પાસ થઈ ગઈ હતી અને પર્સનલ ઈન્ટરવ્યૂ માટેનો એ કોલ લેટર હતો.
એ સમાચારથી ઘરમાં ખુશીનું વાતાવરણ સર્જાયું... ઈન્ટરવ્યૂમાં સફળ થયા બાદ તાલીમ અને પછી પોસ્ટિંગ.
યાત્રિકાના પપ્પાજીએ કહ્યું ઃ ''દીકરી, તારું નશીબ પાંસરું લાગે છે... જ્યાં હાથ નાખું ત્યાં સફળતા''-
'એવું નથી પપ્પાજી, નશીબનો હાથ હોઈ શકે, પણ નશીબને પણ પુરુષાર્થ અને પરિશ્રમના ગરુડ પર બેસીને માણસના જીવનમાં પધરામણી કરવાની ટેવ છે ! જીત સાથે પ્રીત કેળવો એટલે પરાજયનો ડર ખતમ' - યાત્રિકાના શબ્દોમાં રણકાર હતો.
મૌખિક પરીક્ષા અને પ્રશિક્ષણમાં ઝળહળતી સફળતા મેળવી યાત્રિકા ઓફિસર બની. એને તાલુકા કક્ષાએ પોસ્ટિંગ મળ્યું. અધિકારી તરીકે તેને નવાજવા તકવાદીઓ અને ખુશામતખોરો ફૂલહાર અને ભેટ-સોંગાદો લઈને દોડી આવ્યા. મિઠાઈનાં બોક્સ પણ હાજર ! પરંતુ યાત્રિકા કશાનો સ્વીકાર કરતી નહીં. મિઠાઈ અને મેવા કચેરીના કમ્પાઉન્ડમાં બેઠેલા લોકોને વહેંચાવી દેતી. ફૂલહાર મહિલાઓને પહેરાવી દેતી. તેની પહેલાંના ઓફિસરે મળવાનો સમય ૧૧ થી ૩નું બોર્ડ લટકાવી રાખ્યું હતું. યાત્રિકાએ દૂર કરવાની સૂચના આપી ૧૧ થી ૬નો સમય કરી નાખ્યો ! લોકો રાજીના રેડ થઈ ગયા.
યાત્રિકા સહુની દાદ-ફરિયાદ, રજૂઆતો શાન્તિથી સાંભળતી, સંતોષકારક ઉત્તર આપતી અને  તાત્કાલિક નિપટાવી શકાય, તેવી બાબતોનો વિના વિલંબે નિકાલ કરતી. મુલાકાતી મળવા આવે ત્યારે કોઈ એજન્ટ, સમાજસેવક કે રાજકીય કાર્યકરને સાથે લઈને આવવા પર પ્રતિબંધ ! પોતાના બંગલે અંગત કામસર આવવાની પણ મનાઈ !
લોકોનાં કામ લાગવગ વગર થવા લાગ્યાં. લાંચ-રૃશ્વત પર નિયંત્રણ આવી ગયું ! એટલે સામાન્ય રીતે બને છે, તેમ વચેટીઆઓએ નનામી અરજી કરી યાત્રિકાને બદનામ કરવાનું શરૃ કરી દીધું. રાજકીય કાર્યકરોએ પણ અખબારોમાં યાત્રિકા વિરુદ્ધ ચર્ચાપત્રો લખાવાનું અને ઉપરી અધિકારીઓને કાનભંભેરણી કરી બદલી કરાવી નાખવાની ધમકીઓ આપવાનો મારો ચલાવ્યો. પણ યાત્રિકા અડગ હતી. નિષ્કલંક અને સદાચારી હતી. સામાન્ય માણસો તેની પડખે હતા. એક વાર એક રાજકીય નેતાએ પોતાની વગ વાપરી યાત્રિકાની બદલીનો ઓર્ડર કઢાવ્યો, પણ લોકોએ સરઘસ કાઢીને તેનો વિરોધ કર્યો. યાત્રિકા મેડમની ઈમાનદારીના વખાણ કર્યાં અને કાઢવામાં આવેલો ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યો.
તેમ છતાં બદલીઓની પ્રવૃત્તિ ચાલુ રહી, પણ યાત્રિકાને તેનો લેશમાત્ર અફસોસ નહોતો. વાદળ જેમ આકાશના અમુક ટુકડાને ચીટકી રહેવાનો આગ્રહ રાખતું નથી, પણ ફરતું રહીને મોસમ અનુસાર વરસતું રહે છે, તેમ સરકારી ઓફિસરે અમુક ચાર્જ 'લીલોછમ' અને અમુક ચાર્જ 'કોરોધાકોર' - ની મૂલવણીથી અલિપ્ત રહેવું જોઈએ, એવું યાત્રિકા ભારપૂર્વક માનતી હતી. યાત્રિકાનો હોદ્દો અને લોકપ્રિયતા જોઈ તેના જ્ઞાાતિજનોએ તેના પપ્પા પાસે યાત્રિકાના હાથ માટે માગુ નાખવાના ઉધામા શરૃ કરી દીધા. પણ યાત્રિકાના પપ્પા સહુને એક જ જવાબ આપતા ઃ ''મારી દીકરીને મેં વડીલત્વના બંધનમાંથી આઝાદી આપી છે. એના જીવનની ડિઝાઈન એ પોતે જ નક્કી કરશે અને પોતાને મનગમતા રંગોથી એ ડિઝાઈનને સજાવશે. હું વડીલશાહી દેખાડી તેને રંજાડવા માગતો નથી !''
'એમ કહોને કે તમારી દીકરી યાત્રિકા તમારા કહ્યામાં નથી ! સંતાન ઉછેરમાં તમે નિષ્ફળ નીવડયા છો. સંતાન આગળ પોતાનું ન ચાલે એ બાપ કયા મોંઢે પોતે કુટુંબનો વડીલ છે, એવું કહી શકે ?' - જ્ઞાાતિજનો યાત્રિકાના પપ્પાને ટોણો મારવાનું ચૂકતા નહીં.
એમ એક દસકો વહી ગયો. યાત્રિકાની ઉમ્મર ત્રીસી વટાવી ચૂકી હતી, પરંતુ એના પપ્પાજી લગ્ન માટે એની પર દબાણ નહોતા કરતા.
એક દિવસ યાત્રિકા એક સીધા-સાદા યુવક સાથે ઘેર આવી. યુવક દેખાવે રૃપાળો અને વર્તનમાં સંસ્કારી જણાતો હતો. યાત્રિકાના મમ્મી-પપ્પાને તેનો પરિચય મેળવવાની ઉત્સુકતા હતી.
એટલામાં યાત્રિકાએ જ ફોડ પાડયો ઃ ''પપ્પાજી, આ છે પ્રદિશ, એક ખેડૂત પરિવારનો ખોટનો દીકરો. એમ.બી.એ.નો અભ્યાસ કર્યા બાદ મોટા પગારની નોકરી ઠુકરાવીને એણે ખેડૂત બનવાનું નક્કી કર્યું છે. ફાર્મ હાઉસના ખેતરમાં એ હળ ચલાવે છે. પાણી સીંચે છે, પશુઓની માવજત કરે છે... પહેલી નજરે એ મારી આંખમાં વસી ગયો. મેં એના વિશે રજેરજ માહિતી મેળવી લીધી છે. એણે સ્વાવલંબી અને આત્મનિર્ભર થવા માટે જ હજી સુધી લગ્ન કર્યું નથી. મને ખાત્રી છે કે મારા જીવન માટે એ સાગર સાબિત થશે, ખાબોચિયું નહીં'' - યાત્રિકા ખડખડાટ હસી પડી !
'એટલે તું નોકરી છોડી ખેડૂતપત્ની બની ભાત લઈને ખેતરે જઈશ, એમ જ ને ? - યાત્રિકાની મમ્મીએ પૂછ્યું.'
'ના, હું મારી નોકરી ચાલુ રાખીશ. અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટથી મારા ખાતાની અને સરકારની શાખ વધારીશ. પ્રદિશ ધરતીની સેવા કરશે, હું ધરતીનાં સંતાનોની સેવા કરીશ. અલબત્ત, યોગ્ય તબક્કે નોકરી છોડી જીવનની એક નવી દિશા પકડવામાં પણ મને વાંધો નહીં જ હોય.' - યાત્રિકાએ મક્કમતાથી કહ્યું.
અને એના નિર્ણયને સમગ્ર પરિવારે વધાવી લીધો.
બે મહિના પછીથી યાત્રિકા અને પ્રદિશે તદ્દન સાદી વિધિથી લગ્ન કરવાનું નક્કી કર્યું. નહીં બેડ-વાજાં કે નહીં જાન-જાનૈયા. ખેતરમાં માંડવો બંધાયો. ગામઠી શાળાનાં બાળકોને ભોજન અને અનાથ આશ્રમનાં બાળકોને ભોજન સાથે વસ્ત્રદાન. ન લગ્નપત્રિકા, ન સત્કાર સમારંભનાં નિમંત્રણપત્રો. પ્રદિશે બે લાખ રૃપીઆ ગામના ઓ.બી.સી. છાત્રાલયને દાનમાં આપી મકાન સુધારણાનો માર્ગ મોકળો કરી આપ્યો.
અને યાત્રિકા તથા પ્રદિશ પૂર્વવત્ પોતપોતાની કામગીરીમાં પરોવાઈ ગયાં. રજા અને વીકએન્ડમાં યાત્રિકા પ્રદિશના ફાર્મ હાઉસ પર આવતી. એને માટે રસોઈ તૈયાર કરતી. ખેતીનાં નાનાં-મોટાં કામોમાં મદદરૃપ થતી. ઠંડી હવા, ખેતરનાં ફળફળાદિ અને બોરના ઠંડા પાણીમાં સ્નાન, પશુઓ સાથેનો આત્મીય સંબંધ અને ભારવગરનું સહજ દામ્પત્ય, યાત્રિકાને લાગતું હતું કે પોતાનું જીવન ધન્ય બની ગયું છે. પ્રદિશની ખેતી કસદાર હતી એટલે આવકના સ્રોતની પણ લેશમાત્ર ચિંતા નહોતી.
પાંચ વર્ષના ગાળામાં યાત્રિકા પ્રયોગ અને સંયોગ નામના બે પુત્રોની માતા બની. બન્ને પુત્રોને એ પોતાની સાથે જ રાખતી. બાળકોની સાર-સંભાળ માટે એણે આયા રાખી લીધી હતી, પણ એને લાગતું હતું કે પોતાના શિશુઓની દશા વાડ વગરના ખેતર જેવી છે. નોકરીને ન્યાય આપવાની વ્યસ્તતાને કારણે બાળઉછેરમાં ધ્યાન આપી શકાતું નથી. અને પ્રદિશ તથા પોતાનાં મમ્મી-પપ્પાને પૂછ્યા વગર એણે ધડાકો કર્યો - નોકરીમાંથી રાજીનામું આપીને સંપૂર્ણ પણે ગૃહિણી બનવાનો !
અને એક રવિવારે ટેક્સી તથા તેની પાછળ સામાન લદાએલી એક ટ્રક પ્રદિશના ફાર્મહાઉસના દરવાજે આવી પહોંચી. પ્રદિશ ઉત્સુકતાથી બહાર દોડી આવ્યો. ટેક્સીની પાછળ સામાન ભરેલી ટ્રક જોઈ એને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું ઃ ''યાત્રિકા, તારી બદલી થઈ છે કે શું ? અને એ પણ કોઈ દૂરના સ્થળે ? એટલે સામાન અહીં લાવવો પડયો ?''
યાત્રિકાએ હસતાં-હસતાં કહ્યું ઃ ''ના પ્રદિશ, બદલી નથી થઈ, હું બદલાઈ ગઈ છું. સરકારી ઓફિસરનો અંચળો ઉતારી શ્રીમતી યાત્રિકા પ્રદિશ નામની ફૂલટાઈમ ગૃહિણી બનવાનો મેં નિર્ણય કર્યો છે. વિખૂટા રહીને મારે મારા દામ્પત્યને તરસ્યું નથી રાખવું અને પિતૃવાત્સલ્ય ઝંખતાં આ બે ભૂલકાંને પણ પિતાના પ્રેમ અને લાગણીથી વંચિત નથી રાખવાં. અહીં 'ફાર્મ' છે, 'હાઉસ' છે, પણ 'ફાર્મ હોમ' નથી. હાઉસને 'હોમ' બનાવવા શ્રીમતી યાત્રિકા હાજર થયાં છે... ખરૃંને પ્રદિશ, મારો નિર્ણય તને ગમશે ને ?''
'યાત્રિકા, જીવન વિશેની તારી સમજ ઊંડી છે... હું ધરતી પર ખેતી કરું છું અને તું ભાવનાઓની ખેતી કરે છે. સત્તા માણ્યા પછી સહેલાઈથી સત્તાત્યાગ કરવાનું કામ સહેલું નથી ? યાત્રિકા ઘરમાં પણ હું તારો એ જ વટ હેમખેમ રાખીશ. તું ઓફિસર અને હું સેવક. આપણા બન્ને પુત્રો પ્રયોગ અને સંયોગના ઉછેરની જવાબદારીમાં પણ હું તને મદદરૃપ બનીશ. અને હા, આપણે આપણાં બન્ને સંતાનોને તો ભણાવીશું જ, પણ અઠવાડિયામાં એક વાર હું અને તું આપણા ગામની શાળાનાં બાળકોને પણ આપણા જ્ઞાાનનો લાભ આપીશું.' - પ્રદિશની વાત સાંભળી યાત્રિકા ગદ્ગદ થઈ ગઈ ! એણે જેવા પતિના મનોરથ સેવ્યા હતા, પ્રદિશ એનાથી પણ ચઢિયાતો નીવડયો હતો.
સમય વહેતો રહ્યો. પ્રસન્ન દામ્પત્યની પચ્ચીસી ક્યાં વીતી ગઈ એની ખબર જ ન પડી. યાત્રિકા ઈચ્છતી હતી કે પ્રયોગ સરકારી ઓફિસર બની પોતાના અધૂરાં અરમાનો પૂરાં કરે, સ્વચ્છ અને પ્રામાણિક વહીવટ આપે અને સંયોગ એગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી પ્રદિશે શરૃ કરેલો કૃષિયજ્ઞા સંભાળી લે. પ્રદિશ પણ હવે વયનો છઠ્ઠો દસકો વટાવવાની તૈયારીમાં હતો. પુત્ર પોતાની જવાબદારી સંભાળી લે એમ ઈચ્છતો હતો.
પ્રયોગે આઈ.આર.એસ.ની પરીક્ષા પસાર કરી રેવન્યૂ અધિકારીનું પોસ્ટિંગ મેળવ્યું. એણે જોયું કે સરકારી અધિકારીઓ પોતાની માતા યાત્રિકાની પ્રામાણિકતાની હાંસી ઉડાવે છે. આખરે એક ખેડૂતની પત્ની બનીને કારકિર્દીની ધૂળધાણી કરી નાખી એવો આક્ષેપ સિનિયર ઓફિસરો યાત્રિકા પર મૂકે છે... ભ્રષ્ટ ઓફિસરોએ પ્રયોગને પોતાની જમાતમાં ભેળવવાની કોશિશ શરૃ કરી દીધી. પોતાના માનમાં ગોઠવાતી મોટી-મોટી પાર્ટીઓમાં તેઓ પ્રયોગને ખાસ હાજર રાખતા અને પોતે ભેટ સોગાદોનો સ્વીકાર કરી પ્રયોગને પણ લલચાવતા. પ્રયોગના અન્ય યુવા સાથી અફસરો પણ પેલા સિનિયર ઓફિસરોના કુસંગે ચઢી ગયા હતા. પદની પ્રતિષ્ઠાને નેવે મૂકીને તેમણે પૈસા એકઠા કરવાની પ્રવૃત્તિ શરૃ કરી દીધી હતી,
મમ્મી યાત્રિકાને વારંવાર મળવાથી તેની સદાચારની વાતો પોતાને બદલી ન નાખે એ માટે જાતજાતનાં બહાનાં કાઢી પ્રયોગ મમ્મી-પપ્પાને મળવા આવવાનું પણ ટાળતો. એગ્રિકલ્ચર કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા સંયોગને પણ પ્રયોગે લલચાવવાનું શરૃ કરી દીધું હતું. પ્રયોગ મમ્મી-પપ્પાને મળવાનું ટાળતો, પણ સંયોગની કોલેજ-હોસ્ટેલમાં અવશ્ય પહોંચી જતો. સંયોગને મોંઘાદાટ વસ્ત્રો, ગોગલ્સ, વગેરે ભેટ આપી ખુશ કરી દેતો અને વારંવાર તેના દિમાગમાં એક જ વાત ઠસાવવાની કોશિશ કરતો કે મમ્મી-પપ્પાની પ્રામાણિકતાનો જમાનો હવે વીતી ગયો છે. નેકી અને સદાચાર હવે ઈતિહાસ બની ગયા છે. મમ્મી-પપ્પાને જીવતાં ન આવડયું. આપણે તેવી ભૂલ નથી કરવી. જિંદગી આદર્શોને બહાને ખુશી સાથે ચેડાં કરવાની વસ્તુ નથી, પણ મુક્ત મને માણવાની વસ્તુ છે. એવો આનંદ ખરીદવા માટે તમે જીવનમાંથી ધનની બાદબાકી કરી શકો નહીં. એટલે તારે મારી સાથે રહેવાનું છે, ખેતીમાં ફસાવાનું નથી. ખેતર અને ફાર્મહાઉસ વેચીને આપણે આપણો ભાગ વસૂલ કરવાનો છે. વૃદ્ધ મમ્મી-પપ્પા ભલે સાદગી અને સેવાના પ્રયોગો ગામમાં રહે-રહે કરવા હોય તો કરે. મોટાભાઈ પ્રયોગની લોભામણી વાતોથી સંયોગ બરાબર અંજાઈ ગયો હતો. એણે કહ્યું ઃ ''પ્રયોગ ભૈયા, હું બધી જ વાતો ગુપ્ત રાખીશ. આપણા પ્લાનની મમ્મી-પપ્પાને ગંધ સરખી પણ નહીં આવવા દઉં ! મને પણ વૈભવશાળી જીવન ગમે છે. પપ્પાજીના આગ્રહ છતાં અઠવાડિયે ખેતરમાં જઈને હળ હાંકવું અને ખેતીનાં કાર્યોમાં ફસાવાનું મને પણ નથી ગમતું... બસ, તમે આજથી મારા ગુરૃ, તમે કહેશો તેમ કરીશ. અને બધી જ વાતો ગુપ્ત રાખવાની મારું તમને વચન.'' - સંયોગે વાત પૂરી કરી ત્યાં યાત્રિકા એકાએક તેના રૃમમાં ત્રાટકી. એણે પ્રયોગના ગાલ પર સટાસટ બે-ચાર લાફા ચોડી દીધા અને સંયોગ તરફ વળીને એને પણ ધીબી નાખ્યો !
અને કહ્યું ઃ ''નાલાયકો, મારા અને તમારા પપ્પાના આદર્શોની તમે બન્નેએ લાલચને વશ થઈને હોળી કરી નાખી છે. મેં માન્યું હતું કે મારા દીકરાઓ મારે માર્ગે ચાલીને ભારતમાતાની નિષ્કલંક સેવા કરશે અને સદાચારનો ચેપ બીજા યુવાનોને પણ લગાડશે. પણ હું તમારા પરના અતિવિશ્વાસથી છેતરાઈ ગઈ ! ધિક્કાર છે મને !'' - કહીને યાત્રિકા ધૂ્રસકે-ધૂ્રસકે રડી પડી !
પ્રયોગ અને સંયોગ માતાની મજબૂરી અને વેદના ન સહી શક્યા. એ બન્નેએ મમ્મીના માથા પર હાથ મૂકી પ્રતિજ્ઞાા કરી કે તેઓ મમ્મી-પપ્પાએ જીવી બતાવેલા આદર્શો અને નેકીના માર્ગે ચાલવામાં કદાપિ પાછી પાની નહીં કરે !
અને યાત્રિકાએ બન્નેના ગાલ પર ચૂમીઓ ભરતાં કહ્યું ઃ ''બેટા, મારા ધાવણની લાજ રાખવાના સંકલ્પ બદલ તમારા બન્નેનો આભાર

Sent from my h.mangukiya