શકરાભાઈના દીકરા મુન્નાની ઓફિસના સ્ટાફ માટે સસ્તામાં મકાન આપવાની યોજના આવી હતી. બિલ્ડર ઓફિસના મેનેજરનો પરિચિત હતો. સસ્તામાં મકાનમાલિક બનવાની યોજનાથી સ્ટાફના થોડાક સભ્યો તો ગેલમાં આવી ગયા. એવા લોકો જૂના ખખડી ગયેલા અને ખાસ સગવડ વિનાના ફ્લેટમાં વર્ષોથી પડયા રહેતા હતા.
સસ્તા ફ્લેટની યોજનામાં સભ્યે ફ્લેટ પસંદ કર્યા પછી પાંચ લાખ રૃપિયા આરંભે ભરવાના હતા અને પછી વીસ વરસ સુધી હપ્તા.
કેટલાક સભ્યો ઉત્સાહમાં એ સોસાયટીમાં મકાનનું મોડલ જોવા પણ જઈ આવ્યા. એમાં મુન્નો પણ ખરો. નવું મધ્યમ કદનું મકાન. બે બાજુ ગેલેરી. પાણી, હવા, ઉજાસની સગવડ. સોસાયટીથી થોડાક અંતરે બસની સગવડ. બે રૃમ, કીચન - પણ માપસર - ગમી જાય તેવા.
બિલ્ડરે બીજી ઘણી સગવડ મસાલેદાર વર્ણનથી કહી બતાવી. મુન્નો બિલ્ડરની લોભામણી વાણીમાં સહેજે ફસાઈ ગયો. મેનેજરે પણ તેને આગ્રહ કર્યો કે સસ્તામાં આવાં મકાન હવે પછી નહિ મળે. આગળ જતાં એના પાંચ ગણા ભાવ ઊપજશે. અત્યારે માત્ર સભ્ય તરીકે પંદરસો ભરવાના છે. મુન્નાના મોઢામાં ગોળ ભર્યો હોય તેમ ગળ્યો ગળ્યો થઈને ઘેર પહોંચ્યો. મંજરીએ જરાક કરડાકથી પૂછ્યું ઃ 'કેમ, મોડું થયું?' અને પછી કટાક્ષમાં કહ્યું ઃ 'મેનેજરે તમને વધારાનું કામ સોંપ્યું હશે, ખરુંને?'
મુન્નો અનેકવાર ઓફિસેથી પાછા ફરતાં સ્ટાફના મિત્રો સાથે (અને એમાંય એકાદ બે મહિલા તો હોય જ) હોટલમાં જલસા કરી આવતો. અને ઘરે મંજરી આગળ ઓફિસમાં કામનો બોજો વધી ગયાનાં લૂલાં બચાવનામાં આપતો.
મુન્નાએ મંજરીના સવાલનો કે કટાક્ષનો જવાબ ના આપ્યો. હાથ મોં ધોઈ રૃમમાં ચા પીતાં એણે કહ્યું ઃ 'મંજરી! ગુડ ન્યુઝ. એક સારા સમાચાર છે.'
મુન્નાને એ જ્યારે બહુ ખુશ હોય ત્યારે એકાદ વાક્ય કે બેચાર શબ્દો અંગ્રેજીમાં ફેંકવાની આદત હતી.
મંજરીને એના મોઢા પર ઉત્સાહ જોઈને થયું કે બોસ, મુન્ના પર વરસ્યા લાગે છે. કંઈ પ્રમોશનની વાત હશે.
'બોલ, શેના ગુડ ન્યુઝ છે?' મંજરીએ એની નજીક સરકતાં પૂછ્યું.
મુન્નાએ રૃમનું બારણું વાસ્યું ઃ 'મંજરી! ટોપ સિક્રેટ છે.'
મંજરી અપાર કુતૂહલથી એવું તે કયું ટોપ સિક્રેટ હશે તેનો વિચાર કરવા માંડી.
મુન્નાએ વિગતે સસ્તામાં મકાન માલિક બનવાની ઓફિસના મેનેજરની સ્કીમની વાત કરી ઃ 'મંજરી! માત્ર પાંચ લાખ રૃપિયા! અત્યારે માત્ર પંદરસો ભરવાના છે.'
'પછી?'
'પછી હપ્તા. થોડાંક વર્ષોમાં ભરાઈ જાય એટલી રકમ. હું મોડલ જોઈ આવ્યો છું. મને તો મકાન બહુ ગમી ગયું છે. તને જોવા લઈ જઈશ. હમણાં કીપ મમ. બધું ચૂપ હો.'
મુન્નાનો નવા મકાન વિશેનો અખૂટ ઉત્સાહ જોઈ મંજરીના મોઢા પર જરા ગભરાટ દેખાયો.
એના ખાનદાન સ્વભાવને વિચાર આવ્યો ઃ 'પપ્પા-મમ્મીનું શું? એ આવશે? એમને મૂકીને?'
'ચૂપ. ચૂપ! જરા ધીરે બોલ. પપ્પા-મમ્મીનેય આપણી સાથે રહેવા આવવા આગ્રહ કરીશું. પપ્પા મમ્મીના ઘરમાં આપણે બહુ વર્ષો રહ્યાં. હવે ઘડપણમાં પપ્પા-મમ્મી એમના દીકરાનું ઘર તો જુએ! એમનો જુદો રૃમ...!'
મંજરીને ગળે વાત ઊતરી નહિ. મમ્મી-પપ્પા પોતાનું વર્ષોથી સેવેલું ઘર મૂકીને દીકરાને ઘેર જાય નહિ તેની એને ખાતરી હતી.
એણે કહ્યું ઃ 'મુન્ના! આ યોજનામાં ઉતાવળે પગલું ભરીશ નહિ. હું માનું છું કે મમ્મી-પપ્પા ના જ પાડશે.'
મુન્નો કોચવાયો ઃ 'મમ્મી-પપ્પા ના પાડે તો એ એમનો પ્રોબ્લેમ છે. આપણે કંઈ એમને ઘરડાઘરમાં રહેવાનું તો કહેતા નથીને! આપણે એમની પૂરી સગવડ સાચવીશું. તું જરા પપ્પાને ચોખો ચાંપી જોજેને! તારું તો એ માનશે.'
'ના, ના, ના. મારાથી એમને એવું પુછાય જ નહિ. એમને આઘાત લાગે.'
મુન્નો ચિડાઈ ગયો ઃ 'દરેક સારી વાતમાં તારો વિરોધ જ હોય છે. આવો ચાન્સ ફરી ક્યારે મળે? આવા જૂના મકાનમાં બહુ વર્ષો કાઢ્યાં.'
'પણ આ ઘરમાં આપણે પરણ્યાં, સુખી થયાં, સંતાનો જન્મ્યાં. ઘણું સુખ ભોગવ્યું. હવે એ ઘર તને જુનું લાગ્યું? તને તો હવે મમ્મી-પપ્પા ય જૂનાં લાગતાં હશે, કેમ? એમની લાગણીનો વિચાર તો કર.'
'એવા સેન્ટીમેન્ટ - લાગણીવેડાનો વિચાર કરીએ તો આપણાથી ઊંચે ઉડાય જ નહિ. જુવાનીમાં સાહસ તો કરવું જ જોઈએ. અને અહીં ઘરઆંગણે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે મોં ધોવા જવું? નોનસેન્સ! અત્યારે તો માત્ર સભ્ય ફી જ આપવાની છે. પાંચ લાખ તો પછીથી આપવાના છે.'
મંજરીએ પૂછ્યું ઃ 'પાંચ લાખ રૃપિયા ક્યાંથી લાવીશ?'
'અરે લોન લઈશું! આપણી એટલી ક્રેડિટ તો છેજને!' પછી મંજરીને સમજાવીને પોતાના પક્ષમાં લેવા માગતો હોય તેમ કહ્યું ઃ 'તું આજે સાંજે જ ચાલ મારી સાથે. નમૂનાનું મકાન જો. તને જોતાં વાર ગમી જશે.'
'મુન્ના! એક વાત યાદ રાખ, નવા રંગરોગાનવાળાં મકાન પ્રથમ નજરે રળિયામણાં લાગે. આપણને તરત ગમી જાય. પણ થોડા વર્ષોમાં એ કેવાં તકલાદી છે તે સમજાઈ જાય. બિલ્ડર કંઈ તારો મામો નથી.'
'અરે, પણ ખુદ મેનેજરે મને સલાહ આપી છે કે આમાં ઝુકાવવા જેવું છે. બિલ્ડર જાણીતો છે.'
'બિલ્ડર કોઈનો સગો નહિ. કોણીએ ગોળ લગાડવામાં ઉસ્તાદ. મકાન એકવાર ખરીદ્યું પછી મોઢું બતાવે એ બીજા! અને ઘણીવાર ફ્લેટ લીધા પછી રોવા વારો આવે. કશું ક્લીયર હોય નહિ.'
મુન્નાનું મોઢું જરા પડી ગયું ઃ 'તું મારા કામમાં ક્યારેય સહકાર આપતી નથી.'
મંજરીને યાદ દેવડાવવાનું મન થઈ આવ્યું કે આપણે લવમેરેજ કર્યાં ત્યારથી જ તને સહકાર આપીને ઊંચે લાવી છું. પણ એમાં એને ખાનદાની ના લાગી.
મુન્નાએ વિનવણીને સ્વરે કહ્યું કે મારી વાત માન. ખુદ મેનેજરે સહુ પ્રથમ મને વાત કરી. મને કહે ઃ 'તમારાથી જ કરીએ કંકુના! એમને મારા વિશે બહુ સદ્ભાવ છે.'
મંજરીને થયું કે મુન્નો ય એના પપ્પા જેવો ભોળો છે. સહેજે કોઈની જાળમાં ફસાઈ જાય છે.
મુન્નાની અતિ વિનવણીથી મંજરી નવું મકાન જોવા તૈયાર થઈ. મુન્નો ઉત્સાહમાં બોલ્યે જ જતો હતો. મને ફ્લેટથી ઓફિસે જવાનું પણ પાસે પડશે.'
'પણ પપ્પાને?'
'પપ્પાને કાર છે. કારને દૂર શું? નજીક શું?'
'પરીને ગમશે? એ તો માનશે જ નહિ. આપણા ઘરનું એને તો આપણા મમ્મી-પપ્પા કરતાંય વધારે વળગણ છે.'
'આવી મહત્ત્વની બાબતમાં છોકરાંના મત પુછાતા હશે. મમ્મી-પપ્પા જ્યાં લઈ જાય ત્યાં તેમણે જવાનું હોય.'
મંજરીને મુન્નાનું આ વર્તન તુમાખીભર્યું લાગ્યું. બાળકોના ગમાઅણગમાનો કશો વિચાર જ નહિ કરવાનો?'
મુન્નાએ બીજે દિવસે સાંજે ઉત્સાહથી નવી સોસાયટીમાં નવાં મકાનો તૈયાર થતાં હતાં તે બતાવ્યાં. એક ટેકરા પાસે સ્કૂટર પાર્ક કર્યું ઃ 'મને મેનેજરે મકાન તૈયાર થાય ત્યારે ત્રીજો માળ એલોટ કર્યો છે. ત્રણ માળનું મકાન છે. એટલે લિફ્ટ નથી. પણ આપણે ક્યાં ઘરડાં છીએ?'
'આજે ભલે નથી. કાલે ઘરડાં નહિ થઈએ? એ વખતે સીડીનું એક પગથિયું ડુંગરો ચડવા જેવું લાગશે...' મંજરીને એના દાદાને ત્રીજે માળેથી ઊતરતાં અને ત્રીજે માળ ચડતાં કેટલી હાંફ ચડતી હતી તે યાદ હતું...
મુન્નાએ ઉત્સાહથી જે મોડલ મકાન હતું તેમાં લઈ જઈ મંજરીને રૃમ, રસોડું, ડ્રોઈંગરૃમ અને બેડરૃમ બતાવ્યાં. મોટા આવાસમાં રહેતી આવેલી મંજરીને રૃમ નાના લાગ્યા. પસંદ પડયા નહિ. અને ગેલેરી?
મુન્નાએ ખુશ થઈને બે બાજુની ગેલેરી બતાવી. ગેલેરી નાનકડી હતી. મંજરી અકળાઈને બોલી પડી ઃ 'આને ગેલેરી કહેવાય? બેજણાં માંડ ઊભા રહે એવી ગેલેરી?'
ંમંજરીને ગમ્યું નહિ. મુન્નાએ મંજરીના વાંધા જોઈને એકાએક ઉગ્ર થઈને કહ્યું ઃ 'તારે અને મમ્મી-પપ્પાને ય ના આવવું હોય તો હું એકલો અહીં રહેવા આવીશ.'
મુન્નાની આ વાહિયાત વાતથી મંજરી કટાક્ષમાં સહેજ હસી પણ કશું બોલી નહિ.
Sent from my h.mangukiya