08/12/2013

જે માણસ કેવળ આપતાં શીખી જાય છે

જે માણસ કેવળ આપતાં શીખી જાય છે, એને ઉપરવાળો હજાર ગણું કરીને દઈ દે છે!- ડો.પટેલ

પદ અને પ્રતિષ્ઠામાંથી સેવા અને સમર્પણ ભાવ બાદ થઈ જાય તો બચશે કેવળ જીવનની વ્યર્થતા!

'એ કાકા, તમારું તડબૂચ તો લેતા જાવ!'
પહોળો પહોંચ તો વિસ્તાર છે. બંગલાઓની નયનલુભાવન હારમાળા છે. બંગલા છે, તો આગળ ખુલ્લી જગ્યા પણ છે. બંગલાઓના ધાબા પરથી સાઠલખિયું આખ્ખું અમદાવાદ જોઈ શકાય. ઊંચાં ઊંચાં મકાનો જોઈ શકાય, ને કાન સરવા કરો તો અમદાવાદને બે ભાગમાં વહેંચી નાખતી શ્વેતસલીલા સાબરમતીના વહેતા જળનો કલકલ નિનાદ પણ સાંભળી શકાય. નરોડો-નિકોલ રોડ છે. ને રોડ પર ઊભું છે એ ભવ્ય ભવન. એના આગળના ભાગમાં ઊભાં છે એક ચાલીસેક વરસનાં સન્નારી. પંજાબી ડ્રેસ છે. શરીર પર દુપટ્ટો છે. ગૌરવર્ણ ચહેરા પર 'કશુંક સત્કર્મ' કરવાનો ભાવ ચિતરાયેલો છે. એમના હાથમાં મસમોટું તડબૂચ છે ને તેઓ થોડેક દૂર ઊભેલા કાકાને બૂમ પાડે છે, 'કાકા, આ તડબૂચ તો લેતા જાવ.'
મકાનની બહાર થાળી- વાડકો કાયમ પડયા રહે છે. કચરો ભરવાવાળી બાઈને પણ ગરમ વાનગી બનાવીને જમાડવાની. કોઈ દીનદુઃખિયું ભૂખ્યું ન જવું જોઈએ. જેવડું મોટું મકાન છે, એનાથી ય મોટું છે આ મહિલાનું દિલ! પેલા કાકા જવા ડગલાં ભરી રહ્યા છે. કાકા એટલે? ભિખારી જ ગણોને. ઉઘાડા પગ છે, ફાટેલું પહેરણ અને એવો જ જર્જરિત લેંઘો છે. ચહેરો નિસ્તેજ છે. આંખોમાં આશાના દીવડા જલતા નથી. ચારેક વાર તેઓ અહીં આવ્યા છે ને આ મહિલાના હાથે ભરપેટ જમીને ગયા છે. પણ ગરીબીની સાક્ષાત્ મૂર્તિ સમા એ કાકા છે ભારે સ્વમાની.
મફતમાં ખવાય નહિ.
એકાદવાર હોય, પણ ચાર ચાર વાર? ચાર ચાર વાર પેટ ભરીને ખવડાવ્યું છે આ બહેને, પણ બદલામાં કશુંક તો આ ખવું પડે ને?
એક દિવસે એ કાકા હાથમાં તડબૂચ લઈને આવી પહોંચ્યા. બૂમ પાડી, 'રસીલાબોંન, બહાર આવો.'
કામ કરતાં કરતાં રસીલાબહેન બહાર આવ્યા. જોયું તો-
પે...લા સાક્ષાત્ ગરીબી જેવા કાકા.
પગમાં જૂતાં નથી.
પહેરણમાં ઠેર ઠેર ડોકાબારીઓ છે.
ચહેરો નિસ્તેજ છે.
આંખોમાં અરમાનોની લાશો છે. પણ એક વાત આજે અજબ છે-
કાકાના હાથમાં મસમોટું તડબૂચ છે! ફૂલેલા ફુગ્ગાથી ય મોટું... લીલુંછમ્મ! કાપો તો રસગંગા વહેવા લાગે. ચાખો તો બત્રીસ પકવાન્નનો સ્વાદ આવે. વાહ, તડબૂચ છે તો મજાનું. ક્યાંકથી મળ્યું હશે કાકાને. સારું થયું. કાકા તડબૂત ખાશે તો પેટ ભરાઈ જશે. બાકી આવાં દરિદ્રજનોના કિસ્મતમાં તડબૂચના ટેસ્ટ ક્યાંથી હોય? રસીલાબહેન મનોમન વિચારી રહ્યાં છે.
'ચાકુ આપું કાકા?'
'કેમ?'
'ચાકુથી તડબૂચ કાપો, ને થાળીમાં એના ટુકડા કરો પછી અહીં બેસીને જ ખાઈ લો!'
'ના હોં!'
'કેમ?'
'મારે નથી ખાવું તડબૂચ'
'એટલે?'
'રસીલાબેન, આ તડબૂચ તો હું તમારા માટે લાવ્યો છું.'
'મારા માટે?'
'હા, બોન! ભાણિયાંને ખવડાવજો.'
'ના, તમારે ખાવાનું છે.'
'મેં તો બહુ ખાધું છે તમારા બંગલે! આજ તો ખવડાવવાના ઓરતા જાગ્યા છે! મફતનું ખા ખા કરું તો ઉપરવાળો ય રાજી નોં રહે. કોક દા'ડો તો બદલો વાળવો પડેને?'
'પણ હું બદલાની ભાવનાથી તમને ખવડાવતી નથી. અમારા ઘરનો તો આ નિયમ છે. ભૂખ્યાંને ખવડાવો. તરસ્યાંને પાણી પાવ. મારા મિસ્ટરનો પણ આ જ ભાવ છે. મારાં સાસુ પણ આ જ ઈચ્છે છે. મારાં લાડલો તીર્થ અને પુત્રી યાત્રા, સૌ એકમત છે, આ બાબતમાં.'
'લઈ લો, બોંન!'
'ના!'
'તો આ મૂક્યું તડબૂચ.'
ને ઘરની બહારના ભાગમાં તડબૂચ મૂકીને કાકા તો ચાલવા માંડયા. બૂમો પર બૂમો પાડી, 'કાકા લઈ જાવ તમારું તડબૂચ!' પણ સાંભળે એ બીજા. ઊભા રહે એ બીજા. એ તો જોતજોતામાં જાણે અલોપ થઈ ગયા. રસીલાબહેન વિચારી રહ્યાં, 'હવે હું શું કરું? આ તો ભારે ધર્મસંક્ટ! આપનાર આપી જાણે છે, લેવાની આશાથી નહિ! બદલાની વાત તો વેપારીની રીત. ખવડાવનાર ખવડાવી જાણે છે. ખાવાની વાત નહિ. બસ, માત્ર આપી જણવાનું ને આજે તો-
હું શું કરું?
મને કંઈ સૂઝતું નથી!
મને રસ્તો બતાવ, મારા પ્રભુ!
ને અચાનક દિમાગમાં ઝબકારો થતાં રસીલાબહેને મોબાઈલની સ્વીચો દબાવી, પતિદેવ અર્થાત્ ડો. સુરેશભાઈને જાણ કરી, 'જલદી ઘેર આવી જાવ, હું મુંઝવણમાં મૂકાઈ ગઈ છું.'
'પણ થયું છે શું?'
'કશું જ થયું નથી, છતાં ઘણું થયું છે. જે થયું છે, તે અચાનક થયું છે. એમ કરો તમે ઝડપથી ઘેર આવી જાવ. માંડીને વાત કરીશ!'
'ભલે, આ આવ્યો.'
ડો. સુરેશભાઈ પટેલ તબીબી ટીમને જરૃરી સૂચનાઓ આપી મારતી મોટરે ઘેર આવ્યા. ઘરમાં પ્રવેશ્યા. કાશીબા સોફા પર બેઠાં હતાં. તેમનો ચરણસ્પર્શ કર્યો. સામે જોયું. પત્ની રસલી હાથમાં તડબૂચ લઈને ઊભી હતી. આશ્ચર્ય થયું ડોક્ટરને.
'આ શું છે, રસીલા?'
'તડબૂચ!'
'પણ હું પૂછું છું કે તડબૂચનું શું છે?'
'તડબૂચ પેલા ભિખારી કાકાનું છે, ને હાલ એ જ તડબૂચ મારા હાથમાં છે. આ તડબૂચે મને તો ધર્મસંકટમાં મૂકી દીધી છે! હું શું કરું?' રસીલાબહેને બધી જ વાત માંડીને કરી.
ડો. પટેલ હસ્યા.
કાશી બા સામે જોયું.
'બા કહે તે કરો. બોલા બા, શું કરીશું આ તડબૂચનું?' પૂછી રહ્યો શ્રવણશો સપૂત દીકરો.
'એક કામ કરો.' બોલ્યા. 'બીજા પણ બે-ત્રણ તડબૂચ ખરીદી લાવો. પછી ગરીબોમાં આ રસભરપુર, મિસ્ટમિસ્ટ તડબૂચના ટુકડાઓને વહેંચી દો. ઘણાંનાં પેટ ભરાશે ને મીઠાંમધ તડબૂચ ખાધાનો બાપડાંને સંતોષ થશે. બાકી પેલો તડબૂચ આપનાર કાકો છે ભિખારી, તો ય છે પૂરો સ્વમાની. બદલો વાળવા જ આવ્યો હતો. તો પછી તેની ઇચ્છાને સવાઈ કરીને આપણે ભૂખ્યાં દુઃખ્યાંમાં શા માટે વહેંચીએ?'
એ જ થયું આખરે.
બીજાં ય તડબૂચ આવ્યાં.
તડબૂચના ટુકડા થયાય
મોટો થાળ ભરાયાં.
ગરીબોમાં વહેંચાયાં તડબૂચ. દીનદુઃખિયાંના પેટમાં ગયાં તડબૂચ. કાયમ એક ટંકની આંગપારસો કરતાં દીનહીનોએ માધુર્ય છલકંતાં તડબૂચના ઓડકાર ખાધા.
ક્યારેક એવું બને છે કે પતિ ઉદાર હોય તો પત્નીને ન ગમતું હોય. પતિ કોઈને આવી છુટવાની ઇચ્છાવાળો હોય, પણ ઘરવાળીનો તોબડો ચઢી જતો હોય! ઘરનાં તમામ સભ્યો એકમતવાળાં હોય, દરિયાઈ દિલવાળાં હોય, 'આપ્યું છે તો આપો' એવી ભાવનાવાળાં હોય, એવો પરિવાર તો જવલ્લે જ જોવા મળે!
પણ છે.
એક પરિવાર એવો પણ છે.
પતિદેવ તબીબ છે. ગાયનેક છે. ગરીબો માટે ચાર્જની ચિંતા ન કરનારા છે. નિકોલની સરદાર હોસ્પિટલ હોય કે કોર્પોરેશ સંચાલિત હોસ્પિટલ હોય, પણ એમના મોઢે તો એક જ વાત, 'દર્દ મિટાવવું એ ડોક્ટરનો ધર્મ છે, ને પૈસા ખાતર તબીબી કર્મ ને અટકાવવું એ તબીબ માટે મોટામાં મોટો અધર્મ છે! કોઈ પેશન્ટ પોતાની નબળી આર્થિક સ્થિતિને કારણે ચાર્જ ન ચૂકવી શકતો હોય, તોય ડોક્ટર પોતાના ધર્મને શી રીતે ચૂકે? ડોક્ટર બનનારમાં સમર્પણભાવ ન હોય તો તબીબી જ્ઞાાન બોદું અને બુઠ્ઠું પુરવાર થાય છે. સાચો ચિકિત્સક ગજવાંફાડ ન હોય, એ તો ગરીબીફાડ હોય!'
- અને એટલે જ એમના ઘરની બહાર કાયમ થાળી, વાટકો પડી રહે છે. કોઈ આવે છે, ને ગરમાગરમ રોટલી શાક થાળી વાડકામાં ભરી દેવાય છે. બીસ્કીટ વહેંચાય છે. પોતાની ગાડીમાં ચંપલો અને રબરનાં સ્લીપરો રાખે છે ડો. પટેલ... ધોમધખતા તાપમાં કોઈ ચીંથરેહાલને ઉઘાડા પગે જુએ છે, ને ગાડીને થંભાવી દે છે. ચંપલની જોડ બહાર કાઢે છે ને પેલાની નજીક જઈને બોલે છે, 'લો પ્રભુ! ચંપલ પહેરી લો. ગરમ લાહ્ય ધરતી છે. તમારા પગે ફોલ્લા પડશે!'
હા, ચંપલ પહેરાવે છે ડો. સુરેશભાઈ પટેલ, 'લો પ્રભુ, દાઝી જશો, ચંપલ પહેરી લો.'
'લો પ્રભુ, તમે ભૂખ્યા છે. પેટમાં દુઃખશે, ખાઈ લો.'
'લો પ્રભુ, અંગોને થીજવી નાખે, દાંતની ડાકલી બજાવી દે એવી ઠંડી છે, આ ધાબળો ઓઢી લો.'
પાંચ દસની હાઈટ ધરાવતા આ સ્મિતાળ અને સંવેદનશીલ ડો. પટેલે પ્લાસ્ટિક પોલ્યુશનને મારી હટાવવાની ઝુંબેશ ઉપાડી છે. એ આગવી હેતાળ સ્ટાઈલમાં કહે છે, 'સત્તામાં કોઈ એખ ન કોઈ એ, માણસાઈ સાથે મહોબ્બત કરવી એ તો પ્રત્યેકનો મહાધર્મ છે. માણસ ભલે મંગળ કે ચંદ્ર સુધી પહોંચ્યા, પણ માણસના દિલ સુધી પહોંચે એ જ જીવનની મોટામાં મોટી સિદ્ધિ છે. મા-બાપની કાવડ બનવું તો પુત્રનો ધર્મ છે, પમ જગતના દીનદુઃખિયાં અને જરૃરતમંદોના સુખની કાવડ બનવું, એનાથી ઉત્તમ ધર્મ બીજો કયો હોઈ શકે? માનવમૂલ્યોના જતનના કામમાં આવે, તો સત્તા ય શોભે અને જિંદગીની શોભામાં ય ચાર ચાંદ લાગી જાય! પદ અને પ્રતિષ્ઠામાંથી સેવા અને સમર્પણભાવની બાદબાકી થઈ જાય તો બચશે કેવળ જીવનની વ્યર્થતા! જે માણસ આપતાં શીખી જાય છે, એને ઉપરવાળો હજારગણું કરીને આપે છે!!'

Sent from my h.mangukiya